ડૂબકી:જિંદગી ટ્રેન છે, કોઈ સ્ટેશન નથી

20 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક
  • ટ્રેનનો સંગાથ જીવનભર રહેતો નથી. મળવું અને છૂટા પડવું એ નિયતિનો નિયમ ટ્રેનમાં વધારે અનુભવાય છે

રેલવે આપણા દેશના અર્થતંત્રની જીવાદોરી તો છે જ, આપણા જનજીવનનું અવિભાજ્ય અંગ પણ છે. ઘણા લોકોએ એમણે ટ્રેનમાં કરેલી મુસાફરીનાં સંભારણાં સાચવી રાખ્યાં હશે. ભારતમાં ઊછરેલાં એક બહેન પરણીને અમેરિકા ગયાં. થોડા વખત પહેલાં એમણે સંતાનોને લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરીના આનંદનો અનુભવ કરાવવા ઇન્ટરસ્ટેટ રેલમાર્ગે મુસાફરી કરવાનું નક્કી કર્યું. એ અનુભવ વિશે બહેન લખે છે: ‘અમે અમરિકાના એક અદ્યતન રેલવે સ્ટેશનમાં પ્રવેશ્યાં. પ્લેટફોર્મના દરવાજા ઊઘડ્યા પછી આરામથી ટ્રેનમાં ગોઠવાયાં. ટ્રેન શરૂ થઈ ત્યારે મારા મનમાં મેં ભૂતકાળમાં ભારતમાં ટ્રેનમાં કરેલા પ્રવાસોની યાદ તાજી થઈ. મને લાગ્યું કે અહીં કશુંક ખૂબ મહત્ત્વનું ખૂટે છે. બધું ચોખ્ખું અને વ્યવસ્થિત હતું. ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે બેબાકળા પ્રવાસીઓની ભીડ, દોડાદોડી, શોરબકોર, જેવું કશું જ નહોતું. લોકો લેપટોપ ખોલીને શાંતિથી બેઠાં હતાં. કોઈ વાતો કરતું નહોતું, આવજા કરતું નહોતું, બાળકો એક સીટ પરથી બીજી સીટ પર દોડાદોડી કરતાં નહોતાં. ખૂબ સોફેસ્ટિકેટેડ અને બોરિંગ લાગતું હતું. મારાં સંતાનો પણ એમના ફોનમાં મગ્ન થઈ ગયાં હતાં. મને વળાંક લેતી ટ્રેન જોવા બારીમાંથી મોઢું કાઢી બૂમો પાડતાં બાળકો યાદ આવ્યાં: ‘મને એન્જિનથી ગાર્ડના ડબ્બા સુધી આખી ટ્રેન દેખાય છે.’ હવે ભારતમાં પણ ટ્રેનની મુસાફરીમાં બદલાવ આવ્યો છે. સુવિધા વધી છે. સ્ટેશનોની હાલત સુધરી છે. ઠચૂક ઠચૂક ચાલતી ટ્રેનોની જગ્યાએ ફાસ્ટ ટ્રેનો આવી ગઈ છે. અહીં પણ મુસાફરો સ્માર્ટ ફોનમાં આંખો ખોડી પોતાનામાં ખોવાયેલા રહે છે. ટ્રેનની મુસાફરી સાથે જોડાયેલી ઉત્તેજના આપણે ગુમાવી દીધી છે. એક સમયે ટ્રેનમાં બેડિન્ગ લઈ જવાં પડતાં. જમવાનું ઘેરથી લઈ જતાં. જમવાટાણે મુસાફરો એમનાં ટિફિન ખોલતાં અને ડબામાં વિવિધ વાનગીઓની સુગંધ ફેલાઈ જતી. દરેક જણ એમની વાનગી અરસપરસ ચખાડતાં. મહિલાઓ કોઈની વિશિષ્ટ વાનગી બનાવવાની રીત શીખતી. કોઈ મૂંગું બેસતું નહીં. જાતજાતની વાતો ચાલતી. ફેરિયાઓ નાસ્તો અને રમકડાં વેચવા આવતા. સ્ત્રી-પુરુષ-બાળ ગાયકો ફિલ્મી કે લોકગીત-ભજનો ગાતાં. પછી વાડકામાં પરચૂરણ ઉછાળી દરેક મુસાફર પાસે આવતાં. એ દરમિયાન ટ્રેન દોડતી જતી હોય. ખેતર, નદી, તળાવ, વૃક્ષો, ગામો પસાર થતાં રહે. બંધ ફાટકની બંને બાજુ વાહનો ટ્રેન પસાર થઈ જવાની પ્રતીક્ષા કરતાં હોય. ટ્રેન સ્ટેશન પર ઊભી રહે ત્યારે પ્લેટફોર્મના અવાજો સંભાળાય. ફ્લેગ સ્ટેશન હોય તો ટ્રેન ધડધડાટ પસાર થઈ જાય. ટ્રેન જોવા ભેગાં થયેલાં છોકરાં હાથ હલાવી ‘આવજો’ કહેતાં હોય. લોકો એમની વાતોમાં દુનિયાદારીનું જ્ઞાન ડહોળતાં. હસ્તરેખામાંથી ભવિષ્ય ભાખનારા કોઈ જ્યોતિષીની સામે લોકો હથેળી ધરીને બેઠાં હોય. રાજકારણ સૌનો પ્રિય વિષય. ક્રિકેટની, શિક્ષણમાં પ્રવેશેલાં દુષણોની, ફિલ્મોની ચર્ચા ચાલે. દરેક જણ જાતભાતના રસપ્રદ કિસ્સાની વાત માંડે અને એમાંથી બીજા કિસ્સાઓના પટારા ઊઘડતા જતા. પહેલી વાર ભારતમાં ટ્રેનમાં પ્રવાસ કરનાર અજાણ્યાને તો લાગે કે એ બધાં વર્ષોથી એકબીજાને ઓળખે છે અને જીવનમાં ક્યારેય છૂટાં પડવાનાં નથી. પરંતુ છૂટા પડવું પડે છે. ટ્રેનનો સંગાથ જીવનભર રહેતો નથી. મળવું અને છૂટા પડવું એ નિયતિનો નિયમ ટ્રેનમાં સૌથી વધારે અનુભવાય છે. ઊતરવાનું સ્ટેશન નજીક આવે ત્યારે લોકો એમનો સામાન સીટ નીચેથી કાઢે, દરવાજા પાસે ઘસડી જાય. હડબડાટીમાં પ્લેટફોર્મ પર ઊતરી થોડી વાર શૂન્યમનસ્ક ઊભા રહે, જાણે આગળની દિશા સૂઝતી ન હોય. અત્યાર સુધી એમની સાથે જોડાયેલી ટ્રેન અચાનક પારકી બની જાય. ટ્રેનોની સાથે હંમેશાં એક પ્રકારની જીવંતતા સંકળાયેલી હોય છે. કોઈ પણ ક્ષણે કશુંક બની શકે. નવા મુસાફરો ચડે ત્યારે અગાઉથી બેઠેલાં મુસાફરો વચ્ચે શરૂઆતમાં થોડી રકઝક થાય પછી ધીરેધીરે તેઓ એકબીજામાં ભળી જાય અને બીજાં સ્ટેશન પરથી ચડતાં મુસાફરોની સાથે એક થઈને ઝઘડો કરે. ટ્રેનમાં વીતતો સમય બહારના સમયથી જાણે છૂટો પડી જાય છે. કોઈએ સરસ વાત કરી છે – ટ્રેનનું પોતાનું આગવું નાનકડું વિશ્ર્વ હોય છે, જે બહારની વિશાળ દુનિયામાં ગતિ કરતું રહે છે. ઘણા લેખકોએ ટ્રેનની સાથે ફિલોસોફીભરી વાતો જોડી છે. ઓસ્ટ્રેલિયન લેખિકા અન્ના ફાઉન્ડરે કહ્યું છે; ‘મને ટ્રેનો બહુ ગમે છે. એનો અલગ પ્રકારનો લય મને આકર્ષે છે. ટ્રેનમાં જતી હોઉં ત્યાં સુધી હું ચડવાના કે ઊતરવામાં બે સ્થળો વચ્ચેના અવકાશમાં હોઉ છું. ટ્રેનમાં મને ભવિષ્યની કોઈ ચિંતા હોતી નથી, કારણ કે મારે ક્યાં ઊતરવાનું છે તે હું જાણતી હોઉં છું.’ સુપ્રસિદ્ધ નવલકથાકાર પૉલો કોએલોએ ટ્રેનના પ્રવાસને જીવન સાથે જોડ્યો છે. ‘આપણું જીવન નિરંતર પ્રવાસ છે. જન્મથી મૃત્યુ સુધીનો પ્રવાસ. સ્થળો બદલાય છે, વ્યક્તિઓ બદલાય છે, ભૂપૃષ્ઠ બદલાય છે, આપણી જરૂરિયાતો બદલાય છે – પરંતુ આપણી ટ્રેન આગળ ધપતી રહે છે. જિંદગી ટ્રેન સમાન છે, એ કોઈ સ્ટેશન નથી. સતત પ્રવાસ આપણી નિયતિ છે.’ આપણું સ્ટેશન આવે ત્યારે આપણે બધું છોડીને ઊતરી જવું પડે છે. બધા સહપ્રવાસીઓ છૂટા પડી જાય છે. ક્યારેક આપણે જે સ્ટેશન પર ઊભા રહીને રાહ જોતા હોઈએ તે ટ્રેન ત્યાં ઊભી ન પણ રહે. નિરાશ થયા વિના આપણે બીજી ટ્રેનની રાહ જોવી જોઈએ.⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...