વિચારોના વૃંદાવનમાં:જીવનમાં સંગીત ખૂટી પડ્યું છે અને ઘોંઘાટ વધી પડ્યો છે!

એક મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • શાંતિથી ભય પામનારા માણસોને મળ્યા છો? મુંબઈથી ગામડે આવેલો માણસ બે દિવસમાં કંટાળી જાય છે. એને માટે ગામની શાંતિ અસહ્ય બની રહે છે!

બ્રિટિશ કવિ ઑડેને પોતાની એક કવિતાનું મથાળું આપ્યું છે: ‘In Praise of Limestone’. કવિ લખે છે કે સંગીત ગમે ત્યાં સર્જાઈ શકે છે; સંગીત અદૃશ્ય છે અને એની કોઈ ગંધ નથી હોતી. આટલું કહીને અટકી જાય તો કવિ શેનો? એક ડગલું આગળ જઈને કવિ ઉપનિષદના મંત્ર જેટલી ગહન વાત કરે છે અને એક વિધાન કરે છે. સાંભળો: આપણી પાસે સમયને પચાવવા માટેનું શ્રેષ્ઠ સાધન કોઈ હોય, તો તે સંગીત છે. કવિએ સહજપણે બહુ મોટી વાત કરી દીધી! આપણે મન તો સંગીત એટલે જલસાઘરમાં સંભળાતા મધુર સૂરની મહેફિલ. આપણે મન સંગીત એટલે વાજિંત્રોમાંથી રેલાતી મધુરતા. પક્ષીઓનો કલરવ પણ સંગીત ગણાય, કારણકે એમાં લયમાધુરી જળવાય છે. સંગીતનો સંબંધ કેવળ કાન સાથે જ નથી હોતો. કાર્લ પ્રિબ્રામ જેવો વિજ્ઞાની કહે છે: ‘માણસ રેશનલ નહીં, પણ મ્યુઝિકલ પ્રાણી છે.’ સંગીત કેવળ કાનનું મિષ્ટાન્ન નથી. એનો ખરો સંબંધ કોસ્મિક લય સાથે રહેલો જણાય છે. લયનો નાળસંબંધ પરમ/અસ્તિત્વ જોડે હોય છે. બૌદ્ધ પરંપરામાં શ્રમણો ભેગાં મળે, ત્યારે જે વિચાર ગોષ્ઠિ કરે તેને ‘સંગીતિ’ (સંગીથિ) કહેવાની પરંપરા છે. સંગીતિ એટલે સ્વરોની સંવાદિતા (હાર્મની) અથવા એકરૂપ સુરેલતા. ચીની ભાષામાં ‘સુંદરતા’ જેવો કોઈ શબ્દ નથી. ચીની ભાષામાં સંવાદિત એટલે જ સુંદરતા. (હાર્મની એટલે જ સુંદરતા). જીવનમાં જ્યાં અને જ્યારે સંવાદિતા પ્રગટે ત્યાં અને ત્યારે સંગીત પ્રગટ થતું રહે છે. પતિ-પત્ની એકરૂપ થઈને જીવે ત્યારે સંવાદિતામૂલક સંગીતનો ઉદ્દભવ થતો રહે છે. સંગીતમાં પણ સૂર અને તાલ ન જળવાય, તો સંગીત નષ્ટ થવાની ઉતાવળમાં હોય છે. સંગીતની કેસેટો ખૂબ વેચાય છે. રેડિયો, ટીવી. માઈક અને માંડવા પરથી ગીતોનો ધોધ વહેતો થાય છે. ક્યારેક પોપ મ્યુઝિક પૉક મ્યુઝિક બની ગયું હોય એવો વહેમ પડે છે. રૉક મ્યુઝિક કાન ફાડી નાખે એટલું લાઉડ હોય છે. રૉક મ્યુઝિકમાં બીટ અને રીધમનું મહત્ત્વ હોય છે અને વળી નૃત્યનું પણ મહત્ત્વ હોય છે. અમેરિકાનો મ્યુઝિક કમ્પોઝર અર્નેસ્ટ બેકન કહે છે કે : ગાવું એ તો પ્રવચનની કવિતા છે અને નૃત્ય દ્વારા ‘શરીરની કવિતા’ પ્રગટ થાય છે. આપણા દેશમાં તો સંગીત અને નૃત્યનો સંગમ કીર્તન દ્વારા પ્રગટ થતો. કીર્તન માણસને એક જુલમથી બચાવી લે એમ બની શકે. આપણું જાગ્રત મન સતત વિચારતું રહે છે અને તેથી થાકે છે. કીર્તન દરમ્યાન વિચારોનો જુલમ ટળે છે અને બેખુદીને કારણે રાહત મળે છે. કીર્તનની મશ્કરી કરનારાઓ રૉક મ્યુઝિકની મશ્કરી નહીં કરે! ફેશનનો પ્રભાવ વિચાર સાથેના છૂટાછેડા રોકડા બનાવે છે. રૉક મ્યુઝિક ઈન, કીર્તન આઉટ! સામાન્ય માણસ આતંકવાદના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. સામાન્ય માણસ કોને કહેવો? સામાન્ય માણસ એટલે એવો માણસ જેની કોઈ લાગવગ હોતી નથી. કોઈ માણસ ગરીબ હોય તોય એ લાગવગ ધરાવતો હોય તો એ સામાન્ય ન ગણાય. કોઈ વાર પૈસા ઓછા હોય, તોય મોટા માણસો સાથે મીઠા સંબંધ હોય તો એ ‘સામાન્ય’ ન ગણાય. લાગવગ વિનાનો ગરીબ માણસ લગભગ લાચાર હોય છે. એની ભલામણચિઠ્ઠીનું વજન નથી પડતું. એ ટેલિફોન કરે તો એની વાત કોઈ સાંભળતું નથી. ગરીબી સ્વયં હિંસાનું વરવું સ્વરૂપ છે. બાથરૂમની બાલદીને કાટ લાગે અને એના તળિયામાં કાણાં પડી જાય તેમ ગરીબ માણસની માણસાઈને પણ કાટ લાગી જાય છે. ધર્મની બધી ડાહીડાહી વાતો સડી ગયેલા લાકડા પર ચોંટાડેલા સનમાયકા જેવી અર્થહીન અને પોલી બની રહે છે. ગરીબીનાં રંગરોગાન થતાં રહે, તે માટે ધર્મ જરૂરી છે. ધર્મને નામે પજવણી પણ ધાર્મિક બની જાય, ત્યારે કટ્ટરતાની ઋતુ જામતી હોય છે. આતંકવાદની રખાતનું નામ કટ્ટરતા છે. લોકો જેને ઈજ્જત કહે છે, તે તો એક લોકપ્રિય બિમારી છે. જેની સાથે બિલકુલ મનમેળ નથી એવા પાર્ટનરને આખું આયખું વેંઢારવાનો ત્રાસ કેટલાંય પતિપત્ની ઇજ્જતના નામે ભોગવતાં રહે છે. ક્યાંક કોઈ કજિયાબેગમ સજ્જન પતિને સતત પજવતી રહે છે. એ જ રાતે ક્યાંક શુષ્કચંદ્ર ખટપટકાકી પર વહેમાતા રહે છે. કોઈના ઘરમાં જવાનું બને ત્યારે સગે કાને ન પડે એવો ઘોંઘાટ પણ મહેમાનને સંભળાય છે. જીવન તો પસાર થઈ જાય છે, પણ પસાર થતી વખતે બંબાખાના તરફથી મળે એવો ઘોંઘાટ કાનમાં વાગે છે. ઘોંઘાટ વધે તે શું વિકાસ માટે અનિવાર્ય છે? દુનિયાનું સૌથી વધુ ઘોંઘાટમય શહેર કયું? જવાબ છે: ઢાકા. બીજે નંબરે મુરાદાબાદ આવે છે. ઘોંઘાટની બીક માણસને કેમ નથી લાગતી? વર્ષ 1905માં જેમને નોબેલ પ્રાઈઝ મળ્યું, તે બૅકિટરિયોલૉજિસ્ટ રોબર્ટ કોચના શબ્દો પર વિચાર કરીએ તો ભય પામીએ તેવી વાત છે. કહે છે: ‘The day will come when man will have to fight noise as inexorably as Cholera and Plague’. (એવો દિવસ આવશે, જ્યારે માણસે કઠોરપણે ઘોંઘાટ સામે એવી રીતે લડવું પડશે, જે રીતે એ કોલેરા અને પ્લેગ સામે લડતો હોય) આ વાત વિજ્ઞાનીએ કરી છે અને ચેતવણી પણ વિજ્ઞાની એ જ આપી છે. કોણ સાંભળશે??? જલાલુદ્દિન રૂમીના વિચારો પર આધારિત ફિલ્મ : ‘In Pursuit of silence’નું દિગ્દર્શન પેટ્રિક શૅન દ્વારા થયું છે. આ ફિલ્મ ધ્યાનનો મહિમા કરનારી છે, જેમાં શાંતિ, ધ્યાન અને ઘોંઘાટની ભેગી સમીક્ષા થઈ છે. મુખ્ય વાત છે: ‘શાંતિને સાંભળવાનું રાખો અને ઘોંઘાટની અસર પડે તેના પર વિચાર કરો’. ઘોંઘાટ આપણને સદી ગયો છે. ઘોંઘાટ હવે ખૂંચતો નથી, પજવતો પણ નથી. દુનિયામાં સૌથી ઓછો ઘોંઘાટ હોય એવા દેશનું નામ ‘Iceland’. એ દુનિયાનો સૌથી શાંત દેશ છે. જલાલુદ્દિન રૂમી કહે છે: શાંતિમાં એવી પ્રબળ શક્તિ છે, કે શાંતિ આપણને ઘણું બધું કહેતી હોય છે. તમે શાંતિને સાંભળો. શાંતિથી ભય પામનારા માણસોને તમે મળ્યા છો? મુંબઈથી ગામડે ત્રણચાર દિવસ માટે આવેલો માણસ બે દિવસમાં કંટાળી જાય છે. એને માટે ગામની શાંતિ અસહ્ય બની રહે છે! શાંતિથી ભય પામનારાંઓની સંખ્યા મહાનગરોમાં ઓછી નથી હોતી. ‘The fear of silence’ માટે ખાસ શબ્દ છે: ‘SEDATE PHOBIA.’ પતિ-પત્ની લડવા તૈયાર જ હોય, તેનું ખરું કારણ ‘શાંતિનો ભય’ હોય તે પણ શક્ય છે. ‘શાંતિનો ભય’ યુદ્ધના મૂળમાં હોય, એ વાત અશક્ય નથી. પરિવારમાં શાંતિ એટલે જ વિશ્વશાંતિ!⬛ }}} પાઘડીનો વળ છેડે લતા મંગેશકરની પ્રાર્થના. ‘હું પ્રભુને એવી પ્રાર્થના હંમેશાં કરતી રહી છું કે જો શક્ય હોય તો મને પુનર્જન્મ ન મળે. પણ મારે જો મોક્ષ અને સંગીત વચ્ચે પસંદગી કરવી જ પડે તો હું સંગીતની પસંદગી કરીશ.’ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફિલ્મ-વિવેચન માટે એવોર્ડ મેળવનારા શ્રી ગિરિધર ઝાના લેખમાંથી. (‘outlook’, February 21, 2022, પાન-63)

અન્ય સમાચારો પણ છે...