મનનો મોનોલોગ:વટથી કહો કે અમે ઇન્ટ્રોવર્ટ છીએ

2 મહિનો પહેલાલેખક: ડો. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક

સ વર્ષની ઉંમર સુધી એક અફસોસ મને કાયમ રહ્યા કરતો કે હું હાજરજવાબી નથી. ‘જોરદાર સંભળાવી દીધું તેં’ જેવા કોમ્પ્લિમેન્ટ્સ મને ક્યારેય મળ્યા જ નથી. એ પછી સ્વ-બચાવ માટે હોય કે અણગમો વ્યક્ત કરવા માટે, લોકોની હાજરીમાં મને તાત્કાલિક ક્યારેય શબ્દો જડ્યા જ નથી. બાળપણમાં પણ એવું જ થતું. કોઈએ મારી મશ્કરી કે અપમાન કર્યું હોય, તો સામે કશું જ કહેવાને બદલે હું ચુપચાપ ઘરે આવી જતો અને વિચારતો કે ‘મેં તેને આવું કહી દીધું હોત તો!’. જ્યારે તમે ખરેખર કશુંક કહેવા માગતા હો ત્યારે મૌન એક જુઠ્ઠાણું હોય છે એ હું જાણું છું પણ એ સમયે શબ્દો જ ન જડે તો? ત્રીસ વર્ષ સુધી એ સવાલ મને સતાવતો રહ્યો કે હું કેમ નથી બોલી શકતો? મિત્રો કે કૉલેજના ગ્રૂપમાં પણ હું ક્યારેય ‘સેન્ટર ઓફ એટ્રેક્શન’ નથી રહ્યો કારણ કે એટ્રેક્શન ઊભું કરવા અને એટેન્શન મેળવવા માટે બોલવું જરૂરી છે. જોક્સ કરવા, મિત્રોને હસાવવા, કોઈની મિમિક્રી કરવી કે દુનિયાભરની વાતો કરવી જરૂરી છે. જોરદાર ટિપ્પણીઓ કરવી કે એ ટિપ્પણીઓના જોરદાર જવાબો આપવા જરૂરી છે. મારી પાસે તો એવું કશું જ નહોતું. હું ક્યાંથી કોઈને ઈમ્પ્રેસ કરી શકું? ચુપચાપ એક ખૂણામાં બેસીને હું મિત્રોની વાતો સાંભળતો. બહુ બહુ તો એમની વાતો સાંભળીને હકારમાં માથું ધુણાવતો, ‘યસ’, ‘એક્ઝેક્ટલી’, ‘કમ્પલીટલી એગ્રી’ કે ‘સાચી વાત’ જેવા મોનોસીલેબિક અને ટૂંકા શબ્દોથી હું મારી હાજરી પુરાવતો. ન તો હું ક્રાઉડ-પુલર હતો, ન તો આલ્ફા-મેલ. ન તો વિરોધ કરતાં આવડતું, ન તો કોઈ ઈનિશિએટિવ લેતા. ન તો નેતૃત્વ કરતાં આવડતું, ન તો કોઈનું અનુકરણ. ત્રીસ વર્ષ પૂરા થતાં સુધીમાં મને એટલી જાણ તો થઈ ગયેલી કે મારું વિશ્વ અલગ છે. ગોત્ર અલગ છે. લેટ નાઈટ પાર્ટીઝ, જલસા કે મેળાવડામાં જવાને બદલે, મને એકલા રહેવું વધારે ગમતું. મિત્રો સાથે નાઈટ-આઉટ કરવાને બદલે, હું પુસ્તકો વાંચવાં કે ટીવી પર ક્રિકેટ મેચ જોવાનું પસંદ કરતો. આ જ કારણસર ‘અતડો છે’, ‘એરોગન્ટ છે’, ‘કોઈની સાથે મિક્સ નથી થતો’, ‘ક્યાંય દેખાતો નથી’ જેવા કોમ્પ્લિમેન્ટ્સ મને અવારનવાર મળતા. મિતભાષી હોવાની ઢાલ આગળ ધરીને હું અનેકવાર જાતને જસ્ટિફાય કરવાનો નિરર્થક પ્રયાસ કરતો. પણ ઊંડે ઊંડે એક ખચકાટ રહ્યા કરતો કે મારામાં કંઈક એબનોર્મલ છે. મારા હિસ્સાની અભિવ્યક્તિ મને મળી જ નહીં, એવા અફસોસ સાથે મેં જ્યારે ઓલમોસ્ટ મારું મન મનાવી લીધેલું ત્યારે એક ચમત્કાર થયો. મેં લખવાની શરૂઆત કરી અને મારી ખોવાઈ ગયેલી અભિવ્યક્તિ અચાનક પ્રગટ થઈ. આ વાતની જાણ મને છેક ત્યારે થઈ જ્યારે મારા પહેલા પુસ્તકના વિમોચન વખતે મારા ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ કવિ વિનોદ જોશીએ સ્ટેજ પરથી કહ્યું, ‘નિમિત્ત જે બોલી નથી શકતો, એ બધું જ એ લખી શકે છે.’ અને ત્યારે મને અચાનક રિયલાઈઝ થયું કે અભિવ્યક્ત થવા માટે બોલવું જરૂરી જ નથી હોતું, એ તો લખીને પણ થઈ શકાય. છેક ત્રીસ વર્ષે મને સમજાયું કે હું ઇન્ટ્રોવર્ટ છું. લોકોને મળવું, એમની સાથે કલાકો સુધી વાત કરવી કે પાર્ટીઝ એટેન્ડ કરવી મારી પ્રકૃતિમાં જ નથી. અને હું કારણ વગર આટલા વર્ષો સુધી એ ગિલ્ટમાં રહ્યો કે હું મળતાવડો નથી. ‘ઇન્ટ્રોવર્ટ’ એટલે કે આંતરમુખી વ્યક્તિત્વો વિશે વાંચ્યા, જાણ્યા અને સમજ્યા પછી શું થયું ખબર છે ? મારી સૌથી મોટી નબળાઈ, મારી સૌથી મોટી તાકાત બની ગઈ. આ બધું એટલા માટે બન્યું કારણ કે ‘ઇન્ટ્રોવર્ટસ્’ના ભાવવિશ્વ, તેમની ખાસિયત અને લાક્ષણિકતાઓ પર લખાયેલું એક અદ્્ભુત પુસ્તક મારી નજરમાં આવ્યું, જેનું શીર્ષક જ જોરદાર હતું. લેખિકા સુસેન કેઈન દ્વારા લખાયેલું એ પુસ્તક એટલે ‘Quiet: The Power of Introverts in a World That Can’t Stop Talking.’ સતત વાચાળ, વાતોડિયા અને બોલકા વિશ્વમાં શાંત, શરમાળ કે મિતભાષી લોકો પણ જગતને પ્રભાવિત કરી શકે છે, બસ એટલી જ વાત સમજાવવા માટે આ પુસ્તક લખાયેલું છે. આ જગત પરની દરેક ત્રીજી વ્યક્તિ ‘ઇન્ટ્રોવર્ટ’ છે અને તેમ છતાં તેમની જરૂરિયાત અને મુશ્કેલીઓ વિશે આજ સુધી અવગણના કરવામાં આવી છે. આ પુસ્તક વાંચ્યા પછી હું આ લેખિકાનો ચાહક બની ગયો. એટલા માટે નહીં, કારણકે તેમણે અંતર્મુખી લોકોની વાત રજૂ કરી છે. પણ એટલા માટે કે આ પુસ્તક લખીને તેમણે મારા જેવા લોકોની પોતાની મૂળ જાત સાથે મુલાકાત કરાવી છે. એક્સ્ટ્રોવર્ટ, બોલકા, મળતાવડા કે સોશિયલ હોવાના દેખાડા કરીને થાકી ગયેલી ઇન્ટ્રોવર્ટ જાતને, આ પુસ્તક જબરદસ્ત રાહત અને નિરાંત આપે છે. ‘The Power of Introverts’ ના શીર્ષક હેઠળ લેખિકા સુસેન કેઈને આપેલી ટેડ-ટોકના અત્યારે સોશિયલ મીડિયા પર 13 મિલિયન્સથી વધારે વ્યૂઝ છે કારણ કે દુનિયાભરના ઇન્ટ્રોવર્ટ્સ તેમની વાતો અને પુસ્તક સાથે રીલેટ કરી શકે છે. ઇન્ટ્રોવર્ટ હોવું એ ગુનો કે નબળાઈ નથી. ઊલટું, ઇન્ટ્રોવર્ટ લોકો વધારે બુદ્ધિશાળી હોય છે (હું નથી કહેતો, રિસર્ચ કહે છે). તેઓ જગતને અલગ દૃષ્ટિથી નિહાળે છે. તેમને શોરબકોર, પાર્ટીઝ, લાઉડ મ્યુઝિક, મહેફિલ કે મેળાવડા પસંદ નથી આવતા. તેઓ સમૂહના જીવ છે જ નહીં. તેઓ એકાંતમાં ખીલે છે. ટોળાનો હિસ્સો બનીને ગીતો ગાવાને બદલે, તેઓ સિલેક્ટિવ સ્વજનોની હાજરીમાં ચુપચાપ સૂર્યાસ્ત જોવાનું પસંદ કરે છે. ઘરે એકલા રહીને વાંચવા, લખવા કે મૂવીઝ જોવાનું પસંદ કરે છે. સુસેન કેઈનની વ્યાખ્યા પ્રમાણે, ‘સોશિયલ ઇન્ટરેક્શન કરવાથી જેમની ઊર્જામાં વધારો થાય એ એક્સ્ટ્રોવર્ટ અને જેમની ઊર્જા છીનવાઈ જાય, એ ઇન્ટ્રોવર્ટ.’ મુદ્દો એ નથી કે કોઈ એક અન્ય કરતાં ચડિયાતું છે કે નહીં ? મુદ્દો એ છે કે આપણે આપણું વિશ્વ આપણી પ્રકૃતિ અને રુચિ પ્રમાણે પસંદ કરવાનું છે, અન્યની અપેક્ષા કે સરખામણીને આધારે નહીં. તમારું વિશ્વ પાર્ટીઝ, મેળા કે મહેફિલ હોઈ શકે છે, જ્યારે મારું વિશ્વ પુસ્તકો, કલા, કુકિંગ કે અન્ય કોઈ એકાંતની પ્રવૃત્તિ હોઈ શકે છે. કશુંક કરવાથી આપણી ઊર્જા વધે છે કે ખર્ચાય છે ? એનો નિર્ણય તો આપણે જ કરવો રહ્યો. પણ હું મારી અંગત વાત કહું તો ચાર્લ્સ બુકોવ્સ્કીનું એક વિધાન મારું પ્રિય છે, ‘People empty me. I have to get away to refill.’ મારી બેટરી સૌથી વધારે સામાજિક વ્યવહારો અને ઔપચારિક વાતોમાં ડ્રેઈન થાય છે. મારું એકાંત મને રિચાર્જ કરે છે. અને હવે મને એ વાતનો અફસોસ નહીં, ગર્વ છે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...