તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણમાં ખીલ્યું ગુલાબ:આઓ આજ મિલ કે એક સુલહ કર લેતે હૈં, દિલ તુમ રખ લો તુમ્હેં હમ રખ લેતે હૈં

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કશ્તીનાં તો બારેય વહાણ ડૂબી ગયાં! એક દિવસ, બે દિવસ, ત્રણ, ચાર...! નિશાંતની હાલત બગડતી જતી હતી. બિલ ચડતું જતું હતું. કશ્તી પાસે પૈસા જ ક્યાં હતા?

‘એક વાત કહું, નિશાંત?’ પ્રેમીનાં શર્ટનાં બટન સાથે આંગળીઓની રમત કરતાં-કરતાં કશ્તીએ પૂછ્યું, પછી જવાબની રાહ જોયા વગર જ જે કહેવું હતું તે કહી દીધું, ‘તારો ફ્રેન્ડ તક્ષક મને જરા પણ ગમતો નથી. એ જેવો દેખાય છે તેવો અંદરથી...’ નિશાંત આ વાત એક કરતાં વધુ વાર સાંભળી ચૂક્યો હતો. એ જાણતો હતો કે એની પ્રેમિકા કશ્તીને એનો ગાઢ મિત્ર તક્ષક જરા પણ ગમતો ન હતો. જ્યારે પણ તક મળે ત્યારે કશ્તી એના વિશે ખરાબ અભિપ્રાય આપવાનું ચૂકતી ન હતી. અને નિશાંત પણ દરેક વખતે આ જ દલીલ કરતો રહેતો હતો, ‘કશ્તી, ડાર્લિંગ! તું જાણે છે કે તક્ષક મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તું મને જેટલી પ્રિય છે, એટલો જ એ પણ મને ગમે છે. મને લાગે છે કે તારા મનમાં એના વિશે કોઈ પૂર્વગ્રહ બંધાઈ ગયો છે, કારણ કે હજુ સુધી તેં એક પણ વાર મને કોઈ નક્કર કારણ નથી જણાવ્યું કે તને શા માટે તક્ષક ખરાબ માણસ લાગે છે.’ કશ્તી વિચારમાં પડી જતી. પછી કોઈ પણ પ્રેમિકા કરે એવા લાડકા અંદાઝથી પૂછી લેતી, ‘માન કે હું તને એવું કહું કે તું એને છોડી દે અથવા મને, તો તું શું કરે?’ ‘તારો પ્રશ્ન વાહિયાત છે. તું અને તક્ષક મારી જમણી-ડાબી આંખ સમાન છો. ભલા કોઈ માણસ પોતાની એક આંખ શી રીતે ફોડી શકે? જો એવું કરવા માટે મને ફરજ પાડવામાં આવશે, તો હું મારી બંને આંખ ફોડી નાખીશ. કાણો થઈને જીવવાને બદલે અંધ બનીને જીવવું મને વધારે ફાવશે. મહેરબાની કરીને હવે પછી આવી વાત ક્યારેય ન કરતી. તક્ષકને હું બાવીસ વર્ષથી જાણું છું.’ નિશાંતે આવું કહ્યું ત્યારે એની ઉંમર પચીસ વર્ષની હતી. એ બંને ત્રણ વર્ષના હતા ત્યારથી મિત્રો હતા. ભેગા રમીને, ભણીને, હોમવર્ક કરીને, તોફાનો કરીને, સમય આવ્યે લડી-ઝઘડીને, રિસાઈને અને પાછા ભેગા થઈને મોટા થયા હતા. તક્ષક નખશિખ સારો માણસ હતો એ હકીકત નિશાંત બરાબર જાણતો હતો, પણ કશ્તીને તક્ષકનો કરડો ચહેરો, માંજરી આંખો, ઊભી હેરસ્ટાઈલ અને ઢંગધડા વગરની ડ્રેસિંગ સેન્સ આ બધું જોઇને મનોમન એવી ધારણા બંધાઈ ગઈ હતી કે એ ભીતરથી પૂરો બદમાશ હોવો જોઈએ. ખેર, આ પ્રશ્ન તો સાવ મામૂલી હતો. પ્રેમના પંથમાં પ્રશ્નો મોટા હોય છે અને ઘણાંબધાં હોય છે. કશ્તી-નિશાંતના પ્રેમપંથમાં સૌથી વિકટ પ્રશ્ન એ હતો કે એ બંનેના પરિવારજનો એમનાં લગ્ન થાય તે માટે જરા પણ સંમત ન હતાં. ચાર-ચાર વર્ષથી ચાલ્યા આવતાં લવ-અફેર પછી અંતે નિશાંતે માર્ગ શોધી કાઢ્યો. એણે કશ્તીને કહ્યું, ‘આવતાં મહિનાની પહેલી તારીખે તું ઘરમાંથી નીકળી જજે. તારાં મમ્મી-પપ્પા માટે એક ચિઠ્ઠી છોડીને આવતી રહેજે. હું પણ મારા ઘરેથી નીકળી જઈશ. મેં ‘હોટલ રેડિયન્ટ’નો લકઝુરિયસ સ્યૂટ બુક કરાવી લીધો છે. ચાર-પાંચ મિત્રોની હાજરીમાં આપણે મેરેજ કરી લઈશું. એ જ હોટલમાં હનીમૂન ઊજવીને... ‘પછી? એ પછી આપણે ક્યાં જઈશું?’ કશ્તી ઉત્તેજિત પણ હતી અને ચિંતાતુર પણ. ‘એ પછી પંદરેક દિવસ આપણે તક્ષકના બંગલામાં કાઢીશું. ત્યાં સુધીમાં તક્ષક મારા માટે નોકરી અને ભાડાની ઓરડી શોધવાનું કામ કરી આપશે.’ તક્ષકનું નામ સાંભળીને જ કશ્તીનું મોં બગડી ગયું. એ બોલી ઊઠી, ‘જો નિશાંત, મેં તને કેટલી વાર કહ્યું છે કે મને તારો એ મિત્ર જરા પણ સારો લાગતો નથી. મને એ દીઠોય ગમતો નથી. હું તો એને આપણા લગ્નમાં બોલાવવાની પણ વિરુદ્ધ છું. તને કહેવાની પણ હતી કે એને આમંત્રણ ન આપીશ અને તું પંદર દિવસ કે એક મહિનો એના ઘરે રહેવાનું કહે છે? એની સાથે? ના, હોં! એ તો ક્યારેય નહીં બને.’ નિશાંતે કહ્યું, ‘આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. કશ્તી એક વાત તું સમજી લે કે તું ઘર છોડીને આવી છે અને મારી પાસે અત્યારે તને લઈને ઘરે જવાનું શક્ય નથી. એક વાર આપણે લગ્ન કરી અને એક-બે મહિનાનો સમય કાઢી લઈએ ત્યાં સુધીમાં હું ભાડાનું મકાન શોધી લઉં અને નોકરી પણ સારી શોધી શકું તો હું તને નિભાવી શકું. મને નોકરી શોધવામાં પણ તક્ષક જ મદદ કરશે એટલે તું એ વાત મગજમાંથી કાઢી નાખ. તક્ષક તો લગ્નમાં પણ આવશે, મારો અણવર પણ બનશે અને એ પછી આપણે થોડાં દિવસો માટે એના જ ઘરમાં એના આશ્રિત તરીકે રહેવું પડશે.’ નિશાંતે એને કડક શબ્દોમાં કહી દીધું હતું કે હવે પછી ક્યારેય તક્ષક વિશે ખરાબ વાત નથી કરવાની. નિશાંતના કડક શબ્દોમાં હકીકતનું બયાન સાંભળી અને કશ્તી ખામોશ થઇ ગઈ. નિર્ધારિત દિવસે અને સમયે કશ્તી ઘર છોડીને નીકળી ગઈ. પહેરેલાં કપડાં સાથે નીકળી હોવાથી ઘરમાં કોઈને શંકા પડી નહીં. મોડી સાંજ સુધી એ પાછી ન ફરી ત્યારે એનાં મમ્મી-પપ્પાએ શોધ શરૂ કરી. બેડરૂમમાં મૂકેલા પત્રમાંથી બધું જાણવા મળી ગયું. મમ્મી-પપ્પાએ એ જ ક્ષણે દીકરીનાં નામનું નાહી નાખ્યું. હવે એ પાછી આવે તો પણ ઘરનાં બારણાં બંધ થઇ ગયાં હતાં. હોટલના રૂમમાં કશ્તીએ ‘ચેક ઇન’ કર્યું, પણ બે કલાક સુધી નિશાંતનું નામોનિશાન જણાયું નહીં. મોબાઈલ ફોન પણ બંધ હતો. ત્યાં તક્ષક એને મળવા માટે આવી પહોંચ્યો. એણે સમાચાર આપ્યા, ‘કશ્તી, નિશાંતનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એનું ઓક્સિજન સેચ્યુરેશન પંચ્યાશી પરસેન્ટ થઇ ગયું છે. એને પ્રાઇવેટ હોસ્પિટલના આઈ.સી.યુ.માં એડમિટ કરવો પડ્યો છે. તમે ચિંતા ન કરશો. હું તમને તકલીફ પડવા નહીં દઉં. નિશાંત જલદી સાજો થઈને પાછો આવશે અને પછી...’ કશ્તીનાં તો જાણે બારેય વહાણ ડૂબી ગયાં! એક દિવસ, બે દિવસ, ત્રણ, ચાર...! નિશાંતની હાલત સુધરવાને બદલે બગડતી જતી હતી. હોટલનું બિલ ચડતું જતું હતું. કશ્તી પાસે પૈસા જ ક્યાં હતા? આખરે એણે તક્ષકની આગળ રજૂઆત કરી. તક્ષકે કહ્યું, ‘જેટલાં દિવસ થાય એટલાનું બિલ હું ભરીશ. એક વાર મારા ભાઈ જેવા ભાઈબંધને સાજો થઈને પાછો આવી જવા દો!’ આઠમા દિવસે નિશાંત તો ન આવ્યો, પણ એના મૃત્યુના સમાચાર આવ્યા. કશ્તી ભાંગી પડી. તેણે તક્ષકને વિનંતી કરી, ‘તક્ષક, મારા માટે બધા જ રસ્તા બંધ થઇ ગયા છે. મારું છેલ્લું કામ કરશો? મને ઝેર લાવી આપશો?’ તક્ષક નવાઈ પામીને પૂછી બેઠો, ‘કશ્તી, કેમ આવું બોલો છો? તમારા માટે બધાં જ રસ્તા ક્યાં બંધ થઇ ગયા છે? તમારાં મમ્મી-પપ્પા તો પહેલેથી જ આ લગ્નની વિરુદ્ધમાં હતાં. તેઓ તો તમને જોઈ અને ખુશીથી ઊછળી ઊઠશે. જો તમે પાછા જવા માગતાં હો તો હું તમને કેબ મગાવી આપું અને જો તમને વાંધો ન હોય તો મારી કારમાં હું તમને ઘર સુધી મૂકી જાઉં.’ કશ્તી રડી પડી, ‘ના, તક્ષક મારા માટે પિયરના દ્વાર બંધ થઇ ગયાં છે કારણ કે ઘર છોડીને નીકળતાં પહેલાં હું મારાં મમ્મી-પપ્પાને સંબોધીને એક પત્ર છોડતી આવી છું. હું મારા પપ્પાના સ્વભાવને જાણું છું, મારી કબૂલાત સાંભળીને અને ઘર છોડવાનો નિર્ણય જાણ્યા પછી એ ક્યારેય મને માફ નહીં કરે. ક્યારેય મને પાછી નહીં સ્વીકારે. મારા માટે હવે મૃત્યુ સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને પ્લીઝ, ઝેર લાવી આપો.’ તક્ષક નીચું જોઇને બોલી ગયો, ‘કશ્તી, હું જાણું છું કે તને હું સારો માણસ નથી લાગતો. નિશાંતે મને બધું જ કહ્યું છે, પણ હું એટલો બધો ખરાબ તો હરગિઝ નથી કે જિંદગી હારી ચૂકેલી એક યુવતીને મરી જવા દઉં. જો તને વાંધો ન હોય તો હું તને મારી પત્ની બનાવવા માટે તૈયાર છું. તને પત્ની તરીકેના તમામ અધિકારો આપીશ, બદલામાં પતિ તરીકેનો એક પણ અધિકાર નહીં માગું. જો તારી હા હોય તો આજે જ હું તને મારા ઘરે લઇ જઈને મારાં મમ્મી-પપ્પા સાથે...’ કશ્તીની કામણગારી કાયાનાં એક-એક અણુમાંથી અવાજ ઊઠ્યો, ‘નિશાંત સાચું જ કહેતો હતો કે મારો મિત્ર તક્ષક અત્યંત સારો માણસ છે. મને તારો પ્રસ્તાવ મંજૂર છે... મંજૂર છે... મંજૂર છે.’ (કોરોના મહામારીના ફર્સ્ટ વેવ દરમિયાન બની ગયેલી સત્ય ઘટનામાં આવશ્યક ફેરફારો કર્યા છે.) ⬛(સત્યઘટના પરથી) drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...