સહજ સંવાદ:ચાલો સાંભળીએ વિદ્રોહી તિબેટી કવયિત્રીઓનો અવાજ!

5 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

યૂક્રેન માટે આપણે ચિંતા કરીએ અને બોલીએ એ તો બરાબર છે, પણ સાવ નજીકનાં તિબેટમાં અત્યારના રશિયા કરતાં અધિક (હવે તો ફરી વાર તેના ભાઇબંધ) ચીને જે સામૂહિક કત્લેઆમ કરી છે તેનું શું? આજે પણ તેનો નાગરિક – પછી તે તિબેટમાં હોય, ભારતના હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં સ્થાપિત અસ્થાયી સરકારનો નાગરિક હોય, શિયાળો આવતાં ગરમ કપડાંની બજારોમાં દેખાતા તિબેટી પરિવારો હોય કે વધુ અભ્યાસ કરીને પોતાના સ્વદેશ પાછા ફરવાની તીવ્ર મહેચ્છા પછી પણ નિર્વાસિત-હિજરતી-સ્થળાંતરિતની જિંદગી જીવતા યુવકો હોય… તેની પીડાને હવે તો શબ્દ પણ મળ્યો છે. અને કેમ ન મળે? ત્રણ પેઢીથી તેઓ પ્રિય ભૂમિ તિબેટથી દૂર છે. 24 લાખ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા, દુનિયામાં સૌથી વધુ ઊંચાઇ – 4900 મીટર – પર સ્થાપિત તિબેટમાં હજારો વર્ષથી રહેતા હોય અને અચાનક - માનવાધિકારની મીણબત્તી અને સાબરમતી કે રાજઘાટ પરની પ્રાર્થના કરતાં આપણે સા-વ ભૂલી ગયાં છીએ કે – 1949માં ચીનના આંતરિક ગૃહયુદ્ધમાંથી કમ્યુનિસ્ટ ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના’ રાજ્યનું નિર્માણ થયું. માઓ-ત્સે-તુંગ (કે જેડોન્ગ)ની સામ્યવાદી સરમુખત્યારી આવી. આપણે એવાં હરખપદુડા થઇ ગયાં કે માઓની છબિ સાથે નક્સલ-માઓ ‘ક્રાંતિ’ના મોરચા ખોલ્યા. ‘અર્બન નક્સલ’ પેદા થયો. 1950માં 15 વર્ષીય દલાઇ લામા તિબેટના આધિકારિક રાજ્યાધ્યક્ષ બહતા. આખું તિબેટ તેમને ‘કરુણામય બોધિસત્ત્વ’નો અવતાર માને છે. તેમના આધિપત્યને ઊથલાવીને કેવળ લાલ રંગે તિબેટને રંગી નાખવા માટે 1951માં તિબેટ-ચીન સમજૂતી થઇ. બળજબરીથી થયેલી આ સમજૂતીમાં લ્હાસામાં ચીની ‘પીપલ્સ આર્મી’નું વડુંમથક ખોલવાનો ખેલ હતો. સત્તર મુદ્દામાં કેવળ છેતરપિંડી હતી. એટલે 1950માં ચીનની ખિલાફ સંઘર્ષ શરૂ થઇ ગયો. 1959માં તો ‘સ્વાધીન તિબેટ’ની પ્રચંડ આગ ફાટી નીકળી. ચીને દમનચક્ર શરૂ કર્યું. 14મા દલાઇ લામા, પોતાના 80,000 સાથીઓ સહિત તિબેટ છોડીને ભારત આવી પહોંચ્યા. આજે ભારત સહિત અન્ય દેશોમાં 1,50000 તિબેટી ‘શરણાર્થીઓ’ છે. 1965માં ચીની સરકારે ‘તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર’ (ટીએઆર)ની જાહેરાત કરી. અર્થાત્ તિબેટ ચીનનો જ એક ભાગ છે એવું સ્થાપિત કરવામાં આવ્યું. પછી શું થયું? 1966માં માઓનો ઝંડો લ્હાસામાં ફરકતો રહ્યો. બૌદ્ધ મઠો, તેનું શિલ્પસ્થાપત્ય, તેની કળાકૃતિઓ – બધું નષ્ટ કરાયું. ‘બુદ્ધ નહીં, માઓ!’ની યોજના ચાલી. 12 લાખ તિબેટીઓને સખત મજૂરી કરાવીને ભૂખે રાખવામાં આવ્યા. તે મોતને શરણ થયા. મા-બાપને પોતાના સંતાનોને જીવતાં દફનાવી દેવા માટેના આદેશ થયા. તિબેટી મુદ્દાના આંતરરાષ્ટ્રીય સંયોજક મારિયા ઓટેરોએ જે આંકડા આપ્યા તે ખળભળાવી મૂકે તેવા છે : ચીન સંચાલિત શ્રમછાવણી કારાગારોમાં 20 લાખ તિબેટીઓ ગોંધાયેલા છે. પીપલ્સ આર્મીના 35,000 સૈનિકો અહીં કેવળ જુલ્મ વરસાવી રહ્યા છે. 12 લાખ લોકોના બળાત્કારો-ઉત્પીડન-હત્યા થયાં. 1950થી 1984ની વચ્ચે 260,000 તિબેટીઓને જેલોમાં જ રહેંસી નાખવામાં આવ્યા. અત્યારે વીસ લાખ સજા ભોગવે છે. જેલોમાં 156,758ને ફાંસીએ ચડાવી દેવાયા. 92,731ને જાહેરમાં મારી નાખવામાં આવ્યા. 342,970 ભૂખે મર્યાં. 9002 તિબેટીઓએ આપઘાતનો રસ્તો પકડ્યો. પોતાનાં નાનકડા તિબેટને મુક્ત જોવા ઇચ્છતા હજારો તિબેટીઓ ભારતમાં છે. હિમાચલ પ્રદેશનાં નગર ધર્મશાળાની ઉપનગર મેક્લોયડ ગંજમાં તેઓ વસી ગયા અને અ-સ્થાયી સરકાર બનાવી. 1960માં કર્ણાટકમાં પણ એક નગર વસી ગયું. આ તિબેટ-વિહોણી ગૂંગળામણમાં તિબેટીઓ કઇ રીતે જીવતા હશે? ગરમ કપડાંની ‘તિબેટી માર્કેટ’માં જોયું હશે કે વેચાણ કરનારા આ પરિવારોના ચહેરા પર તો હાસ્ય છે, પણ ભીતર વેદનાની જ્વાળા છે, આંસુ પણ સુકાઇ ગયાં છે. આની અભિવ્યક્તિ પ્રદર્શનોથી થતી રહી. ચીનમાં ઓલિમ્પિક રમતનો કાર્યક્રમ આયોજિત થયો ત્યારે દુનિયાના ખૂણે-ખૂણે વસેલા તિબેટીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. અને, બીજો માર્ગ કવિતા શબ્દનો છે. યોગાનુયોગ આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે. આપણે ત્યાં તો શાહીનબાગના ‘દેખાવો’માં ભાગ લેનારી કે હિજાબ પર શાળામાં મનાઇ જેવા પ્રસંગો પર મીણબત્તી લઇને ‘માર્ચ’ કરનારી મહિલાઓ જોવા મળી હતી. જેએનયુમાં ‘કાશ્મીરની આઝાદી’ માટે આવાં ટોળાં એકઠાં થતાં હતાં. સ્ત્રીપુરુષ સમાનતા, સ્ત્રી પરના અત્યાચારો અને ભેદભાવ, સિંગલ વુમનના અધિકારો, મુસ્લિમ મહિલાઓને ‘અન્યાય’ વગેરે પ્રશ્નો પર ભાષણો થશે. શું તેઓ તિબેટી કવયિત્રીઓની પીડા અને મહત્ત્વાકાંક્ષાની વાત કરશે? કેટલીક કલમનો પરિચય મેળવીએ. એક ‘વોઇસર’ છે. લેખિકા, બ્લોગર, લોકપ્રિય (ખરા અર્થમાં) બૌદ્ધિક છે. ચીની શાસને લ્હાસા (તિબેટ)થી તેને હદપાર કરી દીધી. તેના ગદ્યનો પડઘો દુનિયાભરમાં પડે છે. તિબેટીઓનો પ્રિય શબ્દ છે ‘રંગઝેન’ અર્થાત્ આઝાદી. અલગાવવાદથી પ્રેરિત જેએનયુ શૈલીની ‘આઝાદી’ નહીં, સાચુકલી સ્વતંત્રતા. બીજી છે તેનજીં સેલેદો. (સુંડૂ) સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલી 21 વર્ષની આ છાત્રા આજે તો તિબેટી-આંદોલનનો મુખ્ય અવાજ બની ગઇ છે. સેરિંગ વાંગ્મો ધોમ્પા 1950માં મા-બાપ સાથે તિબેટ છોડીને ભારત આવી. નેપાળમાં મા-બાપે ઉછેર કર્યો. દિલ્હીમાં ભણી. મેસેચ્યુએટ્સ યુનિવર્સિટીમાં અનુસ્નાતક બની. પહેલાં બે કાવ્યપુસ્તિકા પછી સમગ્ર કાવ્યસંગ્રહ અને લેખોના પુસ્તકો આવ્યાં. ‘માય રાઇસ ટેસ્ટ્સ લાઇક લેક’, ‘ઇન ધ એબસન્ટ એવરીડે’, ‘અ હોમ ઇન તિબેટ’, ‘એ મેમોયર ઓફ લવ, લોસ એન્ડ બીલોન્ગિંગ’, ‘કમિંગ હોમ ટુ તિબેટ’ આ તેના પુસ્તકો છે. તેમનાં તેજશિખા જેવાં-છતાં ગમગીન ઉદાસીન વાદળો સાથે-નાં કાવ્યો ઘણાં છે. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...