તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક નાનકડી બોધકથા છે. એક ઘરમાં એક પીઢ અને પ્રૌઢ વડીલ છે. ત્યાં ત્રણ યુવક કોઈ કામસર મળવા માટે આવે છે. અને એ પૂછે છે, ‘દાદાજી! કોઈ સેવા હોય તો કહો.’ પ્રૌઢે એનું સ્વાગત કર્યું. પછી યુવકોએ પૂછ્યું કે, ‘કોઈ આજ્ઞા?’ પ્રૌઢે પોતાના જૂના ઘરમાં એક કોઠી બતાવી. પછી બાજુમાં થોડાં તરબૂચ, થોડાં જામફળ, થોડાં બોર, થોડી રાઈ અને એક માટીનો ઢગલો બતાવ્યો. એટલી વસ્તુ બતાવી અને કહ્યું કે, તમે આ કોઠીને આ વસ્તુઓથી આખી ભરી દો. પેલાએ પૂછ્યું, ‘પરંતુ કઈ વસ્તુથી ભરીએ?’ પ્રૌઢે કહ્યું, ‘તમે જે વસ્તુથી ભરવા ઈચ્છો, બેથી ભરો, પાંચથી ભરો, બધાંથી ભરો, તમારી મરજી.’ તો એક વ્યક્તિએ થોડાં બોર નાખ્યાં, થોડી રાઈ નાખી, થોડી માટી નાખી અને ભરી દીધું. એક યુવકે આખી કોઠી માટીથી જ ભરી દીધી. પરંતુ ત્રીજો યુવક હતો એણે કંઈક વિશેષ કામ કર્યું. એણે કોઠીમાં સૌથી પહેલાં તરબૂચ રાખી દીધાં. પછી જે આજુબાજુમાં ખાલી જગ્યા બચી ત્યાં જામફળ રાખીને એ જગ્યા ભરી દીધી. પછી થોડો અવકાશ રહ્યો એમાં બોર ભરી દીધાં. પછી રાઈ નાખી દીધી. અને પછી જે ખાલી જગ્યા રહી એમાં માટી નાખી દીધી. અને માટી નાખવાની એની ઈચ્છા તો ન હતી, પરંતુ આખી ભરી દીધી. બોધકથા કહે છે કે એ વડીલ સાધુ સ્વભાવનો હતો, એ ખૂબ ખુશ થઈ ગયો. અને પ્રસન્નતા વ્યક્ત કરતાં એણે કહ્યું કે ‘તમે ત્રણેયે મેં જે વાત કહી એ તો કરી, પરંતુ સૌથી વધુ હું ત્રીજા યુવકે જે કામ કર્યું એનાથી ખુશ છું.’ બોધકથા પૂરી થઈ. મારા કહેવાનો મતલબ છે, માનવશરીર એક કોઠી છે, એક માટીનું પાત્ર છે; અને થોડી વસ્તુઓ આપણી આજુબાજુમાં પડી છે, આપણા વડીલ, સંત-ફકીર આપણને સૂચના આપે છે કે આ જે તમારી શરીરરૂપી કોઠી છે અને થોડાં તરબૂચ પડ્યાં છે, થોડાં જામફળ, થોડાં બોર, થોડી રાઈ, થોડી માટી છે, એનાથી તમે એને ભરી દો. આ કોઠી અને આ વસ્તુઓ તો પ્રતીક છે, પરંતુ જીવનની કોઠી ભરવા માટે મા-બાપ છે, પતિ-પત્ની, ભાઈ, છોકરાં, શિક્ષણ, ધર્મ, અધ્યાત્મ, સેવા, અર્થ - જેટલું તમે વિચારો! હવે આપણા વિવેકની કસોટી ત્યાં છે કે જીવનની કોઠીને શાનાથી ભરીએ? શા માટે ભરીએ? પરમાત્મા ક્યારેક-ક્યારેક કરુણા કરીને મનુષ્યશરીરની કોઠી આપણને આપે છે. તો આપણે જીવનને કઈ વસ્તુથી ભરીએ? ત્યાં સત્સંગથી નિર્મિત વિવેકનો ઉપયોગ કરવો પડશે. મેં થોડી વસ્તુઓ રાખી દીધી. બીજો થોડો સામાન પણ રાખી દઉં - ઈર્ષ્યા, નિંદા, દ્વેષ, સ્પર્ધા, પૂર્વગ્રહ. આ બધી વસ્તુ આપણી સામે રાખી છે. વિવેકનો ઉપયોગ કરવાનો છે. આપણે કોઠી ભરીએ છીએ તો કઈ વસ્તુઓથી ભરીએ છીએ? ‘રામચરિતમાનસ’માં કરુણાથી એક શબ્દ નિપજાવાયો છે, ‘કરુણાનિધિ.’ પ્રભુનું નામ છે કરુણાનિધિ. એનો મતલબ છે કે ઈશ્વર કરુણાનિધિ છે. અને આપણે ત્યાં નિધિની સંખ્યા નવ છે. ‘રામચરિતમાનસ’માં આવા નવનિધિ કોણ છે, જેનાથી આપણે જીવનની કોઠીને ભરીએ? તો આપણે ‘માનસ’માંથી મળતી નવનિધિથી આપણા જીવનની કોઠી ભરીએ. એ પરમાત્માએ આપણને કરુણા કરીને આપી છે. ‘માનસ’માં એક નિધિનું નામ છે ‘શીલનિધિ.’ કરુણા કરીને પ્રભુએ જીવન આપ્યું છે, તો આ કોઠીને આપણે શીલથી ભરીએ. રૂપ શીલ નિધિ તેજ બિસાલા. પ્રગટે પ્રભુ કૃતજ્ઞ કૃપાલા. ત્યાં બે શબ્દ છે, ‘રૂપ’, ‘શીલ.’ એક નિધિનું નામ છે રૂપનિધિ. તમારા જીવનની કોઠીને રૂપથી ભરો. રૂપની નિંદા કરતા નહીં. રૂપના સત્યને સાત્વિક આંખોથી કબૂલ કરો. મૂર્છિત નહીં, મગ્ન થાવ. ઠાકુર રૂપનિધિ છે. રૂપની નિંદા શા માટે? રૂપની નિંદા એ જ કરે છે, જેમની માનસિકતા રુગ્ણ હોય. જે રૂપની બહુ નિંદા કરે, તો સમજવું એ બહુ વિષયી વ્યક્તિ છે, કારણ કે નિંદાથી એ વિષયને ઢાંકવા માગે છે. રૂપવાળાઓ માટે રૂપ પરમાત્મા છે. હા, આપણું મન બગડેલું હશે તો એ આપણી બીમારી છે. રૂપનું પણ એક સ્થાન છે. વ્યક્તિ કદરૂપી હોય તો પણ હરિભજનથી વ્યક્તિ સુરૂપ થઈ જાય છે. તો પહેલી રૂપનિધિ. પછી તરત જ શીલનિધિ. રૂપને જુઓ તો શીલ ન તૂટે એનું ધ્યાન રાખો. શીલ તૂટવું ન જોઈએ. શીલનિધિથી આપણા જીવનની કોઠી ભરીએ. આંખમાં શીલ આંજીને રૂપ જોઈએ. ત્રીજો શબ્દ ‘બલનિધિ.’ આપણા જીવનને બળથી ભરીએ. માત્ર શારીરિક બળ જ નહીં, પરંતુ આત્મબળ, મનોબળ. ભજન કરવું હોય તો વ્યક્તિ બળનિધિ હોવો જોઈએ. અન્ય ત્રણ નિધિ - યોગ, જ્ઞાન, વૈરાગ્ય. યોગનિધિ. આપણા જીવનને યોગથી ભરીએ. યોગના બે અર્થ. એક અર્થ છે અષ્ટાંગયોગ. યોગ જરૂરી છે, કરો. યોગ આપણી નિધિ છે. બીજો અર્થ છે જોડવું. સમાજમાં સમન્વય કરીએ. જીવનકોઠીમાં સમન્વયવાદ ભરો. કોઈનો તિરસ્કાર ન કરવો, કોઈની ઉપેક્ષા ન કરવી. સમન્વયવાદથી તમારા જીવનને ભરી દો. એક નિધિ છે, જ્ઞાનનિધિ. જ્ઞાન આપણી સંપદા છે. જીવનને જ્ઞાનથી ભરો. જ્ઞાન હોવું જોઈએ, માહિતી નહીં. છઠ્ઠી નિધિ છે વૈરાગ્ય. વૈરાગ્ય બહુ મોટી નિધિ છે. જે વ્યક્તિમાં વિરાગ આવે, શું કહેવું! હાથથી છૂટે એ ત્યાગ અને હાર્ટથી છૂટે એ વૈરાગ. વૈરાગ્ય અધ્યાત્મજગતની નિધિ છે. જીવનની કોઠીને આ નિધિથી ભરવામાં આવે. સાતમી નિધિ, વિવેક. એ વિવેક પણ બંધનકર્તા નહીં, મુક્તિદાતા. ગોસ્વામીજી વિવેકને નિધિરૂપે બતાવે છે. ‘માનસ’માં જનકરાજ વિવેકનિધિ છે. આપણે વિવેકથી કોઠી ભરીએ. લૌકિક અને અલૌકિક વિવેક. લૌકિક વિવેક એટલે કેવી રીતે બેસવું, કેવી રીતે ઊઠવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું , કેવી રીતે ખાવું. અલૌકિક વિવેક તો અપરોક્ષાનુભૂતિ છે. પરંતુ કમ સે કમ લૌકિક વિવેક તો શીખીએ! બધો જ વિવેક સત્સંગથી પ્રાપ્ત થાય છે. એક નિધિ છે, પ્રેમનિધિ. જેટલી વહેંચો એટલી વધે એવી નિધિ. અમારા અયોધ્યાના બે-ત્રણ સંતોને હું જાણું છું; એમણે તો એનું ઉપનામ રાખ્યું હતું ‘પ્રેમનિધિ’. એક નિધિ છે તેજનિધિ. એક પ્રકાશ, એક આભા. તેજનિધિવાળા જેટલા બુદ્ધપુરુષ સંસારમાં થયા છે, એ જ્યાં જાય છે, પ્રકાશ એનો પીછો કરે છે. તેજ વધે છે તપસ્યાથી. તપસ્યા તેજની દાતા છે. કરુણાથી મળેલી આ માનવકોઠીમાં શું ભરવું, એ તુલસી આપણા પર છોડે છે. (સંકલન : નીિતન વડગામા) nitin.vadgama@yahoo.com
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.