રાગ બિન્દાસ:ચાલો ચડીએ મોટા માણસને ખભે મહિમા પરાઇ, સબસે સવાઇ!

4 મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • કોઇ પણ મહાન માણસના ખભા પર તમે ચડી જાવ તો તમારી હાઇટ આપોઆપ ઊંચી થઇ જ જશે

ટાઈટલ્સ બીજાની નિષ્ફળતા ઘણી વાર પોતાની સફળતા કરતાં વધુ આનંદ આપે (છેલવાણી) અમારો એક ડ્રાઇવર અમિતાભ બચ્ચનનાં જૂના બંગલા પાસેની નવી ઝૂંપડપટ્ટીમાં રહેતો, પણ તોય આત્મવિશ્વાસથી કહેતો, ‘સા’બ... બચ્ચનજી હમારે પડોસી હૈ. કુછ કામ હો તો બોલના!’ ટેક્નિકલી વાત ખોટી પણ નથી ને? એવા લોકોને કંઇ કહેવાનો અર્થ નથી કારણ કે મહાન માણસનાં પડછાયામાં જીવવાનું એનું સુખ શા માટે છીનવવું? બોલિવૂડમાં આવેલો નવો નવો એકટર, પોતાનાં ગામ જઇને એમ જ કહેતો હોય છે કે, ‘કાલે શૂટિંગમાં શાહરુખ મારી સાથે જ હતો!’ હકીકતમાં એ જે સ્ટુડિયોમાં ભોજપુરી ટી.વી. સિરિયલ કરતો હોય, ત્યાં પાસેના સેટ પર શાહરુખની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય! પડોશીનાં છોકરાંને પોતાનાં છોકરાંનાં કપડાં પહેરાવીએ તો એ પોતાનાં સંતાન જેવાં જ લાગવા માંડે, એવા ઉછીના આભાસની આ વાત છે. જોકે આમાં આપણે સૌ ઓછાવત્તા અંશે મજા લઇએ જ છીએ ને? વિખ્યાત લેખક, નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શો બિન્દાસ કહેતા, ‘હું શેક્સપીઅર કરતાં ઘણો ઊંચો છું કારણ કે હું શેક્સપીઅરનાં ખભા પર ઊભો છું!’ આઇડિયા સારો છે. કોઇ પણ મહાન માણસના ખભા પર તમે ચડી જાવ તો તમારી હાઇટ આપોઆપ ઊંચી થઇ જ જશે. એ ઠીક છે, પણ ઘણા લોકો મહાન માણસોના ખભે ચડી ગયાં પછી નીચે ઊતરવાનું નામ જ નથી લેતાં! આમેય મહાન માણસો માર્કેટમાં રેડીમેડ જ મળે છે તો એમનું નામ વાપરવાનું હાથવગું રહે છે. ગાંધી, કૃષ્ણ, સોક્રેટિસ, સરદાર, નેતાજી સુભાષબાબુ, ગાલિબ કે બુદ્ધ જેવા અવેલેબલ નામો પર પોતાની વાતનું લેબલ જોડી દેવાનું. કામ પત્યું. ગયા વર્ષે કોરોના કાળ અગાઉ એક નાનાં શહેરમાં જવાનું થયું. એમનું એડ્રેસ પૂછતાં એ સજ્જને તરત જ કહ્યું, ‘અમારું ઘર ક્લેકટરના બંગલાની સાવ નજીક! અમારે અને કલેક્ટર સાહેબને ઘર જેવું. એમને ત્યાં દૂધ ખૂટી જાય તો તપેલી ભરીને અમારે ત્યાં માગવા આવે અને અમારે ત્યાં ખાંડ ખૂટી જાય તો અમે બે વાડકી એમને ત્યાંથી લઇ આવીએ.’ (અહીયાં વાત માર્ક કરજો કે કલેક્ટર ‘તપેલી ભરીને’ લઇ જાય ને પોતે ‘વાડકી ભરીને’ જ માગે!) ખેર, એમની ગલીમાં જઇને અમે ઘણા લોકોને પૂછયું, પણ કલેક્ટરનો બંગલો ન જ મળ્યો. પછી અમે ફોન કરીને ફરી પૂછયું, ‘કલેક્ટરનો બંગલો તો મળતો નથી, પણ ઉસ્માન પંક્ચરવાળાની દુકાનથી તમારું ઘર કેટલે દૂર છે?’ સામેથી જવાબ આવ્યો,‘બસ, તમે પહોંચી જ ગયા! ઉસ્માનની દુકાનની બાજુમાં જ મારું ઘર.’ અમે મનમાં કહ્યું, તો કલેક્ટરને વચ્ચે શું કામ ઘસડ્યા? પણ ના, ઉસ્માન પંક્ચરવાળાનું નામ લેત તો પોઝિશનમાં પંક્ચર પડી જાત ને? કલેક્ટરનું નામ લેવાથી ઔકાતનો ઓડકાર આવે. નવાઇની વાત એ છે કે એ ભાઇનો કેમિકલનો મોટો કારોબાર છે. કદાચ કલેક્ટર કરતાં વધારે કમાતાં હશે, પણ ‘કલેક્ટર’ના પાવરના પૂંછડાને પકડીને એમને તો વાહ-વાહની વૈતરણી તરવી હતી! શું થાય કલેક્ટરની મહાનતાનો બોજો ઉઠાવવાની એમને આદત પડી ગઇ હતી! ઈન્ટરવલ જેનાં તન અને મન થયાં જુદાં, તે પામ્યો ભેદ અને પામ્યો ખુદા. (કલંદર) ઘણા વિદ્વાન લેખકો પણ પોતાનાં લખાણો કે ભાષણો સ્ટીવ જોબ્સ, ટાગોર, જિબ્રાન, અબ્દુલ કલામ, સ્ટીવન સ્પીલબર્ગ વગેરેને બાસુંદીમાં ચારોળી છાંટતા હોય એમ છાંટ્યા જ કરે. જાણે મહાન લોકોનાં ‘નેમ ડ્રોપિંગ’ પછી જ એમને પોતાની વિદ્વત્તા કે મહાનતાનો અહેસાસ થાય છે. અમારા બીજા મિત્ર વાતવાતમાં સસરાની મહાનતાને વચ્ચે લાવે.(બહુ ઓછા જમાઇ સસરાની મહિમા ગાઇ શકે છે, પણ એ ભાઇ તો પત્ની કરતાં એના બાપાના પ્રેમમાં હતા!) એમના સસરા પાછા, અંગ્રેજોનાં જમાનાનાં ફૌજી. એટલે એમના વિશેનાં કિસ્સા કેટલા સાચા, કેટલા ખોટા એ પૂછવાની ફેસિલિટી પણ અવેલેબલ નહોતી. એટલે તરત ગળે ઊતરે પણ નહીં. જાણે ગરમ ભજીયું ગળામાં અટક્યું હોય એવી આપણી હાલત થાય. હમણાં એ સસરાપ્રેમી મિત્ર રસ્તામાં મળી ગયા. ગાડી ઊભી રાખીને કહ્યું, ‘નાની બેબી બીમાર છે. ડોક્ટરનો ફોન લાગતો નથી, ક્લિનિક પર શોધવા જાઉં છું.’ ત્યારે સહજ પૂછાઇ ગયું, ‘સસરાજી કેમ છે?’ સસરાની વાત નીકળતાં જ મિત્ર બોલ્યા, ‘ફાધર-ઇન-લોની શું વાત કરો છો? ઘરમાં કોઇ બીમાર પડે કે એક ટાંગ પર ઊભા રહીને સેવા કરે!’ ‘કેમ બીજી ટાંગ યુદ્ધમાં કપાઇ ગઇ છે?’ ‘ના, ના, એક ટાંગ પર એટલે ખડે પગે રાત-રાત જાગીને સેવા કરે. હવે શરીર થાકી ગયું છે નહીં તો અત્યાર સુધીમાં તો મારી બેબીને ઊંચકીને દોડીને લઇ જાત. એક વાર પોતાના નોકરને બંને કિડની આપી દીધેલી!’ ‘ તો પછી પોતે કઇ રીતે જીવ્યા?’ ‘કિડની મેચ ન થઇ. નહીં તો જાન આપી દીધો હોત નોકર માટે, મારા સસરાએ!’ અમે યાદ અપાવ્યું, ‘સસરાજની વાત પછી કરજો.. બેબી સિરિયસ છે, ડોકટર શોધો પહેલાં.’ પેલા મિત્રને યાદ આવ્યું કે જે સસરાની પુત્રી એમની પત્ની છે, એમની પુત્રી અર્થાત્ એની પોતાની બેટી હયાત છે એટલે તરત ભાગ્યા! ઘણા લોકો સરકારી નોકરીમાં મોટા ઓફિસરને પકડીને એમનો મહિમા ગાતાં ગાતાં નોકરી કરીને આરામનું જીવન જીવે છે. સાહેબની ગાડીનાં ટાયર બદલતાં ક્યારે રિટાયર થઈ જવાય છે ખબર જ નથી પડતી! બ્રિટિશરાજમાં દિલ્હીના શેઠિયાઓ ખાનગીમાં અંગ્રેજોની લાત ખાઈ લેતા, વહુ-દીકરીઓને અંગ્રેજો પાસે મોકલી દેતા, બદલામાં મોટા કોન્ટ્રાક્ટો મેળવીને જાહેરમાં વટથી ફરતા. ઘણા કવિ-લેખકો સરકારી ઓફિસરોની વાહવાહી પર વર્ષોથી જાળવેલી ખુદ્દારી કોડીના દામે વેચી નાખે છે! ઘણા નાનાં લેખકો-પ્રોફેસરો ઉમાશંકર જોશી કે સુરેશ જોશી જેવી હસ્તીઓની માળા કરતાં આંગળીઓ એવી ઘસી નાખે છે કે એમાં પેન પકડીને પોતાનું લખવાની તાકત રહેતી નથી. જૂના જમાનાની સ્ત્રીઓ જાહેરમાં વરનું નામ ન લેતાં ‘પપ્પુના પપ્પા’ કહેતી, એ રીતે ઘણા લોકો સાવકી સક્સેસનાં લટકણિયાં વિના ખુદની ઓળખ આપી નથી શકતાં! જેમનું આઝાદીના સંઘર્ષમાં યોગદાન નથી એવા લોકો નહેરુ-ગાંધી-આંબેડકરના નામે વાતો કરીને ચરી ખાય છે! આવા લોકો આધાર કાર્ડ હોવા છતાં નિરાધાર છે કેમ કે પારકી મહિમાનો બોજ નિરાકાર છે. એન્ડ ટાઈટલ્સ આદમ : તારું ગુજરાતી શુદ્ધ નથી. ઈવ : હુ સેઈડ? યૂ આર જેલસ, યુ સી! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...