દેશ-વિદેશ:પાકિસ્તાનના દાખલા ઉપરથી આપણે કાંઈક શીખીએ

3 દિવસ પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક
  • પાકિસ્તાનનું વ્યૂહાત્મક સ્થાન ચીન, રશિયા અને અમેરિકાને સંબંધો ટકાવી રાખવા માટે મજબૂર કરે છે

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યંત ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. એક બાજુ ભાવવધારો અને ફુગાવો કાબુમાં આવવાનું નામ નથી લેતા, તો બીજી બાજુ વિદેશી મુદ્રા ભંડોળનું તળિયું દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન પોતાના મિત્રો અમેરિકા, ચીન તેમ જ અન્ય પાસે અર્થવ્યવસ્થાને ઉગારવા માટે ગુહાર લગાવી રહ્યું છે. દરમિયાનમાં પાકિસ્તાન માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. ચીને પાકિસ્તાનને આપેલ 1.3 અબજ ડોલરની લોનનું રોલઓવર (એટલે કે આગળ ખાતું ખેંચી હાલ પૂરતી રાહત આપવી) પૂરું પાડ્યું છે. પાકિસ્તાનના નાણાંમંત્રી ઇશાક દરના કહેવા મુજબ, આ 1.3 અબજ ડોલરમાંથી ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓક ચાઈના (ICBC) દ્વારા મંજૂર કરવામાં આવેલ રોલઓવર ફેસિલિટીના ભાગરૂપે ચાઇનીઝ બેન્કમાંથી 50 કરોડ ડોલર મળી ગયા છે. અત્યંત નાણાંભીડ અનુભવતો આ દેશ વધુ ને વધુ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે જેમાં ફુગાવાનો ઊંચો દર, ઘટતું જતું વિદેશી મુદ્રા ભંડોળ, વધતી જતી કરંટ અકાઉન્ટ ડેફિસિટ એટલે કે ચાલુ નાણાંખાધ અને ઘસાતું જતું પાકિસ્તાની ચલણનો સમાવેશ થાય છે. ચીને તાજેતરના મહિનાઓમાં ICBCને મળેલ પાકિસ્તાનની પરત ચુકવણીના સામે આ સવલત આપી છે. આ સવલત 1.3 અબજ ડોલર રૂપે ત્રણ હપ્તામાં ચીન દ્વારા પાકિસ્તાનને ચૂકવવામાં આવશે, જેનો પહેલો 50 કરોડ ડોલરનો હપ્તો સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનને મળી ગયો છે. આના કારણે પાકિસ્તાન પાસેના વિદેશી મુદ્રા ભંડોળમાં વધારો થશે. ફેબ્રુઆરી 24ની સ્થિતિએ આ વિદેશી મુદ્રા ભંડોળ 3.8 અબજ ડોલર જેટલું જ બચ્યું હતું, જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી આયાત માટે માત્ર એક મહિનો ચાલે એમ હતું. તરલ વિદેશી મુદ્રા રિઝર્વ લગભગ 9 અબજ ડોલર જેટલું પાકિસ્તાન પાસે છે. જેમાં પાકિસ્તાનની વાણિજ્યિક બેન્કો દ્વારા નેટ રિઝર્વ્સ તરીકે 5.5 અબજ ડોલર જેટલી રકમનો સમાવેશ થાય છે. ચીને આ રોલઓવર ફેસિલિટી મંજૂર કરી તે સંદર્ભે પાકિસ્તાનના નાણાંમંત્રીએ કહ્યું હતું કે આવનાર થોડા દિવસોમાં જ બીજા 50 કરોડ ડોલર પાકિસ્તાનને મળશે એવો અંદાજ છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટના નેતૃત્વ હેઠળ રચાયેલી સરકારમાં દર નાણાંમંત્રી છે અને તેમણે પોતાની સરકારની આર્થિક સિદ્ધિઓના વખાણ કરતાં કહ્યું હતું કે વિદેશી મુદ્રા ભંડોળ જે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન પાસે પહેલાં 2.8 અબજ ડોલર હતું, તે વધીને 3.8 અબજ ડોલર થયું છે. ચાલુ નાણાં વર્ષમાં સરકારે 6.5 અબજ ડોલર જેટલું વિદેશી દેવું પરત ચૂકવ્યું છે એવું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, ‘આ પ્રકારનું દેવું સામાન્ય રીતે રોલઓવર કરી શકાતું હોય છે, પણ એના કારણે એ ઘટતું નથી, જ્યારે અમે દેવું ઘટાડી રહ્યા છીએ.’ થોડાક સમય પહેલાં જ પાકિસ્તાને 5.5 અબજ ડોલર (2 અબજ ડોલર sukuk પેમેન્ટ તરીકે) દેવું પરત કરેલ. આ પરત ચુકવણીમાં બે અબજ ડોલર ચાઈના ડેવલપમેન્ટ બેન્ક અને ICBC અને 3.5 અબજ ડોલર બીજા દેશોની બેન્કોને પરત ચુકવણી રૂપે આપવામાં આવ્યા છે. પાકિસ્તાને ચીનની બેન્કને 1.3 અબજ ડોલરની પરત ચુકવણી 50-50-30 કરોડ ડોલરના ત્રણ હપ્તામાં કરી હતી. એટલે એ જ રીતે હપ્તાવાર આ પૈસા પાકિસ્તાનને પરત મળશે. આ જ રીતે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડને પાકિસ્તાનની રજૂઆત સામે સંતોષ છે, પણ આ અઠવાડિયે કોઈ ડીલ થવાની શક્યતા નથી. આમ, આર્થિક કટોકટીમાંથી પાકિસ્તાન પસાર થઈ રહ્યું છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાનમાંથી થતી ટેક્સટાઇલની નિકાસમાં ફેબ્રુઆરી 2023 દરમિયાન 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચીન, સાઉદી અરેબિયા અને IMF પાસેથી પાકિસ્તાનને જરૂરી નાણાંસહાય મળશે એમાં કોઈ શંકા દેખાતી નથી. પાકિસ્તાનનું વ્યૂહાત્મક સ્થાન ચીન, રશિયા અને અમેરિકા ત્રણેયને એની સાથે સંબંધો ટકાવી રાખવા માટે લગભગ મજબૂર કરે છે અને એટલે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કટોકટીમાંથી પસાર થશે, તો પણ એનો હાથ ઝાલીને ઉગારી લેનારાઓમાં અમેરિકા, રશિયા અને ચીન ત્રણેય હાજર હશે, એ વાત આપણને સમજાવી જોઈએ. ઘરઆંગણે આ પ્રકારની આર્થિક કટોકટીમાંથી પાકિસ્તાન પસાર થઈ રહ્યું છે અને ભેંસનું ગાય હેઠળ અને ગાયનું ભેંસ હેઠળ એમ સહાય અને ઉછીનાં નાણાં પાકિસ્તાની અર્થતંત્રનો કેડો છોડે તેમ દેખાતું નથી. ચીને વધારાની સહાય મંજૂર કરી, પણ પાકિસ્તાનને દેવાની જે પુનઃચુકવણી કરી હતી તેને જ રોલઓવર કરી પાકિસ્તાનને ચુકવાશે. જેના પરિણામે અત્યારે જે વિદેશી મુદ્રા ભંડોળનું તળિયું દેખાવા માંડ્યુ છે, તે સામે ચીનની આ રોલઓવર ફેસિલિટી અને IMF દ્વારા પણ પાકિસ્તાની અર્થવ્યવસ્થાને સહાય કમ-સે-કમ આવનાર એક વર્ષ તો પાકિસ્તાનને તરતું રાખશે, પણ આટલું પૂરતું નથી. પાકિસ્તાનમાંથી થતી નિકાસ ઘટી રહી છે. જેનો ટેક્સટાઈલ ક્ષેત્ર દાખલો પૂરો પાડે છે. આ સંદર્ભમાં ભારત માટે પણ ઘટતું જતું વિદેશી મુદ્રા ભંડોળ તેમ જ ચીન જેવા દેશ સાથેના વેપારમાં પણ 100 અબજ ડોલર કરતાં વધારે વેપાર ખાધ ચિંતાનો વિષય હોવા જોઈએ. રોજગારી, ઔદ્યોગિક ઉત્પાદનમાં ઝડપ, નવી નોકરીઓની તકો, ડોલરની સરખામણીમાં રૂપિયો ઘસાતો જવાનું અટકે અને કમ-સે-કમ રૂપિયો સ્થિર રહે, આયાતોમાં શક્ય તેટલો ઘટાડો અને નિકાસ મોરચે વિશેષ પ્રયત્ન થકી વિદેશી મુદ્રાની કમાણી વધારવી, આ બધું ભેગું થાય તો ભારત વિદેશી મુદ્રા ભંડોળ બાબતની કટોકટીથી નિશ્ચિંત થઈ શકે. અત્યારે તો વિદેશમાં રહેતાં આપણાં બિન-નિવાસી ભારતીયો દ્વારા મોટા પાયે દેશમાં મોકલાતું વિદેશી હુંડિયામણ આપણને ટકાવી રાખે છે, પણ એનાથી જ સંતોષ માનીને બેસી રહેવું યોગ્ય નહીં રહે. વિદેશી મુદ્રા ભંડોળમાં વધારો થાય અને કુલ વેપાર ખાધ ઘટે, તે માટેનો સઘન પ્રયત્ન જ ભારતીય અર્થવ્યવસ્થાને વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ અંગેની ચિંતાથી મુક્ત રાખી શકે. ⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.) jnvyas.spl@gmail.com

અન્ય સમાચારો પણ છે...