તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્યો LL.B.:ઉડાવી દો અમને બન્ને ને! પછી અમારી લાશોને પૂછ્યા કરજો પ્રેમથી...

2 મહિનો પહેલાલેખક: વિભાવરી વર્મા
  • કૉપી લિંક
  • કનિયા પાસે જે પ્લાન હતો તે સાવ અધકચરો હતો. માત્ર અધકચરો જ નહીં, વાહિયાત પણ હતો. છતાં કનિયાને પોતાના કોન્ફિડન્સ પર પૂરો ભરોસો હતો

પ્રકરણ -30
‘કનિયા, તારી ઝરીન મેડમ વીફરી છે: ઇન્સ્પેક્ટર ચૌહાણ અહીં સર્ચ વોરન્ટ લઈને આવ્યા હતા ત્યારે આખું ઘર ફેંદી નાંખ્યું, પણ મેડમની રિવોલ્વર મળી જ નહીં! એટલું જ નહીં, મેડમે કીધું કે મારી પાસે એવા બે ઓડિયો રેકોર્ડિંગ છે જે આખા કેસને પલટાવી નાંખશે!’
મુસ્તુફાનો ફોન સાંભળીને કનિયાની બુદ્ધિ બહેર મારી ગઈ... સાલી, કઈ જાતની ઔરતના પ્યારમાં પડ્યો છું હું? હજી સવારે તો મેડમને ફોનમાં મોટો ડાયલોગ સંભળાવ્યો હતો કે ‘તમારા માટે જાન આપી દઈશ, પણ મારી મહોબ્બત ઉપર દાગ નહીં લાગવા દઉં...’ અને એ જ મેડમ વફાના બદલામાં નકરી બેવફાઈ પર બેવફાઈ કરતી જાય છે?
બે ઘડી માટે તો થયું કે સાલો, ભાડમાં જાય પેલો દલસુખ અને ભાડમાં જાય 300 કરોડનો દલ્લો! ઉસ્માનભાઈને ભૈરવબાબુ કરી કરીને શું કરી લેશે? અરે, પોતે પણ આ આંધળા પાટા જેવી રેસમાં શું ઉખાડી લેવાનો હતો? શું 300 કરોડ હાથમાં આવશે તો જિંદગી બની જશે? બકા, જિંદગી તો બની ગઈ હોત... જો ઝરીન એની સાચી મહેબૂબા બની હોત!
સામે પડેલી મસાલા ઢોંસાની પ્લેટ હડસેલીને કનિયો હતાશ થઈને બેસી રહ્યો. છેવટે મગજમાં શું સૂઝ્યું, તે ઝરીનને ફોન લગાડી જ દીધો!
‘હાય કનુ!’ સામે છેડેથી ઝરીનનો મીઠા મધ જેવો ખુશનુમા અવાજ સંભળાયો.
‘બસ, હવે થઈ ગઈ ને તમારા દિલમાં ઠંડક?’ કનિયાએ ભડાસ કાઢવા માંડી. ‘મને આમ ફસાવી જ મારવો હતો તો સૌથી પહેલાં જ કહી દેવું હતું ને? અત્યાર સુધીમાં તો હું જનમટીપની સજા સાથે જેલમાં બેઠો હોત.’

સામે છેડેથી ઝરીનનો મીઠા મધુરા હાસ્યનો અવાજ સંભળાયો. કનિયો વધારે બગડ્યો. ‘હસી લો મેડમ, હસી લો! તમને તો બહુ બધા મરદોને રમાડતાં આવડે છે, હવે પેલા ચૌહાણ સાહેબને રમાડવાના છો? એ માણસ હુસ્નની જાળમાં તો ફસાય એવો નથી લાગતો એટલે હવે એને સામે ચાલીને પુરાવાઓ આપીને પ્રમોશન અપાવવાની રમત રમી રહ્યા છો, એમ ને?’ ‘પુરાવા? કેવા પુરાવા?’ ઝરીન ફરીથી હસી. ‘કેમ, પેલાં કયાં બે ઓડિયો રેકોર્ડિંગ આપવાની વાત કરી છે તમે?’ ‘ઓહો એ!’ ઝરીન હસી પડી. ‘તેં મુસ્તુફાને બરોબરની જાસૂસી શીખવાડી રાખી છે હોં! બધી ખબર પહોંચાડે છે.’ ‘પહોંચાડે જ ને? તમને ના ફાવતો હોય તો એને ઘરમાંથી કાઢી જ મુકો ને!’ ‘અરેરે...’ ઝરીને બનાવટી રડવું કાઢતાં કહ્યું. ‘કનુ, જરા સમજ. જો મારી રિવોલ્વર ઘરમાંથી પકડાઈ ગઈ હોત તો હું ફરી અંદર થઈ જાત કે નહીં? આમાં તો શક તારી ઉપર પણ જાય કે એ રાત્રે કાર ડ્રાઈવ કોણ કરતું હતું? આખું પોરબંદર જાણે છે કે મારી ડિઝાયરનો ડ્રાઈવર તું છે... સાચું બોલજે, તું જ છે ને મારી ડિઝાયરનો અસલી ડ્રાયવર?’ આયે હાયે! ઝરીને છેલ્લું વાક્ય જે રીતે કહ્યું એ સાંભળીને કનિયાનું દિલ બે ધબકારા ચૂકી ગયું! હજી એ કંઈ જવાબ આપે એ પહેલાં ઝરીને એ જ મીઠડા અવાજે કહી દીધું : ‘કનુ, મેં તને ઓળખવામાં થોડું મોડું ભલે કર્યું, પણ મને હવે સમજાય છે કે મારો કોઈ સાચો આશિક હોય તો એ તું જ છે. મહેશ્વરીની દોલત જોઈને હું અંજાઈ ગઈ હતી. એ મને આપી આપીને શું આપવાનો હતો, દોલત જ ને? જ્યારે તારી પાસે દિલ છે. એક સાચા પ્રેમીનું દિલ! કનુ, વિશ્વાસ રાખજે, હું તારી સાથે કદાચ બીજી રમત ભલે રમી નાખું, પણ તને દગો તો કદી નહીં આપું! સાંભળે છે ને, કનુ?’ હવે કનુ શું કહે? પોતે જે સાંભળવા માગતો હતો એ ઝરીને સામે ચાલીને કહી દીધું! બસ, હવે તો... ***

કનિયાની બ્લુ કેબ ફરી એકવાર ઉમરગામ–દમણ તરફના કોસ્ટલ હાઈવે ઉપર જઈ રહી હતી. હકીકતમાં કનિયાએ રિસ્ક જ લીધું હતું. એની એક જ ગણત્રી હતી કે દલસુખ જેવો ભીરુ સ્વભાવનો ડરપોક ઉંદરડો એક દરમાંથી નીકળીને સૌથી નજીક જે બીજું બાકોરું દેખાય એમાં જ ઘૂસ્યો હશે. પેલી બાજુ ઉસ્માનભાઈ અને ભૈરવબાબુની ગેંગ દમણ, વાપી, પારડી, નવસારી, અંકલેશ્વર સુધીનો વિસ્તાર ઘમરોળી ચૂકી હતી. એટલું જ નહીં, વાપીથી મહારાષ્ટ્ર બોર્ડર ક્રોસ કરીને દહાણુ સુધી દલસુખની શોધ ચલાવી રહી હતી. આ તરફ કનિયો એ જ પારસીબાવાને બંગલે પહોંચ્યો હતો... રાતના સાડા નવ જેવા થવા આવ્યા હતા. કનિયાએ ફોન કરીને તેની પૂંછડી ઝાલીને આવી રહેલા બે ટપોરીઓને આઘા રહેવાની સૂચના સાથે ચેતવણી આપી હતી કે ‘સાલોં, તુમ્હારે ડર સે અગર દલસુખ ભાગ ગયા તો મુઝે મત કહેના!’

પારસી સજ્જન પાસે જઈને કનિયાએ નમ્રતાથી પૂછ્યું, ‘પેલા ભાઈ હજી ઉપરના રૂમમાં જ છે? એમને થોડા બીજા રૂપિયા પહોંચાડવાના છે.’ ‘ ના રે!’ પારસીબાવા બોલ્યા. ‘તેવણ તો તમે બપોરે બહાર ગિયા તેના અડધા કલાકમાં જ હિસાબ ચૂક્તે કરીને ચાલિયા ગયેલા.’ ‘એ કઈ દિશામાં ગયા? ડાબે કે જમણે? નોર્થ કે સાઉથ?’ જવાબમાં પારસી ગૃહસ્થે ખભા ઉલાળ્યા. કનિયો હાથમાં બ્રિફકેસ સાથે બહાર નીકળ્યો. સામે દૂર દરિયો ચંદ્રના ઝાંખા પ્રકાશમાં તગતગી રહ્યો હતો. ડાબે જમણે તો સન્નાટો હતો. દલસુખ જઈ જઈને ક્યાં જઈ શકે? થોડું વિચાર્યા પછી કનિયાએ બીજું એક તીર અંધારામાં ચલાવ્યું. તે બંગલાની ડાબી તરફથી પાછળના ભાગે ગયો... કનિયાને ત્યાં અંધારામાં એક સર્વન્ટ ક્વાર્ટર જેવું દેખાયું. કનિયો નજીક ગયો. આસપાસ ઊગી નીકળેલા કાંટાળા ઝાંખરામાંથી રસ્તો કરીને કનિયો એ નાનકડી ખોલી પાસે પહોંચ્યો તો એનો જૂના સડી ગયેલા લાકડાના દરવાજાનો નકુચો ખુલ્લો દેખાયો! કનિયાએ ધીમે રહીને દરવાજો હડસેલીને મોબાઈલની લાઈટ ચાલુ કરી. ‘તારી ભલી થાય!’ કનિયાની આંખો આશ્ચર્યથી પહોળી જ રહી ગઈ! ત્યાં ખોલીના એક ખૂણામાં સાડા ચાર ફૂટિયો દલસુખ મોબાઈલની લાઈટના અજવાળાને ડરથી જોતો ફફડતો બેઠો હતો! કનિયો હસી પડ્યો. ‘સાલા, હરી ફરીને આ જ જગ્યા મળી તને?’ દલસુખ હજી ડરેલો હતો. તેના હોઠ ફફડ્યા. તે માંડમાંડ બોલ્યો ‘તમે મને મારી તો નહીં નાંખોને?’ ‘અલ્યા, તને મારી જ નાંખવો હોત તો તારી આ જાડી આંગળીઓ વચ્ચે મેં ચીઠ્ઠીની ગડી વાળીને શા માટે ખોસી હોત?’

દલસુખનો જીવ હવે હેઠો બેઠો. હકીકતમાં દલસુખને રેઢો મુકીને જતાં પહેલાં કનિયાએ તેની આંગળીઓમાં જે ચીઠ્ઠી ફસાવી હતી તેમાં લખ્યું હતું : ‘જીવતા રહેવું હોય તો અહીંથી નીકળીને બીજે ક્યાંક સંતાઈ જજે. નહિતર ભોગ તારા.’ કનિયો હજી હસી રહ્યો હતો. ‘સાલા, અહીં કેટલા દહાડા ભરાઈને બેસી રહેવાનો હતો?’ ‘બે ત્રણ દિવસ તો ખરા જ.’ દલસુખે તેની બાજુમાં રાખેલાં ફૂડ-પેકેટો બતાડતાં કહ્યું. ‘જતાં પહેલાં મેં થોડું ખાવાનું બંધાવી લીધું હતું!’ કનિયો હવે ખડખડાટ હસ્યો. તેણે દલસુખના ખભે ધબ્બો માર્યો. ‘ચાલ, ઊભો થા. હવે તું આઝાદ થઈ જઈશ.’ દલસુખે ‘આઝાદ’નો મતલબ જુદો જ કાઢ્યો. એના ડોળા ચકળવકળ થઈ ગયા. ‘ભાઈ, સાચું કહેજો, મને જીવતો સોંપી દેવાની સોપારી તમે કેટલામાં લીધી છે?’ કનિયો અચાનક ગંભીર થઈ ગયો. ‘દલસુખ, તું આખી ગેઈમનું બહુ નાનકડું પ્યાદું છે. સાલા, પારસીબાવાના બંગલાથી નીકળીને તેના સર્વન્ટ ક્વાર્ટરમાં સંતાવા જેટલી જ તારી પહોંચ છે! ધારો કે તારી પાસે ત્રીસ-ચાલીસ કરોડ રૂપિયા હોય, તો પણ શું તું ઇન્ડિયાથી નીકળીને કોઈ દુબઈ-મસ્કત જેવા દેશમાં ભાગી શકે? નકલી પાસપોર્ટ, નકલી વિઝા એવું બધું કરાવી આપનાર ગેંગના એકપણ માણસને તું ઓળખે છે ખરો? અને મેઇન વાત તો એ કે તારા ફેમિલીનું શું?’ દલસુખ ચૂપ થઈ ગયો. કનિયાએ એના ખભા ઉપર હાથ મુકતાં કહ્યું ‘બચ્ચુ, હવે હું જેમ કહું એમ જ તારે કરવાનું છે, સમજ્યો?’ ***

કનિયા પાસે જે પ્લાન હતો તે સાવ અધકચરો હતો. માત્ર અધકચરો જ નહીં, વાહિયાત પણ હતો. છતાં કનિયાને પોતાના કોન્ફિડન્સ પર પૂરો ભરોસો હતો. બ્લુ કલરની કેબમાં દલસુખને બાજુમાં બેસાડીને તેણે ઉસ્માનભાઈને ફોન લગાડ્યો : ‘ઉસ્માનભાઈ, દલસુખ મિલ ગયા હૈ. અભી એક મીટિંગ ફિક્સ કરો, સુરત મેં...’ સુરતમાં ઉધના મગદલ્લા રોડ ઉપર એક જમાનામાં બનેલી કોલોનીના અડધો અડધ ફ્લેટ કોઈ કારણસર હજી સુના પડ્યા છે. એવા જ એક ખાલી ફ્લેટમાં મીટિંગ સેટ થઈ. કનિયાની સાથે દલસુખ હતો. સામે ઉસ્માનભાઈ અને ખુદ ભૈરવબાબુ બેઠા હતા. કનિયો એની જિંદગીમાં પહેલી જ વાર ભૈરવબાબુ સામે ફેસ-ટુ-ફેસ થયો હતો. પહોળા મજબૂત ખભા, કસરત કરીને ફૂલેલાં બાવડાં, માથે ટૂંકા વાળ, જાડી મીણ પાયેલી વળ ચડાવેલી મૂછો, કાનમાં સોનાની બુટ્ટીઓ અને સુરમો આંજેલી ખતરનાક આંખોમાં ફૂટેલી લોહીની ઝીણી ટશરો... કનિયો જિંદગીમાં પહેલી વાર થોડો નર્વસ હતો. સામે બન્ને જણાએ પોતપોતાની રિવોલ્વરો કાઢીને ટિપોય ઉપર મુકી રાખી હતી. ઉપરથી બન્નેના બબ્બે ટપોરીઓ ગન તાણીને ઊભા હતા. કનિયાએ પોતાની ગભરામણ દબાવતાં કહ્યું :

‘દલ્લો ક્યાં છે તે મને દલસુખે કહી દીધું છે, પણ મારી એક શરત છે. દલસુખને એના ફેમિલી સાથે હેમખેમ દેશની બહાર મોકલી આપવો પડશે. એ પછી જ હું મોં ખોલીશ.’ ‘તેરી તો માં કી -’ ભૈરવબાબુ ભડકી ઊઠ્યા. ‘સાલા, દલસુખને શા માટે છોડી દેવાનો?’ ‘જુઓ, મારી વાત સમજો.’ કનિયાએ કહ્યું. ‘દલસુખ બિચારો ચીઠ્ઠીનો ચાકર છે. એણે એના માલિકના રૂપિયાનો વહીવટ એક નવા પૈસાની બેઈમાની વિના કર્યો છે. એને તો હજી પણ એક રૂપિયો નથી જોઈતો. બસ, એ અને એનું ફેમિલી સહીસલામત રહે એટલી જ એની શરત છે... અને હું બેઠો છું ને?’ ભૈરવબાબુએ બે મિનિટ વિચાર કરીને કહ્યું ‘ઠીક છે. થઈ જશે. હવે બોલ દલ્લો ક્યાં છે.’ ‘એમ નહીં’ કનિયાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું ‘દલસુખ અને એનું ફેમિલી ઇન્ડિયાથી નીકળીને દુબઈ, મસ્કત કે દોહા પહોંચે પછી જ! આ કામ ચોવીસ કલાકમાં પતવું જોઈએ. નહિતર ભૂલી જાવ!’ બીજી જ ઘડીએ ચાર ચાર ગન કનિયા અને દલસુખ સામે તણાઈ ગઈ! કનિયો હવે બિન્દાસ થઈ ગયો. ‘ઠીક છે? ઉડાવી દો અમને બન્ને ને! પછી અમારી લાશોને પૂછ્યા કરજો પ્રેમથી...’ સામે તકાયેલી ગનોને જોઈને દલસુખ ઊંચોનીચો થઈ રહ્યો હતો, પણ કનિયો નિરાંતે અદબ વાળીને બેસી જ રહ્યો. બે મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ પછી ભૈરવબાબુ બોલ્યા : ‘ઠીક છે, મંજૂર છે.’ ***

આખી વાતમાં ચોવીસ તો નહીં, પણ અડતાળીસ કલાકે બધું પત્યું. અંડરવર્લ્ડનું તંત્ર ભલભલા ઇન્ટરનેટના તંત્રો કરતાં અમુક બાબતોમાં વધારે ઝડપી હોય છે. દલસુખ અને તેનું ફેમિલી મસ્કત પહોંચી ગયું હતું. ત્યાંની કરન્સી ઓમાન રિયાલના હિસાબે તેમને પંદર લાખ રૂપિયા જેટલી કેશ પણ અપાઈ ગઈ હતી. થોડા દિવસ હોટલમાં રહ્યા પછી એ ઉંદરડો પોતાનું નવું દર શોધી લેશે તેની કનિયાને ખાતરી હતી.
બધું પતી ગયું પછી કનિયાએ શાંતિથી ધડાકો કર્યો : ‘બોસ, કોઈ દલ્લો છે જ નહીં!’
એ સાથે જ બે રિવોલ્વરોમાંથી ગોળીઓ છૂટી! બન્ને કનિયાના બે કાનની બાજુમાંથી પસાર થઈ ગઈ!
(ક્રમશઃ)
vibhavari4dil@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser