માનસ દર્શન:આપણે સાચા અર્થમાં ગૃહસ્થ બનીએ

મોરારિબાપુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણા વ્યક્તિગત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવનના સંદર્ભમાં પાંચ યજ્ઞ ચાલી રહ્યા છે

‘શ્રીમદ્્ ભગવદ્્્ગીતા’ના ચોથા અધ્યાયમાં એક શ્લોક છે, એક મંત્ર છે - દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે। સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતય: સંશિતવ્રતા:। ‘ગીતા’નાં ભગવાન કૃષ્ણનાં આ વચનોની ઘણા ઋષિ-મનીષીઓએ વ્યાખ્યા કરી છે; એનું ભાષ્ય કર્યું છે. કોઈ એને પાંચ યજ્ઞ ગણાવે છે; કોઈ ચાર યજ્ઞ ગણાવે છે. મારી દૃષ્ટિએ એ પાંચ યજ્ઞ છે. એક તો છે દ્રવ્યયજ્ઞ. બીજો છે તપયજ્ઞ. ત્રીજો છે યોગયજ્ઞ. ચોથો છે સ્વાધ્યાય-યજ્ઞ અને પાંચમો છે જ્ઞાનયજ્ઞ. આપણા વ્યક્તિગત જીવનથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવનના સંદર્ભમાં આ પાંચ યજ્ઞ ચાલી રહ્યા છે; જેનો હું આજના સંદર્ભમાં અર્થ કરવા માગું છું. એ યજ્ઞ ન ચાલતા હોય તો શરૂ કરીએ; શરૂ કર્યા હોય તોે ગતિ આપીએ અને વિશ્વમંગલ માટે પરિણામ સુધી પહોંચીએ. ‘ગીતા’કાર કહે છે, ઘણા લોકો દ્રવ્યયજ્ઞ કરે છે. દ્રવ્યયજ્ઞ એટલે આપણી પાસે જે સ્થૂળ દ્રવ્ય છે એનો આજના સંદર્ભમાં યજ્ઞ કરવો. યજ્ઞ એટલે સ્વાહા; કેવળ વાહવાહ નહીં. એમ સમજવું કે આ દ્રવ્ય સૌને માટે છે. એમાં કોઈ એક રૂપિયાનો દ્રવ્યયજ્ઞ કરે કે કરોડો રૂપિયાનોે; અંતરંગ ભાવ છે સંવેદના. ધર્મસંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગજગત, રાજકીય જગત, ઝૂંપડાથી લઈને મહેલ સુધીની આખી દુનિયા પોતપોતાની ઓકાત મુજબ દ્રવ્યયજ્ઞ કરી રહી છે. જો આપણાથી એ શરૂ ન થયું હોય તો ક્ષમતા અનુસાર આપણે આ યજ્ઞ કરીએ. જરૂરતમંદોની સેવામાં જોડાઈએ. સાથોસાથ હરિનામનું સ્મરણ કરીએ. ભૂખ્યાંને ભોજન કરાવીએ. યથાસમજ સેવા અને સ્મરણ કરીએ. બીજો છે તપયજ્ઞ. આપણે બધાં, આખો દેશ અને દુનિયાના અનેક દેશો આજે મુશ્કેલીમાં છે. આ તપસ્યાનું પર્વ છે. આપણે બધાં તપયજ્ઞ કરી રહ્યાં છીએ. હું સમજું છું, લોકો અને બાળકો ઘરમાં રહીને કંટાળી જતાં હશે; વિચારવાન લોકોના પણ વિચારોમાં ખળભળાટ મચી જતો હશે કે શું થશે? પરંતુ ‘રામચરિતમાનસ’માં લખ્યું છે, રામરાજ્ય આવ્યું ત્યારે ‘નહિ ભય રોગ ન શોક.’ આ ત્રણ વસ્તુ નષ્ટ થઈ ગઈ હતી. ભય ન હતો; રોગ ન હતો; શોક ન હતો. શોક અતીતનો થાય છે અને ભય ભવિષ્યનો લાગે છે કે શું થશે? રોગ સદૈવ વર્તમાનમાં થાય છે; જે દેશ અને દુનિયામાં વર્તમાનમાં છે. તપસ્યા કરીને, ઘરમાં રહીને આપણે યજ્ઞ કરીએ. સંસારી લોકો માટે શબ્દ છે ‘ગૃહસ્થાશ્રમ.’ આપણે સાચા અર્થમાં ગૃહસ્થ બનીએ. ઘરમાં રહીએ; આમ-તેમ ન જઈએ; રાષ્ટ્રની મુશ્કેલી વધારીએ નહીં અને અસરગ્રસ્ત લોકોને અસુવિધા ન થાય એ માટે સેવા કરીએ, એ આપણો તપયજ્ઞ છે. ત્રીજો યજ્ઞ યોગયજ્ઞ. ત્યાં ભગવાન યોગેશ્વર બોલી રહ્યા છે. અનેક સંદર્ભમાં ‘યોગ’ શબ્દનું ઉચ્ચારણ એ મધુર હોઠે થયું હશે, પરંતુ આજના સંદર્ભમાં આનો અર્થ ત્રણ પ્રકારનો યોગ થઈ રહ્યો છે. એક તો સૌને પ્રિયજનોનો વિયોગ લાગુ પડ્યો. બીજું, જ્યાં છે ત્યાં બધાં સ્થિર થઈ ગયાં. એક અર્થમાં સંયોગનો યોગ થઈ ગયો છે. ત્રીજો યોગ, આપણી ક્ષમતાનો ઉપયોગ કરીએ. જડ અને ચેતન સાથે આપણો વ્યવહાર ઊલટો થઈ ગયો છે. એક એ પણ કારણ હોઈ શકે આપણાં સંકટોનું. જડનો સદુપયોગ કરવો જોઈએ. આપણી પાસે ધન આદિ, પદાર્થ આદિ જે જડ વસ્તુઓ છે એનો સદુપયોગ કરવો જોઈએ. જડ સાથે સદુપયોગ. ચૈતન્ય સાથે પ્રેમ. આપણે શું કર્યું? ચૈતન્યનો ઉપયોગ કરી લીધો; એને સાધન બનાવી લીધું અને જડ અને જડતા સાથે મહોબ્બત કરી લીધી! આ સંયોગ, વિયોગ, ઉપયોગ આજના સંદર્ભમાં યોગ છે. ઘણા મનીષીઓએ સ્વાધ્યાય-યજ્ઞ અને જ્ઞાનયજ્ઞને સાથે મૂકીને સ્વાધ્યાય-યજ્ઞનો જ્ઞાનયજ્ઞમાં સમાવેશ કર્યો છે. અલબત્ત, સ્વાધ્યાય એ જ્ઞાનયજ્ઞ છે. અધ્યયન એ જ્ઞાનયજ્ઞ છે. પ્રવચન પણ જ્ઞાનયજ્ઞ છે. ઉપનિષદોએ કહ્યું છે, ‘સ્વાધ્યાય પ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્.’ સ્વાધ્યાય સ્વયં એક સ્વતંત્ર યજ્ઞ છે. આપ ઘરમાં જેટલો કરી શકાય એટલો સદ્્ગ્રંથનો સ્વાધ્યાય કરો. સ્વનો અધ્યાય કરો, સ્વનું અધ્યયન કરો. જ્ઞાનયજ્ઞ; મને મારા એક શ્રોતાએ - કદાચ વિદેશી યુવકે પૂછયું હતું કે બાપુ, ઈન્ફર્મેશન અને નોલેજમાં શું તફાવત છે? મેં કહ્યું હતું, ઈન્ફર્મેશન માર્ગ છે, જ્ઞાન મંજિલ છે, ઉપલબ્ધિ છે. એવો જ્ઞાનયજ્ઞ, જે મંઝિલ બની જાય; એવી સમજ, વિચારણા જરૂરી છે. આપણે ત્યાં બે શબ્દ છે; ‘યંત્રણા’ અને ‘વિચારણા.’ યંત્રણાનો અર્થ છે પીડા. પીડાના સમયમાં સ્વથી લઈને સર્વ સુધી વિચારણા જરૂરી છે. એ જ્ઞાનયજ્ઞ છે. સાદા અર્થમાં કહું તો સમજ. જેમને આ જ્ઞાનયજ્ઞના યજ્ઞની મંઝિલ પ્રાપ્ત થઈ ગઈ છે એ કોઈ પણ પરિસ્થિતિમાં અટલ રહી શકે છે. ભગવાન રામને રાજગાદીની, યુવરાજપદની ઘોષણા થઈ ચૂકી હતી કે દશરથજી પછી એ રાજા બનશે, પરંતુ બાર કલાકમાં આખી ઘટના બદલાઈ ગઈ! સવાર થતાં નીકળી પડ્યા વનની વાટે! ઈશ્વર જ્ઞાનસ્વરૂપ છે; જ્ઞાનથી જ પામી શકાય છે; એવી સમજ, વિવેક આપણને આ દિવસોમાં મદદ કરી શકે છે. આ કઠોર વ્રત છે, પરંતુ વધારે માત્રામાં આજે આ પાંચેય યજ્ઞ થઈ રહ્યા છે; પોતાની મર્યાદામાં બધાં કરી રહ્યાં છે. આપણે દ્રવ્યયજ્ઞ; તપયજ્ઞ; યોગયજ્ઞ; સ્વાધ્યાય-યજ્ઞ; જ્ઞાનયજ્ઞ કરીએ. અલબત્ત, આ વ્રત બહુ કઠિન છે, ‘ક્ષુરસ્ય ધારા’ છે, પરંતુ દેશ અને દુનિયાની વિષમ પરિસ્થિતિમાં આપણે આ વિષમ વ્રત કરીએ. ⬛(સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...