તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયથોલોજી:ઇન્દ્રના હજાર આંખોવાળા શાપથી શીખીએ પૂર્ણતાના માપદંડો

9 દિવસ પહેલાલેખક: દેવદત્ત પટનાયક
 • કૉપી લિંક
 • ઇન્દ્રની કથા યાદ અપાવે છે કે કોઈ પણ વ્યક્તિ તમામ બાબતોમાં પરિપૂર્ણ ન હોઈ શકે. કોઈએ પરિપૂર્ણ થવાની જરૂર પણ નથી

પરંપરાગત દક્ષિણ ભારતીય ચિત્રો, પછી તે કર્ણાટકના હોય, મૈસૂરનાં હોય કે તામિલનાડુના તંજાવુર અથવા તો કેરળનાં ભીંતચિત્રો, એમાં ઇન્દ્ર ચોક્કસપણે દેખાશે. તમને ચાર દાંતવાળા સફેદ હાથી ઐરાવત પર બેઠેલા ઇન્દ્રના શરીર પર 1000 આંખો પણ દેખાશે. ઋગ્વેદના 1028 સ્તોત્રોમાંથી લગભગ ચોથા ભાગથી વધુ સ્તોત્રોમાં ઇન્દ્રનો ઉલ્લેખ છે. આ રીતે તે વેદોના સૌથી લોકપ્રિય દેવ છે. તે શૂરવીર છે અને તેમના નેતૃત્વ હેઠળ, તેમના સૈનિકો અસુરો પર વિજય પ્રાપ્ત કરે છે. વેદોમાં એ વાર્તા સૌથી વધુ પુનરાવર્તિત કરવામાં આવી છે કે કેવી રીતે વજ્રધારી ઇન્દ્રએ વૃત્ર નામના દુષ્ટ સાપને મારી, વર્ષાને તેની પકડમાંથી મુક્ત કરી. વર્ષાથી જ પૃથ્વીનું પોષણ કરતી નદીઓનું નિર્માણ થાય છે. પરંતુ વેદોના લગભગ હજાર વર્ષ પછી લખાયેલા પુરાણોમાં ઇન્દ્રનું આવું મનોહર વર્ણન નથી મળતું. પુરાણોમાં, તે ફક્ત એક દેવ છે, બ્રહ્માંડમાં રહેતા ઘણા જીવોમાંથી એક જીવ. તે દેવોના રાજા ચોક્કસ છે, પરંતુ શિવ અને વિષ્ણુ જેટલા મહાન નથી. તે મહાદેવ કે ભગવાન નથી. પુરાણોમાં તો, ઇન્દ્ર ક્રોધિત થઈ માનવતાને સતાવે અને નુકસાન પહોંચાડે એવા ભયંકર વરસાદનાં સ્ત્રોત સુધ્ધાં બને છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણનું રૂપ ધારણ કરીને આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકીને માનવતા બચાવવી પડી હતી. પુરાણો અનુસાર, ઇન્દ્ર તેમના નામ અનુસાર વર્તે છે. તે લોભથી લલચાઈ જાય. જે અપ્સરાઓ અને અન્ય સુંદર સ્ત્રીઓની ઝંખના કરે છે. પૃથ્વી પર રહેતી સ્ત્રીઓને એટલે જ કહેવાયું છે કે તેઓ તેમની માંગમાં સિંદૂર અને પગની આંગળીઓમાં વીંટીઓ જેવા વૈવાહિક ચિહ્્નો ધારણ કરે કે જેથી તેમને આકાશમાંથી જોનારા ઈન્દ્રને એ ખ્યાલ રહે કે આ સ્ત્રીઓ પરીણિત છે. પદ્મપુરાણમાં વર્ણવાયેલી એક દંતકથા અનુસાર, દેવરાજ ઇન્દ્ર સ્વર્ગલોકમાં અપ્સરાઓથી ઘેરાયેલા રહેતા. એક દિવસ તે ધરતી પર ફરી રહ્યા હતા. તે વખતે તેમણે જોયું કે એક ઝૂંપડીની બહાર ગૌતમ ઋષિની પત્ની દેવી અહલ્યા રોજિંદા કામમાં વ્યસ્ત છે. અહલ્યા એટલી સુંદર અને સ્વરૂપવાન હતી કે ઈન્દ્ર તેને જોઈને મોહિત થઈ ગયા. ઇન્દ્રએ અહલ્યાનું રૂપ પામવા માટેની એક યુક્તિ શોધી. ગૌતમ ઋષિ સૂર્ય ઉગતા પહેલા જ નદીમાં સ્નાન કરવા જતા રહેતા હતા. એ પછી, તેઓ લગભગ 2-3 કલાક પછી પૂજા કરીને આવતા હતા. કામગ્રસ્ત ઇન્દ્રએ પોતાની માયા દ્વારા સવાર જેવું વાતાવરણ ઊભું કરી દીધું. આ જોઈ ગૌતમ ઋષિ ઝૂંપડીમાંથી બહાર નીકળી ગયા. તેમના ગયા પછી તરત જ, ઇન્દ્ર ગૌતમ ઋષિના વેશે ઝૂંપડામાં પ્રવેશ કર્યો. આવતાની સાથે જ તેમણે અહલ્યાને રીઝવવા માટેના પ્રયત્ન કર્યા. દેવી અહલ્યાને પહેલાં તો પતિ દ્વારા કરવામાં આવેલા આવા વિચિત્ર વ્યવહારથી શંકા ગઈ, પરંતુ ઇન્દ્રની છળ-કપટ ભરી મીઠી-મીઠી વાતોથી વશીભૂત અહલ્યા પતિના સ્નેહમાં બધી બાબતો ભૂલી ગયાં. બીજી તરફ, ગૌતમ ઋષિ, નદીની નજીક પહોંચતા, આસપાસના વાતાવરણને જોતાં, ખબર પડી કે હજી સવાર નથી પડી. કંઇક અજુગતું થયાની શંકા સાથે પરત તેમના ઘરે પહોંચ્યાં. ત્યાં જઈને જોયું કે તેમના વેશમાં બીજો એક પુરુષ તેમની પત્ની સાથે કામક્રીડા કરી રહ્યો છે. આ જોઈ ઋષિ ગુસ્સે થઈ ગયા. ગૌતમ ઋષિએ ક્રોધમાં પત્ની અહલ્યાને શાપ આપ્યો કે તે જીવનભર પથ્થરની શીલા બનીને રહેશે. સાથે-સાથે, ઇન્દ્રને ધિક્કારતા, ગૌતમ ઋષિએ કહ્યું, ‘તે સ્ત્રીની યોનિ મેળવવાની ઇચ્છામાં આ બધું કર્યું છે, તને યોનિની આટલી ઝંખના છે, તો તને તે જ મળશે. હું તને શાપ આપું છું કે તારા શરીર પર એક હજાર યોનિઓ ઉત્પન્ન થઇ જશે. જેથી તારે સ્ત્રી-સંગાથની જરૂર જ નહીં રહે કારણ કે તું પોતે જ હજાર યોનિઓનો સ્વામી બની જઈશ.’ આના આધારે એટલું કહી શકાય કે હિંદુ પુરાણશાસ્ત્રમાં દેવો પણ શાપથી છટકી શકે એમ નથી. પરંતુ જેમ ઘણી હિન્દુ કથાઓમાં જોવા મળ્યું છે એમ આખરે આ શાપ આપનારને શાપિત વ્યક્તિ માટે દયા આવે છે અને એના પસ્તાવા કર્યા પછી તે શાપને બદલી નાખે છે. તેમ ઇન્દ્ર પણ પસ્તાવો વ્યક્ત કરે છે અને ગૌતમ ઋષિ એમના પર દયા કરી એક હજાર યોનિઓને એક હજાર આંખોમાં ફેરવી નાખે છે. આ રીતે ઇન્દ્રનું શરીર એક હજાર આંખોથી ઢંકાઈ જાય છે. દરેક આંખ ઇન્દ્રની ઇન્દ્રિયો પર નજર રાખે છે કે શું તે કોઈ નિર્દોષ સ્ત્રીને તેમના મોહ, શક્તિ અને પ્રભાવથી લલચાવે છે? અથવા તેમની સુંદરતા અને ભવ્યતાથી આકર્ષિત કોઈ રસ ધરાવતી સ્ત્રી દ્વારા તેમને ફોસલાવવામાં આવે છે? જે કંઈ પણ હોય, ઇન્દ્ર દેવોના રાજા યથાવત્ છે. તેમને સ્વર્ગમાંથી બહાર કાઢવામાં નથી આવ્યા. તે તેમના સિંહાસન પર બેઠેલા જ છે. તેમની આંખો બધાને હંમેશાં તેમના ગુનાઓની યાદ અપાવતી રહે છે. તેમને બોધપાઠ મળે છે, પરંતુ તેમને નામંજૂર અથવા તો નકારવામાં આવતા નથી. આ રીતે, આ વાર્તા આપણને યાદ અપાવે છે કે કોઈ પણ વ્યક્તિ બધી રીતે પરિપૂર્ણ હોઈ ન શકે, દેવોનાં રાજા પણ નહીં. અને હકીકતમાં કોઈએ સંપૂર્ણ થવાની જરૂર પણ નથી. બધા લોકો ભૂલો કરે છે અને તેનું પુનરાવર્તન પણ કરે છે. પરિપૂર્ણતા એક ભ્રમ છે. આપણે ફક્ત આશા રાખી શકીએ છીએ કે બીજી વાર આ લોકો તેમની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખશે અને ભૂલોથી શીખીને તેમની જીતનો ઢંઢેરો પીટવાને બદલે એક જવાબદાર વ્યકિત બની બીજાઓને સાંભળવા સક્ષમ બનશે. ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો