તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ નેટવર્ક:બાહ્ય જગતમાં કંઈ છોડો, તે ક્ષણે અંતરમાં કંઈક પ્રાપ્ત થાય

કિશોર મકવાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધન અને ધ્યાન બંને એકસાથે સંભવ છે? રજનીશ કહે છે બધી વાસનાથી મુક્ત બનો તો સંભવ છે. એમણે એમના પ્રવચનમાં અલગ અલગ સમયે આ બાબતે કરેલી વાતો આપણે સળંગ જોઇએ

ચીન જૈન શાસ્ત્રમાં એક કથા છે – અમરાવતીના ધનિક સુમેદની! સુમેદના પિતાનું મૃત્યુ થયું. તેઓ અમરાવતીના સૌથી વધુ ધનવાન હતા. પિતાના મૃત્યુ બાદ, અંતિમ સંસ્કાર કર્યા બાદ, તેમ જ પરિવાર અને પ્રિયજનોની વિદાય પછી પેઢીના મુનીમ તેમની પાસે આવ્યા. તેમણે સુમેદ આગળ પેઢીનો બધો હિસાબ મૂક્યો. તેમનાં કેટલાં મકાનો હતાં, કયા મકાનમાં કેટલું રોકાણ થયું છે તેમ જ બીજા બધાં વ્યવસાયની નોંધ મૂકી. કયા વ્યવસાયમાં કેટલું મૂડીરોકાણ થયેલું છે અને કેટલી માલમિલકત છે તે જાણ કરી. મુનીમે સુમેદને કહ્યું : ‘તમે મારી સાથે નીચે ભોંયરામાં આવો તો હું તમારા પિતાએ મને સોંપેલી તિજોરીઓની ચાવીઓ સોંપી દઉં.’ સુમેદ ઊભો થયો. તેણે બધી ખાતાંવહીઓ જોઈ. કરોડો રૂપિયાની સંપત્તિ હતી. તેણે ભોંયરામાં જઈને બધી તિજોરીઓ જોઈ. તેમાં બહુમૂલ્ય રત્નો ભર્યાં હતાં. અબજોની સંપત્તિ હતી. સુમેદે બધું જોયું. મુનીમજી તેને જોઈને ખૂબ વિસ્મય પામ્યા. સુમેદ આ બધી સંપત્તિ જોઈ તો રહ્યો હતો, પરંતુ જાણે તે ખૂબ દૂર ઊભો હતો. અનાસક્ત ભાવ હતો. ધન પ્રત્યે સાવ નિર્લેપ. સંપત્તિ જોતાં જોતાં તેની આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં. મુનીમે પૂછ્યું : ‘મને તો કંઈ સમજાતું નથી. આપ રડી કેમ રહ્યા છો! અત્યારે આ પૃથ્વીના અત્યંત ધનિકોમાંના આપ એક છો. પિતાના મૃત્યુ બાદ હવે આપ આ સંપત્તિના માલિક છો. આપના પૂર્વજોની સંપદા છે. આ સંપત્તિને દરેક પેઢી વધારતી ગઈ છે. તેમાં ક્યારેય ઘટાડો થયો નથી. આપ પ્રસન્ન થાઓ.’ સુમેદે કહ્યું : ‘મારે આપને એક વાત પૂછવી છે. મારા પિતાના પિતા મૃત્યુ પામ્યા, ત્યારે તેઓ પણ આ સંપત્તિને સાથે ન જઈ શક્યા. મારા પિતા પણ મૃત્યુ પામ્યા. તેઓ પણ સાથે ન લઈ જઈ શક્યા. હું બધી સંપત્તિને મારી સાથે મૃત્યુ બાદ લઈ જવા માગું છું. તમે તેની કોઈ યુક્તિ શોધી આપો. તમે કહો છો કે આ સંપત્તિ પેઢી-દર-પેઢી ચાલી આવી છે તેનો સ્પષ્ટ અર્થ થયો કે લોકો મૃત્યુ પામતા ગયા અને બધું અહીં જ રહી ગયું. મારું મૃત્યુ થાય અને બધું અહીં જ પડ્યું રહે તેમ કરવા હું નથી ઈચ્છતો. હું તો બધું મારી સાથે લઈ જઈશ. તમે સવાર સુધીમાં કોઈ યુક્તિ શોધી મને જણાવો. નહીં તો હું પોતે યુક્તિ શોધી લઈશ, કારણ કે હવે મને ચેન નહીં પડે... મૃત્યુ તો કોઈ પણ ક્ષણે આવી શકે છે. પછી આ ચાવીઓ કોઈ બીજાના હાથમાં હશે. ફરી પાછા તમે કોઈ બીજાને આ સંપત્તિ બતાવશો – મારા પુત્રને બતાવશો. ન તો હું લઈ જઈ શકીશ કે ન તો મારો પુત્ર લઈ જઈ શકશે. હું હવે આ સંપત્તિનો બધો હિસાબકિતાબ અહીં જ કરવા માગું છું અથવા બધી સંપત્તિ સાથે લઈ જવા ઈચ્છું છું.’ મુનીમે કહ્યું : ‘આવું તો ક્યારેય સાંભળ્યું નથી અને સંભવી પણ ન શકે. કોઈ વ્યક્તિ કયારેય પોતાની સાથે સંપત્તિ લઈ નથી ગઈ.’ સુમેદે કહ્યું : ‘મેં યુક્તિ શોધી લીધી છે.’ સુમેદે પોતાની સમગ્ર સંપત્તિ દાન કરી દીધી. તે સંન્યસ્ત થઈ ગયો. તેણે કહ્યું, ‘મેં યુક્તિ શોધી લીધી. હું આ સંપત્તિને સાથે લઈ જઈશ.’ તેણે બધું છોડી દીધું, અને સંન્યસ્ત થઈ ગયો. એક ક્રાંતિ સંભવી. તમે જ્યારે બાહ્ય જગતમાં કંઈ છોડો છો ત્યારે તે ક્ષણે અંતરમાં કંઈક પ્રાપ્ત થાય છે. અષ્ટાવક્ર કહે છે - જો તમે ધનની ઈચ્છા કરશો તો એક દિવસ તમે પણ ધનના સિક્કા જેવા થઈ જશો. જેવું તમે ઈચ્છશો, તેવા તમે થઈ જશો. તમારો ચહેરો તો દર્પણ છે. તમારા અંતરમાં જે આકાંક્ષા હશે તેનાં ચિહ્્નો તમારા ચહેરા પર અંકિત થઈ જશે, જે ક્યારેય ભૂંસાશે નહીં. તમે જેવા છો–તે છે તમારી વાસનાની છાપ! જેમની પાસે ધન છે, તેઓ ધનનાં સ્વપ્નો નથી જોતાં. ધનનાં સ્વપ્નો તો નિર્ધન જુએ છે. જેમની પાસે પદ છે, તેઓ પદનાં સ્વપ્નો નથી જોતાં. પદવિહોણા લોકો તેવાં સ્વપ્નો જુએ છે. જે તમારી પાસે નથી હોતું, તેનાં સ્વપ્નો આવે છે. જેનો સ્વાદ ન લીધો હોય તેેની આકાંક્ષા કાયમ રહે છે. કોઈ વ્યક્તિ એમ કહે છે કે હું એટલેે દુઃખી છું... કારણ કે મારી પાસે ધન નથી. તમે કઈ જાતના ભ્રમમાં જીવી રહ્યા છો? હજારો લોકો પાસે ધન છે, અને તેઓ સુખી નથી. તમે માનો છો કે તમારી પાસે ધન હશે તો તમે સુખી થઈ જશો! હજારો લોકો પદ પર છે અને સુખી નથી. છતાં તમને તે વાત સમજાતી નથી. તમે કહો છો – હું જો તે પદ પર પહોંચીશ તો સુખી થઈ જઈશ. બીજા લોકો સુખી નથી થયા, તે સાથે મારે શું લેવાદેવા? હું અપવાદ છું. આ તમારી ભ્રાંતિ છે. કોઈ અપવાદ નથી. મનુષ્ય માને છે કે – પ્રેમ કાલે કરીશ, આજે ધન એકઠું કરી લઉં. કાલે નિશ્ચિંત થઈશ, પ્રેમ કરીશ, ગીત ગાઈશ, વિશ્રામ કરીશ. આજે તો ધન કમાઇ લઉં... પરંતુ આવતી કાલ પણ આજ થઈને આવશે. એ રીતે એક દિવસ મૃત્યુ આવશે. બાહ્ય જગતમાં ધનનાં અંબાર લાગી જશે અને અંતરમાં તમે નર્યા ભિખારી થઈ જશો. ધીરે ધીરે તમે પ્રેમ કરવાનું જ ભૂલી જશો.⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...