તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્તી-અમસ્તી:અરીસાને જોક્સ કહી જાતે હસો!

રઈશ મનીઆર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘કોરોનાની શારીરિક અસરો ઓછી થઈ, પણ માનસિક અસરોને કારણે લોકો ખુશ નથી રહી શકતા!’ ધનશંકર બોલ્યા. ‘નવરાશમાં વેબસીરિઝ જોઈજોઈ લોકોના મગજમાં ફંગસ જામી ગયું છે. લોકો રસી લઈને ફસી(fussy) થઈ ગયા છે, કાઢો પી-પીને લોકોને પેટમાં થયેલી બળતરા મગજ સુધી પહોંચી. નાસ લઈને લોકો નાસપતિ થઈ ગયા છે, નકચઢા થઈ ગયા છે!’ હસુભાઈએ વિશ્વવ્યાપી ચીડિયાપણાનું ચિત્ર રજૂ કર્યું. ‘પબ્લિક હાળું ચિલ્લુ(ચીડિયું) ઠઈ ચાયલું. હાળા ફેસબુક પર બી ચાબૂક લઈને ઊટરી પડે!’ બાબુએ સમર્થન આપ્યું. ‘સેવા કરનારાએ સેવા કરી લીધી. મેવા ખાનારાઓએ મેવા ખાઈ લીધા. હવે લોકોની સેવાભાવના અને મેવાભાવના બંને ખર્ચાઈ ગઈ છે. તેથી આજનો માણસ ચિડાયેલો છે! પહેલાં એમ સાંભળ્યું હતું કે પહાડી વિસ્તારમાં ચીડના વૃક્ષો ઊગે, આજકાલ માણસમાં મગજમાં ચીડનું જંગલ થઈ ગયું છે!’ ‘ખુશીની ચિડિયા ઊડીને ગાયબ ઠઈ ગઈ, એટલે માનસ ચીડચીડિયો ઠઈ ગયો છે!’ ‘જોક્સ કહીએ છીએ તો કોઈ હસતું પણ નથી!’ ‘આવા સમયમાં માણસે અરીસાને જોક્સ કહી જાતે જ હસવું જોઈએ. ગમે તે રીતે પ્રસન્ન રહેવું જોઈએ!’ શાંતિલાલ બોલ્યા. ધનશંકરે કહ્યું, ‘હા, પ્રસન્નતા જીવનનું લક્ષ્ય છે! પ્રસન્ન રહેવું એ જ ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે!’ ‘પ્રસન્ન રહેવાની માણસની જવાબડારી છે, તો પ્રસન્ન રાખવાની ઈશ્વળની જવાબડારી નઠી?’ બાબુએ દલીલ કરી. ‘ઈશ્વરે આપણી આસપાસ ચોમેર પ્રસન્નતા વિખેરેલી જ છે!’બધા આજુબાજુ જોવા લાગ્યા, પણ ચોમેર કચરા સિવાય કંઈ દેખાયું નહીં. ‘પ્રસન્નટા કયા અડ્ડા પર મલે?’ બાબુએ તો ખર્ચ કરવાની પણ તૈયારી બતાવી. ‘ઘરમાં જ! હસતા રહો, હસે તેનું ઘર વસે!’ શાંતિલાલ બોલ્યા. ‘જેનું ઘર વસ્યું હોય અને એ પછી કદી ન હસ્યું હોય એણે હસવા માટે ક્યાં જવાનું?’ ‘લાફિંગ ક્લબમાં જઈને હસવાનું, પણ હસવાનું!’ શાંતિલાલ બોલ્યા. ‘જિંદગીના હાથે લાફો ખાઈને લાફિંગ કલબમાં જવાનું? એવી બનાવટી ખુશીને શું કરવાની? સાચી ખુશી શેમાંથી મળે? એ ક્યાં હોય?’ વ્યગ્ર હસુભાઈ ઉગ્ર થઈ ગયા! ધનશંકર બોલ્યા, ‘સાચી ખુશી તમારી અંદર જ હોય!’ ‘બહાર હોય તો શોધી કાઢીએ, ખુશી અંદર હોય તો એને શોધવા ‘એન્ડોસ્કોપી’ કરાવવી પડે!’ બાબુ બોલ્યો, ‘મારાવાલી ‘ડવા-ડારુ’ ટ્રાય કરી જુઓ, એન્ડોસ્કોપીનો ખર્ચ નહીં કરવો પડે! ઓટોમેટિક બઢી ખુશી બા’ર આવી જહે!’ ધનશંકર ધીરજથી બોલ્યા, ‘ઈઝરાયલ-પેલેસ્ટાઈન, જીડીપી, પેટ્રોલના ભાવ આ બધી મોટીમોટી વાતોમાં ખુશી નથી. એટલે માણસે નાનીનાની વાતમાં ખુશી શોધી લેવી જોઈએ!’ ધનશંકર બોલ્યા, ‘જેમ કે, પત્ની સાથે બેસવાથી મારા થાક, કંટાળો અને આળસ દૂર થઈ જાય છે! અને એક જાતની ખુશી મળે છે!’ ‘કોની પટ્ની?’ બાબુએ નિર્દોષતાથી પૂછ્યું. શાંતિલાલ બોલ્યા, ‘મને લાંબો સમય બહાર જમ્યા પછી ઘરનું જમવાનું મળે ત્યારે ખુશી મળે છે.’ હસુભાઈ બોલ્યા, ‘અમારે હવે ઊલ્ટું છે. અમે બંને બહાર જમવા મળે એની રાહ જોઈએ છીએ!’ આજે તો હેમાબહેન પણ હાજર હતાં, ‘હું ને હસુ પચીસ વર્ષ ખુશ રહ્યા...’ હસુભાઈ સહિત બધાં આંખ ફાડીને જોતાં રહ્યા! હેમાબહેને આગળ ચલાવ્યું, ‘છવીસ વર્ષની ઉંમરે અમારાં લગ્ન થઈ ગયાં!’ ‘પહેલાં રોજ 8-10 કલાકની દૂરતા પતિપત્ની બંને માટે નોળવેલનું કામ કરતી. આ સવા વર્ષ 24 કલાક સાથે રહેવાથી લોકોનું લગ્નજીવન ભંગાણને આરે આવી ગયું!’ શાંતિલાલ બોલ્યા, ‘આવા સમયે સાચી ખુશી પ્રભુસમીપે જવામાં છે!’ ‘ટો અહિયા હું કરટા છો? જાઓ જલડી!’ ‘સ્વર્ગમાં જવાથી નહીં, વર્ગમાં જવાથી ખુશી મળવી જોઈએ, જગત એક પાઠશાળા છે!’ હસુભાઈ કહેવા લાગ્યા, ‘એમ કંઈ સસ્તામાં કે રસ્તામાં ખુશી મળતી નથી. દુ:ખ ડગલેપગલે મળી જાય છે. હમણાં ચાલતો હતો ત્યારે માથે કબૂતર ચરક્યું, આવામાં ખુશ કેવી રીતે રહેવાય?’ બાબુ બોલ્યો, ‘એમા પન ખુસ રહી સકાય. એમ વિચારવાનું કે સારું છે કે કૂટરા ઊડતા નઠી!’ ‘ઈરિટેબલ થઈ ગયેલા માણસ માટે હવે ભગવાને ચેરિટેબલ થવાની જરૂર છે!’ ‘વિશ્વાસ રાખો, ફરી વિશ્વ ચહેકતું થશે! ફરી જલગોલકો(પાણીપુરી)ના ચતુષ્ચક્રિકાઓ (લારીઓ) પર નારીરત્નોની ભીડ થશે. ફરી પર્ણ-સુર્પારક-તાંબુલ વિક્રેતાઓને ત્યાં નરરત્નોની જ્ઞાનસભાઓ મળશે! પ્રસન્નતા દ્વંદ્વ વગરના મનમાં છે!’ ‘પન કોઈને ડ્વન્ડ્વ કરવામાં એટલે કે લડવામાં જ પ્રસન્નટા મલટી હોય ટો? જેમ કે કંગના! પહેલાં ખુશ હટી, ટો બઢા સાઠે લડતી હતી, આજકાલ ઉદાસ છે, ટો ચૂપ ઠઈ ગઈ!’ હસુભાઈએ મને પૂછ્યું, ‘પૈસાથી ખુશી ખરીદી શકાય?’ ‘પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી, પૈસા હોય તો મનોવિજ્ઞાની પાસે કાઉંસેલિંગ કરાવવા જઈ શકાય, જેનાથી મનોવિજ્ઞાની ખુશ રહે છે!’ ‘ખુશીનો ખજાનો તમારી અંદર છે, બસ એની ‘ચાવી’ શોધવાની હોય છે!’ ‘જે માનસોને ખુશીની ‘ચાવી’ ન મલટી નઠી, ટેઓ માવો ‘ચાવીચાવી’ જિંદગી પૂરી કરી નાખે છે! હસુભાઈએ ફરી મને પૂછ્યું, ‘તમને શેમાં ખુશી મળે? પૈસામાં કે કવિતામાં?’ મેં મારી મૂંઝવણ રજૂ કરી, ‘પૈસામાં કવિતા નથી અને કવિતામાં પૈસો નથી!’ હસુભાઈએ સ્ટ્રોક માર્યો, ‘માણસે ખુશ રહેવાની ઈચ્છા શા માટે રાખવી જોઈએ? દરેકે પોતાના હિસ્સે આવેલા દુ:ખથી શા માટે ભાગવું જોઈએ? આવા સમયમાં ખુશ રહેતા માણસો મને બહુ બોરિંગ લાગે છે!’ ⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...