સ્ટોરી પોઈન્ટ:લાલસિંગ મૈં ઉપરવાલે સેં ડરતા હૂં.

માવજી મહેશ્વરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાઢી કરતી વખતે આ અરીસામાં રતનજીને અત્યારે પોતાનો ચહેરો નહીં, પણ વીતી ગયેલાં દૃશ્યો દેખાતાં હતાં

‘સાહેબ, હું અહીં બેઠો છું જવાનું થાય ત્યારે કહેજો.’ ‘એના કરતાં બસમાં બેસી જાઓ ને ભાઈ. હું બધાને ક્યાં કહેતો ફરું? હજુ મારા સ્ટાફના મહિલા પોલિંગ આવ્યાં નથી. નવ નંબરના રૂટની બસ આપણી છે.’ ઓફિસરે બસ સામે જોતાં કહ્યું. ‘ભલે સાહેબ.’ કહીને રતનજીએ રાઇફલ પડખે મૂકી ગરદન પરનો પરસેવો લૂછ્યો. રતનજી માટે કશું નવું નહોતું. કેટલાય ચૂંટણી બંદોબસ્તમાં જઈ આવેલો. અરે! ચૂંટણી તો કંઈ નહીં, સભા-સરઘસ, તોફાનો વચ્ચે પણ નોકરી કરી છે. આજે સવારથી એમ થયાં કરતું હતું કે શું આ નોકરી! આખી જિંદગી રાઇફલનો ભાર ઉપાડવામાં અને બીજાની ચોકી કરવામાં, ચિંતા કરવામાં ગઈ. રતનજી સવારે દાઢી કરતા હતા ત્યારે તેમનાં પત્નીએ કહેલું, ‘પાછા ક્યારે આવશો, પરમ દિવસે કે કાલે મોડી રાતે?’ રતનજીને ત્યારે નવાઈ લાગેલી. પત્નીએ ક્યારેય આવું પૂછ્યાનું યાદ નહોતું. જ્યારે નવાં નવાં લગ્ન થયાં હતાં, ત્યારે રતનજી પત્નીને મશ્કરીમાં કહે, ‘પોલીસવાળાની ઘરવાળીએ ઘડિયાળ સામે જોવું જ નહીં. અમે માસ્તર નથી કે ઘંટ વાગે જવાનું અને ઘંટ વાગે વળવાનું.’ હવે રતનજીના વાળ ધોળા થવા માંડ્યા હતા. મૂછ પાસેનો કટ બરાબર સેટ કરતાં તેમણે ઘરવાળીને પૂછેલું, ‘કેમ પાછા વળી આવવાનું પૂછે છે?’ રતનજીની સમજુ પત્નીએ વાત વાળી લેતાં કહેલું,‘અમસ્તું જ. આ તો આજે હિતેશ ઇન્ટરવ્યૂ આપવા જવાનો છે એટલે જરા પૂછ્યું. જોકે, એ તો જઈ આવશે.’ રતનજીએ બે ઘડી આંખો મીંચી દીધેલી. દીકરાને હોંશે-હોંશે ભણાવ્યો પણ સરકારી નોકરી ન મળી. આજે કોઈ ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જવાનો હતો. રતનજીએ પોતાની નોકરીમાં કંઈક ઇન્ટરવ્યૂ જોઈ નાખેલા. જેમાં દીકરો વરરાજાની જેમ બેઠો હોય, બાપ બધું સમજાવતો હોય, ઓળખીતાને ફોન કરતો હોય. અરે! ઝેરોક્ષ પણ કરાવી દેતો હોય, અને પોતે? રતનજીથી બ્લેડ પર વજન આપી દેવાયું. લોહીનો ટસિયો ફૂટી આવ્યો. તેણે પત્ની સામે જોઈ આંખો ઝુકાવી દીધેલી. ત્યારે દાઢી કરતી વખતે આ અરીસામાં રતનજીને પોતાનો ચહેરો નહીં, પણ વીતી ગયેલાં દૃશ્યો દેખાતાં હતાં. અત્યાર સુધીનું સામાજિક જીવન, સગાઇ, લગ્ન અરે! ઉઠમણાં સહિતમાં રતનજી ગેરહાજર હતા. મોટો દીકરો હિતેશ જન્મ્યો ત્યારે અંબાજી બંદોબસ્તમાં જવાનું થયેલું. મોટા બાપા, મોટી મા, બે મામા. કોઈને કાંધ દેવાનું ન મળ્યું. જ્યારે કોઈ સારો-માઠો પ્રસંગ હોય ત્યારે રતનજીની નોકરી ક્યાંક હોય. એટલું જ નહીં, રજા મળે એવા સંજોગ પણ ન હોય. રતનજી એકલા પડે ત્યારે બધું યાદ આવે, પણ વિચારે કે નોકરી છે ત્યારે ને? મજૂરી કરતા હોત તો બેઠા હોત ઘેર. બધા બેઠા હોય છે એમ. છતાં અંદરથી બીજો રતનજી કહેતો, ‘સરકારી નોકર અને પોલીસવાળો તું એકલો જ છો? આ બધા જલસા કરે છે ને એક તું છો સતવાદીનો દીકરો!’ ‘રતનજી બીપી બઢ રહા હૈ? મુંહ લટકા કે ક્યોં બૈઠે હો? ખાના ખાયા? પતા નહીં વહાં કુછ મિલે ના મિલે.’ પોતાના તરફ આવી રહેલા લાલસિંગને જોઈ રતનજીએ મોઢું બગાડ્યું. એને ખબર હતી કે લાલસિંગ શું ચીજ છે. ‘લાલસિંગ, તુમ્હેં ખાના ના મિલે ઐસા હોતા હૈ? તુમ તો ખાના ઢૂંઢને મેં માસ્ટર હો.’ ‘તકદીર કી બાત હૈ રતનજી. અક્કલ નામ કી ભી કોઈ ચીજ હોતી હૈ. મૈંને બહોત બાર તુમ્હંે સમજાયા હૈ, યે ડિપાર્ટમેન્ટ ઈમાનદાર લોગોં કે લિયે નહીં. કિન્તુ તું સમજા નહીં. તભી બીસ સાલ કી નોકરી કે બાદ ભી વહીં કા વહી.’ ‘લાલસિંગ, મૈં ઉપરવાલે સે ડરતા હૂં. આજ મૈં પરેશાન હૂં, મુજે જ્યાદા પરેશાન મત કરો.’ ‘ઉપરવાલા તુમ્હારે બેટે કો નોકરી ભી દેગા. ઠીક હૈ?’ કહીને લાલસિંગ ચાલ્યો ગયો. રતનજીએ દાંત ભીંસ્યા. ચૂંટણી સ્ટાફ ગોઠવાતો જતો હતો. રૂટની બસો ઊપડી રહી હતી. બસમાં ડ્રાઈવર દેખાતો નહોતો. રતનજીને હિતેશ યાદ આવ્યો. એ પણ પ્રતીક્ષા કરતો હશે. એનું હૈયું ભરાઈ આવ્યું. તેણે ઊચે જોયું. ગરમીથી તપેલું આકાશ જૂના કાગળ જેવું લાગતું હતું. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...