ન્યૂ રીલ્સ:ક્યા યહી પ્યાર/શાદી હૈ?

2 મહિનો પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક

હિંદી ફિલ્મોનો આખો ઇતિહાસ ઉઠાવીને જોઇ લો, શરૂઆતની ધાર્મિક ફિલ્મોને બાદ કરતાં ભાગ્યે જ કોઇ એવી ફિલ્મ જોવા મળી હશે જેમાં પ્યાર, ઇશ્ક, મહોબ્બત, લવની વાત ના હોય. અગાઉના જમાનામાં તો ‘દોસ્તી’, ‘જાગતે રહો’ કે ‘બૂટ પોલીશ’ જેવી છૂટીછવાઇ ફિલ્મો જ એવી હતી કે જેમાં રોમાન્સનો ટ્રેક સદંતર ના હોય. 2000 પછીની ફિલ્મોમાં કદાચ ‘દંગલ’ જ એવી સુપરહિટ નીવડેલી ફિલ્મ હતી જેમાં રોમાન્સનું કોઇ સ્થાન નહોતું. પરંતુ એકવીસમી સદીમાં રોમાન્સના સાવ નવા જ રંગો પરદા ઉપર આ‌વ્યા છે. અગાઉના બે લેખમાં આંખે ઊડીને વળગે એવી ત્રણ વાતોનો ઉલ્લેખ કર્યો હતો. (1) નવી ફિલ્મોમાં છોકરા-છોકરીના સંબંધોમાં મા-બાપની સંમતિ કે વિરોધનો સાવ છેદ જ ઊડી ગયો છે. (2) લગ્ન પહેલાં કે ઇવન પ્રેમ ન હોવા છતાં શારીરિક સંબંધ બાંધવાનો કોઇ ગિલ્ટ (અપરાધભાવ) રહ્યો નથી. (3) છેક છેલ્લી ઘડીએ લગ્ન મંડપમાંથી દુલ્હન ભાગી છૂટે છે! (દુલ્હો નહીં!) એક તો નવી સદીની ફિલ્મો શહેરના એફ્લુઅન્ટ વર્ગ માટે જ બને છે, એમાંય શહેરનાં યુવક-યુવતીઓ વચ્ચે હળવાં-મળવાં કે હરવાંફરવાં ઉપર કોઇ ‘પેરેન્ટલ બાન’ (મા-બાપનો પ્રતિબંધ) રહ્યો નથી. આમાં ને આમાં સતત મળતા રહેતા છોકરા-છોકરીનું મનમાં કન્ફ્યુઝન ચાલતું રહે છે કે યાર, આ દોસ્તી છે કે પ્યાર? છોકરી ઘડીકમાં છોકરાને ‘જસ્ટ ફ્રેન્ડ્ઝ’ કહે છે તો ઘડીકમાં ‘બેસ્ટ ફ્રેન્ડ’ કહે છે. ઘડીકમાં BFF યાને કે ‘બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર’ કહે છે અને અમસ્તાં અમસ્તાં પણ ‘લવ યૂ’ કહી નાખે છે. આ બધાનો સરવાળો ‘કભી હાં કભી ના’ યાને કે કભી બ્રેક અપ તો કભી પેચ અપમાં ઉમેરાતો રહે છે. બસ, આવી જ લાગણીઓને નવી ફિલ્મમાં વાચા મળતી રહી છે. જૂના જમાનામાં ‘અંદાઝ’ (1949) કે ‘સંગમ’ (1964) જેવી ફિલ્મોને લવ-ટ્રાયેંગલ કહેવામાં આવતી હતી. આજે સવાલ ટ્રાયેંગલનો છે જ નહીં! અહીં ત્રીજી રેખા તો ગાયબ છે! બે લીટીઓ એકબીજાને મળે છે, છેદે છે, વીંટળાય છે કે છૂટી પડીને ફરી મળે છે… એવ વિવિધ આકારની ભૂમિતિઓ પરદા ઉપર આવતી રહી છે. જૂની ફિલ્મોમાં સામાજિક મજબૂરીથી બીજા પાત્રને પરણેલી હિરોઇન પીડા સહન કરતી હતી, ‘ત્યાગમૂર્તિ’ બનીને રહેતી હતી પરંતુ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં તો ખુદ પતિ પોતાની પત્નીને લઇને એના પ્રેમીને સોંપવા માટે છેક પેરિસ સુધી જાય છે. આમાં લવ-ટ્રાયેંગલ ક્યાં આવ્યો? જૂની ફિલ્મોમાં તો પ્રેમ પણ લગ્નના ‘બંધન’ સમાન ગણાતો હતો. એક વાર પ્રેમ થઇ ગયો એટલે થઇ ગયો! આજે ‘દિલ વિલ પ્યાર વ્યાર’ જુઓ કે ‘બચના એ હસીનો’ જુઓ… છોકરો ક્યાંય ‘કમિટ’ જ નથી કરતો. છોકરો લગ્ન તો શું પ્રેમના ખીલે પણ નથી બંધાતો. આવી વાત ‘યહ જવાની હૈ દિવાની’, ‘જબ હેરી મેટ સેજલ’, ‘કરીબ કરીબ સિંગલ’, ‘એક મૈં ઔર એક તૂ’, ‘આઇ હેટ લવસ્ટોરીઝ’, ‘બ્રેક કે બાદ’ જેવી ડઝનબંધ ફિલ્મોમાં આવતી રહી છે. બીજી બાજુ છોકરો સતત વન સાઇડેડ લવમાં હોય અને પ્રેમિકાને ખાતર લગભગ બધું કુરબાન કરી દેતો હોય એવી ફિલ્મો બહુ ઓછી આવી છે. ‘રાંઝણા’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ કે ‘હજારોં ખ્વાહિશેં ઐસી’. જોકે ‘ક્યા યહી પ્યાર હૈ?’ એવી થીમ ધરાવતી વાર્તાઓ જથ્થાબંધને હિસાબે આવતી રહી છે. છોકરો અને છોકરી સાથે કામ કરતાં હોય, સાથે ફરવા ગયાં હોય, સાથે ભણતાં હોય કે વારંવાર એકબીજાને મળવાના સંજોગો બનતા હોય એમાં ‘દોસ્તી’ બહુ ઝડપથી થઇ જાય અને ‘પ્યાર’ થયો છે કે નથી થયો એમાં આખી ફિલ્મ ચાલતી રહે જેમ કે ‘બદરીનાથ કી દુલ્હનિયા’, ‘હમ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘OK જાનુ’, ‘બેવકૂફીયાં’, ‘મનમર્ઝિયાં’, ‘જાને તૂ યા જાને ના’, ‘હસી તો ફસી’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ વગેરે. ‘ડિયર જિંદગી’માં તો આને કારણે હિરોઇનને માનસિક સમસ્યાઓ થઇ જાય છે. આ તમામ ફિલ્મોમાં એકમાત્ર ‘વિવાહ’ એવી ફિલ્મ હતી જેમાં પેરેન્ટલ એપ્રૂવલથી એરેન્જ્ડ મેરેજ નક્કી થાય છે અને સગાઇથી લગ્ન સુધીના ગાળામાં છોકરો-છોકરી પ્રેમમાં પડે છે. જોકે એરેન્જ્ડ મેરેજ થયા ‘પછી’ પતિ-પત્ની પ્રેમમાં પડ્યાં હોય એવી એક પણ ફિલ્મ આવી નથી. આ પણ નવી સદીના શહેરી સમાજની ‘વેલ્યૂઝ’ની એત તસવીર છે. ⬛

અન્ય સમાચારો પણ છે...