તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણમાં ખીલ્યું ગુલાબ:ક્યા જાનો તુમ બેવફાઇ કી હદ દોસ્તોં, વો હમસે ઇશ્ક સીખતી રહી કિસી ઓર કે લિય

ડૉ. શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાં સાથે ભણતા હતા ત્યાં સુધી નૈષધ, નજાકતને સતત પ્રેમ કરતો રહ્યો. એણે ક્યારેય નજાકત સમક્ષ પોતાની ચાહતનો એકરાર કર્યો નહીં. એ માનતો હતો કે પ્રેમ એ કહેવાની વસ્તુ નથી, પણ સમજવાની વસ્તુ છે

નૈષધ એની ઓફિસમાં બેસીને પોતાનું કામ કરી રહ્યો હતો, ત્યાં એનો મોબાઇલ ફોન રણક્યો. સ્પેશિયલ રિંગટોન સાંભળીને એની આસપાસમાં બેસેલા તમામ સાથી કર્મચારીઓ સમજી ગયા કે આ ફોન નૈષધની ખાસ અંગત વ્યક્તિએ કર્યો હોવો જોઇએ. નૈષધના મોબાઇલનો રૂટિન રિંગટોન અલગ હતો, પણ આ એક રિંગટોન સ્પેશિયલ વ્યક્તિ માટે એણે સેટ કર્યો હતો. એ સ્પેશિયલ વ્યક્તિની સાથે વાત કરતી વખતે નૈષધનો અવાજ અને હાવભાવ બદલાઇ જતા હતા. અત્યારે પણ એવું જ બન્યું. નૈષધે કોલ રીસિવ કર્યો. સાવ ધીમા અવાજમાં વાતચીત શરૂ કરી, ‘હા, બોલ, નાજુ.’ નૈષધની સાવ બાજુની ચેરમાં બેસીને કામ કરતી રૂપાના કાન સરવા થયા. કેટલાક મોબાઇલ ફોન એવા હોય છે જેમાંથી સામેની વ્યક્તિનો અવાજ ઓવરફ્લો થઇને બહાર રેલાતો હોય છે. રૂપા સમજી શકી કે સામેથી કોઇ યુવતી બોલી રહી હતી, જેનું નામ નાજુ હોવું જોઇએ. રૂપાની ઘંટડી જેવા અવાજમાં નાજુ બોલતી હતી, ‘હું તો ભારે તકલીફમાં મુકાઇ ગઇ છું. સવારે દૂધની બે કોથળી લાવી હતી. અત્યારે બધું દૂધ ફાટી ગયું છે. ચા પીધા વગર મારો દિવસ આગળ કેવી રીતે વધશે?’ ‘નાજુ, તું જરા પણ ચિંતા ન કર. ગિવ મી જસ્ટ એ મિનિટ. હું મારા સર્વન્ટને મોકલું છું. એ મારા ઘરના ફ્રિજમાંથી દૂધનું ટેટ્રા પેક આપી જશે. યુ રિલેક્સ.’ આટલું કહીને નૈષધે એના સર્વન્ટને ફોન કર્યો, સૂચના આપી દીધી. નાજુનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો. નૈષધ પોતાના કામે વળગ્યો. કલાક માંડ થયો હશે. ત્યાં ફરીથી એ જ રિંગટોન ગુંજી ઊઠ્યો. આ વખતે નાજુ કહેતી હતી, ‘આજનો દિવસ જ ખરાબ ઊગ્યો લાગે છે. હું જોબ ઉપર જવા નીકળી હતી, અડધે રસ્તે પહોંચી ત્યારે એક્ટિવા બંધ પડી ગયું. હું શું કરું?’ ‘નાજુ, યુ ડોન્ટ વરી. તારું લોકેશન જણાવ. હું મીકેનિક મોકલી આપું છું. તું ઓટોમાં બેસીને જોબ ઉપર પહોંચી જા. તારું એક્ટિવા રિપેર થઇને સાંજ પહેલાં તારી પાસે આવી જશે.’ બાજુમાં બેઠેલી રૂપા હસી પડી. એનાથી પૂછ્યાં વગર રહેવાયું નહીં, ‘નૈષધભાઇ, તમે હેલ્પલાઇન શરૂ કરી છે કે શું? હું જ્યારથી ઓફિસમાં આવી છું, ત્યારથી તમને જોયા કરું છું. તમારી આ માનીતી વ્યક્તિ દિવસમાં દસ વાર ફોન કરે છે અને દર વખતે જુદી જુદી તકલીફો રજૂ કરે છે. તમે પણ જાદુઇ ચિરાગના જીન જેવા છો. એનો ફોન આવે કે તરત જ ‘હુકમ મેરે આકા’ બોલીને તેની સેવા બજાવવા માટે તૈયાર થઇ જાવ છો. કોણ છે આ નાજુ?’ જવાબ આપતાં પહેલાં નૈષધની આંખોમાં રોમાન્સનો સુરમો અંજાઇ ગયો. એ કોલેજના દિવસોમાં સરી પડ્યો. કેવા રંગીન હતા એ દિવસો? નજાકત નાણાવટી અને નૈષધ એક જ ક્લાસમાં સાથે ભણતાં હતાં. નૈષધ નજાકતના ગળાડૂબ પ્રેમમાં પડી ગયો હતો. આ પ્રેમ એકતરફી હતો કે બે-તરફી એ સ્પષ્ટ ન હતું. નૈષધને બે બાબતની પાકી ખબર હતી. એક, એના મત પ્રમાણે નજાકતથી વધારે ખૂબસૂરત છોકરી આખા વિશ્વમાં હોઇ ન શકે. બીજું, નૈષધ કરતાં વધારે તીવ્રતાથી કોઇ પુરુષ નજાકતને ચાહી ન શકે. કોલેજમાં સાથે ભણતા હતા ત્યાં સુધી નૈષધ, નજાકતને સતત પ્રેમ કરતો રહ્યો. એણે ક્યારેય નજાકત સમક્ષ પોતાની ચાહતનો એકરાર કર્યો નહીં. એ માનતો હતો કે પ્રેમ એ કહેવાની વસ્તુ નથી, પણ સમજવાની વસ્તુ છે. કદાચ નજાકત સમજી ગઈ હતી કે નૈષધ એને ખૂબ ચાહે છે. નૈષધનું એને જોઈને શરમાઈ જવું, એને નજાકતને બદલે નાજુ કહીને સંબોધવું, એની દરેક નાની-મોટી તકલીફમાં મદદરૂપ બનવા તત્પર રહેવું, આ બધું પ્રેમ ન હતું તો બીજું શું હતું? ત્રણ વર્ષ પૂરાં થઈ ગયાં. ન કયારેય નૈષધે પોતાની લાગણીને નામ આપ્યું, ન તો નાજુએ એ લાગણીનો શબ્દોમાં કોઈ પ્રતિસાદ આપ્યો. ગ્રેજ્યુએશન પૂરું કર્યાં પછી નૈષધ એક કોર્પોરેટ હાઉસમાં નોકરીમાં જોડાઈ ગયો. એ વિચારતો હતો કે જિંદગીમાં થોડોક ઠરીઠામ થયા પછી એ નજાકતને પ્રપોઝ કરશે, ‘નાજુ, હું તને ચાહું છું. હું માનું છું કે તું પણ આ વાત જાણે છે. હું આપણો ઘરસંસાર વહન કરી શકું એટલું કમાતો થઈ ગયો છું. તું મારી સાથે લગ્ન કરીશ ને?’ નજાકતે એના રૂપાળા ચહેરા પર અફસોસનો ભાવ ઉપસાવીને જવાબ આપ્યો, ‘નૈષધ, તેં મને આ સવાલ પહેલાં કેમ ન પૂછ્યો? તું સહેજ મોડો પડ્યો છે. મારાં મમ્મી-પપ્પાએ મારાં એંગેજમેન્ટ નકકી કરી નાખ્યાં છે. હવે હું પીછેહઠ કરી ન શકું, પણ હું તને સારા મિત્ર તરીકે જીવનભર યાદ રાખીશ. આપણે સંપર્કમાં રહીશું.’ એ પછી નજાકત અમિત નામના શ્રીમંત યુવાન સાથે પરણી ગઈ. ખૂબ ધામધૂમથી ઊજવાયેલા એ લગ્ન પ્રસંગમાં નૈષધને પણ આમંત્રિત કરવામાં આવ્યો હતો. નૈષધ ગયો ન હતો. એ આખો દિવસ એ ઉદાસીના દરિયામાં ડૂબતો રહ્યો. નૈષધે સાચો પ્રેમ કર્યો હતો. એને દંભ કરતાં આવડતું ન હતું. હૈયામાં ઉદાસીની આગ ભડભડતી હોય અને ચહેરા પર કૃત્રિમ સ્મિત રાખીને પ્રેમિકાના રિસેપ્શનમાં હાજર રહેવું એ એને આવડતું ન હતું. નૈષધ મહિનાઓ સુધી દેવદાસ બનીને જીવતો રહ્યો અને યંત્રવત્ પોતાનું કામ કરતો રહ્યો. લગ્ન કરીને ઠરીઠામ થવાનો વિચાર એને આવતો જ ન હતો. નાજુને પ્રેમ કર્યાં પછી બીજી કોઈ સ્ત્રીને ચાહી જ કેવી રીતે શકાય? નૈષધે વધુ લાંબો સમય પ્રતીક્ષા કરવી ન પડી. માંડ આઠેક મહિના વીત્યા હશે, ત્યાં અચાનક કોઈ મિત્ર પાસેથી એને સમાચાર મળ્યા. નાજુ એના પતિનું ઘર છોડીને અલગ રહેવા માંડી હતી. એનાં મમ્મી-પપ્પા બહારગામ હતાં. નાજુ સ્વમાની હતી. પિયર પર બોજો બનીને જીવવા માગતી ન હતી. એણે જોબ શોધી કાઢી અને અમિત સાથે ડિવોર્સ લેવા માટે અદાલતમાં કેસ દાખલ કરી દીધો. એકલી રહીને નોકરી કરતી નજાકતને હવે જ ખબર પડી કે સંઘર્ષ કોને કહેવાય? ડગલે ને પગલે અડચણો આવતી હતી અને તેને મદદ કરવા માટે જગતમાં કોઇ ન હતું. આવા સમયે તેને નૈષધ યાદ આવ્યો. નૈષધ સાચા પ્રેમીની જેમ એની પડખે ઊભો રહ્યો. રોજ નજાકતના દસથી બાર ફોન કોલ્સ આવતા રહેતા હતા : ‘નૈષધ, ગેસનું સિલિન્ડર ખલાસ થઇ ગયો છે... બારણાંનું લોક બગડી ગયું છે... વીજળીનો ફ્યુઝ ઊડી ગયો છે... બેડરૂમની બારી બંધ થતી નથી, મિસ્ત્રીને બોલાવીને રિપેર કરાવવી પડશે... બાથરૂમના નળમાંથી પાણી ટપકે છે... ગઇ કાલ સાંજથી ફ્રિજ બંધ થઇ ગયું છે...’ આવા દરેક ફોનમાં અંતે આ એક વાક્ય તો હોય જ, ‘હું મોટી તકલીફમાં મુકાઇ ગઇ છું, શું કરું?’ દરેક વખતે નૈષધનો એક જ જવાબ હોય : ‘મૈં હૂં ના.’ પોતાનું કામ બાજુ પર મૂકીને, ગાંઠનું ગોપીચંદન કરીને નૈષધ પ્રેમિકાનું કામ કરાવી આપતો. એ એવું માનતો કે ઘી ઢોળાયું તો ખીચડીમાં જ છે ને! ગઇકાલની પ્રેમિકા આજે મિત્ર છે અને આવતી કાલે પત્ની બનશે. બસ, એના ડિવોર્સ થઇ જાય ત્યાં સુધી જ રાહ જોવાની છે. પૂરાં બે વર્ષનાં ઇંતેજાર પછી નજાકતને છૂટાછેડા મળી ગયા. એ હવે મુક્ત હતી. પેંડાનું બોક્સ લઇને એ નૈષધના ઘરે પહોંચી ગઇ. નૈષધે આ વખતે સમય બગાડ્યા વગર પૂછી જ લીધું, ‘આપણે મેરેજ ક્યારે કરીશું?’ ‘તું સહેજ મોડો પડ્યો. ડિવોર્સનું જજમેન્ટ આવ્યું, એ પછી બીજી જ મિનિટે મારા વકીલે મને પ્રપોઝ કર્યું અને મેં હા પાડી દીધી. આપણે મિત્રો તરીકે ચાલુ રહીશું.’ નૈષધને સમજાઇ ગયું કે એ જીવનમાં બધી જ બાબતોમાં મોડો પડ્યો છે, પ્રેમિકાને સમજવામાં પણ!⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...