તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં ખીલ્યું ગુલાબ:ક્યા આઇના ઔર ક્યા ઇન્સાન,કદ્ર નહી રંહતી ટૂટને કે બાદ

5 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • એક દિવસ એક દાઢી-જટાધારી સાધુ ઘરમાં પ્રવેશ્યો. મનસુખલાલ એને રોકવા માટે ઊભા થઇ ગયા,‘અરે, તમે કોણ છો? આ રીતે અમારા ઘરમાં...?’

દરેક માણસ અલગ અલગ ભવિષ્ય લઇને આ જગતમાં આવે છે; કોઇ માથાં ઉપર દુઃખના બાવળ ઉગાડીને આવે છે તો કોઇ સુગંધી ફૂલોની ટોકરી લઇને. 62 વર્ષના મનસુખકાકા અલગ જ પ્રકારનું નસીબ લઇને આવ્યા હતા. દુઃખ, અભાવો અને સંઘર્ષથી ઊભરાતા પાંચ પાંચ દાયકા પસાર કર્યા પછી માંડ હમણા દસેક વર્ષથી સુખનો ચહેરો જોવા મળ્યો હતો. બેઠા ઘાટનું મકાન હતું. જેમાં પચાસ વર્ષ ભાડુઆત તરીકે રહ્યા પછી હમણાં થોડાંક વર્ષો પહેલાં તેમણે ખરીદી લીધું હતું. એંશી વર્ષની વયોવૃદ્ધ મા હતી, 40 અને 35 વર્ષની ઉંમરના બે દીકરાઓ હતા, પ્રવીણ અને મનીષ, એ બંનેની પત્નીઓ હતી. પૂજા અને માલિની. મનસુખકાકાના પોતાના ધર્મપત્ની અરુણાબહેન હતાં. બંને દીકરાઓનાં ઘરે પણ સંતાનો હતાં. ઘરનાં ઘર, ફળિયાંમાં નળ અને છોકરા લાઇનસર. આવી સુખની વ્યાખ્યા નાનપણમાં સાંભળી હતી તે મનસુખકાકાનાં જીવનમાં 62માં વર્ષે સાકાર થતી હતી.

મનસુખકાકા જ્યારે મનસુખ તરીકે જન્મ્યા હતા ત્યારે ખાસ તકલીફ જેવું ન હતું. એમના પિતા અંબાલાલ કોઇ વેપારીની પેઢીમાં ગુમાસ્તા તરીકે નોકરી કરતા હતા. રોજ સાંજે થાક્યા પાક્યા ઘરે આવીને અંબાલાલ સૌથી પહેલું કામ સ્નાન કરીને વહેલાં વહેલાં ભોજન કરી લેવાનું કરતા હતા. પછી પત્ની કે બાળક સાથે સમય પસાર કરવાને બદલે ધર્મ-ધ્યાનમાં બેસી જતા હતા. અંબાલાલ પ્રકૃતિથી ધર્માભિમુખ માણસ હતા. જો એમનું ચાલ્યુ હોત તો એમણે લગ્ન પણ ન કર્યાં હોત. પણ એમનું ન ચાલ્યું એટલે લગ્ન પણ થઇ ગયાં અને પુત્ર પણ થઇ ગયો. પણ એ પછી એ પાણીની વચ્ચે કોરાકટ બની રહેતા કમળપુષ્પની જેમ જીવન જીવતા રહ્યા.

અંબાલાલનાં પત્ની પણ સાત્ત્વિક સ્ત્રી હતી. એમણે પતિને ક્યારેય કોઇ ફરિયાદ કરી નહીં. અંબાલાલ ધર્મ-ધ્યાનમાં ડૂબેલા રહેતા હતા ત્યારે એમના પત્નીએ પોતાનું સમગ્ર જીવન દીકરાને ઊછેરવામાં પસાર કરી દીધું. અંબાલાલ ક્યારેક ટાણે-કટાણે સાધુ-સંતોને ભોજન માટે ઘરે લઇ આવતા હતા. પત્નીને ધીમા અવાજમાં સૂચના આપતા,‘આજે પાંચ સાધુઓ આપણાં આંગણે પધાર્યા છે. એમને પાકું ભોજન કરીને જમાડવાના છે.’આ પાંચ સાધુઓને જમાડવામાં પાંચ ટંકનો સીધુસામાન વપરાઇ જતો હતો પણ એ સોંઘવારીના જમાનામાં આ બધું નભી જતું હતું. નાનકડો મનસુખ આ બધું જોઇજોઇને મોટો થતો ગયો. વગર કહે એના મનમાં ધર્મ-ધ્યાન અને સાધુ-સંતો માટે એક પૂર્વગ્રહ રચાતો ગયો. મનસુખના બાળમાનસમાં તકલીફો વેઠતી માતા પ્રત્યે પ્રગટ સહાનુભૂતિ અને સાધુઓની સંગતમાં સુખ શોધનારા પિતા માટે પ્રચ્છન્ન ફરિયાદ ઘોળાયા કરતી હતી. જો એનું ચાલતું હોત તો એણે અવશ્ય પિતાની સામે બળવો કર્યો હોત. પણ બળવો કરવા માટે એણે એને હજુ ઘણાંબધાં વર્ષોની વાર હતી.

મનસુખનાં જીવનમાં પિતા સામે બળવો કરવા જેવી ઉંમર ક્યારેય આવી જ નહીં. જ્યારે તે દસ વર્ષનો હતો ત્યારે અચાનક એક દિવસ પિતા અંબાલાલે જાહેર કર્યું, ‘આજની રાત આ ઘરમાં મારી છેલ્લી રાત છે. આવતીકાલે સવારે હું ગૃહત્યાગ કરીશ.’ મનસુખની મા પહેલાં તો આ સાંભળીને ડઘાઇ ગઇ. પછી એ આજીજી કરવા લાગી અને છેલ્લે વિલાપ કરવા માંડી. આંખોના કૂવા ઊલેચીને એણે પતિનાં ચરણ પખાળ્યાં. ‘તમે તો સંસાર છોડીને જતા રહેશો પણ મારું અને મનિયાનું શું થશે? એનો તો વિચાર કરો! તમારા પગારમાં પણ માંડ માંડ ઘર ચાલતું હતું. તમારા ગયાં પછી અમે ખાઇશું શું? ખાનગી નોકરી છે એટલે પેન્શન પણ નહીં આવે.’ અંબાલાલે આસમાન તરફ આંગળી ચીંધીને કહી દીધું, ‘ચિંતા કરવાની જરૂર નથી. તમારું ધ્યાન રાખનાર ઉપર બેઠો છે. હું તો બે હાથવાળો માણસ છું; એની પાસે હજાર હાથ છે. તું એવું માની લેજે કે આજે તારા પતિનું મૃત્યુ થઇ ગયું.’

ખરેખર બીજા દિવસે સવારે મનસુખ જાગ્યો તે પહેલાં અંબાલાલ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. મનસુખે એની માતાને વિધવાની જેમ વિલાપ કરતી જોઇ. એક દિવસ રડી લીધાં પછી એ કોઠાસૂઝ ધરાવતી અભણ સ્ત્રીને સમજાઇ ગયું કે આંસુના વરસાદથી પથરાળ જમીનમાં પૈસાનો પાક નહીં ઊગે. એણે રડવાનું બંધ કરી દીધું અને પારકાં ઘરનાં કપડાં, વાસણ અને કચરાં-પોતાંનું કામ કરવાનું શરૂ કરી દીધું. પડોશીઓ ભલા હતા. વાર-તહેવારે કપડાંલતા અને સીધુસામાન આપીને આ મા-દીકરાને સાચવી લીધાં. મનસુખ ઘરની સ્થિતિ પ્રમાણે ભણતો ગયો. જિંદગી હંમેશાં બધાંને માટે સાન્તાક્લોઝ બનીને નથી આવતી કે એની પાસેથી તમે જે માગો તે આપી જાય. મનસુખ ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે કલેક્ટર તો ન બની શક્યો પણ જેમ તેમ ભણવાનું પૂરું કરીને એક મિલમાલિકના બંગલામાં નોકરીએ રહી ગયો. અત્યારે જેને ‘હાઉસ મેનેજર’ કહેવામાં આવે છે તેવા પ્રકારની એ નોકરી હતી. બંગલાનું તમામ કામકાજ એણે કરાવી આપવાનું હતું. રોજની ખરીદી, બારીબારણાંનું સમારકામ, પ્લમ્બરનું કામ, ક્યાંયથી પાણીનું લિકેજ થતું હોય તો તેનું સમારકામ આ બધું તેની જવાબદારીમાં આવતું હતું. ક્યારેક નોકર ન આવ્યો હોય તો શેઠાણીનાં ઘાઘરો-સાડલા પણ તેણે ધોવાં પડતાં હતાં.

આવો કારમો સંઘર્ષ વેઠીને મનસુખ સામાજિક રીતે સ્થિર થયો. ગરીબ ઘરની કન્યા અરુણાની સાથે પરણ્યો. બે દીકરાઓનો પિતા બન્યો. દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા. ઠીક ઠીક કહી શકાય તેવા પગારવાળી નોકરીએ વળગાડ્યા. સંસ્કારી કન્યાઓ શોધીને પરણાવ્યાં. 62 યુગો જેવાં 62 વર્ષો પસાર કરીને હવે એ કંઇક રાહત નામની નદીના કિનારે વિશ્રામ કરવા બેઠો. ભાડાંનું ઘર હવે એણે ખરીદી લીધું હતું. જૂના જમાનાની સાદી પદ્ધતિ પ્રમાણે જીવન ચાલતું હતું. બેઠકરૂમમાં લાકડાંની પાટ અને પતરાંની ત્રણ જૂની ખુરશીઓ એ જ રાચરચીલું હતું. ભાખરી અને ખીચડીનાં ભોજનમાંથી તમામ વાનગીઓનો સ્વાદ મળી રહેતો હતો. જીવન એક વ્યવસ્થિત ઢાંચામાં ઢળી ગયું હતું. ત્યાં અચાનક પ્રવાહ પલટાયો. એક દિવસ નમતી બપોરે અતિશય કૃશકાય, વયોવૃદ્ધ, હાડકાંના માળા જેવો એક દાઢી-જટાધારી સાધુ ઘરમાં પ્રવેશ્યો. એનાં ભગવાં વસ્ત્રોમાંથી દુર્ગંધ ઊઠતી હતી. મનસુખલાલ એને રોકવા માટે ઊભા થઇ ગયા,‘અરે! અરે!, તમે કોણ છો? આ રીતે અમારા ઘરમાં...?’ ‘આ તમારું ઘર નથી, મારું ઘર છે. મને ન ઓળખ્યો? હું અંબાલાલ. દાયકાઓ પહેલાં સંસાર છોડીને સાધુ બનીને હિમાલય તરફ ચાલ્યો ગયો હતો. આજે હું મારા ઘરે પાછો ફર્યો છું.’આટલું બોલતામાં સાધુ ખાંસવા લાગ્યો.

સાધુની વાત સાંભળીને આખું ઘર સ્તબ્ધ થઇ ગયું. મનસુખે ઝીણવટપૂર્વક જટા અને દાઢીની અંદરનો ચહેરો ઊકેલવાનો પ્રયત્ન કર્યો. પાંચ દાયકાનાં પડ હટાવ્યાં ત્યારે માંડ પિતા ઓળખાયા. પણ મનસુખલાલની 85 વર્ષની મા તરત જ પતિને ઓળખી ગઇ. એણે હોંશભેર સાધુને આવકાર આપ્યો. સાધુ બાથરૂમમાં જઇને સારી રીતે નહાયા ત્યારે માંડ સહી શકાય તેવા બન્યા. રાત્રે આખો પરિવાર ચર્ચા કરવા માટે ભેગો થયો. મનસુખલાલની બા પતિને વીતેલાં વર્ષોનાં ખબર-અંતર પૂછવા લાગી. સાધુએ માહિતી આપી, ‘મારો જન્મારો સફળ થઇ ગયો. સંસારની મોહ-માયા છોડીને હું ઇશ્વરની શોધમાં નીકળી ગયો હતો. ધ્યાન-ધારણા, સમાધિ આ બધાંમાં મને પરમ સુખ અને શાંતિનો અનુભવ થયો. પણ હવે શરીર સાથ આપતું નથી. જીરણ તાવ રહ્યા કરે છે. શિષ્યો સાચવતા નથી. એટલે મને ઘર યાદ આવ્યે. જિંદગીનાં આખરી વર્ષો તમારી સાથે કાઢવા માટે આવ્યો છું.’

મનસુખલાલના શાંત સરોવર જેવા સંસારમાં અચાનક અંબાલાલનાં આગમનથી વમળો ઊઠ્યાં. એને પિતાની ઘરવાપસી ગમી ન હતી. એની બા એને સમજાવતી હતી, ‘બેટા, ગમે તેવો તો પણ મારો ધણી છે. અગ્નિની સાક્ષીએ એની સાથે પરણીને હું આ ઘરમાં આવી હતી. એની સેવા ન કરું તો હું પાપમાં પડું.’ આ સાંભળીને મનસુખલાલના દિમાગની નસો ફાટવા લાગી. મનનો ધૂંધવાટ એણે મા સમક્ષ ઠાલવી દીધો, ‘બા, મારા બાપા પણ અગ્નિની સાક્ષીએ જ તારો હાથ ઝાલીને તને લઇ આવ્યા હતા. જ્યારે આપણને તેમની સૌથી વધારે જરૂર હતી ત્યારે જ એ ચાલ્યા ગયા. મારી અને તારી આખી જિંદગી આ સાધુએ નર્ક જેવી બનાવી દીધી. ઉપરાંત આજે 50 વર્ષ પછી પાછા આવેલા આ સાધુની વાણી, વર્તન, કપડાં આ બધાંમાં હું મારા પિતાને ક્યાંય જોઇ શકતો નથી. મારા માટે આ કોઇ બીજો જ માણસ છે. તું મારી મરજી કે નામરજીને ભૂલી જા પણ મારા બંને દીકરાઓ, તેમની વહુઓ અને એમનાં નાનાં નાનાં બાળકો વિશે વિચાર કર. એ બધાં એક સાવ અજાણ્યા જટા-દાઢીધારી સાધુને પ્રેમ અને માન કેવી રીતે આપી શકે? મારા પિતાએ જો ઇશ્વરપ્રાપ્તિ માટે સાધના કરવી જ હતી તો ઘરમાં રહીને પણ કરી શકાતી હતી ને? એના માટે ઘર છોડીને ચાલ્યા જવાની શી જરૂર હતી? અને ગયા તો ભલે ગયા, પણ હવે પાછા આવવાની શી જરૂર હતી?’ ઘર છોડીને આશ્રમમાં જવાને બદલે ઘરને જ આશ્રમ ધારી લેવો વધારે ઇચ્છનીય છે. drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો