તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહજ સંવાદ:કૃષ્ણનો અંતિમ વિસામો, સરવો સોરઠ દેશ....

વિષ્ણુ પંડ્યા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથથી થોડે દૂર પ્રાચીના તીર્થસ્થાને કૃષ્ણનો અંતિમ વિસામો છે. દ્વારિકાથી પ્રાચી.. આ યાત્રા કેવી હશે?

ક્યાં નથી કૃષ્ણ? મથુરામાં, વૃંદાવનમાં, કુરુક્ષેત્ર તેના વિના અધૂરું. યમુનાષ્ટકમાં તેની યમુના-પ્રીતિ છલકે છે. અરુણાચલ જવાનું થયું ત્યારે એક મંત્રીએ કહ્યું : અમે તમને રુક્મિણી આપી છે. વિશ્વનો પ્રથમ પ્રેમપત્ર રુક્મિણીએ કૃષ્ણને લખ્યો અને સાહસપૂર્વક તેનું અપહરણ કર્યું! લઈ આવ્યા સોરઠના સમુદ્રકિનારે માધવપુરમાં. ત્યાં વિવાહ રચાયો. આજે પણ હરખભેર ગ્રામજનો દર વર્ષે લગ્નોત્સવ મનાવે અને કંકોત્રી પાઠવે છે. કૃષ્ણ વિવિધ સ્વરૂપે ભારત-હૃદયમાં વિરાજે છે. તે મથુરાના કારાગારનો કેદી છે, યમુનાનો વિહાર પિતાના માથે ટોપલીમાં કર્યો છે, યશોદા પાસે પુત્રના તમામ લાડ કર્યા, ગોવાળિયા સાથે ધીંગામસ્તી કરી, માખણ ચોર બન્યા, સૌ ગોવાળોને ખવડાવ્યું, રાધાને અખૂટ સ્નેહ કર્યો, ઉદ્ધવ સાથેની તેની મૈત્રી રહી. અર્જુનના સારથિ અને દ્રૌપદીના અધિકારપૂર્વક્ના સખા. તેમને કોઈ સીમા નડી નથી. વનવાસીઓના આરાધ્ય સ્વરૂપે શામળાજીમાં વસે છે, બોડાણાથી નરસિંહ મહેતા સુધીના ભક્તોના આગ્રહને તે સ્વીકારે છે, તેની સાથે ડાકોર પહોંચે છે. ગોકુળિયું ગામ એવું આદર્શ બનાવ્યું કે હજારો વર્ષો પછી પણ રાજ્યસત્તાનો આદર્શ તેવા સમરસ ગોકુળ ગામનો છે. ગુજરાત પ્રત્યેનો તેને અનહદ પ્રેમ. હમણાં સોમનાથ જવાનું બન્યું. આ પરિસરને સુવિધા અને સુંદરતા સાથે અત્યંત આકર્ષક બનાવ્યું છે. સોમનાથથી થોડે દૂર પ્રાચીના તીર્થસ્થાને કૃષ્ણનો અંતિમ વિસામો છે. દ્વારિકાથી પ્રાચી.. આ યાત્રા કેવી હશે? પોતાના મોંમાં યશોદાને વિશ્વ દેખાડનાર કૃષ્ણ પોતાના જ યાદવોને તેના અધોપતનની નિયતિ પર છોડીને દ્વારિકાથી અહીં આવ્યા હતા. કેવો તે અતીત? પુરાતત્ત્વવિદ ડો. સાંકળીયાના સંશોધન મુજબ, કૃષ્ણ 3300 વર્ષ પૂર્વે અહીં આવ્યા હતા. એક ગણતરી પ્રમાણે સાતમો મન્વંતર-વૈવસ્વત, તેની અટ્ઠાવીસમી ચતુર્યુગીનો પ્રારંભ સત્યયુગ તરીકે થયો હતો. આજે આ વૈશ્વિક મનુષ્યસૃષ્ટિને 12,05,38, 133 વર્ષ થયા! આદિ શંકરાચાર્યે આ દ્વારિકાધીશની સ્તુતિ કરી છે આ શબ્દોમાં : ‘કૃષ્ણે જ રચ્યા છે અનેક બ્રહ્માંડો, બ્રહ્માંડોમાં ગોપાલકો, ગાયો અને વિષ્ણુઓ! શિવે તેના ચરણે વહેતી જળગંગાને મસ્તકે ધારણ કરી છે. અરે, આ જ તો સત્ય-બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પ્રતિમાથી અલગ, અલૌકિક, સચ્ચિદાનંદમય, અવિકારી અને શ્યામ પરમેશ્વરરૂપ છે...’ કેવું અદ્્ભુત જીવન હશે તેનું? દ્વારિકા માટે તેણે સમુદ્રની સાથે સંવાદ કર્યો અને સમુદ્રએ પાછા ખસીને જમીન આપી, ત્યાં રચાઇ દ્વારાવતી. પારિજાતના વૃક્ષોથી તે શોભિત હતી, અહીં બલરામના રેવતી સાથે લગ્ન થયાં. રુક્મિણી અહીં પ્રવેશી. સત્યભામાને વરમાળા મળી. કાલિંદીનો ભવન પ્રવેશ થયો. પ્રિયંવદા–ભદ્રા અને 16000 કન્યાઓને ભૌમાસુરથી મુક્તિ અઆવી, અનિરુદ્ધ-ઉષાનો હસ્તમેળાપ થયો. પુત્ર સાંબ પણ અહીં ગૃહસ્થ થયો. 100 વર્ષ કૃષ્ણરાજ્ય રહ્યું અને દ્વારિકાનો અસ્ત થયો. વર્તમાન દ્વારિકા પાસે થોડાંક ધાર્મિક સ્થાનો સિવાય વૈભવ નથી રહ્યો. બીજી અદ્વિતીય ઘટના ક્રૃષ્ણના દ્વારિકાએ સાચવી રાખી છે. 30 માર્ચ, 1619. વિક્રમ સંવત 1756નો વૈશાખી દિન. ગુરુ ગોવિંદસિંહ અને સામે શીખ બેઠા છે. ગુરબાની ચાલે છે. સત શ્રી અકાલનો નારો. ગુરુએ હાથમાં તલવારની સાથે સંબોધન કર્યું. મા દુર્ગા ભેટ માંગે છે, પાંચ બંદાઓની. બોલો, તૈયાર છો? એક પછી એક શીખ ઊભા થયા. દયાસિંહ પ્રથમ હતો. ગુરુ તેને છાવણીમાં લઈ ગયા અને રક્તરંજિત તલવાર સાથે પાછા વળ્યા. બીજો, ત્રીજો… પછી ચોથો તે બેટ દ્વારિકાનો ભાઈ મોહકમ સિંહ. પાંચ થયા ને ગુરુએ રહસ્ય ખોલ્યું. પાંચે બંદા છાવણીમાં જીવે છે, મારે કસોટી કરવી હતી. મારે માટે આ ‘પંજ પ્યારા’ છે... આ ભાઈ મોહકમ સિંહના જન્મસ્થાને બેટ દ્વારિકામાં ગુરુદ્વારા ઊભું છે. દ્વારિકાધીશના રખેવાળ હતા વાઘેર બહાદુરો. 1820 થી 1865 સુધી તેમણે યુદ્ધ કર્યું, 1857ના જંગમાં પણ ભાગ લીધો. પ્રાચીન સોરઠમાં આખું સૌરાષ્ટ્ર આવી જતું. મૂળ દ્વારિકા પણ સંશોધિત થઈ છે અને સમુદ્રના પેટાળમાં દ્વારિકાઓ છે તેની શોધખોળ પુરાવિદો કરી રહ્યા છે. આ છે કૃષ્ણનું સોરઠ! ⬛

અન્ય સમાચારો પણ છે...