ઇતિહાસકારો, પુરાતત્વશાસ્રીઓ, વૈજ્ઞાનિકો અને તત્વચિંતકોનો મુખ્ય મુદ્દો રહેતી દ્વારકાનગરીનું મહત્વ સવિશેષ એટલા માટે છે કારણ કે જરાસંધના ત્રાસથી પોતાની પ્રજાને બચાવવા માટે સ્વયં લીલાધર કૃષ્ણએ, ભગવાન વિશ્વકર્માને અહીં નગર ખડું કરવાનો આદેશ આપ્યો હતો. સમસ્યા એ હતી કે દ્વારકાના નિર્માણ માટે 12 યોજન ભૂમિની આવશ્યકતા હતી, જે દરિયામાં ગરકાવ થયેલી હતી. કૃષ્ણએ સમુદ્રદેવને જમીન ફાળવવા માટે યાચના કરી. ફળસ્વરૂપ, સોના, હીરા-મોતી-માણેકથી મઢેલ ભવ્યાતિભવ્ય નગરીનું બાંધકામ શરૂ થયું. મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીના શાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો. કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઈચ્છતાં હતાં. તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે. વીસમી સદીમાં દ્વારકા પર અઢળક સંશોધનો હાથ ધરાયા. નિષ્ણાતો દ્વારા મહાભારત અને હરિવંશ પુરાણનો અભ્યાસ કરાવીને તેમાંથી દ્વારકા-નગરીનું સાચું લોકેશન જાણવાના પ્રયાસો ચાલુ થયા. આર્કિયોલોજીકલ સરવે ઑફ ઈન્ડિયા (એ.એસ.આઇ.), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી (એન. આઇ. ઓ.) અને મરિન આર્કિયોલોજી યુનિટ (એમ. એ. યુ.)ના સંયુક્ત પ્રયાસો વડે આખરે સમુદ્રમાં ગરકાવ થઈ ચૂકેલી દ્વારકા નગરીના કેટલાક અવશેષો પ્રાપ્ત થયા. વર્ષ 1983થી 1992 સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં પુરાતત્ત્વશાસ્ત્રીઓને હાથ લાગેલા તમામ પુરાવા અને કિંમતી વસ્તુઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી. કાર્બન ડેટિંગ, થર્મો લ્યુમિનેસન્સ અને તેના જેવી અન્ય આધુનિક તકનિકીઓની મદદ વડે ઈમારતોની ઇંટ તથા ધાતુની ઉંમર જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ. પ્રોજેક્ટ-હેડ મરિન આર્કિયોલોજિસ્ટ ડૉક્ટર રાવ દ્વારા ‘લોસ્ટ સિટી ઓફ દ્વારકા’ નામે એક રિસર્ચ-પેપર રજૂ કરવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું હતું કે દરિયામાંથી પ્રાપ્ત થયેલ તમામ ચીજ-વસ્તુ અને બાંધકામનાં નમૂના ઇસવી સન પૂર્વે 1500ની સાલ (આજથી લગભગ 3500 વર્ષ પહેલાનાં) છે! દરિયામાં પ્રાપ્ત થયેલી ચીજ-વસ્તુઓ પર ઊંડાણપૂર્વક પ્રયોગો થતા દ્વારકાની સમૃદ્ધિ વિશેની કેટલીક બાબતો પણ જાણી શકાઈ. સોના-ચાંદી-હીરા-મોતી અને અન્ય કેટલુંક રાચરચીલું બરામત થયું. સંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવાયું કે, દ્વારકાનું અસ્તિત્વ ફક્ત 60-70 વર્ષનું જ હતું. બહુ ટૂંકા ગાળા માટે વસાવવામાં આવેલી આ નગરી ઇસ્વીસન પૂર્વે 1443ની સાલમાં પૂરને લીધે વિનાશ પામી! (અહીં આપણું વિજ્ઞાન, ધર્મગ્રંથો કરતાં થોડુંક અલગ પડે છે. ઋષિમુનિઓના લખાણ મુજબ, શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા છોડીને ગયા ત્યારે દ્વાપર-યુગનો અંત અને કળિયુગની શરૂઆત થવાની હતી. આથી આજની તારીખ-પધ્ધતિ પ્રમાણે તે ઇસ્વીસન પૂર્વે 3102નો સમયગાળો ગણી શકાય! મતલબ કે દ્વારકા ઓછામાં ઓછાં 5000 વર્ષ પહેલાં તો અસ્તિત્વ ધરાવતી હતી! કેટલાક સંશોધકો હજુ પણ દૃઢપણે એવું માને છે કે મૂળ દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં ક્યાંક દફન છે, જ્યાં સુધી કોઈ પહોંચી નથી શક્યું.) ડૉક્ટર રાવે પોતે સ્વીકાર્યુ છે કે કૃષ્ણનું વ્યક્તિત્વ એક સમયે ખરેખર આ ધરતી પર શ્વાસ લેતું હતું! તદુપરાંત, શ્રીકૃષ્ણે યાદવોને આપેલ ચેતવણી અંગે વિગતવાર ખુલાસો કરતાં તેમણે જણાવ્યું કે આખું નગર પાણીમાં ગરકાવ થતાં પહેલાં તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું. મત્સ્ય પુરાણ અને હરિવંશ પુરાણમાં પણ જણાવાયું છે કે દ્વારકાને પૂર આવતાં પહેલાંના સાત દિવસ અગાઉથી જ ખાલી કરી દેવાઈ હતી.⬛ bhattparakh@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.