તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસ દર્શન:કૃષ્ણ પ્રેમકર્તા પણ છે અને ન્યાયકર્તા પણ છે

મોરારિબાપુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષ્ણ ન્યાયી છે અને પ્રેમી પણ છે. કૃષ્ણ પ્રેમકર્તા છે અને ન્યાયકર્તા પણ છે

મેં વારંવાર કહ્યું છે કે રામકથામાં કૃષ્ણકથા બીજરૂપે શંકરે રાખી છે. કૈલાસ પરથી ભગવાન મહાદેવના મુખે એ વાત નીકળી છે કે હે રતિ, તારા પતિ કામદેવને મેં બાળી નાખ્યો, પરંતુ તારો પતિ શરીર વિના પણ સૌમાં વ્યાપી જશે, કેમ કે તારો પતિ નહીં હોય તો દુનિયા ઠપ્પ થઈ જશે. રતિએ કહ્યું, મારો પતિ અનંગ રૂપમાં સૌમાં વ્યાપશે એ આપની કૃપા, પરંતુ મને તો મારો પતિ સદેહે જોઈએ. ત્યારે શિવે કહ્યું, રતિ, એ માટે પ્રતીક્ષા કરવી પડશે. જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈહિ હરન મહા મહિભારા. કૃષ્ણ તનય હોઈહિ પતિ તોરા, બચનુ અન્યથા હોઈ ન મોરા. રતિ, મહાદેવનું વચન છે કે દ્વાપરમાં, યદુવંશમાં કૃષ્ણાવતાર થશે ત્યારે મહામહિભાર ઉતારવામાં આવશે અને કૃષ્ણકુળમાં, કૃષ્ણનો પુત્ર તારા પતિના રૂપમાં સદેહે તને પ્રાપ્ત થશે. કૃષ્ણ જેવા ન્યાયકર્તા વિશ્વમાં કોઈ નથી. પૃથ્વીનો મહાભાર કેવળ કૌરવોના નાશથી જ ઊતરવાનો નથી, કૃષ્ણકુળનો નાશ થયા બાદ ઊતરશે. એમના મર્યા, તો મારા પણ મરવા જોઈએ, એવો ‘કર્તુમ્ અકર્તુમ્ સમર્થ’નો સંકલ્પ હતો. હજી મહિભાર પૂરો ઊતર્યો નથી, કેમ કે આ લોકો પણ પરદ્રોહી થતા જાય છે. કૃષ્ણના કાનમાં એક વાત વારંવાર ઘૂમતી હતી. ગાંધારીનો એક અવાજ આવતો હતો, ‘છત્રીસ વર્ષ પછી યદુઓની આવી જ હાલત થશે! ગોવિંદ, તારે કારણે મારું આખું કુળ સમાપ્ત થઈ ગયું!’ કૃષ્ણ ન્યાયી છે અને પ્રેમી પણ છે. કૃષ્ણ પ્રેમકર્તા છે અને ન્યાયકર્તા પણ છે. અર્જુનને બોલાવવામાં આવ્યો. કૃષ્ણએ કહ્યું, ‘આપણે પ્રભાસની યાત્રા કરવાના છીએ અને એક વાત સાંભળી લે ધનંજય, જે રીતે ‘મહાભારત’માં કોઈ નથી બચ્યું, એ રીતે અહીં કોઈ નહીં બચે! જો કોઈ બચી જાય તો એને લઈને તું હસ્તિનાપુર નીકળી જજે, કેમ કે ત્યાર બાદ હું બચેલી દ્વારિકાને પણ ડુબાવી દેવાનો છું.’ કૃષ્ણે જે મહાભાર બન્યા હતા એ બધાને મહાકાળની લપેટમાં લીધા છે. એમાં પોતાના-પારકાનો ભેદ રાખ્યો નથી, એટલા માટે કૃષ્ણ જેવો કોઈ ન્યાયકર્તા નથી. કૃષ્ણ વિશે વિચારવું હશે તો ચારે બાજુથી વિચારવું પડશે. એક પક્ષને લઈને બેસી જશો તો કૃષ્ણને અન્યાય થશે અને તમારો ઉદ્ધાર થશે જરૂર, પરંતુ મોડેથી થશે. ‘મહાભારત’ના કૃષ્ણને જોયા બાદ કૃષ્ણ-ઉપાસનામાં પણ બળ મળશે. જે કૃષ્ણ અને શિવ વિશે આપણે લોકો લડીએ છીએ! કૃષ્ણ પૂર્ણાવતાર છે, અવશ્ય, પરંતુ આ કૃષ્ણ શિવ-ઉપાસના કરે છે! ખોલો ‘મહાભારત.’ એમાં કૃષ્ણે મહાદેવની આરાધના કરી છે. મહાદેવ પ્રસન્ન થાય છે. ‘મહાભારત’માં ચોવીસ વરદાન અપાયાં છે. આઠ વરદાન મહાદેવે માગવાનાં કીધાં, કૃષ્ણે માગ્યાં. પાર્વતી બાજુમાં હતાં. આઠ વરદાન પાર્વતીએ દીધાં અને પછી કૃષ્ણ કહે, હવે મારી ઈચ્છા પ્રમાણે આપો. આમ, ચોવીસ વરદાન! આઠ વરદાન મહાદેવે આપ્યાં. પહેલું વરદાન શું માગ્યું? ‘ધર્મે દૃઢત્વં’, ધર્મમાં મારી દૃઢતા રહે. બીજું, ‘યુધિ શત્રુઘાતં’, દુનિયાની દૃષ્ટિમાં જે શત્રુ હોય, એનું પૃથ્વીનો ભાર ઉતારવા માટે નિર્વાણ કરવામાં મને વાર ન લાગે. ‘યશસ્તથાગ્રયં,’ યશ અને કીર્તિ વધે. ‘પરમં બલં.’ હું બળવાન થાઉં. મારું બળ પરમ હોય. ‘યોગપ્રિયત્વં’, મારો યોગ અખંડ રહે. મારો પ્રેમભાવ કાયમ અક્ષુણ્ણ રહે. ‘તવ સંનિકર્ષં’, મહાદેવ, તારું સામીપ્ય ક્યારેય મિટે નહીં. હું સદા તારી નિકટ રહું. ‘વૃણે સુતાનાં ચ શતં શતાનિ.’ સો દીકરા અને એને પાછા આટલા! બહુ મોટું કુળ હતું. આઠ વરદાન માગવાનું ઉમાએ કહ્યું. ભગવાન કૃષ્ણે મા પાર્વતી પાસે માગ્યું, ‘મને સાધુ-બ્રાહ્મણ પર ક્યારેય ક્રોધ ન આવે.’ વિશાળ અર્થમાં બ્રાહ્મણ અને વિશાળ અર્થમાં જે સંત છે એમના પ્રત્યે મારા મનમાં ક્યારેય ક્રોધ પેદા ન થાય. પછી માગ્યું, ‘મારા માતા-પિતા મારાથી પ્રસન્ન રહે.’ પછી ગોવિંદે માગ્યું, ‘મને ઘણા પુત્રો મળે.’ ઘણા પુત્રો હોય, પરંતુ પુત્રસુખ ન હોય તો? ‘મને ઉત્તમ ભોગ અને ઉત્તમ યોગ પ્રાપ્ત થાય.’ શુભ યોગ અને શુભ ભોગ પ્રાપ્ત થાય. ‘મારા કુળમાં સદા પ્રસન્નતા જળવાઈ રહે.’ કૃષ્ણે પહેલાં માતા-પિતાની વાત કહી, હું એમને રાજી રાખું, પછી માગે છે, ‘મારી મા મારા પર પ્રસન્ન રહે.’ જેમના પર મા પ્રસન્ન હોય, એમના પર જગતમાં કોઈ અપ્રસન્ન ન રહે. સાતમું વરદાન માગે છે, ‘મને શાંતિ પ્રાપ્ત થાય.’ આઠમું માગ્યું, નિષ્કામ ભાવે મારો આશ્રય કરે એમને કાર્યમાં સફળતા મળે. હવે આખરી અષ્ટક. એક, અમર પ્રભાવ. મા કહે છે, જગત પર તારો પ્રભાવ અમર રહેશે. બીજું, તું જીવનમાં ક્યારેય અસત્ય નહીં બોલે. જગદંબા સામેથી આશીર્વાદ આપે છે. તને જીવનમાં બહુ સુખ મળશે. તું સંસારનું પ્રિય પાત્ર બનીશ. અસત્ય નહીં બોલે. તારો પ્રભાવ અખંડ રહેશે. તું સૌને પ્રિય થઈશ. તારાં ધન-ધાન્ય અક્ષય રહેશે. તારી બાંધવ પ્રીતિ અખંડ રહેશે. તારી સુંદરતા કાયમ ટકી રહેશે અને આજ સુધી એનું સૌંદર્ય અક્ષુણ્ણ છે. અંતમાં આઠમી વાત, ‘તમારે ઘેર રોજ સાત હજાર અતિથિ ભોજન કરશે.’ કૃષ્ણકાળથી જલારામબાપા સુધી રોટલાનો કેટલો પ્રતાપ છે! તમે કોઈને અન્ન આપો છો ત્યારે; ઉપનિષદ કહે છે, ‘અન્નં બ્રહ્મૈતિ વ્યજાનાત્.’ એટલે ‘ટુકડામાં હરિ ઢૂકડો’ કીધો છે.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...