મસ્તી-અમસ્તી:દર્દીની ખબર લો છો કે ખબર લઈ નાખો છો?

રઈશ મનીઆરRAS4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે પ્રગતિશીલ પગલું લઈ અંગતસુરક્ષાવસ્ત્ર (પી.પી.ઈ. કિટ) પહેરીને પણ ખબર લેવાની છૂટ આપવી જોઈએ, જેથી સ્વાસ્થ્યજિજ્ઞાસુઓ કોરોનાગ્રસ્તોને વિવિધ પ્રકારની ભાવનાત્મક સફર કરાવી એમના પ્રાણવાયુને ઉત્તેજિત રાખી શકે!

દુ:ખી દેખાતા ધનશંકર બોલ્યા, ‘આપણે થોડી આધ્યામિકતા કેળવી લઈએ તો કોરોનાકાળમાં છિનવાઈ ગયેલા સ્વજનોનું દુ:ખ ઓછું થાય!’ ‘પન કોળોનાકાળમાં બઢા આનંડો છિનવાઈ ગિયા એનું સું?’ બાબુ બોલ્યો. ‘બાબુમહાશય, તમને તો તમારા આનંદરસનો પુરવઠો મળી રહે છે, પછી શું છિનવાયાનું દુ:ખ છે?’ ‘અત્યારે તો જીવીએ છીએ એ જ મોટો આનંદ છે!’ ઓક્સિમીટરમાં આંગળી ઘૂસાડેલી રાખીને શાંતિલાલ બોલ્યા. બધા શાંતિલાલ પર તૂટી પડ્યા, ‘કોરોનાએ કેટકેટલાં આનંદો છીનવી લીધા, ખબર છે તમને?’ ‘પુસ્તકાલય ન જઈ શકવાને કારણે મારા જીવનનો લય ખોરવાઈ ગયો છે!’ ધનશંકર બોલ્યા. ‘કોરોનાયુગ પહેલાં શોપિંગનો એક આનંદ હતો. કયા સાબુ સાથે ચમચી ફ્રી અને કયા લોટ સાથે વાટકી ફ્રી મળે છે એનો સ્ટડી કરીને આરામથી, મજેથી શોપિંગ બહેનો કરતી. હવે શોપિંગ એક નીરસ જવાબદારી બની ગયું હોવાથી ભાઈઓને માથે છે!’ મેં કહ્યું. ‘સિલ્વરસ્ક્રીન પર મૂવી જોવાનું બંધ થયું એ તો ઠીક, મૂવી તો જાણે મોબાઈલ પર પણ મળે પણ એ થિયેટર જેવા બટાકાવડા હવે ક્યાં?’ હસુભાઈને આગવા જ મરચાં લાગ્યાં હતા! પ્રેરણાડી બોલી, ‘વાવાઝોડાંમાં ખેડૂતોનો મોલ (પાક) નાશ પામ્યો, તો અમારા પણ ‘મૉલ’ સવા વર્ષથી બંધ છે. એનું શું? અરે, મલ્ટીપ્લેક્સ-મોલની શોપ્સ ભલે બંધ રાખો પણ કમ સે કમ ‘વિંડો શોપિંગ’ તો કરવા દો! લેડીઝોએ બપોર કેવી રીતે પસાર કરવી?’ હેમિશ બોલ્યો, ‘બાગબગીચામાં પ્રેમીઓનું સ્નેહમિલન બંધ થઈ ગયું!’ પ્રેરણાડીએ કહ્યું, ‘પહેલાં કેવું રવિવારે સાંજે કોઈ મોટી, મોંઘી રેસ્ટોરાંનું લોકેશન એફ.બી. પર શેર કરતાં! પછી એની સામેની લારી પરથી સ્ટ્રીટફૂડ ખાતાં! એ આનંદ છિનવાઈ ગયો!’ ‘કેમ? ઘરે ગઈ કાલે જ તો જલગોલક (પાણીપુરી) આરોગ્યાં!’ પ્રેરણાડીના પૂ. પિતાશ્રી બોલ્યા. ‘ઘરની પાણીપુરીમાં ભૈયાના એ પરસેવાનો સ્વાદ ક્યાં?’ બાબુ બોલ્યો, ‘આ બઢું ટો ઠીક... પણ આ કોરોનાએ બીમાર માનસની ખબર લેવા જવાના આપણા મૂલભૂટ અઢિકાર પર પન તળાપ મારી છે!’ સૌને ખ્યાલ આવ્યો કે બહુ મોટા આનંદથી આપણે વંચિત થઈ ગયાં છીએ! ધનશંકર બોલ્યા, ‘રોગગ્રસ્તની ખબર લેવી એ એક કલા છે, એક જાતનું વિજ્ઞાન છે! આપણે ભારતીયો નાદુરસ્ત માણસોની ખબર લેવાના સમાજસેવી, સદ્્ભાવયુક્ત, સ્નેહસભર કાર્યમાં જન્મજાત નિપુણતા ધરાવીએ છીએ, આ કોરોનાકાળમાં સ્વાસ્થ્યજિજ્ઞાસુઓ (ખબર લેનારા)ની નિપુણતા વણવપરાયેલી રહી!’ હસુભાઈ બોલ્યા, ‘અહાહા! ખબર લેવી, ખબર લઈ નાખવી, ખબર કાઢવી અને અંતે ક્યારે કાઢી જવાના છે, એની ખબર કાઢવી, એમાં આપણો સમય કેવો પસાર થઈ જતો!’ ‘હાચ્ચું કેઉં? ઈંડિયામાં કોળોનાના અળધા પેસંટ તો કોઈ ખબર લેવા ની આયવું, એના ડુ:ખઠી જ ટપકી ગિયા! આપણે માંડા હોઈએ ને કોઈ ખબર લેવા આવે તો શેર ઓક્સિજન ચઢી જાય! સ્વજનોઠી મોટું વેન્ટિલેટર કોઈ નઠી!’ અસંમત થતા હસુભાઈ બોલ્યા, ‘જોકે સગાંવહાલાંઓ ખબર લેવા આવે ત્યારે વેન્ટિલેટર બનીને નથી આવતાં, મોટે ભાગે ‘મન કી બાત’ જ કરી જાય છે!’ ‘અર્થાત?’ ધનશંકરને આ મુહાવરો સમજાયો નહીં! ‘મન કી બાટ એટલે હું કેઉં તે ટમારે હાંભળવાનું, પન ટમારે કંઈ કહેવાનું હોઈ સકે, એ મારે વિચાળવાનું બી નહીં!’ બાબુએ મુહાવરો સમજાવ્યો. ‘ખબર કાઢનારા તમારી ખરેખર ખબર લઈ નાખે. તમે કેમ બીમાર પડ્યા એનું (ડોક્ટરને પણ ટપ્પો ન પડે એવું) કારણ શોધી કાઢે, પોતે કઈ તકેદારીને કારણે સ્વસ્થ છે એના હથોડા મારે, સસ્તા મોસંબી ને સારાં તરોપા ક્યા મળે છે એની ફ્રી માહિતી આપી, પછી હોસ્પિટલની સામે લારી પર ફાફડા-ચટણી ખાય!’ ‘ખબર લેવાની બહુ મજા આવે. ખાસ કરીને આ શાંટીલાલ જેવા મોટા માનસ બીમાર પડે ને ત્યારે! પહેલાં ટો ફોન કરીને પૂછવાનું, ‘કાં આવું અટ્યારે? હોસ્પિટલે આવું કે ટન-ચાર દા’ડા પછી સ્મશાને આવી જાઉં ટો ચાલહે?’ ખબર લેવા જઈએ તો એની હામે એવી રીટે જોવાનું કે જાણે છેલ્લી વાર એના ડરશન કરી રયલા છીએ. પછી મનમાં એમ કહેવાનું, ‘કેમ બઉ ઘોડાની જેમ દોડતો ઉટો તે કાચબાની જેમ પયડો ને! ભોગવ હવે!’ પછી ‘આળામ જરૂરી છે!’ એમ કહી આ બીમારીમાં કોન કોન ઉકલી ગેયલું તે વાટ કરીને બિવડાવી લાખવાનો, પછી કાલજી રાખવાનું કહેવાનું! પછી એની વાઈફને કહેવાનું, ‘ભાભી, એને એકલો બાથરૂમમાં ની જવા ડેટા, ચક્કર-બક્કર આવી જહે. અહીંયા જ પાટ આપજો!’ એટલે એનું મોઢું કો’લા જેવું થઈ જાય! છેલ્લે કહેવાનું, ‘ભાભી લાવો રાબ! હું જ પીવડાવી દઉં, બીમારની સેવા એ જ પ્રભુસેવા!’ પછી એ મોઢું બગાડીને ‘રાબ’ પીએ તો આપણને ‘શરાબ’ પીઢા જેટલો આનંડ આવે!’ ‘આ કોરોનાએ એ આનંદથી વંચિત કરી દીધા! સિનિયર સિટિઝને તો દર મહિને બે-ત્રણ જગ્યાએ ખબર લેવા જવાનું હોય, એમને મન તો એ જ પિકનિક હતી! ટાઈમપાસનું એક સાધન ગયું!’ ‘ડર્ડીઓ પણ ખબર લેવા આવનારના મૂડ અનુસાળ ‘કાલે ઘોડા જેવો થઈ જહે!’થી માંડીને ‘કાલે ફોટા પર હાર ચડી જહે!’ સુઢીના વિવિઢ ભાવોની ભરટી અનુભવી સકટા હતા. હવે કોરોનામાં એ ઈમોશનલ રાઈડ ડુર્લભ ઠઈ ગઈ!’ ‘સરકારે પ્રગતિશીલ પગલું લઈ અંગતસુરક્ષાવસ્ત્ર (પી.પી.ઈ. કિટ) પહેરીને પણ ખબર લેવાની છૂટ આપવી જોઈએ, જેથી સ્વાસ્થ્યજિજ્ઞાસુઓ કોરોનાગ્રસ્તોને વિવિધ પ્રકારની ભાવનાત્મક સફર કરાવી એમના પ્રાણવાયુને ઉત્તેજિત રાખી શકે!’ ⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...