માત્ર 53 વર્ષની ઉંમરે અચાનક અવસાન પામેલા યુવા ગાયક વિશે આમ તો ઘણું લખાઇ ચૂક્યું છે પરંતુ અહીં એને જરા જુદી નજરે જોવાનો પ્રયાસ છે. પહેલી વાત તો એ કે આ કેકે નામના ગાયકના ચાહકો મોટા ભાગે યુવાનો જ છે. એમના માટે આજની સિનિયર પેઢીને જે લગાવ મુકેશ કે રફીનાં ગાયનો માટે છે એવું જ એક ઇમોશનલ બોન્ડિંગ કેકેનાં ગાયનો માટે છે. 1999માં જેનું પહેલું ફિલ્મી ગીત આવ્યું હતું તેને નવા નવા આવેલા FM રેડિયોમાં અને પછી મોબાઇલોમાં સાંભળીને આજની યુવા પેઢી નાનેથી મોટી થઇ છે.
આ યુવાનો માટે ‘કલ રહે યા ના રહે કલ… યાદ આયેંગે યે પલ…’ જીવનની ફિલોસોફીનું સોંગ છે. ‘તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી…’ અથવા ‘અલવિદા…’ જેવાં ગીતો એમના દર્દનાં સાથી રહ્યાં છે. ‘યારોં દોસ્તી બડી હી હસીન હૈ…’ વડે આ પેઢી ફ્રેન્ડશિપના ફન્ડા શીખી છે. ‘આંખો મેં તેરી અજબ સી અદાયેં હૈં…’ અને ‘દિલ ઇબાદત કર રહા હૈ…’ જેવાં ગીતો વડે આ પેઢીએ રોમાન્સ કર્યો છે અને છેક RHTDM ફિલ્મના ‘સચ કહ રહા હૈ દિવાના…’ને રેટ્રો ક્લાસિક સોંગની જેમ દિલમાં વસાવીને રાખ્યું છે. જેના અવાજમાં પીડાની તીવ્રતા અને પ્રેમની નજાકત, આ બંનેનું ખૂબસૂરત મિશ્રણ હતું એ સમજનારા યુવાન સંગીત ચાહકો માટે તો કેકેનું જવું એ બહુ મોટો લોસ છે જ પરંતુ કેકે નવીઅનપ્લગ્ડ જનરેશનનો શરૂઆતી ગાયક હતો એ પણ યાદ રાખવું જોઇએ.
’90ની શરૂઆતના દાયકાના હિન્દી ફિલ્મના સંગીતકારો મહંમદ રફી, કિશોર કુમાર, મુકેશ અને લતાજી તથા આશાજીની ‘રેપ્લિકાઓ’ શોધી રહ્યા હતા. આવા સમયે કુમાર શાનુ, મહંમદ અઝીઝ, અલકા યાજ્ઞિક અને અનુરાધા પોડવાલ જેવા ગાયકો વડે ‘ખાલી જગ્યાઓ’ ભરાઇ રહી હતી. ઇવન સોનુ નિગમ પણ શરૂઆતમાં રફીસાહેબનાં ‘વર્ઝન સોંગ’ માટે ફિટ થઇ ગયો હતો. ત્યાર બાદ જ્યારે 1995માં અલિશા ચિનોયનું ‘મેડ ઇન ઇન્ડિયા’ નોન-ફિલ્મી આલ્બમ વેચાણના રેકોર્ડ તોડવા લાગ્યું ત્યારે અચાનક ‘ઇન્ડિ-પોપ’ મ્યુઝિકનો પવન ફૂંકાયો. એમાં ભલભલા ફૂટકળિયાં ગાયક-ગાયિકાઓ આવ્યાં અને ગયાં પણ ખરાં. એમાં આ કેકે નામનો સાવ સીધો સાદો, સામાન્ય પેન્ટ-શર્ટ પહેરનારો, નોર્મલ હેર સ્ટાઇલ રાખનારો ગાયક ‘પલ’ નામનું સિંગલ આલ્બમ લઇને આવ્યો અને કંઇક નવી હલચલ શરૂ થઇ. કેકેની સાથે શાન પણ આવ્યો અને સોનુ નિગમનો પણ ઓરિજિનલ અવાજ ખીલ્યો. આ જે નવા ગાયકો હતા એ કોઇના ‘શેડો-સિંગર’ નહોતા.
કેકે સાથેના આ ગાયકો માટે ‘અનપ્લગ્ડ’ શબ્દ એટલા માટે વાપર્યો કે આ યુવા ગાયકોએ જાહેરમાં (કોન્સર્ટમાં) ગાવા માટે ફિલ્મમાં જે રીતે ગવાયું હોય તેની નકલ કરવાનું છોડીને લાઇવ પરફોર્મન્સની જે આગવી મઝા હોય છે તે રીતે ગાવાનું શરૂ કર્યું. જોકે, હજી આજે પણ ફિલ્મ સંગીતના જે ટિકિટ શો થાય છે એમાં જૂનાં (અને થોડાં નવાં) ગાયનનોની આબેહૂબ ‘નકલ’ કરવામાં ગાયકો અને ઓરકેસ્ટ્રા કેટલું સફળ થયું એ જ જોવાતું હોય છે. એમાંય વળી નબળા ગાયકોના અવાજને દબાવી દેવા માટે એને વધારે પડતો ‘ઇકો’ અને ભારે ‘બાઝ’ આપી દેવામાં આવે છે. કેકેના સમકાલીન ગાયકો આ આખી બનાવટમાંથી બહાર નીકળી ગયા. ફિલ્મમાં ભલે 45 વાયોલિનનું ઓરકેસ્ટ્રા હોય, આ ગાયકો આઠ-દસ વાજિંત્રોના સહારે જ ગીતો રજૂ કરતા થયા.
કેકેની બીજી એક વિશેષતા એ રહી કે તેણે કદી સ્ટેજ શો માટે ચળકતાં ભડકતાં વસ્ત્રોના વેશ કાઢ્યા નહીં. ના તો કદી એને સસ્તી પબ્લિસિટીની જરૂર પડી કે ના તો આજના પંજાબી પોપ-સિંગરોની માફક ડ્રગ્સ, અપશબ્દો કે હિંસાને ભડકાવતાં ગાયનો ઉપર આધાર રાખવાની જરૂર લાગી.
કેકે જેવા સાદા અને માત્ર ગાયકી ઉપર જ ધ્યાન આપનારા સિંગરો આજે બે-ચાર જ વધ્યા છે, (શાન, અરિજિત સિંહ કે શ્રેયા ઘોષાલ જેવા) બાકી આજકાલ ટીવીમાં રિયાલિટી શોમાં જે સારું રડી બતાવે તેના ફોલોઅર્સ સતત વધતા જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.