લક્ષ્યવેધ:અન્યાયની આંધીમાં કિરણેન્દુ આર્યએ જલાવી સિવિલ સેવાની જ્યોત

એક મહિનો પહેલાલેખક: ઉત્સવ પરમાર
  • કૉપી લિંક
  • અન્યાયબોધમાંથી પ્રગટેલી આકાંક્ષા જ કિરણેન્દુની કારકિર્દીનું ચાલકબળ બની

એમનું નામ કિરણેન્દુ. ફાર્મસીના વિદ્યાર્થી. કિરણેન્દુ આર્ય પાસે UPSCની તૈયારી માટેની હૃદયદ્રાવક કથા છે. મોટી બહેનના અપમૃત્યુને કારણે લાંબી ચાલેલી ન્યાય પ્રક્રિયાએ કિરણેન્દુને સિસ્ટમનો પરિચય કરાવ્યો. સિસ્ટમમાં સરકારી અધિકારીઓની ભૂમિકા જોઈ અને તેમણે નક્કી કર્યું કે તેઓ પણ સરકારી વ્યવસ્થાનો ભાગ બનીને લોકતાંત્રિક પરિવર્તનની દિશામાં આગળ વધશે. મૂળ દિવંગત બહેન માટેની પ્રીતિ અને ન્યાય માટેની લડત ડ્રાઇવિંગ ફોર્સ બની. ફાર્મસીના અભ્યાસ બાદ કિરણેન્દુએ UPSCની તૈયારીનો આરંભ કર્યો. તૈયારી લાંબી હતી પણ ઈરાદા મજબૂત હતા. અન્યાયબોધમાંથી પ્રગટેલી આકાંક્ષા જ આ યાત્રાનું ચાલકબળ. ગુજરાતી વિષય પસંદ કર્યો અને યાત્રા શરૂ થઇ. શરૂઆત બધા ઉમેદવારો જેવી જ. દરિયા જેવડો અભ્યાસક્રમ, રોજ નવું નવું ઉમેરાતું જાય. મૂંઝવણ વધે પણ અંતે ધીમે ધીમે પરીક્ષાની પ્રક્રિયા જ તમને ઘડતી જાય. જનરલ સ્ટડીઝ હોય કે ગુજરાતી વિષય, તેમણે સબ્જેક્ટના કન્સેપ્ચ્યુઅલ નોલેજ પર વધુ ભાર મૂક્યો. મૂળ કન્સેપ્ટ સમજાઈ જાય તો એના અનુસંધાને બનતી ઘટનાઓનું વિશ્લેષણ સરળ બને. એક ઉમેદવાર પાસે વિશ્લેષણાત્મક શક્તિઓની અપેક્ષા આ પરીક્ષામાં હોય છે. બીજું, કિરણેન્દુભાઈની રણનીતિમાં કન્સ્ટિન્સી એટલે કે સાતત્ય અને નિયમિતતાનું ખાસ મહત્ત્વ રહેલું છે. ક્યારેક 10 કલાક વાંચવા કરતાં રોજના 6-8 કલાક વાંચવું વધુ અગત્યનું છે. વાંચવા સાથે લખવાની પ્રેક્ટિસને પણ એ એટલું જ મહત્ત્વ આપવું જરૂરી છે. લેખન કૌશલ્ય નહીં વિકસે તો પ્રીલિમિનરીનો કોઠો ભેદી શકાશે, પણ મેઇન્સનો નહીં. ત્રીજો મુદ્દો સ્માર્ટ વર્ક. ઊંઘું ઘાલીને બધું વાંચવાનું નથી. નકામા જાડાં થોથાં ઉથલાવીને સમય અને શક્તિનો વ્યય જ થશે. એટલે કોઈ વિષયમાં ઊંડા ઊતરવાની ગમે તેટલી મજા આવતી હોય, પણ કયાં પગથિયે રોકાવું એની સમજ કેળવવી ખૂબ જરૂરી છે. સિવિલ સર્વિસની તૈયારીમાં શું વાંચવું એની સાથે શું વાંચવું ના જોઈએ એ સમજ કેળવવી પણ જરૂરી છે. જોકે, આ વિવેક થોડો વધુ સમય તૈયારી કરો ત્યારે જ ખીલે છે. ચોથું છે શબ્દભંડોળ. ઘણીવાર તમારી પાસે સાચી અને ઉપયોગી માહિતી હશે, તમે કોઈ પ્રશ્નનો જવાબ અંદરથી જાણતા હશો પણ પછી હૈયે છે ને હોઠે નથી એવી સ્થિતિ પણ આવે. એનાં ઘણાં કારણ હોઈ શકે પણ એક કારણ એ છે કે તમારી પાસે ઉચિત શબ્દભંડોળ નહીં હોય તો પણ તમે અભિવ્યક્ત નહીં થઇ શકો. એ માટે કિરણેન્દુભાઈ જણાવે છે કે ખાસ કરીને સરકારના સ્તરે અથવા સરકારના કોઈ પ્લેટફોર્મ પર જે ચર્ચાઓ થતી હોય એ ખાસ સાંભળવી. આ ચર્ચાઓ તમારી અંદર પરીક્ષા માટે જરૂરી એવી ભાષાને કેળવશે. ધીમે ધીમે અંદર શબ્દોનો મેળો લાગશે, જે પરીક્ષામાંય અને પછી પણ આજીવન વાપરી શકાશે. આ માત્ર ગુજરાતી જ નહીં અંગ્રેજી ભાષામાં પણ કરી શકાય. સતત વાંચન અને શ્રાવણ ભાષાસામર્થ્યને મજબૂત કરે છે. પાંચમો મુદ્દો તેઓ કહે છે, ‘ગુજરાતી સાહિત્યનો અભ્યાસ જીવન પ્રત્યે એક દૃષ્ટિકોણ ઊભો કરે છે, ભીતરની સંવેદનાઓને કેળવે છે. આ કેળવણીના પ્રતાપે અન્ય વિષયો વાંચવા અને સમજવા સરળ બને છે. હજારો આંકડા અસર ના કરી શકે પણ ભાવપૂર્વક કહેવાયેલી એક માણસની વેદના સૌ સમજી શકે અને વહીવટના મૂળમાં પણ આવી કરુણા હોવી જ જોઈએ.’ છઠ્ઠો મુદ્દો છે કરન્ટ અફેયર્સ. આના વિના કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાર ના થવાય. પોતાની આસપાસની દુનિયાની જાણકારી હોવી જરૂરી છે. રોજ રોજ વાંચતા જશો તો દેશ અને દુનિયાની ઘટનાઓની સારબિંદુ જેવી કડીઓ જોડતા આવડી જશે. સમાચારો વાંચવા પણ વિવેક એટલો જ જરૂરી છે. ધીમે ધીમે અખબાર, ટીવી કે ઈન્ટરનેટ પર પથરાયેલા માહિતીના દરિયામાંથી મોતી વીણતાં પણ આવડી જ જાય છે. ‘રીડિંગ બીટવીન ધ લાઇન્સ’ એટલે કે જે તે સમાચારો પાછળ છુપાયેલા અર્થ પણ સમજાવા લાગે ત્યારે કરન્ટ અફેયર્સ રસનો મુદ્દો બની જાય છે. કારણ તારણની આવડત સિવિલ સર્વિસમાં ઉપયોગી થાય છે. કિરણેન્દુભાઇએ 2015માં સિવિલ સર્વિસ ક્રેક કરી અને ઇન્ડિયન રેલવે એકાઉન્ટ સર્વિસ- IRASમાં જોડાયા. હાલમાં તેઓ વેસ્ટર્ન રેલવે, રાજકોટ ડિવિઝન ખાતે સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર તરીકે કાર્યરત છે. સિવિલ સેવાની તેમની સફર ‘સ્પીપા’ની ભૂમિકા અવિસ્મરણીય છે. ⬛

અન્ય સમાચારો પણ છે...