Sci-લેન્ડ:પ્રદૂષણ સાથે સગપણ!

પરખ ભટ્ટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મોગ-ફ્રી રિંગની બ્યૂટી લુઇ વિંતો, ફેરારી, રોલેક્સ કે અન્ય કોઇ પણ બ્રાન્ડેડ કરતાં ઘણી વધારે છે. પર્યાવરણને શુદ્ધ અને પ્રદૂષણરહિત કરી શકવાની ક્ષમતા બીજી કોઈ બ્રાન્ડ પાસે છે ખરી?

સપ્ટેમ્બર, 2016ની આ વાત! એક્ઝિક્યુટિવ શેફ અને કેટરર તરીકે કામ કરતી ક્લૉ સ્ટેનને તેનાં બોયફ્રેન્ડ દીપક પંજવાણીએ સગાઈ માટે પ્રપોઝ કર્યુ. સામાન્યતઃ કોઇ પણ યુગલ પરસ્પર એકબીજાંને ડાયમંડ અથવા સોનાની વીંટી પહેરાવીને સગાઈ કરવાની ઓફર આપતાં હોય છે, પરંતુ આ કેસમાં તો ચિત્ર સાવ અલગ છે. દીપકે વીંટી તો પહેરાવી, પરંતુ સોના-ચાંદી કે હીરાજડેલી નહીં, પણ સ્મોગ-ફ્રી રિંગ! વાતાવરણમાંથી હજારો-લાખો ગેલન કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી, તેને એક ટચૂકડી ડબ્બીમાં દબાણ આપીને ભર્યા બાદ, વીંટી જેવડા કદનાં નાનકડા બોક્સમાં ગ્રાહકને આપી દેવામાં આવે છે. એ વીંટીમાં ભરાયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલી હદ્દે નુકસાનકારક છે કે વ્યક્તિ એક વાર અગર એને સૂંઘી લે તો તેનાં જીવનનાં સાત-આઠ વર્ષોનું આયુષ્ય ઘટી જાય! ક્લૉ સ્ટેન અને દીપક પંજવાણી પોતાનાં સંબંધની શરૂઆત કંઈક અલગ પ્રકારે કરવા માગતાં હતાં. ડાયમંડ રિંગ અથવા મોંઘા ભાવની અન્ય સરપ્રાઇઝ આપીને સેરેમનીનું આયોજન કરવામાં કોઇ નવી વાત નથી, પરંતુ હા, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ જેવી વૈશ્વિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને આ પગલું ઉઠાવવાથી ફક્ત બે વ્યક્તિ નહીં, પરંતુ સમાજનું પણ ભલું થઈ શકે છે! આપણામાંથી ઘણાબધા લોકો એવા હશે જે પોતાનાં સગાઇ-લગ્નને ખાસ બનાવવા માંગે છે. કોરોનાકાળ પહેલાં ડેસ્ટિનેશન વેડિંગ અને થીમ એન્ગેજમેન્ટ ટ્રેન્ડમાં છે અને હવે ઝૂમ વેડિંગ! પરંતુ સ્મોગ-ફ્રી રિંગનાં માર્કેટ-આગમન બાદ એક સાવ નવો ટ્રેન્ડ જોર પકડે એવી શક્યતા સેવાઈ રહી છે. વિશ્વમાંથી પ્રદૂષણ કરનાર ટચૂકડી વસ્તુનો ટ્રેન્ડ ગ્લોબલ વોર્મિંગનાં ખાત્મા પાછળનું કારણ બને એ વાત કેટલી સુંદર છે! ડચ આર્ટિસ્ટ અને ટેક્નોલોજિસ્ટ ડાન રૂઝગાર્ડે આવા પ્રકારની સ્મોગ-ફ્રી રિંગ શા માટે અને કેવી રીતે બનાવી? કામ સબબ બીજિંગ ગયેલા રૂઝગાર્ડ ત્યાંના પ્રદૂષણથી ભયંકર રીતે કંટાળી ગયા અને તેમણે વિશ્વનાં સૌથી મોટા સ્મોગ-વેક્યુમ ક્લિનરનું ઇનોવેશન કર્યુ. દર કલાકે 30,000 ક્યુબિક મીટર (80 લાખ ગેલન) પ્રદૂષિત હવાને શોષી તેનું શુદ્ધ હવામાં રૂપાંતર કરી શકવા સક્ષમ હતું. સમગ્ર પ્રક્રિયાને અંતે થોડાક પાર્ટિકલ્સ જ્યારે બચી ગયા, ત્યારે તેમનું માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કરતાં વૈજ્ઞાનિકોને જાણ થઈ કે તેમાંથી અડધા ભાગનું મટીરિયલ તો કાર્બન છે! રૂઝગાર્ડે વિચાર્યુ કે કાર્બનને ઉચ્ચ દબાણ હેઠળ પ્રક્રિયા કરાવવામાં આવે તો તે હીરાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આથી શા માટે આપણે પણ આ બચી ગયેલા કાર્બન સ્મોગનો ઉપયોગ કોઇક ખાસ પ્રકારની જ્વેલરી બનાવવામાં ન કરીએ?! ‘શરૂઆતના સમયમાં તો અમે મજાક પણ કરી લેતાં કે, કયું દંપતી પ્રદૂષણ પહેરવાની હિંમત કરશે..!!? સ્મોગ-ફ્રી રિંગની બ્યૂટી લુઇ વિંતો, ફેરારી, રોલેક્સ કે અન્ય કોઇ પણ બ્રાન્ડેડ કરતાં ઘણી વધારે છે. પર્યાવરણને શુદ્ધ અને પ્રદૂષણરહિત કરી શકવાની ક્ષમતા બીજી કોઈ બ્રાન્ડ પાસે છે ખરી?’ ડાન રૂઝગાર્ડે મીડિયા-ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની વાત રજૂ કરી હતી. ભારતના દરેક શહેરોમાં પ્રદૂષિત હવાની માત્રા જુદી જુદી છે. કોઇકમાં વાહનોનો ત્રાસ વધુ છે, તો ક્યાંક ફેક્ટરી-ઇન્ડસ્ટ્રીનો! કયા શહેરમાંથી હવાનું શુદ્ધિકરણ થવું જોઇએ, એ વાતની પસંદગી સ્મોગ-ફ્રી રિંગની ખરીદી કરનાર ગ્રાહક પોતે કરે છે. શરત માત્ર એટલી કે, એણે પસંદ કરેલા શહેરમાં સ્મોગ-ફ્રી ટાવર ઊભો કરવામાં આવ્યો હોવો જોઇએ. આટલી વિષકારક વસ્તુનો ઉપયોગ સમાજનાં ભલા માટે થઈ શકતો હોય તો સમગ્ર વિશ્વનાં દેશોએ એકજૂથ બનીને તેનો સ્વીકાર અને પ્રચાર-પ્રસાર કરવો જોઇએ. સોના-ચાંદીની વીંટીઓ હવે કદાચ એટલી આકર્ષક ન લાગે એવું પણ બને! આ પ્રકારની વીંટી જુદા જુદા દેશોમાં હવે પોતાનું આકર્ષણ જમાવી ચૂકી છે, પરંતુ ભારતમાં તેનો ટ્રેન્ડ ઊભો થાય એ સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. દિલ્હી-મુંબઈના પ્રદૂષણમાં તો શ્વાસ લેવાના ફાંફાં પડે એટલી કપરી સ્થિતિ છે! તદ્દન નવો અને ઇકોફ્રેન્ડલી એવો આ કોન્સેપ્ટ યુવાનોને તો ઘણો પસંદ પડે એમ છે, પરંતુ જુની રૂઢિમાં માનનારાંઓ તો હજુ પણ સ્મોગ-ફ્રી રિંગને સગાઈ જેવા પ્રસંગોમાં ઉપયોગમાં લેવા માટે આનાકાની કરશે જ! દીપક પંજવાણી અને ક્લૉ સ્ટેનનાં સંબંધો બંધાયાં એ વખતે પણ પરિવારનાં સભ્યોનું એ જ માનવું હતું કે સગાઈની રિંગ તો પારંપરિક હોવી જોઇએ. વર્ષોથી જે પ્રથા ચાલી આવે છે તેનું અનુસરણ થવું જોઇએ, પરંતુ આખરે ધાર્યંુ તો ધણીનું જ થયું! મોંઘીદાટ વસ્તુઓ જ હંમેશાં શ્રેષ્ઠ હોય છે એ માનસિકતામાંથી આપણા સમાજે બહાર નીકળવું જ પડશે. એમણે એક વાત ખાસ સમજવી પડશે કે દરેક વસ્તુની કિંમત હોવી જરૂરી નથી. અમુકનું મૂલ્ય કરોડો-અબજો કરતાં પણ વધુનું હોય છે. સમગ્ર પર્યાવરણ માટે લાભદાયી નીવડી શકે એવી વીંટીનું મૂલ્ય હીરા-મોતી, પ્લેટિનમ કે સોનાં કરતાં ઘણું વધારે છે!⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...