ડૂબકી:‘શબ્દનાં સગાં’: સાહિત્યસર્જકોનાં જીવનચિત્રો

13 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

જાણીતા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ ગુલાબી મિજાજના ગઝલકાર અમૃત ‘ઘાયલ’ વિશે એક કિસ્સો નોંધ્યો છે. એ કિસ્સો ઘાયલસાહેબના શબ્દોમાં: ‘એક વાર (ગુજરાત બહારના) એક ડી. એસ. પી.એ મને ખાણી-પીણીની પાર્ટી આપી. ઊંચી કિસમનો શરાબ. ડી. એસ. પી.સાહેબ પણ બરોબર ટાઇટ થઈ ગયા હતા. મારા માટે લાગણી તે, આત્મતુષ્ટિ માટે જ હશે, પણ આજુબાજુ ચોકી કરવા અને હાથ દેવા ઊભેલા બડકમદાર મુછાળા ફોજદારો તરફ આંગળી ફેરવીને કહે: ‘શો વટ છે આપનો! મારા પી. એસ. આઈ.ઓ પણ આપ જેવા શાયરની તહેનાતમાં ઊભા છે અને ઝૂકીઝૂકીને પ્યાલીઓ ધરે છે.’ પણ મેં જવાબમાં જબરી પોક મૂકી. ફોજદારો ઘેરી વળ્યા, ડી. એસ. પી. આકુળવ્યાકુળ થઈ ગયા. મને પૂછે છે કે શું થયું, ઘાયલસાહેબ, રડો છો કેમ? અમારી કંઈ કસૂર? મેં કહ્યું: ‘અરે, યાર, હું તો મારી દશાને રડું છું. જુઓની, શી અવદશા થઈ મારી! એક જમાનામાં મને ફિરસ્તાઓ પાતા હતા, આજે ફોજદારોના હાથે પીવું પડે છે...’

ગુજરાતીના લબ્ધપ્રતિષ્ઠિત કવિ નટવરલાલ પંડ્યાનું તખલ્લુસ ‘ઉશનસ્’. એ તખલ્લુસનો અર્થ જલદી સમજાય નહીં. એક વાર એમને ઇન્કમટૅક્સની ઑફિસમાંથી તેડું આવ્યું. કવિ ઇન્કમટૅક્સમાં સપડાયા? પછી ખબર પડી કે ઇન્કમટૅક્સ ઑફિસરે ‘ઉશનસ્’ શબ્દનો અર્થ જાણવા એમને બોલાવ્યા હતા. ઋજુ હૃદયના કવિ મકરંદ દવેને વલસાડની બાજુમાં સાધના અને સેવાનો સમન્વય કરતી ‘નંદિગ્રામ’ જેવી ગ્રામોદ્ધાર માટેની સંસ્થા બનાવવાનો વિચાર આવ્યો. કુન્દનિકાબહેન કાપડિયા અને અન્ય લોકોના સહકારથી, અનેક મુશ્કેલીઓની વચ્ચે, એમણે સ્વપ્નશીલ સંસ્થાને નક્કર રૂપ આપ્યું. આ પરથી સમજાય છે કે કવિ માત્ર શબ્દસેવી નથી હોતો, સમજાસેવી પણ હોય છે. લેખકે આડત્રીસ ખ્યાતનામ સાહિત્યકારોના જીવનમાં બનેલી આવી રસપ્રદ ઘટનાઓ તાજેતરમાં પ્રકાશિત થયેલા એમના પુસ્તક ‘શબ્દનાં સગાં’માં આલેખી છે. સાહિત્યકાર અને વાંચક વચ્ચેના સંબંધને એ શબ્દનું સગપણ કહે છે. સાહિત્યકાર શબ્દના માધ્યમથી વાંચક સાથે જોડાય છે. એમની વચ્ચે અગંત ભૂમિકાએ સંબંધ ન હોય, એકમેકથી અજાણ્યા હોય, મળ્યા પણ ન હોય, છતાં શબ્દોની સંગતે એમની વચ્ચે અનોખો અનુબંધ રચાય છે. મોટા ભાગના વાચકોને એમના પ્રિય સર્જકોના જીવનની અંગત બાબતોની જાણ હોતી નથી. શબ્દોથી ઊભું થતું સર્જકનું વ્યક્તિત્વ જ એમના સુધી પહોંચે છે. સાહિત્યસર્જક એના શબ્દોથી જે સૃષ્ટિ રચે, જે ભાવો વ્યક્ત કરે, તે બધું વાંચકના મન સુધી પહોંચે છે. તે અર્થમાં આ પ્રક્રિયા મનથી મન સુધીની યાત્રા બની રહે છે.

તેમ છતાં કેટલાક લોકો સાહિત્યકારો સાથે ઘરોબો બાંધી શકે છે. લેખક ઘણા વડીલ અને સમવયસ્ક સાહિત્યકારો સાથે મૈત્રીસંબંધથી જોડાયા છે. એમનાથી ઉંમરમાં નાના સાહિત્યકારો સાથે પણ પરિચય કેળવ્યો. એ પરિચય ઘનિષ્ઠ સંબંધમાં પરિણમ્યો અને એમને આ સર્જકોના જીવનની અંતરંગ અને રસપ્રદ માહિતી મળતી રહી. ઘણા સર્જકોને સાહિત્યકાર બનાવનાર પરિબળોનાં મૂળ સુધી પહોંચી શક્યા. કેટલુંક જાતે પકડ્યું. લાંબી મુલાકાતો, નિરાંતે સાથે ગાળેલી સાંજો, અરસપરસ સન્માન વગેરેથી સાહિત્યકારોની સુરેખ છબિ બંધાતી ગઈ. એની ફલશ્રુતિરૂપે લેખક આ સર્જકોના જીવન અને સર્જન વિશે લખતા રહ્યા છે. એમાંથી સર્જાયાં છે સાહિત્યસર્જકોનાં ધબકતાં જીવનચિત્રો. આ લેખો લખાયા ન હોત તો એમાંની ઘણી વિગતો સામાન્ય વાંચક સુધી પહોંચી નહોત.

‘શબ્દનાં સગાં’ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે: ‘મને ‘માણસ’માં રસ એટલે મને જેમાં વિવિધ રંગોની બિછાત જોવા મળે તેવા માણસો મારાં લખાણના વિષય બન્યા.’ મૂળભૂત રીતે એ વાર્તાકાર એટલે એમને પ્રત્યેક મનુષ્યના જીવનમાં વાર્તા દેખાય. આ ચરિત્રલેખો શુષ્ક ન બને તે માટે એમનામાં રહેલો વાર્તાકાર ઉપયોગી નીવડ્યો છે. ક્યાંક વિગતવાર આલેખન છે, ક્યાંક લસરકાથી સર્જકનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થયું છે. મોટા ભાગના લેખોમાં સાહિત્યકારના જીવનમાંથી વાર્તા જેવી ક્ષણને પકડી લેખનો ઉઘાડ કર્યો છે. આ સાહિત્યકારો એક સમયે સાહિત્યમાં મહત્ત્વનું સર્જન કરી ગયા છે. આપણી વચ્ચે જ જીવેલી અને હવે ભૂતકાળમાં ઢબૂરાઈ ગયેલી એક માતબર પેઢીનું આ પુસ્તકમાં દસ્તાવેજીકરણ થયું છે. સમયની સાથે તેઓ ગુજરાતી પ્રજાની સ્મૃતિમાંથી ઝાંખા પડવા લાગે તે પહેલાં એમને શબ્દોમાં ઝીલી લેવાયા છે. કેટલાક સાહિત્યકારો મસ્તમૌલા જેવું વ્યક્તિત્વ ધરાવે છે. એમણે જીવનની વેદના પચાવી જાણી છે. તેઓ એમના ખુદાર અને સ્વામાની જીવનના નાયકો છે. આ ચરિત્રલેખોમાં સાહિત્યકારોના સાહિત્ય કરતાં પણ વધારે ધ્યાન એમના અંગત વ્યક્તિત્વ પર આપવામાં આવ્યું છે. ચરિત્રકાર આ સર્જકો વિશે ઘણું અંગત જાણતા હોય, છતાં બધું ખુલ્લેખુલ્લું ન કહેવાનો વિવેક જાળવ્યો છે. આ નિરીક્ષણને સમજવા માટે સંવેદનશીલ ગઝલકાર મહેન્દ્ર ‘સમીર’ વિશેનો લેખ ધ્યાનથી વાંચવો પડે.

આપણા નાટ્યવિદ્ અને નાટ્યલેખક-કવિ ચન્દ્રવદન ચી. મહેતા મુંબઈ જતી ટ્રેનમાં કાકાસાહેબ કાલેલકરને મળ્યા ત્યારે કાકાસાહેબ એમને ઓળખી શક્યા નહોતા. ચં. ચી. છોભીલા પડી ગયા. એમણે કહ્યું: ‘આપણે અગાઉ પણ મળ્યા હતા, કાકાસાહેબ, ત્યારે પણ તમે મને ભૂલી ગયા હતા અને છૂટા પડતાં એમ બોલેલા કે હવે નહીં ભૂલું – પણ ફરી ભૂલી ગયા.’ ચં.ચી. સાથે જે બન્યું હોય તે, પરંતુ ‘શબ્દનાં સગાં’માં આલેખાયેલાં સાહિત્યકારોનાં સમૃદ્ધ જીવનચિત્રો વાંચ્યા પછી વાંચકોની ભાવિ પેઢી એમને ક્યારેય ભૂલશે નહીં. એ અર્થમાં પણ આ પુસ્તકનું ઘણું મૂલ્ય છે.

અન્ય સમાચારો પણ છે...