વિજ્ઞાનધર્મ:કિમ સુરો અને હીઓ હ્વાંગનાં મિલનની ગાથા!

20 દિવસ પહેલાલેખક: પરખ ભટ્ટ
  • કૉપી લિંક
  • કોરિયન લોકો પોતાને કિમ સુરો અને હ્વાંગ ઓકેનાં દસ પુત્રરત્નો અને બે પુત્રીરત્નોનાં વંશજો માને છે. એમના રાજ્યનું નામ આપ્યું : કિમ-હે-કિમ!

ભારતીયોને બાદ કરતાં અયોધ્યા અને શ્રીરામમાં શ્રદ્ધા ધરાવનારો સૌથી મોટો વર્ગ છે : કોરિયન લોકો! તેઓ પોતાને અયોધ્યામાં જન્મેલ રાજકુમારી ‘હીઓ હ્વાંગ ઓકે’નાં વંશજો માને છે. માનવામાં આવે છે કે અયોધ્યાની એ રાજકુમારી પૌરાણિક કાળના દૈવી પુરુષ ‘કિમ સુરો’ને પરણવા માટે ખાસ કોરિયા આવી હતી. ‘સેમ કુક યુસ’ (અર્થ : ત્રણ રાજ્યોનો ઇતિહાસ) પ્રમાણે, કોરિયન પ્રજાતિના પુરાણકાળ વિશે અગિયારમી સદીમાં વિગતવાર લખવામાં આવ્યું. પૌરાણિક કથાઓ અનુસાર, કોરિયા (હાલનું પેનિનસુલા, દક્ષિણ કોરિયા)માં નવ વૃદ્ધો એક રાજ્ય પર રાજ કરતા હતા, આમ છતાં એમાંની એક પણ વ્યક્તિ રાજા નહીં! એમણે પોતાના ઇશ્વરને પ્રાર્થના કરી, જેથી એમની પ્રજાને એક પ્રજાવત્સલ રાજવી મળી શકે. પ્રાર્થનાના જવાબરૂપે એમને આકાશવાણી સંભળાઈ, જેમાંકોરિયન લોકોને પહાડની ટોચ પર જઈ પ્રાર્થનાગીતો ગાવા અને નૃત્ય કરવાનું ફરમાન કરવામાં આવ્યુ. પ્રજાજનો આકાશવાણીને અનુસર્યા અને આકાશમાંથી તેજસ્વી ચળકતા પીળા રંગનો પ્રકાશ ધરતી પર પથરાઈ ગયો. સૌની આંખો અંજાઈ ગઈ. કોઈ કશું જોઇ શકવા સક્ષમ નહોતું! પ્રકાશ થોડો આછો થયો કે તરત જમીન પર સોનાંનો પટારો જોવા મળ્યો, જેમાં કુલ છ નાના-નાના સોનાંના ગોળા હતાં! નવે-નવ વૃદ્ધો તરત એને પાછો બંધ કરી, મહેલ પર લઈ આવ્યા. બીજા દિવસે સવારે એને ખોલીને જુએ છે તો છ સોનાંના ગોળાનું સ્થાન એક નવજાત શિશુએ લઈ લીધું હતું! પૂર્ણિમાના દિવસે વૃદ્ધોએ એનું નામ રાખ્યું : કિમ સુરો! (કિમનો અર્થ થાય છે સોનું!) થોડા જ સમયની અંદર કિમ સુરો સમજદાર થઈ ગયો. નવ ફૂટની ઊંચાઈ, મજબૂત શારીરિક બાંધો, તીવ્ર બુદ્ધિક્ષમતા અને દૈવી પુરુષનો જાણે સાક્ષાત અવતાર! એણે પોતાનો મહેલ બંધાવ્યો અને સમગ્ર રાજ્યનું શાસન પોતાનાં હાથમાં લઈ લીધું. નવ વૃદ્ધોને હવે કિમ સુરોનાં લગ્નની ચિંતા થવા માંડી. એક દિવસ એમણે કિમ સુરોને પોતાની વેદના જણાવીને લગ્ન કરી લેવા જણાવ્યું, પરંતુ રાજાએ તરત જ ના પાડી દીધી. કિમ સુરોનું માનવું હતું કે અગર મારું અવતરણ સ્વર્ગમાંથી થયું છે તો મારી અર્ધાંગિની પણ સ્વર્ગમાંથી જ અવતરણ પામશે. માટે વિવાહનો નિર્ણય ઇશ્વર પર છોડી દેવામાં આવે! દિવસો ઉપર દિવસો અને ત્યાર બાદ મહિનાઓ વીતી ગયા. એક દિવસ ભારતનાં ‘આયુત’ (હાલનું અયોધ્યા) રાજ્યમાંથી એક ખૂબસુરત રાજકુમારી ‘હ્વાંગ ઓકે’ કોરિયા આવી. એમના ભાઈ પો-ઓકે (કોરિયન નામ) સાથે તે મબલખ સોનું અને હીરા-દાગીના લઈ આવી! કિમ સુરોનાં દરબારમાં આવીને તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કિમ સુરો તો હ્વાંગ ઓકેનું તેજ જોઈને આભો બની ગયો. હ્વાંગ ઓકેની સુંદરતા અને તેનો હસમુખો ચહેરો કિમ સુરોનાં દિલોદિમાગમાંથી કેમેય કરીને હટવાનું નામ નહોતો લઈ રહ્યો. તેને એ વાતનો અહેસાસ થઈ ગયો કે ઇશ્વરે હ્વાંગ ઓકેને પોતાની પાસે મોકલી છે, જેથી તેમનો જીવનસંસાર આગળ વધી શકે. નવ ફૂટનાં કિમ સુરો અને સાત ફૂટની હ્વાંગ ઓકેની જોડી જોઇને સૌ પ્રજાજનોએ તેમને ખૂબ ખૂબ આશીર્વચન પાઠવ્યાં. હ્વાંગ ઓકેના પિતાને સપનાંમાં દેવતાઓએ એવું કહ્યું કે, ‘તારી પુત્રીનો જન્મ દૈવી પુરુષને પરણવા માટે થયો છે, માટે એને કિમ સુરોની અર્ધાંગિની બનાવીને અમારું કાર્ય પૂરું કરવામાં અમારી સહાય કરો!’ હ્વાંગ ઓકેનું રૂપ જોઇને કિમ સુરોનાં મોંમાંથી શબ્દો સરી પડ્યા, ‘આ જ એ સ્ત્રી છે, જેનાં વિશે મેં સ્વપ્ન જોયાં હતાં. ઇશ્વરે સ્વર્ગમાંથી એને મારા માટે મોકલી છે!’ લગ્ન બાદ કિમ સુરોએ એ જગ્યા પર મંદિરનું નિર્માણ કરાવ્યું, જ્યાં બંને સૌપ્રથમ વખત મળ્યાં હતાં. આજે પણ કોરિયાનાં ‘કિમહે’ પર રાજકુમારીની કબર સામે આ મંદિર અડીખમ ઊભેલું જોવા મળે છે! એમાં વપરાયેલા પિઝા પથ્થરોને ‘ચિંપુંગતાપ’ કહેવાય છે. માન્યતા છે કે હ્વાંગ ઓકેનાં પિયર અયોધ્યામાંથી લાવવામાં આવેલા. આ ખાસ પ્રકારના પથ્થરોમાં એવી વિશેષ શક્તિ છે કે તે અત્યંત તોફાની ઘૂઘવતા દરિયાને પણ ગણતરીની ક્ષણોમાં શાંત કરી શકે છે! આજે કોરિયન લોકો પોતાને કિમ સુરો અને હ્વાંગ ઓકેનાં દસ પુત્રરત્નો અને બે પુત્રીરત્નોનાં વંશજો તરીકે સ્વીકારે છે. એમણે ઊભા કરેલા રાજ્યને નામ આપવામાં આવ્યું હતું : કિમ-હે-કિમ! હાલ, કુલ ત્રીજા ભાગની કોરિયન વસ્તી (લગભગ 80 લાખ નાગરિકો) પોતાને કિમ સુરોના 72મા વંશજ ગણાવે છે! ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...