યુક્રેન-રશિયા યુદ્ધને એક વર્ષ કરતાં પણ વધુનો સમય વીતી ગયો. આખા વિશ્વને તેના કારણે અનેક રીતે નુકસાન થઈ રહ્યું છે. એ સાથે જ યુદ્ધના મેદાન પરની અસર રમતના મેદાન સુધી પણ પહોંચી છે. ઓલિમ્પિક્સ 2024 નજીક આવી રહ્યો છે અને તેની ક્વોલિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, ત્યારે રશિયન ખેલાડીઓના રમવા પર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ ઊભો થયો છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ યુદ્ધ શરૂ થયાના કલાકોમાં જ જાહેર કરી દીધું હતું કે રમતની ગરિમા અને બીજા ખેલાડીઓની સુરક્ષાને લઈને રશિયન ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં નહીં રમી શકે. આ સાથે જ આ આખા વર્ષ દરમિયાન રશિયા અને તેના ખેલાડીઓને ખેલજગતની અનેક ઇવેન્ટ્સમાં આ જ વસ્તુનો સામનો કરવો પડ્યો છે. રશિયાની ટેન્ક્સ યુક્રેનમાં પ્રવેશી કે તરત જ યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન (UEFA) દ્વારા ધ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ રશિયાના સેઈન્ટ પીટર્સબર્ગથી પેરિસમાં ખસેડી દેવામાં આવી હતી. ફોર્મ્યુલા વને પણ રશિયા ગ્રાન્ડ પીક્સ કેન્સલ કરી દીધી હતી. હમણાં જ યોજાઈ ગયેલા કતાર 2022 ફિફા વર્લ્ડકપમાં પોલેન્ડે રશિયા સામે રમવાની ના પાડી એટલે રશિયાને કપમાંથી જ બહાર નીકળી જવું પડ્યું હતું. મજાની વાત એ છે કે હજુ કતાર પહેલાંના વર્લ્ડકપનું યજમાન ખુદ રશિયા હતું. અમુક ઇવેન્ટ્સમાં જોકે ફેડરેશન ફ્લેગ્સ હેઠળ અને ન્યુટ્ર્લ એથ્લિટ્સ તરીકે રશિયન ખેલાડીઓને રમવાનો મોકો આપવામાં આવ્યો પણ છે. અત્યારે તાજા સમાચાર એ છે કે IOC થોડું નરમ પડ્યું છે અને રશિયન ખેલાડીઓના ઓલિમ્પિક્સમાં રમવા બાબતે પોતાનો નિર્ણય તેણે બદલ્યો છે. 22 ફેબ્રુઆરીએ સંસ્થાએ કહ્યું કે ‘કોઈ ખેલાડી સાથે રાષ્ટ્રીયતાના આધારે અન્યાય ન થવો જોઈએ, ભેદભાવ ન થવો જોઈએ. રશિયન ખેલાડીઓ કોઈ જ નેશનલ સિમ્બોલ વગર ન્યુટ્ર્લ ખેલાડી તરીકે ઓલિમ્પિક્સમાં ભાગ લઇ શકશે.’ આવું અનેક વખત અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં બન્યું છે કે ખેલાડીઓ દેશના નામ વગર રમે. રશિયાના ખેલાડીઓ આ નિર્ણયથી ખુશ તો થયા, પણ બધા દેશો આ વાતને સમર્થન નથી આપી રહ્યા અને એમાં જ વિવાદ પેદા થયો છે. અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ જેવા 34 દેશોએ કમિટીના આ નિર્ણયનો સખત વિરોધ નોંધાવ્યો છે. મજાની વાત અહીં પણ એ છે કે છેલ્લા ટોક્યો ઓલિમ્પિક્સ 2022માં પણ રશિયન ખેલાડીઓ ડોપિંગના આરોપોના વિવાદના કારણે નેશનલ સિમ્બોલ વગર રશિયન ઓલિમ્પિક કમિટી (ROC) ફ્લેગ હેઠળ રમ્યા હતા. 34 દેશોની સાથે યુક્રેન ખુદ રશિયાના ઓલિમ્પિક્સમાં ભાગ લેવા પર અગ્રેસર બનીને વિરોધ નોંધાવી રહ્યું છે. રશિયા ભાગ લેશે તો પોતે ઓલિમ્પિક બોયકોટ કરશે એવા એંધાણ પણ યુક્રેને આપ્યા છે. યુક્રેનનું કહેવું છે કે તેના 220 જેટલા ખેલાડીઓ યુદ્ધમાં માર્યા ગયા છે અને તેની મોટા ભાગની સ્પોર્ટ્સ સંસ્થાઓ અને મેદાનો નાશ પામ્યા છે, એવા સમયે તેના કારણભૂત એવા રશિયાને કઈ રીતે રમવા માટેની પરવાનગી આપી શકાય. યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીનું કહેવું છે કે, ‘જો ઓલિમ્પિકના સિદ્ધાંતો ખતમ થશે ને રશિયાના ખેલાડીઓને રમવા દેવાશે તો એ નક્કી છે કે આતંકવાદી રશિયા પોતાના વોર પ્રોપગન્ડાને જગત સામે વધુ જોશથી મૂકશે.’ ભૂતકાળમાં 1980 મોસ્કો ગેમ્સ અને 1984 લોસ એન્જેલસ ઓલિમ્પિક્સ જેવા મોટા બોયકોટ દુનિયા જોઈ ચૂકી છે. IOC તેના ઈરાદા સાફ છે અને વિશ્વ શાંતિ ઇચ્છે છે એમ કહે છે પણ આટલા વિરોધ સામે આખરી નિર્ણય શું લે છે એ જોવું રહ્યું. બોયકોટ થશે કે નહીં, રશિયન ખેલાડીઓ રમશે કે નહીં એ તો સમય જ કહેશે, પણ યુદ્ધના કારણે રમતને હંમેશાં ભોગવવું પડ્યું છે અને ભોગવવું પડશે એ વાત નક્કી છે! ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.