તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહિત્ય વિશેષ:અનુભવની મૂડીથી સર્જાય શબ્દની કેડી

રઘુવીર ચૌધરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીકરીનો અવતાર એટલે બંધન. એટલે ધીરે ધીરે અંદર બળવાખોર બનતી ગઇ

કવયિત્રી રેખા જોષીનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સારથિ હું’ વાંચતાં, એમની કેફિયત અને પરગજુ લેખિકા પ્રજ્ઞા પટેલની પ્રસ્તાવના વાંચતા એક જ વિધાન સૂઝ્યું : ‘અનુભવની મૂડીથી સર્જાય શબ્દની કેડી.’ તેઓ મૂળ ભાવનગરનાં, નવલેખકોની સર્જન શિબિરોમાં ભાગ લેતાં હતાં. શબ્દની સમજણ કેળવાતી ગઇ. પતિ રાજુભાઇનો સાથ. સંતાનો ઉછેર્યાં. હવે જૂની મૂડીએ હિસાબ માગ્યો. ગઝલનું સ્વરૂપ હાથવગું રહ્યું. ગુજરાત સાહિત્ય અકાદમીની સહાય મળી. મિસ્કિન અને રઇસે આવકાર આપ્યો. વિષ્ણુભાઇએ પણ કેટલાક શેર નોંધ્યા. સંગ્રહનું નામ ભલે ‘સારથિ હું’ રાખ્યું, પણ એમને સારથિ બનાવવામાં ઘણાંનો ફાળો છે. ગુજરાતની ઘણી ગૃહલક્ષ્મી કવિતા લખે છે. એમને ખ્યાતિ મળી છે. રેખાબહેનને જડેલી કેડી વધુ ને વધુ રમણીય બનતી જશે. અહીં મંજિલ કરતાં માર્ગનો મહિમા વધુ છે. ‘જીવન સંગ્રામ’ જેવા ભારેખમ શબ્દો વાપરીને રેખાબહેન પોતાની સર્જનાત્મકતાનાં મૂળ સુધી જાય છે : ‘હું એક દીકરીનો અવતાર એટલે બંધન. સામે અવાજ થાય નહીં. એટલે ધીરે ધીરે અંદર બળવાખોર બનતી ગઇ, એ પહેલું કારણ. પ્રકૃતિપ્રેમ બીજું કારણ – મારા પિતાજીની ગામડાંઓમાં ટ્રાન્સફરેબલ જોબ હતી, તો મને પણ એ ગામડાંઓનું અજીબ આકર્ષણ હતું. વાડી, ખેતર, પાદર, મંદિર-ઝાલર ત્યાંની સાંજ આ બધું મેં જોયું જ નહીં, પણ જીવ્યું હતું અને ત્યાંની ગરીબ પ્રજા વિશે વિચારીને અવલોકન કરવાનો મારો સ્વભાવ અને ત્યાં જ કેન્સરમાં મારા પિતાજીનું અવસાન થયું. એટલે એ મૃત્યુ કદાચ મેં પણ અનુભવેલું અને હું રાતોરાત મોટી થઇ ગઇ. મારી વેદના કે આક્રોશને કાગળ પર ઉતારતી ગઇ. આ પડાવમાં મેં સમાજનો દંભ અને લોકોના મુખોટા બહુ જોયા. સત્ય સાબિત કરીને પાર ઊતરવાની જે મથામણ હોય છે એ ગરીબ અને છત્રછાયા વગરની દીકરીને જ ખબર હોય.’ (પૃ. 6, સારથિ હું) શંકા પડે જરૂર અહીંયા ગરીબ પર, કારણ નથી ખમીરની ઓળખ ખમીસ પર. (શંકા, પૃ. 72) ‘હવસ’ નામની રચનામાં સામાજિક ન્યાયની આશા ગુમાવી બેઠેલી મનોદશા છે : કાયદાના વાયદા ખોટા હશે, બહાર આવે સત્ય ખોટી વાત છે. (પૃ. 33) વ્યવસ્થાઓ વિશે શંકા છે, પણ આત્મવિશ્વાસ અતૂટ છે. આ સંગ્રહનો સૌથી વધુ નોંધપાત્ર શેર આ છે : હાર કે હો જીત, બંને ચાલશે, ખેલ એ સમજી, રમતની લે મજા. (પૃ. 29) આ સમજણભરી દૃઢતા ‘સાહસ’ રચનામાં પણ જોવા મળે છે : આ પગલું ભરવાનું છે બસ, રસ્તોય બનશે, કર ને સાહસ. (પૃ. 26) સંગ્રહનું નામ ધરાવતી ગઝલ કવયિત્રીને આદર્શ હોય એમ સૂચવાય છે : નથી આજ સુધી ડરી હારથી હું, છતાં પણ બની ના શકી સારથિ હું! ગમ્યું છે બધું ને ગમાડેલાં છે સૌને, બની ગઇ બધાંની, કહું ત્યારથી હું. તરસ પણ નથી ઝાંઝવાની હવે તો, સભર છું અને મુક્ત સૌ ભારથી હું! (પૃ. 21) સૌને ગમાડવાં, બધાંનાં બની જવું – સામાજિક સંવાદની વાત છે, તો સભર હોવું અને ભારથી મુક્ત હોવું એમાં આધ્યાત્મિક સંકેત છે. આ સંગ્રહમાં જુદા જુદા સંદર્ભે ઇશ્વર આવે છે. જેમ કે – અહીં આરંભ તું ને અંત પણ તું જ છો ઇશ્વર, નથી મારું કશું, તારુ તને અર્પણ નિકટથી જો! (પૃ. 32) જેટલું સમ્માન ઇશ્વરનું એટલું જ માનું–‘મારી બા’ રચનામાં કહે છે : માનવતાથી માણસ પરખો, એવું તારણ મારી બા છે! (પૃ. 54) બાળપણમાં જે ધૂળમાં રમ્યાં હોઇએ એવું મધુર સ્મરણ અહીં છે : ધૂળમાં રમવું બહુ ગમતું, મને આ બાળપણ, વય અહીં આગળ વધી છે હું ઉતારું મૂળમાં. (પૃ. 67) પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમ ‘લાચારી’ રચનામાં વ્યંગથી સૂચવાય છે : કાપો કાપો કાપી નાખો વૃક્ષો આગળ ઉપર તમને પડશે ભારી. (પૃ. 75) ‘પાંદડાં પર ખાસ, ઝાકળ હસ્તાક્ષર બન્યું છે’ જેવી કાવ્યાત્મક પંક્તિઓ મળે છે. પ્રેમનો નિર્દેશ કરતા સ્મરણનું અંકન જુઓ : હજી સાચવી મેં હતી પણ મજાની, અહીં ગાલ પર સ્પર્શની છે કહાની. (પૃ. 76) આ તો વ્યતીતની વાત થઇ, પણ પ્રતીક્ષા જીવંત છે : પ્રતીક્ષા હજી આંખમાં છે ઊગેલી, પડે કોઇ પગરવ, અહીં આજ આંગણ! (પૃ. 23) આ શક્યતા એ પ્રત્યેક સર્જકનું ભાથું છે. ⬛

અન્ય સમાચારો પણ છે...