રણમાં ખીલ્યું ગુલાબ:કૌન તુમ્હારે પાસ સે ઉઠ કર ઘર જાતા હૈ તુમ જિસકો છૂ લેતી હો વો મર જાતા હૈ

ડૉ. શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘કોણ આવ્યું હતું આપણાં ઘરે? કોણ અમૂલ્યા? એ જ જેને તમે ભુલાવી દીધી છે?

સ્ત્રી અને સમાજ’ આ વિષય પર તેજાબી વક્તા અમૂલ્યા દેસાઇનું વક્તવ્ય પૂરું થયું. સભાગૃહ તાળીઓના નાદથી ગુંજી ઊઠ્યું. ઑડિયન્સમાં માત્ર અને માત્ર બહેનો જ હતી. સુરતથી પધારેલાં અમૂલ્યા દેસાઇ મંચ પરથી નીચે ઊતર્યાં ત્યાં તો 25-30 જેટલી સ્ત્રીઓએ એમને ઘેરી લીધાં. ઓટોગ્રાફ અને ફોટોગ્રાફનો સિલસિલો શરૂ થયો. દરેક પ્રશંસક કાગળ કે ડાયરીનું પાનું ધરીને મિસ અમૂલ્યાને વિનંતી કરતી હતી: ‘ઓટોગ્રાફ પ્લીઝ!’ આ ભીડ વચ્ચે એક કાગળ ઝબક્યો. એ કોરો ન હતો. એમાં એક સરનામું લખેલું હતું. સરનામાની નીચે વિનંતી હતી: ‘મિસ દેસાઇ, તમારું નામ સાંભળ્યું ત્યારે જ હું સમજી ગઇ હતી કે તમે એ જ છો. મારું ઘર અહીંથી પાંચ જ મિનિટ્સના અંતરે આવેલું છે. હું ઇચ્છું છું કે તમે મારા ઘરે પધારો. ખાતરી આપું છું કે તમારો ફેરો વ્યર્થ નહીં નીવડે.’ અમૂલ્યાને અપાર આશ્ચર્ય થયું. એણે નજર ઉઠાવીને જોયું તો સામે એક સુંદર સ્ત્રી ઊભી હતી. પહેલાં એને ક્યારેય જોઇ હોય એવું યાદ નહોતું આવતું. મિસ દેસાઇએ ફરીથી ચિઠ્ઠીમાંનું લખાણ વાંચ્યું. એક-બે વાતો રહસ્યમયી લાગતી હતી. એક તો ‘હું સમજી ગઇ હતી કે તમે એ જ છો’ અને બીજું વાક્ય ‘તમારો ફેરો વ્યર્થ નહીં નીવડે.’ આ બેની અંદર કશુંક છુપાયેલું હોય તેવું લાગતું હતું. મિસ દેસાઇએ ઝટપટ ગણતરી કરી લીધી. સુરત પાછાં જવાની ટ્રેન મોડી રાતની હતી. દોઢ-બે કલાક ફાજલ પાડી શકાય તેવા હતા. આમંત્રણ આપનાર સ્ત્રીની આંખોમાં સાલસતા દેખાતી હતી. એનાં ઘરે જવામાં કશું જોખમ જણાતું ન હતું. રહી વાત સમયના બગાડની; તો એ સ્ત્રીએ એવું નહીં થાય એ વાતની બાંહેધરી આપી જ હતી. ‘ચાલો, હું આવું છું. તમારું નામ?’ ભીડની વચ્ચેથી રસ્તો કાઢીને ચાલતાં ચાલતાં મિસ દેસાઇએ પૂછ્યું. ‘મારું નામ નિયતી.’ સ્ત્રી મિસ દેસાઇને પોતાની કાર તરફ દોરી ગઇ. ‘માત્ર નિયતી? મિસ? મિસિસિ? પપ્પાનું કે હસબન્ડનું નામ? સરનેમ?’ કાર સ્ટાર્ટ કરતાં નિયતીએ જવાબ આપ્યો, ‘મારા ઘરની બહાર નેઇમ પ્લેટ છે એ વાંચી લેશો તો તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે.’ મિસ દેસાઇનાં મનમાં રહસ્ય ઘૂંટાતું જતું હતું. જો નિયતીનો ચહેરો નિખાલસતા અને સરળતાથી છલકાઇ રહ્યો ન હોત તો ચાલુ કાર થોભાવીને મિસ દેસાઇ ઊતરી ગયાં હોત! નિયતીની વાતોથી એમને ભય લાગી રહ્યો ન હતો, માત્ર ભેદ ઘૂંટાઇ રહ્યો હતો. થોડી જ વારમાં કાર એક બંગલા પાસે આવીને ઊભી રહી ગઇ. મિસ દેસાઇની નજર મુખ્ય ઝાંપાની પાસેના પિલ્લર પર પડી. ત્યાં બ્લેક ગ્રેનાઇટની તકતી પર ગોલ્ડન યલો અક્ષરોમાં નામ વંચાતું હતું: અંશુ વખારિયા. વીજળીનો કરન્ટ પસાર થઇ ગયો અમૂલ્યાની કાયામાંથી. એ કંઇ પણ બોલે કે કરે એ પહેલાં જ નિયતી બોલી ઊઠી: ‘ડોન્ટ વરી. અંશુ આજે મોડો ઘરે આવવાનો છે. એની ઓફિસમાં કામ પૂરું કરતાં લગભગ અગિયાર તો વાગી જ જશે. તમારો આમનો-સામનો થવાની શક્યતા સહેજ પણ નથી. પ્લીઝ, કમ વિથ મી.’ વિચારશૂન્ય બની ગયેલી અમૂલ્યા કારમાંથી બહાર નીકળી. નિયતીની પાછળ-પાછળ અવશપણે ખેંચાતી રહી. નિયતીએ પ્રવેશદ્વાર ઉઘાડ્યું. ડ્રોઇંગ રૂમની બત્તી ચાલુ કરી. સુંદર રીતે સજાવેલો ડ્રોઇંગરૂમ એકસાથે બબ્બે રૂપસામગ્રીઓને નિહાળીને અનેરા અંદાજમાં ખીલી ઊઠ્યો. પાણીના ગ્લાસથી પ્રાથમિક સ્વાગત કરતાં નિયતીએ વાતનો તંતુ સાધ્યો: ‘મને કોઇ સવાલો પૂછવાની જરૂર નથી. હું બધું જ જાણું છું.’ ‘ત… તમને કોણે કહ્યું? અંશુએ? મિસ દેસાઇ હજી પણ આઘાતમાંથી બહાર આવ્યાં ન હતાં. ‘ના, અમારી વચ્ચે ક્યારેય તમારા વિશે કશી જ વાત થઇ નથી. લગ્ન કરતાં પહેલાં જ અંશુએ કહી દીધું હતું કે એનો એક ભૂતકાળ હતો જે હવે એ સાવ જ ભૂલવા માગે છે. મેં પણ એ વિશે ક્યારેય પૂછ્યું નથી. આ તો એક દિવસ એનું કબાટ સાફ કરતી હતી ત્યારે ચોરખાનામાં સંતાડી રાખેલી એની અંગત ડાયરી મારા હાથમાં આવી ગઇ. અમારાં લગ્ન પહેલાંનાં વર્ષો વિશેની એ ડાયરી હતી. એમાં હું ક્યાંય ન હતી; પાને પાને તમે જ હતાં. અંશુ જ્યારે જ્યારે તમને મળવા માટે આવતો હતો એ દિવસે મોડી રાત્રે ઊંઘતા પહેલાં એ તમારા બંનેની વચ્ચે થયેલા સંવાદોની એક-એક વિગત એમાં ટપકાવી લેતો હતો. અમૂલ્યા, એ ડાયરી વાંચ્યાં પછી મને ક્યારેય તમારાં કે અંશુ વિશે ખરાબ વિચાર નથી આવ્યો. મને તમે બંને અદભુત પ્રેમી-પ્રેમિકા લાગ્યાં છો. ત્યારથી હું સતત ઝંખ્યાં કરતી હતી કે જિંદગીમાં એક વાર તમને મળું, તમારી સાથે નિરાંતે બેસીને વાતો કરું, તમારી પાસેથી જાણું કે અંશુને પૂરેપૂરો જીતવા માટે મારે શું કરવું?’ નાનો પણ સુંદર બંગલો હતો, ટૂંકું પણ નિતાંત એકાંત હતું, અજાણી પણ બે પારદર્શક મનવાળી સ્ત્રીઓ હતી. ખૂબ વાતો થઇ. અમૂલ્યા પાસે એની અને અંશુ વચ્ચેના પ્રેમની, મુલાકાતોની, સાથે જોયેલી અસંખ્ય ફિલ્મોની, નાની-નાની વાતમાં થયેલાં મોટાં મોટાં રીસામણાં-મનામણાંની, પરસ્પર અપાયેલી-લેવાયેલી ભેટોની મબલખ વાતો હતી. નિયતી પાસે એ બધી વાતોની ડાયરીમાંથી વાંચેલી માહિતી હતી. ‘નિયતી, તારો અંશુ કેટલી હદે બદલાઇ ગયો હશે એની મને ખબર નથી પણ મારો અંશુ ચટાકેદાર વાનગીઓ માણવાનો ભારે શોખીન હતો. એ મને મળવા માટે હોસ્ટેલમાં આવતો ત્યારે અચૂક હું એને કોઇ ને કોઇ વાનગી જાતે બનાવીને ખવડાવતી. એ મને કહેતો કે મેં બનાવેલી વાનગીમાં મારી આંગળીઓની સુગંધ અને સ્વાદ બંને ભળી જાય છે.’ ‘અંશુ આજે પણ એવા જ છે. ડાયરીમાં એમણે બધું જ લખ્યું છે. એમણે છેલ્લાં પાનાંઓમાં લખ્યું છે: ‘હું હવે અમૂલ્યાને અને એની સાથે જોડાયેલી તમામ વાતો ભૂલી જવા માગું છું. એની સાથે મેરેજ ન થઇ શક્યું એ સમયની ક્રૂરતા છે પણ મારું ભવિષ્ય હવે નિયતી જ હશે.’ અમૂલ્યા, તમે માનશો? અંશુએ એક વાર પણ મારી આગળ તમારો ઉલ્લેખ સરખો યે નથી કર્યો. એ ખરેખર બધું જ ભૂલી ગયા છે. હવે એમને મારા હાથની બનાવેલી વાનગીઓ જ ભાવે છે.’ ‘એ સારી બાબત છે. અંશુએ જો તારી સાથે ખુશ રહેવું હોય તો મને ભૂલી જવી ફરજિયાત છે. જે પુરુષ ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે ભટકતો રહે છે એ પોતાનો ભ‌વિષ્યકાળ બગાડી નાખે છે. છોડ હવે અંશુની વાત. આપણી વાત કર. કકડીને ભૂખ લાગી છે. શું જમાડીશ?’ નિયતી મહેમાનને કિચનમાં ખેંચી ગઇ, ‘આજે તો તમે જ કોઇ વાનગી બનાવો. જોઉં તો ખરી કે અંશુ તમારી આંગળીઓની સોડમ પાછળ શા માટે પાગલ હતો!’ અમૂલ્યા પાસે પૂરતો સમય હતો. એણે વેજીટેબલ બિરિયાની બનાવી આપી. બંનેએ પેટ ભરીને ખાધી. આઇસક્રીમ માણીને અમૂલ્યાએ વિદાય લીધી. જતાં જતાં એણે સલાહ આપી, ‘અંશુને કહેતી નહીં કે હું આવી હતી. જ્યારે એ મને તદ્દન ભૂલી ગયો છે ત્યારે ફરીથી એને મારી યાદ અપાવવાની જરૂર નથી. તમે બંને ખુશ રહેજો. બાય!’ અમૂલ્યાનાં ગયાં પછી લગભગ એકાદ કલાક બાદ અંશુ ઘરે આવ્યો. હાથ ધોઇને સીધો ડાઇનિંગ ટેબલ પાસે ગોઠવાઇ ગયો, ‘કકડીને ભૂખ લાગી છે. થાક પણ ખૂબ લાગ્યો છે. જે બનાવ્યું હોય તે ફટાફટ…’ નિયતીએ ‘માઇક્રોવેવ’માં ગરમ કરીને બિરિયાની પીરસી દીધી. થાળીમાંથી ઊઠતી વરાળ નાકમાં ગઇ એ સાથે જ અંશુની ભૂખ બેવડાઇ ગઇ. એણે એક ચમચી બિરિયાની મોઢાંમાં મૂકી દીધી. એક ક્ષણ માટે એ ચૂપ થઇ ગયો. પછી એના મોંમાંથી પ્રશ્ન સરી પડ્યો. ‘નિયતી, સાચું બોલજે. અમૂલ્યા આવી હતી આપણાં ઘરે?’ ‘કોણ આવ્યું હતું આપણાં ઘરે? કોણ અમૂલ્યા? એ જ જેને તમે ડાયરીનાં પાનાં ઉપર ભુલાવી દીધી છે? તમે કોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છો? તમારી જાતને? કે તમારા ભૂતકાળને? આટલાં વર્ષોથી તમે જેને ભૂલી ગયા છો એવું માની રહ્યા છો, એ આજે તમને એક ચમચી બિરિયાનીમાં જ યાદ આવી ગઇ? અંશુ, એક વાત યાદ રાખજો, બેવફા પ્રેમિકા મળી હોય તો એને ભૂલી જવા જેવું બીજું કોઇ પુણ્યકાર્ય નથી અને સંસ્કારી પ્રેમિકા મળી હોય તો એને ભૂલી જવા જેવું બીજું કોઇ પાપ નથી.’ આટલું કહીને નિયતી અંશુના માથાંના વાળમાં હૂંફાળો હાથ ફેરવવા લાગી. ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...