વિજ્ઞાનધર્મ:કર્ણપિશાચિની: The Lower Form of Energy!

13 દિવસ પહેલાલેખક: પરખ ભટ્ટ
  • કૉપી લિંક
  • કર્ણપિશાચિની અને સભામોહિની જેવાં શક્તિ-સ્વરૂપો માટે આજકાલ ભયંકર ભ્રમણાઓ પ્રવર્તે છે, જે ફેલાવવા પાછળ સવિશેષ ફાળો ટેલિવિઝન સીરિયલ અને ફિલ્મોનો છે. સર્વપ્રથમ તો ત્યાંથી જ શરૂઆત કરીએ કે, કર્ણપિશાચિની એ વાસ્તવમાં બીભત્સ-વિકરાળ દાંત અને રાક્ષસી રૂપ ધરાવતી કોઈ સ્ત્રીપિશાચ નથી!

કોઈમ્બતુર ખાતે ઈશા આશ્રમમાં ‘યોગેશ્વર લિંગ’ની પ્રાણ-પ્રતિષ્ઠા સંપન્ન થઈ, ત્યારે એક શ્રદ્ધાળુએ સદ્ ગુરુ જગ્ગી વાસુદેવને પ્રશ્ન પૂછ્યો કે તમે વિધિ દરમિયાન સ્ત્રી અને પુરુષના પગની પાનીમાં નાડીઓ કેમ બાંધી હતી? તેનો બીજો છેડો યોગેશ્વર લિંગ સાથે બાંધવા પાછળનું તાત્પર્ય શું? આ પ્રશ્નના જવાબમાં સદ્ ગુરુ કહે છે, ‘મેં કોઈ સ્ત્રી અને પુરુષને નાડી નહોતી બાંધી! મારા માટે તો એ ફક્ત ઈડા અને પિંગળા છે... લિંગભેદથી ઉપર ઊઠી ચૂકેલી મસ્ક્યુલાઇન (પૌરુષી) અને ફેમિનાઇન (પ્રકૃતિ) ઊર્જા!

આ જગત ઈડા અને પિંગળા (પુરુષ અને પ્રકૃતિ ઊર્જા)ના સમન્વયથી રચાયેલું છે. એમાં કોઈ વિદ્યા સારી કે ખરાબ નથી હોતી. બેશક, તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, એ જોવું જરૂરી છે. કર્ણપિશાચિની એ વાસ્તવમાં બીભત્સ દાંત અને રાક્ષસી રૂપ ધરાવતી કોઈ પિશાચવિદ્યા નથી. તેની પ્રકૃતિ/સ્વભાવને અનુરૂપ પ્રાચીનકાળથી તંત્રશાસ્ત્રમાં તે કર્ણપિશાચિની તરીકે ઓળખાય છે. બીજી મહત્ત્વની વાત એ કે, સભામોહિની અને કર્ણપિશાચિની મૂળે તો જગદમ્બિકાનું જ નિમ્ન કોટિ ઊર્જાસ્વરૂપ (Lower Form of Energy) છે. કર્ણપિશાચિની એક એવી વિદ્યા છે, જેને સિદ્ધ કર્યા બાદ સાધકના કાનમાં કેટલાક સ્વર સંભળાવા લાગે છે. એમની પાસે આવનારા શ્રદ્ધાળુઓના પ્રશ્નોનો કર્ણપિશાચિની ઉત્તર આપે છે, પરંતુ એ દરેક કિસ્સામાં સો ટકા સત્ય હોય, એ જરૂરી નથી. બીજી બાજુ, સભામોહિની વિદ્યાને સમૂહ-વશીકરણ સાથે સરખાવી શકાય, જેમાં સાધક એ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે કે શ્રોતાગણ મંત્રમુગ્ધ બનીને બસ એમને સાંભળ્યા જ કરે!

કર્મકાંડ શીખવા માગતા વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ શરૂ કરે ત્યારે, દાયકાઓ જૂના સંસ્કૃત ગુરુકુળોમાં આજે પણ એમની પાસે જળની અંજલિ ભરીને વચન લઈ લેવામાં આવે છે કે તેઓ ક્યારેય કર્ણપિશાચિની- સભામોહિની વગેરે જેવાં દેવીનાં નિમ્ન કોટિ સ્વરૂપોને આહ્વાન નહીં આપે!

આની પાછળનાં કારણો સ્પષ્ટ છે. પ્રકૃતિના નિમ્ન અને પ્રદૂષણકર્તા ઊર્જાસ્ત્રોતો–કોલસા, કેરોસીન વગેરેનો ઉપયોગ માનવજાતના રોજિંદા જીવનમાં થવા લાગે ત્યારે વાતાવરણ દૂષિત થશે જ, એ નિશ્ચિત છે. 21મી સદીની સૌથી મોટી ચિંતા–ગ્લોબલ વૉર્મિંગ–એ આનું જ એક દુષ્પરિણામ છે. બિલ્કુલ એવી જ રીતે, દેવીનાં ઉચ્ચ કોટિ સ્વરૂપો, મહાવિદ્યાઓ અથવા શ્રીવિદ્યાનું પૂજન કરવાને બદલે સાધક ભૌતિક સુખ-સગવડો અને સમૃદ્ધિ-પ્રસિદ્ધિની લાલસામાં જ્યારે પ્રકૃતિનાં નિમ્ન કોટિ ઊર્જાસ્વરૂપોનું આહ્વાન કરે છે, ત્યારે તેનું આધ્યાત્મિક-શારીરિક-માનસિક અને સામાજિક પતન નિશ્ચિત છે!

કર્ણપિશાચિની એ ઊર્જાનું એવું સ્વરૂપ છે, જે સમય આવ્યે કદાચ કામ ન પણ આવે. એક બાળક પોતાની મા સામે હઠ કરે, ધમપછાડા કરે, રોકકળ કરે ત્યારે માતા કદાચ અનિચ્છાએ પણ તેની જિદ્દને માન આપીને વસ્તુ કે રમકડું અપાવે! પરંતુ એવું દર વખતે થાય જ, એ જરૂરી નથી. ઘણી વખત માતા પોતાનાં બાળકની પ્રત્યેક હઠ પૂરી નથી કરતી હોતી. બસ, આ જ રીતે ઘણી વખત સાધક દ્વારા અસંખ્ય વખત આહ્વાન આપવા છતાં જ્યારે કર્ણપિશાચિની તેના કાનમાં આવીને પ્રશ્નકર્તાના પ્રશ્નનો સંતોષકારક જવાબ ન આપે ત્યારે સાધક પોતાનું સન્માન અને પ્રસિદ્ધિ જાળવી રાખવાના ચક્કરમાં ભેળસેળિયો ઉત્તર આપી દે છે, જે અંતે તેનાં કર્મબંધનોને વધુ દૂષિત અને વિષમય બનાવે છે.

મારી નજર સામે મેં એવા કિસ્સા જોયા છે, જેમાં કર્ણપિશાચિનીના સાધકને શાંતભાવે મૃત્યુ પણ નસીબ ન થયું હોય! એમના શબને અગ્નિદાહ આપવા માટે કાષ્ઠ અને ઘી નહીં, પરંતુ કેરોસીનનો છંટકાવ થાય ત્યારે છેક ત્રાસદાયક દુર્ગંધ સાથે એમનો દેહ ભડભડ બળે!

કર્ણપિશાચિની અંગે શ્રીવિદ્યા ઉપાસક ઓમ સ્વામીએ પોતાનાં સંસ્મરણો ‘ઈફ ટ્રુથ બી ટૉલ્ડ’માં વિસ્તૃત ચર્ચા કરી છે. દેવીનાં ઉચ્ચ કોટિ ઊર્જાસ્વરૂપોને સિદ્ધ કરવામાં વર્ષો ભલે લાગે, પરંતુ એ મંગલમયી હોય છે. માતા પ્રેમથી પોતાના સંતાનને ભેટ-ઉપહાર આપે, ત્યારે તેના ચિત્તમાં જે પ્રસન્નતા વ્યાપ્ત હોય એવો જ ઉમંગ આ સ્વરૂપોમાં પોતાના સાધક માટે જોવા મળે છે! રામકૃષ્ણ પરમહંસે આખું જીવન ફક્ત એક મહાવિદ્યા– મહાકાળીને સિદ્ધ કરવામાં વ્યતીત કર્યુ. પરિણામ એ આવ્યું કે મહાકાળી સાથે ભોજન ગ્રહણ કરવા જેટલું તપોફળ એમની સાત્ત્વિક-સાધનામાં જોવા મળ્યું. ખરો સાધક ક્યારેય શૉર્ટ-કટ અપનાવીને સાધનાસિદ્ધિ મેળવવામાં વિશ્વાસ નથી ધરાવતો, એ યાદ રાખવું. ⬛

અન્ય સમાચારો પણ છે...