ન્યૂ રીલ્સ:કાંતારા, શેરની, સાઉથ અને બોલિવૂડ

એક મહિનો પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક
  • સાઉથના ફિલ્મમેકરો સામાન્ય પ્રેક્ષકોની બાજુમાં બેઠા હોય એ રીતે ફિલ્મો બનાવે છે. જ્યારે બોલિવૂડને બધી વાતમાં ‘ઇન્ટેલેક્ચ્યુઅલ’ અને ‘સેક્યુલર’ બનવું છે

‘કાંતારા’નાં રિવ્યૂ અને વખાણ તો ચારેબાજુ ફેલાઇ ચૂક્યાં છે પણ બોલિવૂડની એક ફિલ્મ નામે શેરની’ની સરખામણી ‘કાંતારા’ સાથે કરી જોવા જેવી છે. બંનેની વાર્તા જંગલની આસપાસ ફરે છે. ‘કાંતારા’ એક કહેવાતી મસાલા ફિલ્મ છે, જેમાં એક ખૂબ જ રસપ્રદ લોકકથા છે. જ્યારે ‘શેરની’ અમપક સત્યઘટનાઓ અને એક વાસ્તવિક પાત્ર ઉપરથી બનાવેલી ફિલ્મ છે. પરંતુ જોવાની વાત એ છે કે બોલિવૂડ અને સાઉથ બંને પોતપોતાની સ્ટાઇલથી અને પોતપોતના એંગલથી આખા વિષયને શી રીતે જુએ છે! માત્ર થોડા મુદ્દાની જ સરખામણી કરવાથી ખબર પડી જશે કે બોલિવૂડની હાલત આજે આવી શા માટે છે અને સાઉથ શા માટે પ્રેક્ષકોના દિલ ઉપર છવાઇ રહ્યું છે. ‘કાંતારા’ની વાત કરીએ તો એ આઉટ એન્ડ આઉટ ઇમોશનલ ફિલ્મ છે જેમાં લવ, એક્શન, ડ્રામા અને મોરલ વેલ્યુઝ… બધું જ છે. વાર્તા એવી છે કે છેક 1947ની આસપાસ એક રાજાએ કોઇ જંગલના દેવના કહેવાથી જંગલની નજીક આવેલી સેંકડો એકર જમીન મનની શાંતિના બદલામાં ગામલોકોને સોંપી દીધી હતી. 1970માં એ રાજાનો વંશજ વનદેવતાનું અપમાન કરીને કોર્ટમાં કેસ કરે છે પણ કોર્ટના પગથિયે જ લોહીની ઊલટી કરીને મરી જાય છે. એ પછી 1990માં શરૂ થતી ફિલ્મમાં રાજાનો વંશજ ગામનો મુખિયા છે. જ્યારે ફિલ્મનો હીરો શિવા પેલા વનદેવતાનું રૂપ ધારણ કરીને રહસ્યમય રીતે મૃત્યુ પામેલા લોક કલાકાર (અથવા ભૂવો)નો દીકરો છે. ફિલ્મમાં ખુલ્લેઆમ બતાડ્યું છે કે જંગલનાં વૃક્ષો કાપીને રીતસર પાટિયાં બનાવવાનું કારખાનું ચાલે છે, ખુલ્લેઆમ જંગલી સુવ્વરોનો શિકાર થાય છે પરંતુ ફિલ્મનું ફોકસ એની ઉપર છે જ નહીં. આખી ફિલ્મમાં પાડાઓની રેસ, કાદવમાં થતી ફાઇટ, પોલીસ અને ગામલોકો વચ્ચેની ટક્કર, મુખિયાના ગુંડા અને શિવા વચ્ચેની ફાઇટ અને એ બધાંની વચમાં પોલીસખાતામાં નવી નવી જોડાયેલી બાળપણની પ્રેમિકા સાથે શિવાનો રો-રસ્ટિક રોમાન્સ… એવું બધું જ છે. હિંદી ફિલ્મો કરતાં બમણી ઝડપે આ બધી નાટ્યાત્મક ઘટનાઓ બનતી રહે છે અને છેલ્લે જમીન હડપી લેવાનો કારસો ઘડનાર વિલનને શિવા લગભગ મરી જવાની સ્થિતિમાં બેઠા થઇને મારી નાખે છે. હવે ‘શેરની’ જુઓ. અહીં વાત તો એક માનવભક્ષી થઇ ચૂકેલી અવનિ નામની વાઘણની છે છતાં ફિલ્મમેકરો ‘ડ્રામા’થી દૂર રહેવા માગે છે. એમને ‘ઇમોશનલ’ નથી થવું એટલે જે માનવીઓને વાઘણ ખાઇ ગઇ છે એનાં કુટુંબીજનો ઉપર શું વીતે છે, એ નથી બતાડવું. એમને ‘પર્યાવરણપ્રેમી’ દેખાવું છે એટલે જંગલ વિસ્તારમાં રહેતી ગરીબ પ્રજાને જ ક્યાંક ને ક્યાંક જંગલનાં પ્રાણીઓની ‘શાંતિ ભંગ’ કરનારી બતાડે છે. એમને આખી વાતને ‘ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ’ કરવી છે. એટલે મુખ્ય પાત્રો એક મોટા ઓફિસરો છે અને બધું અંગ્રેજીમાં જ ‘ડિસ્કસ’ કરે છે. એમને ‘લોકલ ટચ’ પણ આપવો છે એટલે એકાદ થિયેટર ગ્રૂપ આવીને ગામલોકોને ‘જંગલપ્રેમ’ શીખવાડતું નાટક એને બતાડે છે! અને આ બધું જ શુષ્ક લાગણીવિહીન અને ‘ડિટેચ્ડ’ સ્ટાઇલમાં બતાડવામાં આવે છે. (એકાદ-બે ગાયન પણ ભભરાવ્યાં છે, જે બીજી જ ક્ષણે ભૂલી જવાય છે.) પાછું એમને સરકારને પણ ખુશ રાખવી છે એટલે જંગલમાં રિ-પ્લાન્ટેશનનું કામ કેવું સરસ ચાલે છે, તેમાં ઓલમોસ્ટ ડોક્યુમેન્ટરી જેવો હિસ્સો ઘુસાડ્યો છે. અને હા, જંગલનો જ એક હિસ્સો ખનિજના ગેરકાયદેસર ખોદકામ માટે વપરાય છે અને ત્યાં ખડક તોડવા માટે મોટા મોટા બોમ્બ ફૂટે છે એ તો જાણે નાનકડું સસ્પેન્સ ખૂલ્યું હોય એ રીતે થોડી જ વાર માટે વાર્તામાં આવે છે! છતાં બોલિવૂડને ‘સેક્યુલર’ તો દેખાવું જ છે! એટલે વાસ્તવિકતામાં જે મહિલા ઓફિસર હિંદુ હતી તેને ખ્રિસ્તી બનાવી દીધી હતી અને જે શૂટર મુસ્લિમ હતો તેને હિંદુ બનાવી દીધો! આખી ફિલ્મમાં કંઇક ‘કોમેડી’ તો જોઇએને? એટલે ખ્રિસ્તી હિરોઇનના હિંદુ પતિની હિંદુ માતા અહીં વેકેશન માટે આવે છે અને તેને વિચિત્ર (ફની) સવાલો થાય છે કે ‘તુમ મરદોંવાલે કપડે ક્યૂં પહનતી હો?’ જાણે શહેરમાં એણે શર્ટ-પેન્ટ પહેરેલી છોકરીઓ જોઇ જ ના હોય! અને હા, ફિલ્મમાં આટઆટલા ‘બુદ્ધિજીવી’ મુદ્દાઓને ‘સ્પર્શ્યા’ છતાં એન્ડ શું આવે છે? પેલી વાઘણનાં બે ખોવાયેલાં બચ્ચાં મળી આવ્યાં, બસ! આ સરખામણી માત્ર બે ફિલ્મોની નથી. પાયાનો ફરક એ છે કે સાઉથના ફિલ્મમેકરો સામાન્ય પ્રેક્ષકોની બાજુમાં જ બેઠા હોય એ રીતે ફિલ્મો બનાવે છે. જ્યારે બોલિવૂડને બધી જ વાતમાં ‘ઇન્ટેલેક્ચ્યુઅલ’ અને ‘સેક્યુલર’ બનવું છે. ⬛

અન્ય સમાચારો પણ છે...