તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનિયો LL.B.:ભૈરવબાબુ આ ચાલ રમી જશે એની તો કનિયાને કલ્પના સુધ્ધાં નહોતી

4 મહિનો પહેલાલેખક: વિભાવરી વર્મા
 • કૉપી લિંક
 • કનિયાના ફોનમાં પ્રકાશના ઝબકારા સાથે રિંગ વાગી...! ‘અરે! આ તો ઝરીન મેડમનો જ વિડીયો કોલ! વાહ, શું ટેલિપથી છે!’કનિયાએ મસ્તીથી ફોન ઉપાડ્યો પણ ફોનમાં જે સીન દેખાયાં તે જોઈને કનિયો ડઘાઈ ગયો

પ્રકરણ -32
કનિયાની જન્મજાત ચૌર્યકલાએ આજે તેનો જીવ બચાવ્યો હતો. ગેંગસ્ટર ભૈરવબાબુના બે ટપોરીઓ તેને ગોળી મારીને જમીનમાં દાટી દેવાના હતા તેમને જ 26.7 કરોડના હીરાની વાતમાં લલચાવીને, આઠ-સાડા આઠ કરોડનાં સપનાં બતાડી, જમતાં અને બિયર પીવડાવતાં કનિયાએ એક ટપોરીની રિવોલ્વર ચોરી લીધી હતી. પેશાબને બહાને જીપ ઊભી રખાવીને કનિયાએ પેલા બંને ટપોરીઓના ઘૂંટણમાં ગોળીઓ તો મારી દીધી પણ હવે ઝડપ કરવાની હતી. કનિયાએ ફટાફટ જીપનું સ્ટીયરિંગ સંભાળીને તેને ભગાવી મૂકી. હવે ક્યાં જવું ? શું કરવું? એ વિચારવાનો આમ જુઓ તો જરાય ટાઈમ નહોતો અને આમ જુઓ તો ખાસ્સો ટાઈમ હતો, કારણ કે કનિયાએ જમતાં જમતાં પેલા ટપોરીઓને વાતમાં પરોવીને એમનાં મોબાઈલોમાંથી સિમ-કાર્ડો પણ કાઢી નાખ્યાં હતાં! ‘લંગડી રમતાં રમતાં બેટાઓ કેટલે દૂર સુધી જશે? મોબાઈલમાં સિમ-કાર્ડ નથી એની તો સાલાઓને બીજી જ મિનિટે ખબર પડી ગઈ હશે! એ લલ્લુઓને ઉસ્માનભાઈ કે ભૈરવબાબુનો નંબર મોઢે હશે ખરો ? જો હોય તો માંડ અડધો કલાકમાં મારી પાછળ ટપોરીઓનું ઝુંડ વછૂટશે... અને જો નંબર યાદ નહીં હોય તો...’

કનિયો મનમાં હસ્યો. ‘તો ટાઈમ જ ટાઈમ છે....’ તેણે પોતાના જાકિટનાં ખિસ્સાં ઉપર હાથ ફેરવી લીધો. પેલા હીરાઓની બંને પોટલીઓ હજી સલામત હતી. કનિયો ફરી મનમાં મલકાતાં બબડ્યો :‘ટોપાઓ, આ હીરાની કિંમત 26.7 કરોડ નહીં, પૂરા બસ્સો ને સડસઠ કરોડ છે ! ઝરીન મેડમને જ્યારે હું આ વાત કરીશ ત્યારે તો -’ ધત્તેરેકી ! કનિયાને હસવું આવી ગયું. યાર, આ ઝરીન મનમાંથી ખસતી કેમ નથી ? જીપ અમદાવાદ તરફ જતા હાઈવે ઉપર ચડી ચૂકી હતી. કનિયાનું દિમાગ પણ જીપની જેમ જ પાંચમાં ગિયરમાં પડી ચૂક્યું હતું... યાર, જો બાકીની જિંદગી આ બસ્સો સડસઠ કરોડ રૂપિયા વડે ઝરીન સાથે રહીને જલસા કરવા મળે તો કેવી મઝા પડી જાય ! આહાહા... પછી તો અમદાવાદમાં શું કામ રહેવાનું ? સીધા અમેરિકા જ ના જતા રહીએ! ઝરીન તાલુકદારે આટઆટલી વખત કનિયાને ફસાવી મારવાના પેંતરા કર્યા હતા છતાં યાર, કનિયાની વન સાઈડેડ લવ-સ્ટોરી તેને હેપ્પી એન્ડિંગના જ સપનાં બતાડી રહી હતી ! ‘યસ, હવે તો ડાયરેક્ટ પોરબંદર !’ કનિયાએ મનમાં નક્કી કરી લીધું. ગિયર બદલીને એક્સિલરેટર ઉપર પગ દબાવતાં તેણે સટાસટ ચાર કારોને ઓવરટેક કરી લીધી. કનિયાની જીપ 150ને ટચ કરી રહી હતી. ***

કનિયાને પોતાની લવસ્ટોરીના ગુલાબી ફ્લેશ-બેક નજર સામે દેખાઈ રહ્યા હતા. આહાહા... પહેલી જ વાર જ્યારે ઝરીનને જોઈ ત્યારે પોતે પાલનપુરની કોર્ટમાં તડીપાર કેસ માટે બેઠો હતો... ત્યાં જે રીતે ઝરીન મેડમની એન્ટ્રી પડી... આયે હાયે... પહેલી જ નજરમાં કનિયાએ નક્કી કરેલું કે બોસ, આપણા દિલની રાણી તો આ જ! પછી તો કનિયો તડીપાર થઈને મેડમને શોધતો અમદાવાદ જ આવ્યો.. મેડમને ઇમ્પ્રેસ કરવા એમનું જ પર્સ ચોરીને એમને આપવા જવું... પેલી મોર્નિંગ વોક વખતે મેડમ ભસતાં કૂતરાંથી ડરીને ભાગવા જતાં ખાડામાં પડ્યાં અને બંદાએ તેમને બે હાથે ઉપાડી લીધેલાં... આયે હાયે ! એ તો ઠીક, પેલા પેટ્રોલ પંપના ટોઈલેટમાં ખુદ મેડમે તેને અંદર બોલાવેલો ! કારણ કે મેડમનો પગ ખરાબ રીતે મચકોડાઈ ગયેલો... અને પછી તો કનિયો મેડમનો ડ્રાઈવર બન્યો.. પેલા ઇન્સ્પેક્ટર તિવારીની સર્વિસ રિવોલ્વર ચોરવામાં પોતાને છેક પોરબંદર સુધી ભાગવું પડ્યું પણ નસીબના ખેલ જુઓ ! ખુદ મેડમે પોરબંદરમાં આવીને મહેશ્વરીનું મર્ડર કરી નાખ્યું ! ફક્ત એટલા માટે, કે ઝરીન મેડમને ખબર હતી કે કનિયો જરૂર તેને બચાવી લેશે ! આહાહા... ‘સાલી, શું લવસ્ટોરી છે, નહીં !’ કનિયો હજી હવામાં હતો ત્યાં અચાનક હેડલાઈટના પ્રકાશમાં એક બિલાડી જમણેથી ડાબે દોડી જતી દેખાઈ! કનિયાએ તરત જ શોર્ટ બ્રેક મારી... બિલાડી માંડ માંડ બચી ગઈ ! ‘સાલું કંઈક તો અપશુકન થવાનાં છે!’ કનિયાએ જીપને ફરી ગિયરમાં નાખી. મગજ નવા ફાંટે ચડી ગયું. ચોર લોકો શુકન-અપશુકનમાં બહુ માને. કનિયાને પણ આવી વાતોમાં થોડો વિશ્વાસ ખરો. બિલાડીનો વિચાર કરતાં કરતાં કનિયાને અચાનક દલસુખ યાદ આવી ગયો : ‘સા..લો ઉંદરડો !’ કનિયાએ તરત જ જીપ સાઈડમાં લીધી. ફોનમાંથી દલસુખનો નવો વોટસ-એપ નંબર શોધીને મેસેજ મૂક્યો : ‘દલસુખ, ફરીથી કોઈ દરમાં ભરાઈ જા. ભૈરવના બિલાડાઓ તને શોધી રહ્યા છે.’ ***

હવે કનિયાના મનમાં શાંતિ હતી. દલસુખની દર શોધી લેવાની કળા ઉપર તેને ભરોસો હતો. ભૈરવબાબુ ભલે ને ગમે એટલા ગુંડાઓને મસ્કતમાં મોકલે, દલસુખ એવા સલામત ઠેકાણે સંતાઈ જશે કે આ લોકો તેને બાપ જન્મારામાં નહીં શોધી શકે. રાતના બાર વાગી રહ્યા હતા. હવામાં મસ્ત ઠંડક હતી. પોરબંદર પહોંચવા માટે કનિયાએ અમદાવાદ એકસ્પ્રેસ હાઈવે ઉપરથી નડિયાદ બાજુ લેફ્ટ-ટર્ન મારીને વળી જવાનું હતું. સુરતથી પોરબંદર સાડા બાર કલાકનો રસ્તો થાય. દસેક વાગે સુરતથી ફુલ-સ્પીડમાં નીકળેલા કનિયાને ઝરીન પાસે પહોંચતા કમ સે કમ સવારના નવ તો વાગી જ જવાના હતા. ‘હું પહોંચીશ ત્યારે ઝરીન શું કરતી હશે ? નહાઈને, માથા ઉપર ટુવાલ લપેટીને હજી બહાર આવતી હશે, ત્યાં હું એને -’ એ જ ઘડીએ કનિયાના ફોનમાં પ્રકાશના ઝબકારા સાથે રિંગ વાગી...! ‘અરે! આ તો ઝરીન મેડમનો જ વિડીયો કોલ! વાહ, શું ટેલિપથી છે!’કનિયાએ મસ્તીથી ફોન ઉપાડ્યો પણ ફોનમાં જે સીન દેખાયાં તે જોઈને કનિયો ડઘાઈ ગયો. ઝરીનના વાળ પીંખાયેલા હતા, આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં. ઝરીનનો અવાજ તરડાઈ ગયેલો હતો. ‘કનુ ! મને બચાવી લે! આ લોકો મને કિડનેપ કરીને અમદાવાદ બાજુ લઈ જઈ રહ્યા છે !’

કનિયો હજી કંઈ જવાબ આપે એ પહેલાં મોબાઈલમાં ઝૂમ-આઉટ થયો. ઝરીનના હાથ બાંધેલા હતાં. ઝરીનની આજુબાજુ બે જણા કારની પાછળની સીટમાં બેઠા હતા. એમાંથી એકે કેમેરા સામે આંગળી તાકીને ધમકી આપી દીધી :‘એય સાલા છછુંદર! તારી માશુકા અમારા હાથમાં છે! બચ્ચુ, ભૈરવબાબુ જોડે ગેઇમ રમે છે? હવે જોઈ લેજે...’ ફોન કટ થઈ ગયો. કનિયાનું દિમાગ સુન્ન થઈ ગયું. સાલું, આ શું બની ગયું ? ભૈરવબાબુ આ ચાલ રમી જશે એની તો કનિયાને કલ્પના સુધ્ધાં નહોતી. હજી એ કંઈ આગળ વિચારે એ પહેલાં તો ખુદ ભૈરવબાબુનો જ ફોન આવી ગયો : ‘સાંભળ કનિયા ! ભલે ત્રણસો કરોડનો દલ્લો ના મળે પણ બેટા, તારી ઝરીનની તો બાંસૂરી બજાવીને જ રહીશું ! તું એને બહુ લવ કરે છે ને તો એક લોકેશન મોકલું છું... આવીને છોડાવી લેજે તારી વહાલીને !’ બીજી જ મિનિટે કનિયાના મોબાઈલમાં અમદાવાદના પશ્ચિમ છેડે આવેલા એક ફાર્મ-હાઉસનું લોકેશન પણ આવી ગયું ! હવે ? સાચું કહીએ તો હવે કનિયાની વાટ લાગી હતી... ***

‘ભૈરવબાબુ અને ઉસ્માનભાઈ તો સાલા જીવતાજાગતા રાક્ષસો છે ! એ લોકો મેડમને નહીં છોડે...’ કનિયાની નજર સામે ભૈરવબાબુનું ગોધા જેવું મજબૂત શરીર અને ઉસ્માનભાઈની વરુ જેવી ભૂખી આંખો તગતગી રહી હતી. હવે કરવું શું ? કનિયાએ જીપને સાઈડમાં લઈને ઊભી રાખી દીધી. કંઈ પણ કરતાં પહેલાં બધી દિશાનો વિચાર કરી લેવો જરૂરી હતો પણ કનિયાનું મગજ બહેર મારી ગયું હતું. એક્સ્પ્રેસ હાઈવે પરથી સનન... સનન.... કરતાં વાહનો પસાર થઈ રહ્યાં હતાં. આખરે દસ મિનિટ આંખો બંધ રાખીને વિચાર કરી લીધા પછી કનિયો કામે લાગ્યો. સૌથી પહેલાં તો તેણે પોરબંદરના પેલા ઈમાનદાર અને કડક પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણને ફોન લગાડ્યો: ‘આટલી મોડી રાતે ડિસ્ટર્બ કરવા બદલ સોરી ચૌહાણસાહેબ, હું ઝરીન તાલુકદારનો ડિફેન્સ લોયર કનુ કાછડિયા બોલું છું. તમારા આરોપી મેડમનું કિડનેપ થઈ ગયું છે. જો એમના ઉપર બળાત્કાર થઈ જાય કે એમનું ડેડબોડી ચૂંથાયેલું પીંખાયેલું લોહીલુહાણ હાલતમાં મળે તો પછી મને કહેતા નહીં કે કીધું નહોતું!’ ‘કોણ, શું, કેવી રીતે -’ અડધી રાતે ઊંઘમાંથી જાગી ગયેલા ચૌહાણ થોથવાઈ ગયા. કનિયાએ બધી વિગતો રીપીટ કરીને છેલ્લે કહ્યું ‘જો ભૈરવબાબુ અને ઉસ્માનભાઈ જેવાં મોટાં માથાંને રંગે હાથે એરેસ્ટ કરીને મેડલ-પ્રમોશન લેવાં હોય તો આ જ ચાન્સ છે ચૌહાણસાહેબ! લોકેશન મોકલું છું, મેડમને ત્યાં લઈ ગયા છે...’ પોરબંદરથી અમદાવાદનો રસ્તો સાડા સાત કલાકનો છે. સવાલ એ હતો કે ભૈરવના ગુંડાઓએ જો મેડમને બે કલાક પહેલાં ઉઠાવી લીધાં હોય તો ચૌહાણને ત્યાં પહોંચવામાં એટલું મોડું થશે. એનાથી મોટો સવાલ એ હતો કે ચૌહાણ છેક અમદાવાદ સુધી જાતે લાંબા થશે ખરા? ત્રીજો સવાલ એ હતો કે જો ચૌહાણ અમદાવાદના કોઈ અફસરોને જાણ કરે તો એમાંથી કેટલાને ઝરીનમાં રસ હોય અને કેટલાને પેલા ‘સત્તાવીસ’ કરોડમાં ભાગ પડાવવામાં રસ હોય? જોકે, સૌથી મોટો સવાલ એ હતો કે શું ભૈરવ અને ઉસ્માન પોતે મોકલેલા લોકેશન પર જ આવશે કે મેડમને કોઈ બીજી જ જગાએ લઈ જશે? કંઈ કહેવાય નહીં... કનિયાએ બીજો ફોન તેના જૂના દોસ્ત સબ-ઇન્સ્પેક્ટર ડાભીને લગાડ્યો. સળંગ છ-છ વાર રિંગ ગયા પછી ડાભીએ ફોન ઉપાડ્યો. મોટું બગાસું ખાઈને એક સરસ મઝાની ગાળ દીધા પછી ડાભી બોલ્યા : ‘બોલ, સાલા અડધી રાતે શું છે?’ ‘ડાભી, ઝરીન જોખમમાં છે.’ ‘ટોપા, મેડમે મર્ડર કરતાં પહેલાં વિચારવું જોઈએ. અને તું બેઠો છે ને એનો વકીલ ?’ ‘યાર, તમે સમજતા કેમ નથી ? જો થોડું પણ મોડું થશે તો મેડમ ઉપર રેપ થઈ જશે.’ ‘તો થવા દે ને યાર!’ ડાભીએ પહેલાં કરતાં મોટું બગાસું ખાધું. ‘ટોપા, કમ સે કમ તારી ઉપર તો આરોપ નહીં લાગે ને ? બકા, એમ સમજ કે મેડમની માયાજાળમાંથી તું કમ સે કમ આ વખતે તો બચી જઈશ.’ ‘યાર તમે -’ કનિયાની અચાનક છટકી. ફોનને જોરથી પછાડીને તોડી નાખવાનું મન થઈ આવ્યું. પણ પછી તરત જ તેણે ચાલ બદલી. ‘ડાભીસાહેબ, બસ્સોને સડસઠ કરોડના હીરામાંથી જો તમને દોઢ ટકો મળવાનો હોય તો-’

‘બે ટકા !’ ડાભી બોલો ઊઠ્યા.
‘હં... હવે જાગી ગયા ને!’ કનિયો હસી પડ્યો. પછી એક જ મિનિટમાં આખી સિચ્યુએશન સમજાવી ફોન કટ કર્યો. હવે વારો હતો કનિયાના ખાસ દોસ્ત મુસ્તુફાનો. કનિયાએ ફોન લગાડ્યો કે તરત જ મુસ્તુફા બોલી ઊઠ્યો :‘ફિકર ના કર કનિયા, હું એ કારનો જ પીછો કરી રહ્યો છું. બાઇક ઉપર.
‘ખબર આપતો રહેજે, એ હલકટ લોકો છેલ્લી ઘડીએ લોકેશન બદલી નાખે એવા છે.’
મુસ્તુફાનો ફોન પત્યો કે તરત કનિયાએ છેલ્લો ફોન ઝરીનને લગાડ્યો. આ વિડીયો કોલ હતો. સામે છેડે ભૈરવના માણસનો ચહેરો દેખાયો. કનિયાએ કહ્યું : ‘ધ્યાનથી સાંભળ, ફોન બિલકુલ ઝરીન મેડમના ફેસ પાસે લઈ જા.’
‘કેમ?’ પેલાએ સડેલી જોક મારી. ‘તારી, મહેબૂબાને કિસ કરવાની છે ?’
‘હા, એમ જ સમજ.’કનિયાએ સામે ધમકી આપી.‘બાકી તેં જો મેડમને હાથ પણ લગાડ્યો છે તો પહેલાં તારી ખોપડી ઉડાડી દઈશ. પછી ભલે ભૈરવ મને મારી નાખે.’
‘ઠીક છે... ઠીક છે...’ પેલાએ ફોન ઝરીનના મોં સામે ધર્યો. કનિયા પાસે આ જ તક હતી. ‘હજી નજીક... હજી નજીક...’ એમ કીધા પછી કનિયાએ પોતાના ફોન સામે એક ચિઠ્ઠી ધરી દીધી! બસ, એ ચિઠ્ઠીમાં જ એક જોખમી મેસેજ હતો... (આવતા સપ્તાહે સમાપ્ત)
vibhavari4dil@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો