રણમાં ખીલ્યું ગુલાબ:તેં જે કહ્યું બસ, એ જ રીતે પાત્ર ભજવ્યું છે, ઓ, દિગ્દર્શક ખસ! હવે મેકઅપ ઉતારું છું

17 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

હિતભાઇએ ફોનમાં કહી દીધું, ‘દથરથભાઇ, અમે કન્યાને જોવા માટે તમારા ગામડે નહીં આવી શકીએ. તમારે જ તમારી દીકરીને લઇને અમદાવાદ આવવું પડશે.’ દથરથભાઇએ કહ્યું, ‘રોહિતભાઇ, આવું કેમ કહો છો? તમારા દીકરા માટે ગામડાની કન્યા લેવા તૈયાર થયા છો તો પછી છોકરીની સાથે સાથે ગામડું પણ જોઇ લો ને!’ રોહિતભાઇ પોતાની વાતમાં મક્કમ હતા, ‘તમારું ગામડું જોઇ લઇશું; દીકરાને પરણાવવા માટે જાન જોડીને આવવું જ પડશે ને? બસ, પહેલી ને છેલ્લી વાર કારણ કે મને ધૂળની એલર્જી છે.’ સાચી વાત એ હતી કે રોહિતભાઇને ગામડાની એલર્જી હતી. આ તો એમને ક્યાંકથી સાંભળવા મળ્યું હતું કે ફલાણા ગામડામાં આપણી જ્ઞાતિના દથરથભાઇ નામના સુખી ખેડૂતને બે દીકરીઓ છે, એમાંથી એક તો ફિલ્મની હિરોઇનને ટક્કર મારે એટલી સુંદર છે. રોહિતભાઇને ત્યારથી જ પોતાના દીકરા માટે હિરોઇન જેવી ખૂબસૂરત વહુ ઘરમાં લાવવાની ઝંખના જાગી હતી. એમની એક આગવી સમજણ હતી, પોતાની દીકરીને ગામડામાં દેવાય નહીં પણ ગામડાની રૂપાળી કન્યાને દીકરા માટે લેવાય ખરી. રોહિતભાઇના દીકરા ઇશિતના શરીર પર જોબનિયું આંટો દઇ ગયું હતું. એના મનમાં મોરલો ટહુકા કરતો હતો. રૂપાળી ઢેલને મળવા માટે એ તલપાપડ થઇ ગયો. દિવસ અને સમય ગોઠવાઇ ગયો. પોતાની કારમાં બેસીને દથરથભાઇ અમદાવાદમાં રહેતા રોહિતભાઇના બંગલે આવી પહોંચ્યા. સાથે એમનાં પત્ની દક્ષાબહેન હતાં. કારમાંથી છેલ્લી ઊતરી કન્યા. ભર્યુંભર્યું સ્વાગત પત્યાં પછી બધાં ડ્રોઇંગરૂમમાં ગોઠવાયાં. દથરથભાઇએ દીકરીની ઓળખાણ કરાવી, ‘આ મારી માન્યા. તમને માન્ય હોય તો વાત આગળ વધારીએ. અમે ગામડામાં રહીએ છીએ પણ દીકરીઓને અમે ભણાવીગણાવીને ગ્રેજ્યુએટ બનાવી છે. બંને દીકરીઓ આધુનિક વિચારવાળી છે. શહેરની હોસ્ટેલમાં રહીને ભણી છે એટલે કોઇ પણના ઘરમાં ગોઠવાઇ જતા વાર નહીં લાગે. તમારા દીકરાને મારી દીકરી સાથે અંગત મીટિંગ કરવી હોય તો મને વાંધો નથી.’ જો ઇશિતનું ચાલ્યું હોત તો એણે ત્યાં અને ત્યારે જ કહી દીધું હોત, ‘મને માન્યા પત્ની તરીકે મંજૂર છે.’ પણ આવું બોલવું એ અશોભનીય લાગશે એવું માનીને એ ઊભો થયો, માન્યાને દોરીને બાજુના ઓરડામાં લઇ ગયો. માન્યાની એક્ઝિટ સાથે જ ડ્રોઇંગ રૂમ ઝાંખો પડી ગયો અને એની એન્ટ્રી સાથે બાજુનો ઓરડો ઝગમગી ઊઠ્યો. માન્યા સાચા અર્થમાં સ્વયં પ્રકાશિત રોશની હતી. ઇશિત પાસે તો વાત કરવા માટે ક્યાં કશું બચ્યું જ હતું? ડ્રોઇંગ રૂમમાં ઔપચારિક વાતો ચાલતી હતી. રોહિતભાઇએ પૂછ્યું, ‘તમારા ઘરમાં કોણ કોણ છે? બધાંને લાવવા હતા ને?’ દથરથભાઇ મોટેથી હસ્યા, ‘અમે ચાર ભાઇઓ છીએ. એક રસોડે અઢાર જણાં જમીએ છીએ. બધાંને લાવવા હોય તો મિની બસ ભાડે કરવી પડે. મારી બીજી દીકરી તાન્યાની બહુ ઇચ્છા હતી સાથે આવવાની, પણ આજે એને ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે વડોદરા જવું પડ્યું એટલે એ ન આવી શકી.’ આવી બધી વાતો ચાલતી હતી એટલી વારમાં ઇશિત અને માન્યા એમની ખાનગી મીટિંગ પૂરી કરીને બહાર નીકળ્યા. બંનેના ચહેરાઓ પરની ચમક કહી આપતી હતી કે નિર્ણય લેવાઇ ચૂક્યો છે. એ નિર્ણય સાંભળીને રોહિતભાઇએ પણ કહી દીધું ‘દશરથભાઇ, અમારા બધાંની હા છે. આજથી આપણે વેવાઇ. ગોળ-ધાણા ખાઇને જ જવાનું છે.’ દથરથભાઇ મૂંઝાઇ ગયા, ‘ભાઇ, હા તો અમારી પણ છે પરંતુ મારે ઘરે જઇને મારા ભાઇઓને અને ભાભીઓને પૂછવું પડે. એકાદ અઠવાડિયા પછી આપણે...’ રોહિતભાઇ અડગ રહ્યા. એમને લાગ્યું કે દીકરીનો બાપ ગામડે જઇને ફરી જશે તો આવી સુંદર કન્યા દીકરાના ભાગ્યમાંથી સરકી જશે. એમણે દબાણ કરીને હા પડાવી દીધી. દશરથભાઇ ભણ્યા ન હતા પણ ગણ્યા હતા. એમણે જમાનો જોયો હતો. એટલે ફરી વાર એમણે કહ્યું, ‘જોજો હો રોહિતભાઇ, એક વાર બોલ્યા પછી ફરી ન જતા. અમારા સંયુક્ત કુટુંબમાં બીજી આઠ દીકરીઓ પરણાવવાની બાકી છે. જો મારી આબરૂ જશે તો મારે ઝેર ખાવાનો વખત આવશે.’ ‘એવું ક્યારેય નહીં થાય. શહેરના લોકોને પણ આબરૂ જેવું હોય છે. એક વાર હું વચન આપ્યા પછી ક્યારેય ફરતો નથી.’ રોહિતભાઇએ ખોખારીને કહી દીધું. ગોળ-ધાણા ખવાઇ ગયા. ગામડે જઇને દથરથભાઇએ માન્યાનો સંબંધ જાહેર કરી દીધો. બધાં ખુશ થયાં. લગ્નનું શુભ મુહૂર્ત નક્કી થઇ ગયું. કંકોતરી છપાઇ ગઇ. આપવા-લેવાના વહેવારની વાત સમજવા માટે ફરીથી દથરથભાઇને અમદાવાદ આવવાનું થયું. લજ્જાનાં કારણે આ વખતે માન્યા સાથે ન આવી. એના બદલે એનાંથી બે વર્ષે નાની તાન્યા ગાડીમાં બેસી ગઇ. સાથે બે કાકાઓ પણ જોડાયા. જેવી રોહિતભાઇની નજર તાન્યા પર પડી એ સાથે જ એમના ચહેરાનો રંગ બદલાઇ ગયો. ઇશિત તો સાવ બઘવાઇ જ ગયો. એને લાગ્યું કે પોતે છેતરાઇ ગયો છે. તાન્યા માન્યા કરતાં દસ ગણી વધારે ખૂબસૂરત હતી. મહેમાનોને ડ્રોઇંગ રૂમમાં જ બેસાડીને રોહિતભાઇ પત્ની અને દીકરાને લઇને બીજા રૂમમાં ચાલ્યાં ગયાં. બંધબારણે મંત્રણા ચાલી. બહાર આવીને રોહિતભાઇએ નિર્ણય જાહેર કર્યો, ‘વેવાઇ, અમને તમારી મોટી દીકરી કરતાં નાની દીકરી વધુ ગમી ગઇ છે. ઇશિત માટે અમારે તાન્યાનો હાથ જોઇએ છે.’ દથરથભાઇની રગોમાં દોડતું ખૂન જાણે થીજી ગયું! એ માંડ માંડ બોલ્યા, ‘આ શું કરો છો વેવાઇ? આખી જ્ઞાતિમાં ખબર પડી ગઇ છે કે ઇશિતકુમારનું લગ્ન મારી મોટી દીકરી સાથે...’ ‘તો શું થઇ ગયું? પહેલી મુલાકાતમાં તમે તાન્યાને ક્યાં બતાવી હતી? નહીંતર અમે એની સાથે જ નક્કી કરત. કંકોતરીમાં માન્યાની જગ્યાએ લાલ શાહીથી ‘તાન્યા’ કરી નાખજો. અમે સંબંધ ક્યાં તોડીએ છીએ?’ દશરથભાઇ સમજી ગયા કે જો પોતે ના પાડશે તો આ લોકો જાન લઇને આવશે જ નહીં. આબરૂનો વધારે મોટો ફજેતો થશે. એ સંમત થઇ ગયા. નિર્ધારિત દિવસે રોહિતભાઇ વાજતેગાજતે પાંચ બસ ભરીને જાન લઇને વેવાઇના પાદરમાં આવી પહોંચ્યા. એમને એ દૃશ્ય જોઇને પ્રચંડ આઘાત લાગ્યો કે એમને સત્કારવા માટે કોઇ ઊભું ન હતું. સામૈયાની વાત તો બાજુ પર રહી, સામાન્ય આવકાર આપવા માટે પણ કોઇ આવ્યું ન હતું. એમણે ત્યાંથી જ દથરથભાઇને ફોન કર્યો, ‘વેવાઇ, આ બધું શું છે? તમે ક્યાં છો? જાનના સ્વાગત માટે પધારો.’ સામેથી અમંગળ સમાચાર જાણવા મળ્યા, ‘વેવાઇ, શું મોઢું લઇને આવું? તાન્યા એના પ્રેમીની સાથે ભાગી ગઇ છે. અમે ઘરમાં પુરાઇને બેઠા છીએ. કોઇને મોં બતાવવા જેટલી હિંમત નથી રહી. તમે જેવા આવ્યા છો તેવા જ પાછા વળી જાવ.’ રોહિતભાઇનો પિત્તો ઊછળ્યો, ‘આવું તે કંઇ ચાલતું હશે? વહુને લીધાં વગર જાન પાછી વળે તો અમદાવાદમાં અમારે પણ જીવનભર ઘરમાં ભરાઇ રહેવું પડે. તમારી તાન્યાનું બીજા કોઇની સાથે ચક્કર ચાલતું હતું ત્યારે તમે શું કરતા હતા?’ દથરથભાઇ માફી માગવા લાગ્યા, ‘વેવાઇ, હું શું કરું આજકાલની છોકરીઓ મા-બાપનાં કહ્યામાં ક્યાં રહી છે? છેક છેલ્લી મિનિટે બહેનપણીના ઘરે મેકઅપ કરાવવા જઉં છું એવું કહીને તાન્યા ભાગી ગઇ. આપણા અંજળપાણી ખૂટ્યાં બીજું શું?’ જાનમાં સમાચાર ફેલાઇ ગયા. દેકારો મચી ગયો. મંત્રણાઓનો દોર ચાલુ થયો. છેવટે નિર્ણય લેવાયો. રોહિતભાઇએ દશરથભાઇને ફોન કર્યો, ‘ગમે તે થાય પણ જાન વીલા મોંએ પાછી નહીં ફરે. તાન્યાને બદલે માન્યાની સાથે મારો દીકરો ફેરા ફરશે. મહેરબાની કરીને તમે ના ન પાડશો. સામૈયું નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી.’ દશરથભાઇ સંમત થયા. ઇશિતની સાથે મોટી દીકરીને પરણાવીને પ્રસંગની આબરૂ સાચવી લીધી. માન્યા અને ઇશિતનું લગ્નજીવન ખૂબ સારું અને સફળ સાબિત થયું. સફળ દાંપત્યનું સુ-ફળ પણ છએક મહિનામાં મળી ગયું. માન્યાને સારા દિવસો રહ્યા. સાતમા મહિને સીમંતવિધિ કરવામાં આવી. માન્યાને પ્રસૂતિ માટે પિયરમાં લઇ જવા માટે સત્તર જણાં આવ્યાં હતાં. રોહિતભાઇ અને ઇશિત ચકરાઇ ગયા. મહેમાનોમાં તાન્યા પણ સામેલ હતી. રોહિતભાઇએ વેવાણ દક્ષાબહેનને એક ખૂણામાં લઇ જઇને પૂછ્યું, તાન્યા તો એના પ્રેમીની સાથે ભાગી ગઇ હતીને? તમે એને માફ કરી દીધી?’ દક્ષાબહેન ધીમા અવાજમાં બોલ્યાં, ‘તાન્યા કોઇની સાથે ભાગી ન હતી અમે ખોટું બોલ્યાં હતાં. તમે જાન લઇને આવ્યા તે દિવસે અમે તાન્યાને ઘરમાં સંતાડી દીધી હતી. તમારા વેવાઇ ભલે ભણ્યા નથી પણ ભલભલા ભણેલાઓનું માથું ભાંગે એવા છે. તમે એમને સાણસામાં લીધા તો એમણે તમને ફસાવ્યા. શેરને માથે સવાશેર હોય જ છે.’ ⬛ શીર્ષકપંક્તિ: નીરવ વ્યાસ

અન્ય સમાચારો પણ છે...