રાગ બિન્દાસ:રદ્દી ઇકોનોમિક્સ : કાગળથી કર્મ સુધીનો કામનો કચરો!

સંજય છેલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજના ન્યૂઝ કાલની રદ્દી છે, પણ પરમ દિવસ માટે રિસર્ચ મટિરિયલ. (છેલવાણી) આપણી મહાન અર્થવ્યવસ્થાને કે ઇકોનોમિક્સને રદ્દી કહેવાનો અમારો કોઇ ઇરાદો નથી કારણ કે અર્થવ્યવસ્થામાં અમને એટલી જ ખબર પડે છે, જેટલી સચિન તેંડુલકરને શાસ્ત્રીય સંગીતમાં સમજ પડે છે. અહીં રદ્દી વિશે અર્થવ્યવસ્થાનું વિશેષણ નથી. કબાડી વેચવાનું જે અર્થકારણ છે, તેની અહીં વાત કરવી છે. દિલ્હીના એક સિનિયર પત્રકાર દ્રોણવીર કોહલીએ નોંધ્યું છે કે દિલ્હીમાં સરકારી ઓફિસો, સરકારી પ્રેસ, દૂતાવાસો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનોની સેંકડો ટન રદ્દી તેમના ઓફિસરની પત્નીઓ વેચી ખાતી હોય છે ને એના પર કોઈ ઇન્કમટેક્સ કે જીએસટી લાગતો નથી. દ્રોણવીર કોહલીએ એક કિસ્સો નોંધ્યો છે કે તેઓએ પહેલેથી વજન કરીને રદ્દી રાખી તો કોઈ રદ્દીવાળો એ લેવા તૈયાર નહોતો. છેવટે એક રદ્દીવાળો તૈયાર થયો. તેણે શરત રાખી કે તમે વજન કરો છો એટલે મને નુકસાન જાય છે, તો હું બજારભાવ કરતાં ઓછા પૈસા આપીશ. છેવટે લેખકને ઓછા પૈસે રદ્દી વેચવી પડી! રદ્દી વેચવી અને ખરીદવી એ ‘દિલ લેના ઔર દિલ દેના’ જેવા નાજુક સોદાની કળા છે. મારો રદ્દીવાળો એક વાર મને કહે કે સાહેબ ફલાણા મોટા લેખક ગુજરી ગયા. તેમના ઘરેથી પુસ્તકો આવ્યાં છે. હવે એમાં મોટા મોટા લેખકોએ પોતાના હસ્તાક્ષર સાથે ભેટ આપેલાં પુસ્તકો પણ હોય, જે એમણે ખોલ્યા પણ ન હોય! ને વળી એમાં પોતાના પુસ્તકો પણ હોય! મુંબઈના જૂહુ એરિયામાં ગુજરાતી ભાષાની જૂનામાં જૂની લાયબ્રેરી આવેલી છે. આખા એરિયામાં કોઈ ધનિક ગુજરી જાય એટલે એના પુસ્તકોનો સંગ્રહ એ લાઇબ્રેરીમાં ઠલવાઇ જાય. હવે લાઈબ્રેરી પાસે જગ્યા નથી રહી એટલે પુસ્તકો રદ્દીમાં કિલોના ભાવે વેચાય છે. હવે હાલત એવી છે કે જૂના અને રેર-અપ્રાપ્ય પુસ્તકો રદ્દીવાળાને ત્યાં જ મ્યુઝિયમની જેમ જોવા મળે છે. ઇન્ટરવલ હાયે કૈસી ઝમાને કી યારી? બિછડે સભી, બારી બારી. (કૈફી આઝમી) એક લોકપ્રિય સાહિત્યકાર-પ્રકાશકના 70 વર્ષની ઉજવણીનો પ્રસંગ હતો. ધામધૂમ સાથે આ પ્રસંગ ભાઈદાસ હોલમાં રવિવારે સાંજે ઊજવાયો. એમના વિશેના પુસ્તકનું લોકાર્પણ મોટા ફિલ્મસ્ટારના હાથે થયેલું. બીજે દિવસે સોમવારે સવારે 10 વાગે તો એ પુસ્તક મારા રદ્દીવાળાને ત્યાં રદ્દીમાં વેચાવા પણ આવી ગયું. લેખકોની કે કલાકારોની કીર્તિ ક્ષણભંગુર હોય છે, પણ આટલી બધી નાશવંત છે એનું મને એ દિવસે ભાન થયું. ‘બિછડે સભી બારી બારી’- ની જેમ ભલભલાં પુસ્તકો ‘બારીની બહાર’ સમય જતાં ફેંકાઇ જતાં હોય છે. મારી એક મિત્રનો કાવ્યસંગ્રહ રસ્તા પર રદ્દીવાળા પાસે પડેલો જોયો. મેં દુઃખી હૃદયે તેને ફરિયાદ કરી કે તારો કાવ્યસંગ્રહ રદ્દીમાં વેચાય છે. તે ખુશ થઈ ગઈ કે સાચે જ? કેટલું સારું! મારી પાસે 50 કોપી પડી છે, તે પણ તેને વેચવા આપી આવું. ક્યારેક તો વેચાશે ને? લેખક-કવિઓથી મોટા આશાવાદી ધરતી પર કોઇ ન હોય! આપણને એમ થાય કે રદ્દી લે-વેચમાં શું કમાવાનું? મારા ઘર પાસે રદ્દીવાળો છે. એનો દીકરો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે. એન્જિનિયર થઈને એ રદ્દીનો બિઝનેસ સંભાળે છે. મેં પૂછ્યું તો એના બાપા કહે કે નોકરીમાં મળી-મળીને શું મળવાનું? 50,000 કે લાખનો પગાર? એટલું તો અહીંયા રમતાં રમતાં કમાઇ લેવાય. એન્જિનિયર ભાઈ જૂનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કમ્પ્યુટર, લેપટોપ વગેરે વજનના ભાવે ખરીદે છે. વળી, રિપેર કરીને સારા ભાવે વેચે છે. મુંબઇમાં રદ્દીવાળાઓ પહેલાં તો અંગ્રેજી છાપાં-મેગેઝિનનો ભાવ એક-બે રૂપિયા વધારે આપતા. હિન્દી-ગુજરાતી અખબારોનો ભાવ ઓછો. હવે આ બંને વચ્ચે કેમ ફેર હતો, એ આજની તારીખમાં પણ મને સમજાયું નથી. જોકે, હવે એ લોકોએ અંગ્રેજીનો ભાવ પણ ગુજરાતી-હિન્દી જેટલો જ કરી નાખ્યો છે. આમ કમ સે કમ રદ્દીના મામલે ગુર્જર ભાષા આગળ વધી એ ઓછી આનંદની ઘટના નથી! મારા એક મિત્ર રદ્દીવાળાની દુકાનેથી જૂની ડાયરીઓ ખરીદી લાવે ને એમના દીકરાને કોલેજમાં નોંધ લખવા માટે આપે. એમનું કહેવું હતું કે બજારમાંથી નોટબુક લાવવા કરતાં આ વધારે સસ્તું પડે. આમ પણ ડાયરીમાં 5-7 પાનાં જ ઉપયોગમાં લેવાતાં હોય છે ને પછી એ રદ્દીમાં જ જતી હોય છે. મારા રદ્દીવાળાની દુકાન સામેનુ એક મકાન તૂટી રહ્યું હતું.મેં પૂછ્યું, ‘તમે મકાન ભંગારમાં ખરીદશો કે?’ એ ભાઈ કહે કે,‘કિલોના ભાવે આપે તો હમણાં લઈ લઉં!’ ઇન શોર્ટ, લાગે છે કે રદ્દીનું અર્થકારણ દેખાય છે એટલું રદ્દી નથી! અમારા ઘણા વાંકદેખા મિત્રો કહેતા હોય છે કે તારી આજની કોલમ કાલની રદ્દી છે તો હું સામું પૂછું કે તેં ન લખેલી કોલમ તો રદ્દી જેટલી પણ કિંમતી નથી… ખરેખર તો જૂનાં મરેલાં સંબંધો, જૂની માન્યતાઓ, જૂના વિચારો, જૂના નેતાઓની સતત ટીકાઓ… આ બધી એક જાતની રદ્દી જ છે, જે આપણાં મનમાં ઠલવાઇ ગઇ છે કે ઠલવાઇ રહી છે… તો બોલો, આ રદ્દી ક્યારે કાઢવી છે? ભાવ કાંઇ નહીં આવે પણ સ્વભાવ સુધરશે! એન્ડ ટાઇટલ્સ ઇવ : કેમ કાલનું છાપું વાંચે છે? આદમ : દૈનિક જ્યોતિષને બરોબર સમજવા. ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...