સહજ સંવાદ:જલિયાંવાલા, ગાંધી આશ્રમ અને ઇતિહાસબોધ

વિષ્ણુ પંડ્યાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશનાં બે મોટાં ઐતિહાસિક સ્થાનોને, તેના ઈતિહાસને કોઈ રીતે અસર ના થાય તેવી રીતે નવાં સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવાં માટે પ્રયાસ શરૂ થયો તેને કેટલાક મહાનુભાવોએ વિવાદમાં બદલાવી નાખ્યો છે. આમાંના બહુ થોડાક એવા છે કે તેઓ ગાંધી અને જલિયાંવાલાની સાથે નિસ્બત ધરાવે છે

દેશનાં બે મોટાં ઐતિહાસિક સ્થાનોને, તેના ઈતિહાસને કોઈ રીતે અસર ના થાય તેવી રીતે નવાં સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવા માટે પ્રયાસ શરૂ થયો તેને કેટલાક મહાનુભાવોએ વિવાદમાં બદલાવી નાખ્યો છે. આમાંના બહુ થોડાક એવા છે કે તેઓ ગાંધી અને જલિયાંવાલાની સાથે નિસ્બત ધરાવે છે. બાકીના કેટલાકના ઈરાદા અને અસ્તિત્વ સાવ જુદા છે. જલિયાંવાલાના નવીન સ્વરૂપનો વિરોધ કરનારામાં કેટલાક તો અગાઉ લાંબા સમય સુધી સરકારી સમિતિઓમાં સ્થાન કાયમ રાખનારા, પણ હવે હતાશ મનોદશામાં રહેલા ઈતિહાસકારો છે. કેટલાકે તો ભગતસિંહ અને સાથીઓને આતંકવાદી કહ્યા તે વિધાન સાથેનાં પાઠ્યપુસ્તકો લખ્યાં, કેટલાકે સોમનાથ પર ચડાઈ કરનારા મોહમ્મદ ગઝનીનું મહિમામંડન કર્યું, કેટલાકે જે. એન. યુ.માં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પ્રત્યે અણગમો દર્શાવ્યો હતો. જલિયાંવાલા વધુ સારું દેખાય તેની સામે વિરોધમાં સ્થાપિત હિતો ઉમેરાયાં છે. અત્યાર સુધીમાં માત્ર 40,000 રૂપિયા પ્રતિ મહિને ઊભા કરીને આ સ્મારકની જાળવણી થતી હતી. હજુ એક વર્ષ પૂર્વેની બાગની તસવીરો જોતાં ખ્યાલ આવે કે દીવાલો ધ્વસ્ત થવાની તૈયારીમાં હતી. બધું જર્જરિત થવાં માંડ્યુ હતું. આસપાસના લોકો મેદાનમાં કપડાં સૂકવતાં હતાં. ઐતિહાસિક બારી અને ગોખલા નામશેષ થવાની તૈયારીમાં હતા. ટ્રસ્ટ આસપાસની દુકાનોનાં ભાડાં પર ચાલતું એવું તેના મુખ્ય ટ્રસ્ટીનું નિવેદન પણ આવ્યું. એટલે પ્રશ્ન થાય કે આવું આવું રહેવા દેવું કે તેનું યોગ્ય સમારકામ કરવું? કેટલાકે જે ગલીમાંથી અંધાધૂંધ ગોળીબારથી બચી જવા લોકો ભાગ્યા અને બ્રિટિશ પોલીસે તેમને ભાગવા ના દીધા તે સ્થાનની ચિંતા કરી છે. પણ તે ગલીને જરા સરખી આંચ ના આવે , જ્યાં ગોળીબારના નિશાન છે તે યથાવત્ રાખીને આસપાસની ટાઇલ્સ નવી બનાવવી તે રીતે કામ આગળ ચાલે છે. કિશ્વર દેસાઇએ ‘ધ રિયલ સ્ટોરી’ પુસ્તક લખ્યું છે અને ભારત વિભાજન મ્યુઝિયમના અધ્યક્ષ છે તેમણે કેટલીક વિગતો આપી છે 2017થી તેની માગણી હતી કે આ જલિયાંવાલાનું સમારકામ અને વધુ લોકો સારી રીતે જોઈ શકે તેવું પુન: નિર્માણ થવું જોઈએ. 100 વર્ષ પહેલાં જનરલ ડાયરે અહીં ગોળીબાર કર્યો ત્યારે સાત એકરનું સાવ સાંકડું અને વેરાન મેદાન હતું, 1919ના એપ્રિલમાં આ ઘાતક ઘટના બની. એક કૂવો અને એક વૃક્ષ, ઊંચી દીવાલો તેની બંધ બારીઓ, અને ગલી.. આ તે રક્તરંજિત ઘટનાના સાક્ષી. 1984માં સ્વર્ણમંદિરની ઓપરેશન બ્લૂ સ્ટારની દારુણ ઘટનાની વિગતો જાણવા ગયા ત્યારે ત્યાં જતાં પહેલાં આ સ્મારક આવે છે, તે ગલીમાં એક ગુજરાતી ભોજનાલય ચલાવે છે. જલિયાંવાલા સ્મારક સાવ ઉપેક્ષિત દેખાતું હતું. ગમે ત્યારે ધ્વસ્ત થઈ જાય તેવી હાલત ,ખંડહર બતા રહા કિ ઇમારત કિતની બુલંદ થી... પણ જો સ્મારક જ ના રહે તો સ્મૃતિ ક્યાંથી હોય? જલિયાંવાલા જેવો જ ઉહાપોહ અમદાવાદનાં ગાંધી આશ્રમનો. (કેટલાક તેને સાબરમતી આશ્રમ પણ કહે છે) એકદમ પાવન અને ચેતનાથી પ્રજ્વલિત સ્થાન. ગાંધી અહીં રહ્યા હતા, તેમના અંતેવાસીઓ સાથે, દાંડીયાત્રા કાઢી પછી પાછા ના આવ્યા આ ઐતિહાસિક સ્મૃતિ અહીં ધરબાયેલી પડી છે. અહીં પણ કેટલાક મહાનુભાવોને આશ્રમમાં બદલાવ ગમ્યો નહીં એટલે નિવેદનથી વિરોધ કર્યો. આ નિવેદનકારોમાં કેટલાક બેશક ગાંધી-સ્મૃતિ અકબંધ રહે તેવી નિસ્બત ધરાવતા હશે પણ બીજા કેટલાક માત્ર નિવેદનોની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અહીં જે નિર્માણ થવાનું છે તેમાં ક્યાય ગાંધી સ્મૃતિને આંચ આવે તેવી છે? આધુનિક સદીમાં કેટલંુક તો બદલવું અનિવાર્ય છે ને તે પાડોશમાં આશ્રમ માર્ગ પર આવેલા નવજીવન પરિસરમાં અસરકારક રીતે દેખાય છે. પુસ્તક પ્રકાશનથી કર્મ કાફે સુધીની પ્રવૃત્તિથી ત્યાં યુવા પેઢી પણ પહોંચે છે. તેમના સંચાલક ગાંધીવિચારની સાથે સંકળાયેલા જીતેન્દ્ર દેસાઈના પુત્ર છે. આશ્રમમાં વર્ષે એકવાર સમૂહમાં પ્રાર્થના થાય, કે થોડા મુલાકાતીઓ આવે . બાપુનું નિવાસસ્થાન જુએ, પ્રદર્શનમાં મૂકેલા ફોટો જુએ, ગાંધી તસવીર પાસે રેંટિયો કાંતતો ફોટો પડાવે ને સામે તોરણ હોટલમાં નાસ્તો કરે તેમાં ઈતિહાસબોધ પ્રેરિત થશે? કેવો થશે? સ્મારકોનો અર્થ જ એ છે કે આપણા ભવ્ય ઇતિહાસ, પાત્રો, ઘટનાઓનું એવું સ્થાન બને જેનાથી નવી પેઢી પ્રેરણા પ્રાપ્ત કરે. અને બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે મુલાકાતી ઇધર ઉધરનાં મકાનો અને અસુવિધા સાથે “દર્શન’ કરે તેવું ના હોય. સુંદર, સ્વચ્છ, સુઘડ અને સુવિધાયુક્ત સ્મારક હોવાં જોઈએ. ગાંધી આશ્રમની વાસ્તવિક્તા શું છે? છ ટ્રસ્ટો છે, તેની જમીન છે, તેમાં ગાંધીજીના સમયથી કેટલાક પેઢી-દર પેઢી રહે છે. ચોથી પેઢી છે તેમની. 263 એવા નિવાસીમાંથી 50ને તો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો, બીજા આનાકાની કરે તેમને પણ વળતર અને બીજી સગવડો આપવાની છે. 55 એકરમાં આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ, હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ, ગૌશાળા ટ્રસ્ટ, હરિજન સેવક ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ મંડળ ... આટલાનું વર્ચસ્વ છે. સરકારે સ્પષ્ટ કહ્યું કે આમાં કોઈનું પણ સરકારીકરણ થશે નહીં, બધાં ટ્રસ્ટ તેમાં સંમત પણ થયાં. જે પ્રકલ્પ વિચારવામાં આવ્યો છે તેને કેન્દ્ર સરકાર મદદ કરે છે, આખા પરિસરમાં 177 ઇમારતો છે, 120 એકરનો વિસ્તાર છે. જે જૂની અને નિરર્થક છે તેવી 60 જેટલી દૂર કરીને વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે 1,246 કરોડનું મહત્ત્વાકાંક્ષી આયોજન છે. 500 કરોડ સ્મારક વિકાસમાં ખર્ચ કરાશે. અને આશ્રમનું સંપૂર્ણ મહત્ત્વ જળવાશે તેનાં ઐતિહાસિક સ્થાનો સાથે. ઈતિહાસબોધના આ પ્રયાસની આલોચના થવી જોઈએ કે સ્વાગત?⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...