તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન વિશેષ:‘જગે નિંદ્ય હો સર્વ તે છોડી દેવું’..?

ભદ્રાયુ વછરાજાની6 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસજીના જીવનથી આપણે પરિચિત છીએ. સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રીમનાચે શ્લોક’નો મરાઠીમાંથી ગુજરાતીમાં સરળ સમશ્લોકી અનુવાદ કર્યો છે - વડોદરાના કવિ મકરંદ મુસળેએ. બાર વર્ષોનું તપ હતું એમનું, કુલ 205 શ્લોકોમાંથી શરૂઆતના દસ-પંદર સરળ શ્લોકોનો ભાવાનુવાદ ગણતરીના દિવસોમાં થઈ ગયો, પણ પછી તો આગળ જતાં શ્લોકના અર્થો અને તેના ભાવવિશ્વો ગહન થતાં ચાલ્યાં. કેટલાક તજ્જ્ઞો - સંદર્ભ ગ્રંથો અને પુસ્તકોની મદદ લઈને જે શ્લોકો ગુજરાતીમાં ઊતર્યા તેનું પુસ્તક થયું ‘શ્રીમનના શ્લોક.’ બીજા જ શ્લોકમાં ‘ચતુર્વાણી’નાં માતાનું નમન થયું. વાણીના ચાર પ્રકાર: પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી...માત્ર નમન જ નહીં, પરંતુ મા શારદાને પ્રણામની સાથે વિનંતી કે: ‘મારું ગમન સદા રામ-પંથે જ થાય!’ ‘ચતુર્વાણી* મા શારદાને નમન હો સદા રામ-પંથે જ મારું ગમન હો’ મનને સૂચના આપી કે શું છોડી દેવું ને શું સ્વીકારવું ? ‘જગે નિંદ્ય હો સર્વ તે છોડી દેવું, અને વંદ્ય તે સર્વ સ્વીકારવાનું.’ નિંદા થાય તેની સામે ન જોવું પણ વંદન જેને થાય તેને આવકારવું! મન જાણે વિદ્યાર્થી છે અને સમર્થ સ્વામી તેના ગુરુ.. બસ, એ જ અદાથી મનને ઉદ્દેશીને કહે છે: કદી સારી નીતિને ત્યાગો ન મનવા, હજો અંતરે સદ્્વિચારો જ મનવા. હવે પાપસંકલ્પ ત્યાગો રે મનવા, અને સત્યસંકલ્પ ધારો રે મનવા. વિષય વાસનાથી રહો દૂર મનવા, વિકારોથી મુક્તિ મળી જાય પળમાં. ‘મનુષ્ય’ શબ્દમાં મન છે તો ‘માનવ’ શબ્દમાં પણ મન તો છે જ. ‘માણસ’ તે જે ‘મનધારી’ છે. એટલે કામ-ક્રોધ-લોભ-મત્સર અંતે તો મનના જ તરંગો છે. આ તરંગો જ માનવજીવનના અવરોધો છે. મન સાથેના સંવાદમાં સમર્થ સ્વામી મનને સકારણ સમજાવે છે કે આ દોષોથી કેમ અને શાથી દૂર રહેવું. એટલું જ નહીં પણ મન જ સૌને શાંતિ સંદેશ આપે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરે છે. ન કર ક્રોધ મન ક્રોધ છે શોકકારી, અરે કામની વાસના છે વિકારી. મના* એ બધાંને ન તો અંગિકારો, ન તો દંભ મત્સરને મોટો થવા દો. સદા ધૈર્યથી મન તમે કામ લેજો, મના કોઈ અપશબ્દ બોલે તો સહેજો. મુખે સર્વદા નમ્ર વાણી જ રે’જો, મના સર્વને શાંતિ સંદેશ દેજો. નાના શ્લોકોમાં કેટલું ઊંડાણથી કહી શકાય છે, તેની અદ્્ભુત પ્રતીતિ આ ‘શ્રીમનના શ્લોકો’ કરાવે છે. સાહિત્યમાં શબ્દ છે ‘લાઘવ’. આ ‘લાઘવ’ શબ્દને પળે પળે કે પ્રતિ શ્લોક ચરિતાર્થ થતો માણવો હોય તો શ્રી મનના શ્લોકો વિરલ ઉદાહરણ છે. અખાના છપ્પા કે ભોજાભગતના ચાબખામાં જે કંઈ ધક્કા સાથે ટકોરાયું છે, તે અહીં સમર્થ સ્વામી રામદાસ દ્વારા ધૈર્ય સાથે બોધાયું છે. પારકાનું ધન ન ખપે એટલું જ નહીં પરંતુ અતિલોભ કરશો તો પાપ લાગશે પણ ભોગને ત્યાગી દેશો તો જીવને સુખ જ સુખ મળશે, આવી ગદ્યમાં સરળતમ લાગતી વાતોને સહજતમ રીતે પદ્યમાં કહી દેવાનું એટલું સરળ નથી! ખપે દ્રવ્ય ના મન કદી પારકાનું, અતિલોભ હો પાપ ત્યાં લાગવાનું. સદા સર્વદા રામને પ્રેમ કરવો, મના ભોગ ત્યાગી સુખે જીવ કરવો. પડે કષ્ટ તેને જ સુખ માનવાનું, વિવેકી બની અંતરે ઝીલવાનું! એવું નથી અનુભવાયું કે મહામારી કાળમાં આપણને સૌથી પરેશાની આપણાં મન દ્વારા જ થઈ હતી? એ જ મન સાથે સંવાદ કરવા જેવો છે. મનોવિજ્ઞાન એને ‘સેલ્ફ ટૉક’ કે ‘ઑટો સજેશન’ કહે છે. સ્વામી સમર્થે વર્ષો પહેલાં આપણાં વતી આ મન - સંવાદ કરી આપ્યો છે. આપણી સંસ્કૃતિના એક એક શાસ્ત્ર કે સર્જન કેવાં ગહન અને બોધદાયક છે, તેની આ તો ઝલક છે. સુરદાસ, કબીર, મીરાં, નરસિંહ, ભોજા ભગત, અખાની યાદી કેટલી લાંબી થઈ શકે. આપણા રાષ્ટ્ર તરફ પશ્ચિમી લોકો ઠાલાં જ નહીં આકર્ષાયાં હોય ને!.. હા, આપણે હજુ સંસ્કૃતિનાં ગુણગાન ગાઈને રાજી થવાનું જ પસંદ કર્યું છે. આપણે આપણામાં ડોકિયું કરવું હોય તો આ સહજ-બોધ ગ્રંથોમાં દિલથી વિહાર કરવો પડશે. ⬛bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...