આઝાદીના સંગ્રામનાં ઘણાં દૃશ્યો અમર બનીને સ્મૃતિમાં સચવાઇ રહ્યાં છે. કેટલાંક જાણીતાં છે કેટલાંક ઓછાં જાણીતાં અને કેટલાંક વિસ્મૃતિના અંધકારમાં ખોવાઇ ગયાં છે. આવું જ એક દૃશ્ય જે ઘોર અંધકારમાં નાગમણિ જેવું ઝળકી રહ્યું છે, તે આજથી લગભગ નેવું વર્ષ પહેલાં કોલકાતાના રેલવે પ્લેટફોર્મ પર કંઇક આવી રીતે ભજવાયું હતું. ભગવતીચરણ વોહરા નામના એક સશસ્ત્ર ક્રાંતિકારી યુવાન ટ્રેનમાં આવી રહેલા અજાણ્યા મહેમાનોને રીસિવ કરવા માટે થોડી આતુરતા અને ઘણીબધી બેચેની સાથે પ્લેટફોર્મ પર આંટા મારી રહ્યા છે. એમના હાથમાં એક ટેલીગ્રામ છે, જેમાં લખેલું છે : ‘હું અને દુર્ગાવતી લખનૌ-કોલકાતા ટ્રેનમાં આવી રહ્યાં છીએ. અમને લેવા માટે આવજો.’ ટેલીગ્રામમાં મોકલનારનું નામ ન હતું. ક્રાંતિવીરોનાં માથાં પર ફક્ત કફન હોય છે, નામ નથી હોતું. ટ્રેન આવી પહોંચી. પેસેન્જર્સ બહાર ઠલવાવા માંડ્યા. એક પણ પરિચિત ચહેરો દેખાતો ન હતો. એટલામાં એક યુવાન યુરોપિયન કપલ સામે આવીને ઊભું રહ્યું. પુરુષની હાઇટ અમિતાભ કરતાં વધારે હતી અને અવાજ અમરીશ પુરી કરતાં વધારે ઘેરો હતો. પેન્ટ, શર્ટ, ઓવરકોટ અને ચહેરાને લગભગ ઢાંકી દેતી તિરછી હેટ ધારણ કરેલા એ યુરોપિયન પુરુષના ગળામાંથી પંજાબી લહેકો નીકળ્યો, ‘અબે લાલે કી જાન, અપને યાર કો નહીં પહચાના?’ આ સાંભળીને ભગવતીચરણનાં મોમાંથી દબાયેલા અવાજમાં મોટું સમંદરી મોજું નીકળી ગયું, ‘અરે, ભગત! તુમ?’ હિંદુસ્તાનની મર્દાના તવારીખનો સૌથી જાણીતો અને માનીતો યુવાન ભગતસિંહ ઓળખાઇ ગયો, પણ એની સાથેની સ્ત્રી કોણ હતી? ભગવતીચરણે હવે યુરોપિયન વસ્ત્રોમાં શોભતી, એક વર્ષનાં બાળકને તેડીને ઊભેલી મેડમને ઝીણી નજરે જોવાનો પ્રયત્ન કર્યો. મેડમ હસી પડી, ‘હું દુર્ગા. તમારી પત્ની. મને ન ઓળખી?’ ભગવતીચરણ બધું સમજી ગયા. એમની પત્ની દુર્ગાદેવી સોન્ડર્સની હત્યામાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભગતસિંહને ભગાડવા માટે ગુપ્તવેશે લાહોરથી લખનૌ અને ત્યાંથી ટ્રેન બદલીને કોલકાતા સુધી આવી પહોંચી હતી. પત્નીનું સાહસ, પરાક્રમ અને દેશભક્તિ નિહાળીને પતિના દિલમાં પ્રેમનાં પૂર ઊમટ્યાં. એ આટલું જ બોલ્યા, ‘દુર્ગાવતી, સાચું કહું તો મેં તને પહેલી વાર આજે જ ઓળખી.’ અંગતપણે હું માનું છું કે ‘રણમાં ખીલ્યું ગુલાબ’ની વાર્તાઓમાં અત્યાર સુધીમાં નિરુપાયેલા હજારો રોમેન્ટિક સંવાદો કરતાં આ ક્રાંતિકારી પતિ-પત્ની વચ્ચેનો ટૂંકો સંવાદ વધુ અર્થપૂર્ણ અને રોમેન્ટિક છે. આઝાદીની ઇમારતનાં શિખર પર બે-ચાર નામોની ધજાઓ ફરફરે છે, પણ એના પાયામાં દુર્ગાદેવી અને ભગવતીચરણ જેવી અનગિનત ઇંટો ધરબાયેલી છે, જે દેખાતી નથી પરંતુ ઇમારતને મજબૂતી અવશ્ય આપે છે. દુર્ગાદેવી એ સમયના તમામ ક્રાંતિકારીઓ માટે ‘દુર્ગાભાભી’ હતાં. અલ્લાહાબાદમાં વસેલા ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યાં હતાં. લાહોરમાં એમની જ ઉંમરના ગુજરાતી તરવરિયા યુવાન ભગવતીચરણ સાથે લગ્ન કરીને ક્રાંતિની ચળવળમાં જોડાયાં હતાં. આપણે કલ્પના ન કરી શકીએ એવાં પરાક્રમો દુર્ગાભાભીએ કરી બતાવ્યાં હતાં. એમનું સૌથી મોટું પરાક્રમ અંગ્રેજ સરકારની બાજનજરમાંથી ભગતસિંહને બચાવીને લાહોરથી કોલકાતા પહોંચાડી આપવાનું હતું. જેવી રીતે હનુમાનજી માટે કહેવાય છે કે ‘તમે રામજીને ઋણી રાખ્યા’ એવી જ રીતે દુર્ગાભાભીને કહી શકાય કે ‘તમે કોઇ મામૂલી માણસને નહીં, પણ શહીદ-એ-આઝમ ભગતસિંહને ઋણી રાખ્યા.’ દુર્ગાભાભી અને ભગવતીચરણ ભારતના ઇતિહાસના ‘મિડનાઇટ ચિલ્ડ્રન’ હતાં. ગુમનામ રાત્રિનો અંધકાર એમના પ્રદાનને ગ્રસી ગયો. દુર્ગાભાભીનાં પરાક્રમના અનેક કિસ્સાઓ છે. અહીં સ્થળસંકોચના કારણે એકાદ-બે રજૂ કરું છું. જે દિવસે વડી ધારાસભામાં ભગતસિંહ બોમ્બ વિસ્ફોટ કરવાના હતા, તે દિવસે દિલ્હીના એક શાંત ગાર્ડનમાં કેટલાક મિત્રો ઉજાણી માણવા ભેગાં થયાં. સપાટી પરથી સામાન્ય દેખાતા આ સ્ત્રી-પુરુષો અંદરથી ક્રાંતિની ભડભડતી મશાલ જેવાં હતાં. દુર્ગાભાભી, ભગવતીચરણ, સહેજ સમજણો થયેલો પુત્ર સચી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, બટુકેશ્વર દત્ત અને દુર્ગાભાભીનાં નણંદ સુશીલા હતાં. બધાંનાં મનમાં આશંકા હતી કે ભગતસિંહ માટે જિંદગીની કદાચ એ અંતિમ ક્ષણો હતી. આવનારી કાળરાત્રિની ઉજવણી કરવા માટે દુર્ગાભાભી ભગતસિંહને ભાવતી વાનગીઓ રાંધીને લાવ્યાં હતાં. પોતાના હાથે ભગતસિંહને મીઠાઇઓ અને ફળો જમાડીને દુર્ગાભાભીએ માનીતા દિયરને વિદાય આપી. સુશીલાએ આંગળી ઉપર કાપ મૂકીને ભગતસિંહના કપાળ પર રક્તતિલક કર્યું. ભગવતીચરણે મિત્ર ભગતના હાથમાં પોતે બનાવેલા બોમ્બગોળા મૂક્યા. પછી સૌ છૂટાં પડ્યાં. આઝાદ એ મિશનમાં જોડાયા ન હતા. ભગતસિંહ અને બટુકેશ્વર વડી ધારાસભામાં પ્રવેશી ગયા. વોહરા પરિવાર ઘોડાગાડીમાં બેસીને વડી ધારાસભાની ઇમારત ફરતે ચક્કર કાપતો રહ્યો. થોડી જ વારમાં એમના કાને બોમ્બધડાકાઓ અને ચીસાચીસના અવાજો પડ્યા. એ લોકો સમજી ગયા કે ક્રાંતિના ભગતે દેશભક્તિનું ભજન ગાઇ નાખ્યું હતું. એ પછી ધુમાડાના ગોટાઓ વચ્ચેથી બ્રિટિશ રાજની પોલીસ બે ક્રાંતિકારીઓને પકડીને બહાર આવી. ચારે બાજુ કોલાહલ મચ્યો હતો. ભગતસિંહ ઘોડાગાડી પાસેથી પસાર થયા, ત્યારે નાનકડો સચિન્દ્ર જોરથી ચિલ્લાઇ ઊઠ્યો, ‘લંબે ચાચા...! લંબે ચાચા...!’ ભગતસિંહે આવી ક્ષણોમાં પણ નીડરતાપૂર્વક નાનકડા ભત્રીજા સામે જોઇ અને સ્મિત રેલાવ્યુંં. હડબડાયેલી પોલીસ એને લઇને જીપમાં રવાના થઇ ગઇ. જો પોલીસના મનમાં સહેજ પણ શંકા ગઇ હોત તો ભગતસિંહના સાથીદારો તરીકે ભગવતીચરણ, દુર્ગાભાભી અને સુશીલા એરેસ્ટ થઇ ગયાં હોત. ભગતસિંહ તો એ પછી ફાંસીના માંચડે ઝૂલી ગયા. અમર થઇ ગયા. ભગવતીચરણ કોલકાતાના ક્રાંતિકારીઓ પાસેથી બોમ્બ બનાવવાની ટેક્નિક શીખ્યા હતા. એક દિવસ નવા બનાવેલા બોમ્બનું ટેસ્ટિંગ કરવા માટે જંગલના એકાંત સ્થળ તરફ જતા હતા, ત્યારે એમના હાથમાં જ બોમ્બ ફાટ્યો અને માત્ર ત્રીસ વર્ષની ઉંમરમાં ભગવતીચરણ આથમી ગયા. દુર્ગાભાભી તમામ ક્રાંતિકારીઓ માટે સંદેશાની આપ-લેની ફરજ બજાવતાં રહ્યાં. ભૂગર્ભમાં રહીને અંગ્રેજો સામે સશસ્ત્ર લડત ચલાવતા તમામ ક્રાંતિવીરો દુર્ગાભાભીને ‘ટપાલ પેટી’ કહીને બોલાવતા હતા. ગુજરાતની આ બ્રાહ્મણ યુવતી તેની સાડીની આડમાં પિસ્તોલ સંતાડીને ફરતી હતી. 1930ની આઠમી ઓક્ટોબર. દક્ષિણ મુંબઇના લેમિંગ્ટન રોડ પર આવેલા પોલીસ સ્ટેશનની બહાર એક અંગ્રેજ યુગલ ઊભું હતું. પતિ પોલીસ સાર્જન્ટ મિ. ટેલર હતો. સાથે એની પત્ની હતી. ત્યાંથી એક કાર પસાર થઇ. અચાનક પૂરપાટ વેગે દોડતી કારમાંથી એક અજાણ્યા શખ્સે પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું. એક બુલેટ પુરુષના હાથમાં અને ત્રણ બુલેટ સ્ત્રીના પગમાં થઇને આરપાર નીકળી ગઇ. અંગ્રેજ સરકાર માટે બેવડું આશ્ચર્ય હતું. દોડતી કારમાંથી કોઇ આવું અચૂક નિશાન શી રીતે લઇ શકે? બીજું આશ્ચર્ય ત્યારે સર્જાયું જ્યારે ખબર પડી કે ગોળીબાર કરનાર શખ્સ કોઇ પુરુષ ન હતો, પણ એક સ્ત્રી હતી! આખા મામલામાં દુર્ગાભાભીનું નામ ન આવ્યું. વર્ષો બાદ એમણે જાતે આ વાત કબૂલ કરી. ભરયુવાનીમાં પતિને ગુમાવી દેનાર દુર્ગાભાભી ખૂબ લાંબુ આયુષ્ય ભોગવીને 1999માં 92 વર્ષની જૈફ વયે અવસાન પામ્યાં. ગુલામ ભારતની પુત્રી આઝાદીની હવામાં શ્વાસ લઇ શકી એ એનું જીવનસાફલ્ય. દેશ આઝાદ થયો એ પછી 52 વર્ષ સુધી જીવતાં રહેલાં દુર્ગાભાભી વિશે પાઠ્યપુસ્તકોમાં કે સમાચાર માધ્યમોમાં ક્યારે, કેટલું અને કેવું પ્રોજેક્શન થયું? રામપ્રસાદ ‘બિસ્મિલ’નો શેર અનાયાસ યાદ આવી જાય છેઃ જબ વક્ત ગુલશન પર ખડા થા, તબ લહૂ હમને દિયા, અબ બહાર આઇ હૈ, તો કહતે હૈં યહ તેરા કામ નહીં. ⬛ (શીર્ષકપંક્તિ: રામપ્રસાદ ‘બિસ્મિલ’) drsharadthaker10@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.