કાંતિ ઘેર આવ્યો ત્યારે દિવસ ઢળવા આવ્યો હતો. શહેરથી જરા દૂર વસેલી કાચાં-પાકાં મકાનોવાળી એક વસાહતમાં જ કાંતિનું ઘર હતું. આજુબાજુનાં ગામડાંઓમાંથી આવેલા લોકો ત્યાં વસી ગયા હતા. કાંતિ છેલ્લાં આઠ વર્ષથી ત્યાં રહેતો હતો. શરૂઆતમાં તેણે પતરાંવાળી એક ઓરડી બનાવી હતી. એ વખતે કાંતિ અને તેની પત્ની બે જણ જ હતાં. અહીં આવ્યાને બે વર્ષ પછી કાંતિને એક છોકરી થઈ.
એક જ ઓરડીમાં લોખંડનો પલંગ, થોડાંક વાસણો, છોકરીનું ઘોડિયું. કોઈ આવે તો સાંકડમુકડ થવું પડે. કાંતિએ વિચાર્યું જગ્યા છે તો બે ઓરડી બનાવી નાખું. એક ઓરડીમાં પણ લેણું થઈ ગયું હતું. તોય વધુ લેણું કરીને તેણે બીજી ઓરડી બનાવવી પડી. એની પત્નીને બીજું બાળક આવવાનું હતું. બીજી છોકરી જન્મી અને મરી ગઈ. તે પછી કાંતિની પત્ની બીમાર રહેવા લાગી.
કાંતિ રોજ સાઇકલમાં ટિફિન ટિંગાડી નીકળી જાય તે સાંજે આવે. કાંતિની પત્ની રોજ ફરિયાદ કરે અહીં પાણી નથી, લાઈટ ક્યાંકથી લેવી પડે છે, મચ્છર કરડી ખાય છે. આપણે ગામડે ચાલ્યા જઈએ. કાંતિને એક આશા હતી કે કોઈ સરખું કામ મળશે, થોડી બચત થશે પછી કોઈ સારી જગ્યાએ પ્લોટ લઈને મકાન બનાવશે. પણ કાંતિનું સપનું પૂરું ન થયું. કાંતિ આમ તો એક સારો કડિયો હતો. આઠ વર્ષમાં તેણે કેટલાંય આલીશાન મકાન બનાવી નાખ્યાં હતાં. તેણે બાંધેલાં રૂપાળાં મકાનો પાસેથી પસાર થતો ત્યારે ત્યારે તેને પોતાની ઓરડી યાદ આવતી. શહેરમાં જમીનના ભાવ એટલા ઊંચા હતા કે કાંતિ ધારે તોય એટલી છલાંગ લગાવી શકે તેમ ન હતો. કાંતિએ હંમેશની જેમ આવીને લીમડાને ટેકે સાઇકલ ઊભી રાખી. રોજની ટેવ મુજબ કોઠીમાંથી પાણી ભરી હાથ-પગ ધોયા. કાંતિની ચાર વર્ષની છોકરી મોં ફુલાવીને ઊંબરા વચ્ચે બેઠી હતી. કાંતિ નજીક આવ્યો કે છોકરીએ ભેંકડો તાણ્યો. એ જોઈને એની પત્નીએ ચિડાઈને કહ્યું, ‘હજુ તો છે વેંત જેવડીને એની હઠ તો જુઓ. બપોરથી જીદ્દે ચડી છે. એને નવાં કપડાં ને નવાં ચંપલ જોઈએ છે.’
કાંતિને છોકરી ઉપર વહાલ જાગ્યું. તેણે છોકરી સામે જોતાં કહ્યું, ‘કપડાં અને ચંપલ જોઈએ છે ને? હમણાં જ જાઉં ને લઈ આવું બસ? જરા હસી પડ તો મારી ગુડ્ડી.’ છોકરી શંકાથી કાંતિ સામે જોઈ રહી. કાંતિએ માતાજીની છબી સામે અગરબત્તી ધરી, થોડી વાર આંખો બંધ કરીને ઊભો રહ્યો. છોકરી કાંતિને ખબર ન પડે તેમ તેની બાજુમાં ઊભી રહી ગઈ. કાંતિ છોકરીને ઊંચકીને બહાર આવ્યો. તે છોકરીને સીટ ઉપર બેસાડી તેની સાથે વાતો કરવા લાગ્યો. એની પત્ની ચા લઈ આવી. છોકરી આગળ નમીનમીને ઘંટડી વગાડતી હતી. ‘અટાણે હવે ક્યાં જશો?’ કાંતિની પત્નીએ પૂછ્યું.
‘બે ચાર ઉઘરાણી બાકી છે. જઈ આવું. જરા મોડું થશે. કાંતિએ છોકરીને થોડું વહાલ કર્યું. છોકરી ખિલખિલ હસી પડી. કાંતિએ સાઇકલ ઉપાડી. સાઇકલના પૈડાં ફરતાં રહ્યાં. કાંતિએ ગણતરી માંડી, ચારેક હજાર રૂપિયા જેવી ઊઘરાણી બાકી હતી. કાંતિની સાઇકલ એક મકાન પાસે અટકી. કાંતિએ સંકોચથી પૈસા માગ્યા. મકાનમાલિકની પત્ની કાંતિની બરાબર ઓળખતી હતી. તેણે કહ્યું, ‘સાહેબ બહાર ગયા છે. બે દિવસ રહીને આવશે.’ નિરાશ કાંતિએ કોન્ટ્રાક્ટરના ઘર પાસે સાઇકલ ઊભી રાખી. કોન્ટ્રાક્ટરે તેને હસીને ચા પીવડાવી. પણ કાંતિને આપવાના થતા રૂપિયાનો જોગ થાય એને બે દિવસ લાગી જાય એમ છે એવું કહ્યું. કાંતિની સાઇકલ થોડું વધુ દોડી. તેણે નવી બની રહેલી સોસાયટીમાં એક મકાન પાસે સાઇકલ ઊભી રાખી. મકાનને તાળું હતું. પડખે રહેતા લોકોને પૂછ્યું તો ખબર પડી કે એ લોકો વતનમાં ગયા છે. કાંતિએ આકાશ સામે જોયું. આકાશમાં તારા ટમટમતા હતા. તેણે સાઇકલ ઉપાડી. તેને લાગ્યું જાણે મહિનાઓથી સાઇકલને ઊંજણ જ નથી થયું.
કાંતિએ બજાર વચ્ચેથી સાઇકલ કાઢી. અચાનક જાણે રસ્તો ભૂલી ગયો હોય તેમ તે ચાર રસ્તે ઊભો રહ્યો. ચારે દિશોમાંથી વાહનો આવ-જા કરતાં હતાં. સેંકડો લોકો તેની બાજુમાં પસાર થઈ ગયા. એમાંથી કોઈ કાંતિને ઓળખતું ન હતું. તેને પોતાની પતરાંવાળી ઓરડી યાદ આવી. તે સાથે યાદ આવી એક છોકરી. જે સાઇકલની ઘંટડીના અવાજ તરફ કાન માંડીને બેઠી હશે. કાંતિએ આભ સામે જોઈ મોટો નિસાસો નાખ્યો. ⬛ mavji018@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.