તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક રાજ્ય અેક અાકાશવાણી કેન્દ્રના તઘલખી ખ્યાલ સાથે પ્રસાર ભારતીઅે ભારતનાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઅો કે મુખ્યમથક સિવાયના તમામ અાકાશવાણી રેડિયો સ્ટેશન બંધ કરવાનો નિર્ણય કરતાં તેની સામે ભારે ઉહાપોહ થયો છે. પરિણામે નિર્ણયનો અમલ મોકૂફ રખાયો છે, પણ રદ્દ થયો નથી. મતલબ કે, લટકતી તલવાર જેવું છે, ક્યારે વીંઝાઇ જાય અે નક્કી નહીં અને જો વીંઝાઇ ગઇ, તો દેશભરમાં 90 જેટલા સ્વતંત્ર રેડિયો સ્ટેશન બંધ થઇ જશે. ગુજરાતને સંબંધ છે, ત્યાં સુધી અેક માત્ર અમદાવાદ અાકાશવાણી ચાલુ રહેશે અને રાજકોટ, ભુજ, અાહવા જેવા સ્વતંત્ર કેન્દ્રો બંધ થઇને પેટા (કોન્ટ્રિબ્યુટિંગ) કેન્દ્રમાં સંકોચાઇ જશે. અા પેટા કેન્દ્રો દરરોજ અેકાદ કલાકના કાર્યક્રમ તૈયાર કરીને ઇન્ટરનેટ મારફત અમદાવાદ મોકલી દેશે અને ત્યાંથી તેનું ફાળવાયેલા સ્લોટના સમયે પ્રસારણ થશે. ભુજ કેન્દ્ર પરથી અત્યારે દિવસમાં કુલ 10 કલાક સુધી કચ્છીયતને ઉજાગર કરતા કાર્યક્રમ ઉપરાંત સમાચાર સહિતના વિભાગો પ્રસારિત કરાય છે. હવે જો કેન્દ્ર બંધ થાય અને બદલામાં માત્ર અેક કલાક કાર્યક્રમ અાવે તો અે કચ્છ જેવા સરહદી અને સંવેદનશીલ વિસ્તાર માટે દેશહિતની અવગણના સમાન ગણાશેે.
1965 માં રણ પર નાપાક આક્રમણ થયું તેને પગલે સરહદી કચ્છને એ જ વર્ષે ગાંધી જયંતીના દિને આકાશવાણી કેન્દ્ર મળ્યું. દેખીતી રીતે જ એનો ઉદેશ્ય સરહદી વિસ્તારમાં રહેતી પ્રજાનો સતત સંપર્ક દેશ સાથે રહે અને દેશપ્રેમની ભાવના જળવાઇ રહે એ જોવાનો હતો. ત્યારથી આજ સુધીના સાડા પાંચ દાયકાના સમયમાં ભુજ કેન્દ્રે અનેકવિધ કાર્યક્રમો દ્વારા અનોખા મુલક અને એની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરવાની સાથે સાથે કચ્છી ભાષાના સંવર્ધનમાં પણ ઊડીને આંખે વળગે એવું યોગદાન આપ્યું છે. કહોને કે તે કચ્છીયતનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. તેથી જ તો ટેલિવિઝન ચેનલો અને મોબાઇલ-ઇન્ટરનેટ યુગમાં પણ આકાશવાણીની લોકપ્રિયતામાં ઓટ આવી નથી તે એક મોટી વાત છે. આજેય કચ્છના કેટલાક છેવાડાના ગામોમાં ‘ગામજો ચોરો’ જેવા કાર્યક્રમ સાંભળવા લોકો રાહ જોઇને બેઠા હોય છે.
કચ્છી ભાષામાં મહદ્્ંશે કવિતાઓ લખાય છે. ગદ્ય બહુ ઓછું લખાય છે ત્યારે ઓછામાં ઓછી 550 ટૂંકી વાર્તાઓ અને 450થી વધુ કચ્છી નાટકો પેશ થયાં છે. કચ્છી કવિઓ અને ગાયકોને સંબંધ છે ત્યાં સુધી આકાશવાણીએ ધૂળધોયાની ભૂમિકા ભજવી છે. વજા ભગત, ધનબાઇ કારા, ધનબાઇ ગઢવી, ઇસ્માઇલ મીર, ઇસ્માઇલ પારા જેવા ગાયકો જ નહીં સુલેમાન જુમા જેવા વિખ્યાત નોબતવાદકને ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સુલેમાન જુમા પેરિસ મહોત્સવમાં નોબત વગાડવા ગયા ત્યારે પોતાની આ સફળતાનું શ્રેય આકાશવાણીને આપ્યું હતું. કથાકાર ચંદુભા જાડેજાની કચ્છી રામકથા ઉપરાંત મામૈદેવ, કવિ કેશવ, કવિ રાઘવ, શાહ ભીટાઇની ભેત અને કારાણી બાપાથી માંડીને આજના યુવાન કવિઓની કૃતિઓ પ્રસારિત થઇ છે. કચ્છીની જેમ ગુજરાતી અને સિંધી કાર્યક્રમો પણ અેટલા જ લોકપ્રિય થયા છે. અાર્થિક-સામાજિક વિકાસમાં છેવાડા સુધી રચનાત્મક સંદેશો પહોંચાડવામાં રેડિયો મહત્ત્વનું માધ્યમ બની રહ્યું છે. સાૈથી વધુ યોગદાન કદાચ દસ્તાવેજીકરણ ક્ષેત્રે રહ્યું છે. છેવાડાના ગામોમાં અજાણ્યા છતાં માૈલિક અને અલગારી કહી શકાય અેવા કચ્છી ગાયકો અને વાજિંત્ર વગાડનારાઅો સુધી અાકાશવાણી પહોંચ્યું છે. અને 2001ના ભૂકંપ વખતે સવારના 8.39 કલાકે અાંચકો અાવ્યો, અાકાશવાણીના મકાનને નુકસાન થયું, વીજળી બંધ થઇ ગઇ. છતાં 10 વાગ્યે સમાચાર બુલેટિન શરૂ થઇ ગયું. માનસંગ પડદા, યોગેશ પંડ્યા અને જયેશ રાવલે અનેક અવરોધો વચ્ચે હિંમતતભેર જનરેટરના સહારે બુલેટિન શરૂ કરી દીધું અને તેથી જ કચ્છ, ગુજરાત અને દેશને ભૂકંપના અધિકૃત સમાચાર મળતા થયા. આ માટે એવોર્ડ પણ મળ્યા છે.
પણ અફસોસ કે ભૂકંપ પછીના દોઢેક દાયકામાં અાકાશવાણીના સ્ટાફની કારમી અછતે તેની પ્રગતિ થંભી ગઇ અને તેને લીધે અસરકારકતા પર પણ અસર પડી છે. અછતનો ખ્યાલ અે ઉપરથી અાવી જશે કે અેક સમયે 130થી 150 કર્મચારીનો સ્ટાફ ધરાવતા ભુજ કેન્દ્રમાં અત્યારે કાર્યક્રમ અને ટેક્નિકલ કર્મચારી મળીને માંડ 22 જણની સંખ્યા છે. બાકીના કેઝયુલ કર્મચારીથી ગાડું ગબડે નહીં, દોડે છે. કોરોના કાળમાં અાટલા અોછા સ્ટાફથી નોંધનીય અને વિવિધતાભર્યા કાર્યક્રમો અાપીને લોકપ્રિયતા જાળવી રાખી છે, અેટલું જ નહીં મોબાઇલ, સોશિયલ મીડિયાના માધ્યમથી બૃહદ કચ્છમાં પણ પથારો વિસ્તારી દેવાની પોતાની ક્ષમતા પુરવાર કરી અાપી છે.
સરવાળે જોઇએ તો માત્ર કચ્છ નહીં ઇશાન ભારતના નાગાલેન્ડ, મણિપુર કે અરુણાચલ જેવા રાજ્યોમાં પણ આકાશવાણીના કેન્દ્રો બંધ થાય એ દેશહિતમાં નથી કારણ કે ત્યાં પણ કચ્છીની જેમ જ ત્યાંની અસંખ્ય લોકસંસ્કૃતિઓ ઉજાગર કરવામાં આકાશવાણીનો સિંહફાળો છે. અત્યારે ભારતની 24 ભાષા અને 179 બોલીઓમાં પ્રસારણ થાય છે. તેથી, ‘એક રાજ્ય એક આકાશવાણી કેન્દ્ર’નો વિચાર પડતો મૂકીને સ્ટાફને છૂટો કરવાને બદલે વધુ સ્ટાફ આપીને આકાશવાણીનો રૂંધાયેલો અવાજ વધુ બુલંદ થાય એ કેન્દ્ર સરકારે અને પ્રસારભારતીએ જોવું પડશે. અન્યથા કચ્છ જેવા સરહદી વિસ્તારમાં નાપાક સાંસ્કૃતિક આક્રમણને આમંત્રણ આપવા જેવું થશે. kirtikhatri@hotmail.com
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.