મસ્તી-અમસ્તી:‘મરણના સાચા આંકડા છુપાવવા જરૂરી છે!’

રઈશ મનીઆરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પબ્લિક એક જ વ્યક્ટિને ઓળખે છે. સાત વર્ષથી બઢે એક જ વ્યક્ટિના ફોટા, એક જ અવાજ સાંભળી પબ્લિક એમ સમજે છે કે સરકાળ એક જ વ્યક્ટિની છે!

‘સરકાર મરણના સાચા આંકડા છુપાવે છે!’ ધનશંકરે ફરિયાદ કરી. ‘ટો ટમે હાચા આંકડા હોધી કાઢો!’ બાબુ બોલ્યો. હું બોલ્યો, ‘હા, સરકાર પત્રકારોને આંકડા ખોટા આપી શકે, કંઈ ડેડ બોડી થોડી છુપાવી શકે?’ ‘મને ટો એ સમજાટું ની કે પટ્રકારોને બી ખબર છે કે સરકાળ રોજ ખોટા આંકડા આપે છે, ટો એ આંકડા લેવા કચેરી હુધી હુ ખાવા દોડી જાય? મસાણ અને કબ્રસ્ટાનના આંકડાનો સરવાલો માંડી ડેવાનો!’ ‘પણ સાચા આંકડા આપવા એ સરકારની જવાબદારી નહીં?’ ધનશંકરે સવાલ કર્યો. ‘લો, સરકાળ વલી કેટલી જવાબડારી ઉપાડે? પ્રજા જીવે ટો જીવનની જવાબડારી સરકાળની, પ્રજા મરે ટો મરણની બી જવાબડારી સરકાળની, વાઈરસની, ફંગસની બઢી જવાબડારી સરકાળની? પ્રજા શ્વાસ ની લઈ સકે તો વેન્ટિલેટર પન સરકાળના? અને ગુજરી જાય તો લાકડા બી સરકાળના? એક વ્યક્ટિ કાં કાં પોં’ચે?’ ‘એક વ્યક્તિની ક્યાં વાત છે? સરકાર એટલે તો.. આખું..તંત્ર..’ ધનશંકરને આગળ બોલવા ન દેવાયા. ‘ઈન્ડિયાની પબ્લિક એક જ વ્યક્ટિને ઓળખે છે. સાત વર્ષથી બઢે એક જ વ્યક્ટિના ફોટા, એક જ વ્યક્ટિનો અવાજ સાંભળી પબ્લિક એમ સમજે છે કે સરકાળ એક જ વ્યક્ટિની છે! એ બિચારો એક વ્યક્ટિ કાં કાં પોં’ચે?’ ‘એટલે મરણના સાચા આંકડા છુપાવવાના?’ ‘અરે સરકાળ મરણ ઘટાડી ની સકે ટો કમ-સે-કમ આંકડા ટો છુપાવે કે ની? ઢનશંકર તમારા માટાજી હોસ્પિટલમાં ગુજરી ગયેલાં તો તમે ટમારા પિતાજીને ટરટ કહેલું કે માટાજી સિઢારી ગયા? કે છુપાવીને ઢીમેઢીમે કહેલું?’ ‘માતાશ્રીના બહારોબહાર અગ્નિસંસ્કાર કરીને પિતાશ્રીને આઘાત ન લાગે એ માટે ચાર-પાંચ દિવસ છુપાવેલું!’ ‘વિચાળ કરો! ટમે સ્વજન છો છટાં ટમારા માટાજીનું મરણ પિટાજીથી છુપાવેલું જેઠી એમને આઘાટ ન લાગે!’ ‘હા, એવો રિવાજ છે. ભારતમાં સ્વજનો એમ જ કરે!’ ‘બસ, તો સરકાળને સ્વજન સમજો! સરકાળ મરણના આંકડા એટલા માટે છુપાવે છે જેઠી ટમને આઘાટ ન લાગે!’ મનસુખ સટોડિયો નવી દલીલ લઈને આવ્યો, ‘આંકડા છુપાવવા એ બેઈમાની છે!’ ‘લે! સટોડિયો ઠઈ ઈમાનડારીની વાટ કરતો છે!’ મનસુખના ભાઈ ધનસુખ સ્ટોડિયાએ ટેકો આપ્યો, ‘મરણનો આંકડો સાચો હોય તો એની ઉતર-ચડ રોમાંચક હોય, એના પર સટ્ટો રમી શકાય. ગયા વર્ષેે અમે રમતા જ હતા ને! હવે સરકાર આ આંકડામાં ફિક્સિંગ કરે છે કે ઉપરથી હુકમ આવે છે કે રોજ સુરતમાં 10 જ મરણ બતાવવા, એટલે હવે ઈમાનદારીથી સટ્ટો પણ રમાડી શકાતો નથી!’ ‘જોયું! સટ્ટાની બદી પર કંટળોલ લાવવો હોય તો આંકડા ઓછા બતાવવા પડે!’ હસુભાઈ કોઈના ઓનલાઈન બેસણામાં હતા, એટલે મોડા આવીને વાતમાં જોડાયા, ‘આંકડા છુપાવવાની પરંપરા આપણે ત્યાં વર્ષો જૂની છે. એ આપણા લોહીમાં છે. સરકારને બદનામ ન કરો!’ ‘સરકારનો ખોટો બચાવ ન કરો! પ્રજા કયા આંકડા છુપાવે છે?’ ધનશંકર બોલ્યા. હસુભાઈ પાસે યાદી તૈયાર હતી, ‘સ્ત્રીઓ ઉંમર છુપાવે, પુરુષો પોતાની લગ્ન પૂર્વેની અને લગ્ન પશ્ચાતની નિષ્ફળ પ્રેમકથાઓની સંખ્યા છુપાવે, બાળકો માર્કશીટના આંકડા છુપાવે, વેપારીઓ ઈન્કમના આંકડા છુપાવે, પોલિસ હપ્તાના આંકડા છુપાવે, નેતાઓ પત્નીનું અસ્તિત્વ, એની સંખ્યા અને આવકજાવકના આંકડા છુપાવે, ઈવીએમ પણ સાચા આંકડા આપતું નથી. ચાંદલો બંધ કવરમાં આપવામાં આવે છે. લાંચ પણ ટેબલની નીચેથી સંસ્કારિતાપૂર્વક આપવામાં આવે છે! આંકડો જાહેર કરવો એ આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે!’ ‘સાચી વાત છે! આપણા દેશમાં સાચો આંકડો માત્ર મટકાવાળા જાહેર કરે છે!’ ‘સરકાળ બિચારી મરણના આંકડા છુપાવે છે એ ટો એની સક્રિયટાની નિશાની ગનાય! અબ્ડુલ કલામ કહી ગયા છે, ‘પહેલાં સપનું જુઓ પછી સાકાળ કરો.’ સરકાળ મરણઆંક ઘટાડવાનું આજે સપનું જુએ છે, કાલે એ સાકાળ બી ઠહે!’ ‘એટલે આજે આંકડા પર વિશ્વાસ કરવાનો કે નહીં?’ ‘આંકડા છેતરામણા હોય છે. બિયરની બાટલી પર 2000 અને 5000 લખેલું હોય પણ એમાં આલ્કોહોલ 5 કે 7 ટકા જ હોય! સક્તિની ગોલી પર 303 કે એવું લખેલું હોય, પણ કોઈ ગોલી 303 દિવસ સુઢી સક્તિ આપી સકતી નઠી. એન્ટિબાયોટિક પર 500 મિ.ગ્રા. પાવર લખેલું હોય પણ એ એનો પાવર નઠી, એનું વજન છે!’ હસુભાઈ કહ્યું, ‘ખરો દુશ્મન અફવા અને ખોટા સમાચારો છે. સુરતમાં 1994માં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે એક અખબારે પહેલા જ દિવસે છાપેલું, ‘સુરતમાં પ્લેગથી 2000ના મોત.’ હકીકતમાં દસબાર દિવસના અંતે પણ મોતની સંખ્યા 100થી વધુ નહોતી. હુલ્લડોમાં પહેલા દિવસે હજારો મરણની અફવા આવે છે, સચ્ચાઈ બહાર આવે ત્યારે એમાંથી એક-બે મીંડા ખરી જાય છે. જગતભરના ઈતિહાસકારો કહે છે વેદો 4000 વર્ષ પહેલાં લખાયા. એ પહેલાં લિપિ કે સંસ્કૃત ભાષા નહોતી અને પંડિતો કહે છે કે અમુક લાખ વર્ષ પહેલાં વેદો-પુરાણો લખાયા. હજાર-બે હજાર વર્ષને આપણે ગણકારતાં જ નથી!’ ‘આપનને પબ્લિક ટરીકે અફવા અને અટિશયોક્ટિ જ ગમે છે. એટલે સરકાળ મરણના આંકડા ઓછા બતાવી પછી એને બેલેન્સ કરવા માટે સહાય કે મડડના આંકડા કરોડોમાં બતાવે છે!’ બાબુએ બેલેન્સ કર્યું.⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...