ડણક:શું મંદી ફરીથી ભરડો લઇ રહી છે?

3 મહિનો પહેલાલેખક: શ્યામ પારેખ
  • કૉપી લિંક
  • મંદીનો ડર બધાને સરખો સતાવે છે-ગરીબ કે અમીર. ધંધા, નોકરી અને સમગ્ર અર્થવ્યવસ્થા નબળી પાડતી ઘટના એટલે મંદી. મંદી-રિસેશન, સ્લો-ડાઉન જો કાબૂ બહાર જાય તો મહામંદી (ડિપ્રેશન) સમસ્ત વિશ્વને સતાવી શકે. પણ હાલમાં મંદી વિશે વધુ વાત કરતાં પહેલાં એ કેમ સર્જાય છે એ સમજવું જરૂરી છે

વિશ્વની ટોચની બેન્કોમાંની એક એવી અમેરિકાની ‘ગોલ્ડમેન સાકસ’ દ્વારા થોડા સમય પહેલાં એક નિવેદન કરાયું. જેણે સમગ્ર દુનિયાના ફાઇનાન્શિયલ અને સરકારી ક્ષેત્રોને અને ટોચના ઉદ્યોગોને વિગેરેને હચમચાવી દીધા. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ માટે પ્રખ્યાત અને વિશ્વના અર્થતંત્રના ભવિષ્ય અંગે જેમના વરતારા પર સહુ મદાર રાખે છે તેવી આ બેન્કના સંશોધન વિભાગના વડા જાન હાટઝીઅસનું આ નિવેદન હતું. તેનું તાત્પર્ય એવું છે કે આ વર્ષની શરૂઆતમાં આ બેન્કે અમેરિકામાં, ચાલુ વર્ષ અને આવતા વર્ષના સમયગાળામાં આર્થિક ક્ષેત્રે મંદી આવવાની શક્યતા 15 ટકા જેટલી ધારી હતી તે હવે 30 ટકા પર પહોંચી છે. અર્થાત્ 2022ના અંતમાં અને 2023 અને 2024 દરમિયાન મંદીની શક્યતા હવે બમણી થઇ ગઈ છે. ‘અમે મંદીની શક્યતા હવે વધારે અને ખૂબ પ્રબળતાથી જોઈએ છીએ,’ તેમણે કહ્યું.

મંદીનો ડર બધાને સરખો સતાવે છે-ગરીબ કે અમીર. ધંધા, નોકરી અને સમગ્ર અર્થવ્યવસ્થા નબળી પાડતી ઘટના એટલે મંદી. વર્ષ 2007થી 2009 દરમિયાન લગભગ 18 મહિના મંદી ચાલી હતી. વર્ષ 2020માં પણ બે મહિના માટે મંદીનો માહોલ સર્જાયો હતો. પણ હાલમાં મંદી વિશે વધુ વાત કરતાં પહેલાં એ કેમ સર્જાય છે એ સમજવું જરૂરી છે.

આર્થિક મંદીનાં અનેક કારણોમાંનું એક મુખ્યત્વે ગ્રાહકોમાં પૈસા ખર્ચ કરવાનો વિશ્વાસ ડગમગાવાનું છે. આવકના સ્ત્રોત બંધ થઈ જવાના ડરથી કે પછી ખરેખર બંધ થવાથી કે નબળા પડવાથી, ખર્ચ કરવાની ક્ષમતા અને વસ્તુઓની માગ ઘટે છે. પરિણામે કંપનીઓના ધંધા ઠપ્પ થઇ જાય છે અને તેથી રોજગારીની તક અને આવકમાં પણ ઘટાડો થાય છે. 2007-09ની મંદીનું મુખ્ય કારણ અમેરિકાની બેન્કોએ લોન ભરવાની ક્ષમતા જોયા વિના અનેક લોકોને ખોબલે-ખોબલે લૂંટાવેલી હોમ-લોન ગણાય છે. જ્યારે બહોળી સંખ્યામાં દેણદારોએ લોન ભરવા અસમર્થતા વ્યક્ત કરી ત્યારે અમેરિકન બેન્કો ટપોટપ નબળી પડવા લાગી અને સમગ્ર અર્થતંત્ર ખોરવાઇ ગયું. સરકારની તેને ખાળવા માટે આર્થિક સહાય કે જે ઇકોનોમિક સ્ટિમ્યુલસ તરીકે ઓળખાય છે, ટેક્સમાં ફાયદા અને બેન્કોને બચાવવાના સીધા પ્રયાસો એમ અંકે પગલાંઓને કારણે 2009ના અંતમાં અમેરિકન અર્થતંત્ર ફરીથી બેઠું થયું.

પરંતુ જો મંદીથી વધારે પ્રબળ આર્થિક પાયમાલી આવે તો મહામંદીની પરિસ્થિતિ સર્જાય. મહામંદી એ એક એવી ઘટના છે કે જેમાં, સમગ્ર અર્થતંત્ર પાયમલ થઇ જાય છે. આ પરિસ્થિતિ મંદી કરતાં ઘણી જ ખરાબ હોય છે, અને એ દરમિયાન જીડીપીમાં નોંધપાત્ર રીતે ઘટાડો પણ થાય છે અને સામાન્ય રીતે મહામંદી ઘણા વર્ષો સુધી ચાલે છે. 1929-30ના વર્ષથી શરૂ થયેલી મહામંદીમાંથી બહાર આવતા અમેરિકાને એક દશકાથી પણ વધુ સમય લાગ્યો હતો. ત્યારે બેરોજગારીનો દર 25 ટકા સુધી પહોંચ્યો હતો અને વેતનમાં 42 ટકા ઘટાડો થયો હતો. જ્યારે કોઈ એક દેશની કે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવાઇ જાય ત્યારે અકલ્પ્ય પરિસ્થિતિ સર્જાય છે. ઘણા વિદ્વાનો એને ગ્રેટ લેવલર કહે છે-અર્થાત્ ગરીબો અને અમીરો વચ્ચેનો ભેદ ભૂંસાઇ જાય છે - બધાંજ કંગાળ અને પાયમાલ થઇ શકે છે.

જોકે હાલના સમયમાં મંદીની ચર્ચાનાં કારણનું મૂળ અમેરિકાની કેન્દ્રીય બેન્ક જે ‘ફેડ’ તરીકે ઓળખાતી ‘યુ. એસ. ફેડરલ રિઝર્વ’ છે, તેના દ્વારા તાજેતરમાં ફુગાવાના વધતા ડરને ધ્યાનમાં લઇને વ્યાજના દરમાં કરેલો વધારો મનાય છે. આ પગલાંને કારણે અગ્રણી બેન્ક ગોલ્ડમેન સાકસ દ્વારા એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે ચાલુ વર્ષ અને આવતા વર્ષમા જીડીપી દર જે 2.5 જેટલો અપેક્ષિત હતો તે ઘટશે. અને તેને કારણે મંદી ભરડો લેશે. જોકે આ સિવાય બીજાં ઘણાં કારણો પણ છે જે નજીકના ભવિષ્યમાં મંદીના સૂચક છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ અને તેને કારણે સર્જાય રહેલી આર્થિક ખાનાખરાબી. બેરોકટોક વધી રહેલા ક્રૂડના ભાવ અને તેને કારણે અર્થતંત્ર પરનો બોજ. પરંતુ આ પરિસ્થિતિ પાછળ એક અભૂતપૂર્વ કારણ પણ છે. અગાઉ ક્યારેય ન લેવાયા હોય એવા આર્થિક પગલાં ફેડરલ રિઝર્વ દ્વારા 2020 થી શરૂ થયા. અને એ છે ખૂબ મોટા પાયે અમેરિકન ડોલરની નોટો છાપવાના. જી હા, ત્યાંની સરકારે કોવિડને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને પહોંચી વળવા અને લોકોને આર્થિક સહાય પૂરી પાડવા ઢગલાબંધ નોટો છાપવાનું શરૂ કર્યું. પરિણામે ભાવવવધારો નોંધાયો, શેરમાર્કેટ તૂટ્યા અને ફુગાવો વધ્યો. અને આ પરિસ્થિતિને મંદીની શરૂઆત માટે જવાબદાર મનાય છે. જોકે અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે માત્ર શેરબજારનું તૂટવું જ એક મુખ્ય કારણ ના હોઈ શકે. હકીકતમાં 1929ની મહામંદીનું ખરું કારણ શેરબજાર ન હતું એમ નિષ્ણાતો માનતા થયા છે. એવું મનાય છે કે ફેડરલ રિઝર્વ સિસ્ટમે, 1920ના દાયકાની શરૂઆતમાં સસ્તા વ્યાજ દરો અને સરળ નાણાં સાથે તેજીનું કૃત્રિમ રીતે સર્જન કર્યું હતું. 1929 સુધીમાં, સેન્ટ્રલ બેન્કે દરો એટલા ઊંચા કરી દીધા હતા કે તેણે ખરી તેજીને અટકાવી દીધી હતી અને 1929 અને 1933 વચ્ચે દેશમાં ઠલવાતાં નાણાંના પુરવઠામાં એક તૃતીયાંશ જેટલો ઘટાડો કરવાની ફરજ પડી હતી.

1930માં ત્યાંની કોંગ્રેસે આયાત અને નિકાસ પરના દરો એટલા વધાર્યા કે ધંધા ઠપ્પ થઇ ગયા અને આમ મંદીને સામે ચાલીને ખરાબ નીતિઓને કારણે મહામંદીમાં ફેરવી દેવાઈ. વળી, 1932માં આવકવેરાના દરો બમણા કર્યા. જોકે ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆતથી પરિસ્થિતિ બદલાઈ. 1929માં શરૂ થયેલ ‘ધી ગ્રેટ ડિપ્રેશન’ આમ તો ચાર વર્ષ ચાલ્યું હતું. અનેક અર્થશસ્ત્રીઓના મતે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત વખતે જ એટલે કે લગભગ 12 વર્ષે જ તેનો ખરા અર્થમાં અંત આવ્યો હતો. જોકે બીજા વિશ્વયુદ્ધ પછીના મંદીના આંકડા દર્શાવે છે કે સરેરાશ મંદીનું મોજું સામાન્ય રીતે 10 મહિના જેટલું ચાલે છે.

જોકે મંદીની પ્રબળ શક્યતાઓ અંગે પણ નિષ્ણાતોના મત એકસૂર નથી. ‘ડેલોઈટ’, ‘મોર્ગન સ્ટેન્લી’ અને ‘પેન્થિઅન મેક્રોઇકોનોમિક્સ’, ‘સિટી ગ્રૂપ’ અને ‘એચએસબીસી’ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપેલી બેન્કો અને કંપનીઓના તજજ્ઞો સ્પષ્ટપણે માને છે કે મંદીની શક્યતાઓ હકીકતમાં ઓછી છે! તેમના મતે 15થી 30 ટકા વચ્ચે છે. અને અગર જો મંદી આવી તો તે ખૂબ ટૂંકજીવી હશે અને કોઈ ખાસ અસર નહીં કરે. તો વળી, ઓક્સફર્ડ ઇકોનોમિક્સ, ક્રેડિટ સ્વિસ કે પછી જેપી મોરગન ચેઝ વિગેરે ખૂબ વધારે શક્યતા જુએ છે. પરંતુ ‘બેન્ક ઓફ અમેરિકા’, ‘એસ એન્ડ પી’ કે પછી ‘ફીચ’ અને ‘ગોલ્ડમેન સાકસ’ના મતે મંદી નક્કી જ આવશે. માટે જરૂરી છે કે સહુ કોઈ આ આર્થિક પરિવર્તનો પ્રત્યે સાવધ રહે અને સમયસર જાણકારી સાથે જરૂરી પગલાં લેવા તૈયાર રહે.

અન્ય સમાચારો પણ છે...