માયથોલોજી:શ્રીકૃષ્ણનો રંગ ખરેખર કાળો છે કે વાદળી?

18 દિવસ પહેલાલેખક: દેવદત્ત પટનાયક
  • કૉપી લિંક

સંસ્કૃત ભાષાના વાલ્મીકિ રામાયણમાં, રામદૂત હનુમાનજી ભગવાન શ્રીરામનો વર્ણ શ્યામ છે એવું વર્ણન કરે છે. લોકગીતોમાં શ્રીકૃષ્ણને ‘ઘનશ્યામ’ કહીને વર્ણવાયા છે. ઘનશ્યામનો એક અર્થ પાણી ભરેલાં વાદળ જેવું શ્યામ એવો થાય છે. તેમ છતાં આપણી પ્રસિદ્ધ કલાકૃતિઓમાં પ્રભુ શ્રીરામ અને શ્રીકૃષ્ણને નીલરંગી દર્શાવવમાં આવે છે. આ જોઇને મનમાં સ્વાભાવિકપણે એક સવાલ થાય કે ખરેખર રામ અને કૃષ્ણનો વર્ણ કાળો-શ્યામ છે કે ભૂરો-વાદ‌ળી? આનો તર્કબદ્ધ જવાબ કોઇની પાસે નથી.

ગંગા નદીના મેદાન પ્રદેશોમાં પ્રાચીન મંદિરોમાં શ્રીકૃષ્ણની મૂર્તિ કાળા પથ્થરમાંથી કંડારવામાં આવી છે. વંૃદાવનના બાંકેબિહારી મંદિરમાં પણ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ કાળા પથ્થરની છે. આ મૂર્તિને નિતનવાં વાઘાં પહેરાવીને ફૂલોથી શણગારવામાં આવે છે. મોટા ભાગના રાધાકૃષ્ણનાં મંદિરોમાં રાધાની મૂર્તિ સફેદ આરસપહાણની કે કાંસાની બનેલી હોય છે. કૃષ્ણ શ્યામ વર્ણના અને રાધા ગોરી છે. ‘ગોરી રાધા ને કાળો કાન…’ ગુજરાતમાં દ્વારકાના જગત મંદિરમાં દ્વારિકાધીશની પ્રતિમા કાળા પથ્થરની છે. એટલે જ તો એમને લાડમાં લોકો આજે પણ ‘કા‌ળિયા ઠાકર’ કહે છે. એવી જ રીતે ડાકોરમાં બિરાજમાન ઠાકોરજી પ્રતિમા પણ શ્યામ વર્ણની છે. પરંતુ અર્વાચીન મંદિરોમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાળા પથ્થરને બદલે આરસપહાણમાંથી બનાવવામાં આવે છે.

એક રથ પર સવાર બે પુરુષ હોય એવા કેટલાંક ગુફાચિત્રો જોવા મળે છે. શું એ કૃષ્ણ અને અર્જુન છે? આપણે તો ફક્ત અનુમાન કરી શકીએ. શ્રીકૃષ્ણનો પ્રારંભિક ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવ્યો છે. તેમાં તેમની ઉત્તરાવસ્થાની કથાઓ છે. તેમાં દ્રૌપદીને કૃષ્ણા તરીકે સંબોધવામાં આવી છે. કૃષ્ણા અર્થાત્ શ્યામ રંગની મહિલા કહીને સંબોધવામાં આવી છે. આના આધારે એમ કહી શકાય કે શ્રીકૃષ્ણનો વર્ણ કાળો હશે. આ ગ્રંથ લગભગ 2,000 વર્ષ જૂનો છે. ભક્તિ સાહિત્યમાં, જે એક હજાર કરતાં પણ ઓછાં વર્ષ પહેલાં રચાયું, તેમાં શ્રીકૃષ્ણની સુંદરતા આદરણીય બની ગઇ. પછી તેમને પાણી ભરેલાં વાદ‌‌ળ સાથે- ઘનશ્યામ સાથે સરખાવવાનું પ્રમાણ વધતું ગયું. ‘શ્યામ રંગ સમીપે ન જાવું સખી… આજ મારે શ્યામ રંગ સમીપે ન જાઉં…’ આ પ્રકારની કવિતાઓ રચવામાં આવી. ભક્તિ સાહિત્યમાં પૂર્ણિમાના શ્વેત ધવલ અજવાસમાં શ્રીકૃષ્ણના શ્યામ રંગનું વર્ણન કરવામાં આવ્યું. શ્રીકૃષ્ણની સૌથી પ્રાચીન છબી શક્યત: ભારત-ગ્રીસના સિક્કા પર છે. લગભગ 2,000 વર્ષ જૂની આ છબીઓમાં એક વ્યક્તિને પૈડાં પકડેલી દર્શાવવામાં આવી છે. ત્યાર પછી ગુપ્ત કાળની પથ્થરની મૂર્તિઓનો વારો આવે. લગભગ દોઢ હજાર વર્ષ જૂની આ મૂર્તિઓમાં એક નાયક, જે મોટા ભાગે કૃષ્ણ છે, તેમને એક ઘોડા સાથે લડતા દર્શાવાયા છે. આ ઘોડો શક્યત: કેશિન છે.

કૃષ્ણના શરૂઆતનાં ચિત્રો મોટા ભાગે મંદિરોની આસપાસ વિકસેલી કલામાં બનાવવામાં આવ્યાં. ઓડિશાના પુરીના જગન્નાથ મંદિરની આસપાસ વિકસેલાં પટ્ટ-ચિત્ર આનું એક ઉદાહરણ છે. આ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી કાષ્ઠની છબી પર દરરોજ તાજો રંગ ચડાવવામાં આવે છે. અહીં જગન્નાથ, જે એકસાથે શ્રીવિષ્ણુ, શ્રીરામ અને શ્રીકૃષ્ણ છે, તેમને મેશથી રંગવામાં આવે છે. આસપાસનાં ગામોમાં કારીગરો અને કલાકારો પણ શ્રીકૃષ્ણને કાળા રંગે રંગે છે. લગભગ 500 વર્ષ પહેલાં, મુઘલોની સાથે ભારતમાં ફારસી ચિત્રકળા પ્રવેશી. અા ચિત્રકળા ઉત્તર ભારતમાં બહુ લોકપ્રિય થઇ. તેની અસર પહાડી સંપ્રદાય અને નાથદ્વારા મંદિરના પિછવાઇ સંપ્રદાય પર પડી. આમાં શ્રીકૃષ્ણને સ્પષ્ટ રીતે નીલરંગી-ભૂરા-વાદળી ચીતરવામાં આવ્યા. તે નીલમનો ઘેરો ભૂરો રંગ નહીં પણ દિવસે આકાશનો આછો વાદળી -આસમાની રંગ હતો. દક્ષિણ ભારતના ભવ્ય ગોપુરમો( મંદિરોનાં શિખર) પર શ્રીકૃષ્ણ, શ્રીરામ અને શ્રીવિષ્ણુની નીલરંગી પ્રતિમાઓ છે. આ ઉપરાંત સંગમ કાળના પ્રારંભિક તામિલ ગીતોમાં શ્યામરંગના આકર્ષક ગ્રામદેવતા, માયનનો ઉલ્લેખ છે. તેને શ્રીકૃષ્ણનું પ્રારંભિક રૂપ માનવામાં આવે છે.

લોકગીતો સતત કાળા રંગના કૃષ્ણ અને ગોરા રંગની રાધા અથવા તો શ્યામ રંગના શ્રીવિષ્ણુ અને ગોરા રંગના શિવજી વચ્ચેના ભેદની વાત કરે છે. કુદરતી રીતે શ્યામ રંગ અલૌકિક આસમાની રંગ ક્યારે બની ગયો. શું આનો સંબંધ ભારતની શ્યામ રંગ સાથેની કુખ્યાત અસહજતા સાથે છે? ચીનમાં તાપને લીધે કાળી પડી ગયેલી ત્વચાને ઉણી નજરે જોવામાં આવે છે. તેનું કારણ એ કે આકરા તાપમાં કામ કરનારા ખેડૂતની નિશાની મનાય છે. ભારત પણ કૃષિ પ્રધાન દેશ છે. એવું બને કે અહીં પણ આ પ્રકારનો પૂર્વગ્રહ રહ્યો હોય. લોકકથાઓમાં લોકો અ-સૂર્ય-સ્પર્શ રાજકુમારીથી આકર્ષાતા હોય છે. વનવગડામાં, જંગલોમાં વિચરણ કરતા અને ગાયોને ચરાવવા જતા ક્રમશ: શ્રીરામ અને શ્રીકૃષ્ણની ત્વચાનો વર્ણ સંભવત: શ્યામ બની ગયો. પરંતુ સૂર્યના તાપના પ્રભાવ પહેલાં તેમની ત્વચા કાળી, ભૂરી કે વાદળી હતી? ⬛

અન્ય સમાચારો પણ છે...