પ્રશ્ન િવશેષ:‘સર્વોદય’ એ જ ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ ને?

ભદ્રાયુ વછરાજાની17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સર્વોદય’ એક સીમાચિહ્્ન રૂપ શબ્દ-સંકલ્પના-આદર્શ અને ચિત્તવૃત્તિ બનીને રાષ્ટ્ર પર અસીમ છાપ છોડી ગયો. અરે! છોડી ગયો નહીં, છોડી રહ્યો છે. આજની પેઢીને સર્વોદયનો પરિચય ન હોય તેવું બને. આવો આપણે એ અધૂરપ પૂર્ણ કરીએ. 1904માં એક ઘટના બની, જેણે ગાંધીજીવનને ધરમૂળથી પલટી નાખ્યું. મોહનદાસની ઉંમર ત્યારે 35 વર્ષની. એકાદ વર્ષથી એમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ નામનું સાપ્તાહિક ડરબનથી શરૂ કરેલું. તેના કામ માટે જોહાનિસબર્ગથી ડરબન જવાનું હતું. ચોવીસ કલાકની ટ્રેનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજ મિત્ર મિ. પોલાક સ્ટેશને મૂકવા આવેલા. પોલાક ત્યારે જોહાનિસબર્ગના છાપાં ‘ધ ક્રિટિક’ના સહતંત્રી હતા. ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય એવું છે. તમને ગમશે.’ કહી એક પુસ્તક એમણે ગાંધીના હાથમાં મૂક્યું. ટ્રેન ચાલી. મોહને પુસ્તક હાથમાં લીધું. એ વિશે ગાંધીજીએ કહ્યું છે કે, ‘આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. મેં પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.’ ગાંધીજીવનની પહેલી સર્વોદય ઘટના આ. તેમના મનમાં સર્વોદયનું બીજ જોકે પહેલાં જ વવાઈ ચૂકેલું. 1893માં દક્ષિણ આફ્રિકાના કિનારે પગ મૂકતાં જ મોહનદાસને સમજાયું કે તેઓ એવી ધરતી પર આવી ચડ્યા છે જ્યાં પોતાના દેશબાંધવો ભયંકર યાતના અને અન્યાયોના શિકાર છે. તેમને માટે લડવા અને એમને એમાંથી મુક્ત કરવા એમના જેવા થઈને રહ્યા અને 21 વર્ષ રોકાઈ પણ ગયા. ‘આત્મકથા’માં ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે ગાંધીજી લખે છે, ‘મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટોલ્સ્ટોયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી ને રસ્કિને ‘અનટુ ધિસ લાસ્ટ’ - સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’ બાઈબલની એક કહાનીના આધાર ઉપર રસ્કિનનું એક પુસ્તક ‘અનટુ ધિસ લાસ્ટ’ બનેલું છે. ‘અનટુ ધિસ લાસ્ટ’નો અર્થ એવો છે કે ‘આ છેવાડાના વ્યક્તિ સુધી પણ.’ દ્રાક્ષના એક બગીચાના માલિકે એક દિવસ સવારે પોતાને ત્યાં કામ કરી રહેલા કેટલાક મજૂરો સાથે વાત કરી અને તેમની મજૂરી નક્કી કરી. એક પેની રોજ. બપોરના એ મજૂરોના સ્થાન ઉપર ફરી ગયા. જોયું તો ત્યાં કેટલાક મજૂરો ઊભા હતા કે જે કામની શોધમાં હતા. એમણે એમને પણ કહ્યું કે તમને હું કામ ઉપર લગાવી દઉં છું અને તમને પણ 1 પેની રોજ હું આપીશ. ત્રીજા પ્રહરમાં અને સાંજના ફરી તેને કેટલાક બેકાર મજૂરો જોવા મળ્યા એને પણ તેમણે કામ ઉપર લગાડ્યા. કામ સમાપ્ત થયું અને એમણે મુનીમને કહ્યું કે દરેક મજૂરને મજૂરી ચૂકવી દો. જે લોકો સૌથી છેલ્લે આવ્યા છે એમને પણ મજૂરી દેવાનું શરૂ કરો. મુનીમે દરેક મજૂરને એક-એક પેની આપી દીધી. સવારના આવનારા મજૂર વિચાર કરવા લાગ્યા કે સાંજના આવનારાને પણ એક પેની મળી રહી છે તો આપણને તો એનાથી વધુ મળવી જોઈએ. જો એમને પણ એક પેની મળે અને આપણને પણ એક પેની મળે તો તો અન્યાય કહેવાય. એમણે માલિકને જઈને ફરિયાદ કરી, ‘આ કેવું છે કે જે લોકોએ ફક્ત એક કલાક કામ કર્યું એને પણ એક પેની અને અમને પણ એક પેની!?’ માલિક બોલ્યા : ‘મારા ભાઈ, મેં તમારા પ્રત્યે કોઈ અન્યાય કર્યો નથી. તમે એક પેની રોજ ઉપર કામ કરવા માટે મંજૂરી આપી હતી કે નહીં ? તમે તમારી મજૂરી લઈ લ્યો અને ઘરે જાઓ. બીજી બધી વાત તમે મારા પર છોડો. હું છેલ્લે આવેલા મજૂરને પણ એટલી જ મજૂરી આપું છું જેટલી તમને મળે છે. પોતાની ચીજને પોતાની ઈચ્છા મુજબ ખર્ચ કરવાનો મને અધિકાર છે કે નહીં? કોઈ પ્રત્યે હું સારો વ્યવહાર કરતો હોઉં, તો એમાં તમને દુઃખ કેમ થાય છે?’ વિનોબાજી સર્વોદયના બે નિયમો સ્પષ્ટ ભાષામાં સમજાવે છે. ‘એક સાદી વાત સમજી લેવાની જરૂર છે તો સૌનું હિત સાધી શકાશે. 1) દરેક વ્યક્તિ બીજાની ચિંતા રાખે, 2) સાથે સાથે એ પોતાની ચિંતા એવી રીતે ન રાખે કે જેથી બીજાને તકલીફ થાય. હકીકતમાં આ સર્વોદય છે.’ માનવતા, સમાનતા, સદ્વ્યવહારના તત્વ ઉપર સર્વોદયનો વિશાળ મહેલ ઊભો છે. આમ જોઈએ તો, મૂળ ‘સર્વોદય’ એ જ તો ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ ને?⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...