દેશ-વિદેશ:રશિયાની અર્થવ્યવસ્થા સેંકશન્સના આક્રમણ સામે ટકી રહી છે?

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુક્રેન યુદ્ધનાં આર્થિક પરિણામોની અસર હેઠળ નાણાકીય વરસના બીજા ક્વાર્ટરમાં રશિયન અર્થતંત્રમાં તીવ્ર ઘટાડો થયો હતો. રશિયન આંકડાકીય એજન્સીએ જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉની સરખામણીમાં એપ્રિલથી જૂન સુધીમાં અર્થતંત્રમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. રશિયાની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વરસના બીજા ક્વાર્ટર-યુક્રેન પર રશિયાના આક્રમણ પછીના પ્રથમ સંપૂર્ણ ત્રણ મહિનામાં સંકોચાઇ છે પણ લાંબા ગાળે તે આંતરરાષ્ટ્રીય સેંકશન્સ સામે ટકી રહેશે કે નહીં તે અંગે અર્થશાસ્ત્રીઓ વિભાજિત છે. રશિયન અર્થતંત્ર બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ચાર ટકા ઘટ્યું છે, જોકે વિશ્લેષકો દ્વારા અપેક્ષિત પાંચ ટકા સંકોચન કરતાં આ ઓછું છે. રશિયાની સેન્ટ્રલ બેંક અપેક્ષા રાખે છે કે 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મંદી તેના સૌથી નીચા સ્તરે પહોંચશે. યુદ્ધના પ્રતિભાવમાં પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના અવરોધનો સામનો કરીને રશિયા તેની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યું છે. પ્રતિબંધોએ તેના વેપારને અસર કરી છે, રશિયા વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાંથી બહિષ્કૃત થઈ ગયું છે. CBR તરફથી મૂડી નિયંત્રણના પગલાં અને વ્યાજદરમાં તીવ્ર વધારો જેવી ઝડપી કાર્યવાહી દ્વારા પ્રતિબંધોની તાત્કાલિક અસર ઓછી કરવામાં આવી હતી. આ પગલાંએ સ્થાનિક બજારોમાં સ્થિરતા લાવી અને રૂબલને આ વર્ષે અત્યાર સુધી વિશ્વમાં ટોચનું પ્રદર્શન કરતી કરન્સીમાંની એક બનાવી. ત્યારપછી, રાજકોષીય પ્રોત્સાહક પગલાં અને વ્યાજ દરોમાં નોંધપાત્ર ઘટાડો પણ અમલમાં આવ્યો, જેણે પ્રતિબંધોની ટૂંકા ગાળાની અસરને દૂર કરી. ગયા મહિનાના અંતમાં, સેન્ટ્રલ બેંકે રશિયાના કી-રેટમાં 150 બેસિસ પોઈન્ટના ઘટાડો કરી તેને આઠ ટકા કર્યો. અગાઉ ફેબ્રુઆરીના અંતમાં તે 9.5 ટકાથી વધારી 20 ટકા સુધી લઈ જવાયો હતો ત્યારથી સતત પાંચમી વખત તેમાં ઘટાડો કરાયો છે. ઘણી મોટી મંદીની શક્યતા હતી પરંતુ કેન્દ્રીય બેંકે નાણાકીય કટોકટીનો સામનો કરવા તાત્કાલિક પગલાં લીધાં. રશિયાના ઊર્જા ક્ષેત્રની સ્થિતિસ્થાપકતાએ પણ પશ્ચિમી પ્રતિબંધોની અસરને ઓછી કરી છે. જો કે, ઘણા અર્થશાસ્ત્રીઓ રશિયાની અર્થવ્યવસ્થાને લાંબા ગાળે થનાર નુકસાનને વધુ ગંભીર માને છે, કારણ કે વ્યાપાર અને કૌશલ્ય દેશ બહાર જઇ રહ્યું છે જે ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિને સંકુચિત કરશે. જોકે કેટલાક વિશ્લેષકોની દલીલ એવી છે રશિયામાંથી પશ્ચિમી કંપનીઓનું મોટા પાયે સ્થળાંતર પ્રવૃત્તિઓ માટે તેટલું નુકસાનકારક નહીં હોય જેટલું ધારવામાં આવે છે. મોટા ભાગે જેઓ બહાર નીકળી રહ્યા છે તે કાં તો નાની કંપનીઓ છે અથવા કંપની સ્થાનિક ખરીદારોને વેચી દીધી છે. ટોચની 50 વિદેશી કંપનીઓમાંથી, ફક્ત ત્રણ જ સંપૂર્ણપણે બંધ થઈ છે. આ ત્રણેય કંપની સ્થાનિક ખરીદારોને વેચી દેવાઈ છે જ્યારે બીજી 10 કંપનીઓ જ આવી યોજના ધરાવે છે. આવામાં ઓપરેશનલ એસેટ દેશમાં જ રહેશે એટલે આને કારણે જીડીપીને બહુ અસર થવાની સંભાવના નથી. આ યેલ યુનિવર્સિટીના અભ્યાસ જેમાં પ્રતિબંધો અને 1000થી વધુ વૈશ્વિક કંપનીઓની હિજરતથી રશિયન અર્થવ્યવસ્થાને અપંગ બનવાની ધારણા કરતાં તદ્દન વિપરીત છે. દરમિયાન, પ્રતિબંધોએ રશિયન અર્થવ્યવસ્થાના કેટલાક ક્ષેત્રોને સખત ફટકો માર્યો છે, જેમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ત્રિમાસિક ગાળામાં ચાર ટકા ઘટ્યું છે અને આયાત-આધારિત ક્ષેત્રોમાં ઉત્પાદન 10 ટકાથી વધુ ઘટ્યું છે. ઉપભોક્તા માંગ પણ નબળી પડી છે. માર્ચના ઊંચા ફુગાવાને પગલે રિટેલ વેચાણ 11 ટકા ઘટ્યું. દરમિયાન માર્ચ અને એપ્રિલમાં બિઝનેસ કોન્ફિડન્સમાં જે તીવ્ર ઘટાડો થયો હતો તે ઉત્પાદન અને સેવાઓ બંને માટે સુધર્યો છે. ત્રીજું ક્વાર્ટર પણ નબળું રહેવાની શક્યતા છે. જોકે, બીજા ક્વાર્ટરની તુલનામાં તેમાં ઓછું સંકોચન થશે. છૂટક વેચાણ અને ઉત્પાદનમાં મંદી નરમ પડી છે, ફુગાવો હળવો થયો છે અને નાણાકીય સ્થિતિ થોડી સુધરી છે. તેમ છતાં, અર્થતંત્ર હજુ પણ ગંભીર પરિસ્થિતીનો સામનો કરી રહ્યું છે, જેમાં પશ્ચિમી ટેક્નોલોજીની મર્યાદિત ઍક્સેસ અને રશિયન તેલના શિપિંગ માટે વીમાની જોગવાઈ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ જોતાં આવતા વર્ષે ઉત્પાદન 10 ટકા ઘટવાની શક્યતા છે. રશિયન જીડીપી આવનાર એક વર્ષ કે તેથી વધુ સમય માટે બોટમ આઉટ થવાની અપેક્ષા નથી. ગંભીર આર્થિક મથામણો છતાં, રશિયન બેરોજગારી મે મહિનામાં માત્ર 3.9 ટકાના નીચા સ્તરે પહોંચી જે યુરોપિયન યુનિયનની સરેરાશથી ઘણી ઓછી અને અમેરિકાના 3.6 ટકાના આંકડાથી વધુ નથી-અને જૂનમાં તે જ સ્તરે રહી. જોકે ઘણા નિષ્ણાતો આ આંકડાને સાચા માનતા નથી. 20 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પરના આક્રમણના જવાબમાં રશિયા પર પ્રથમ વખત વૈશ્વિક પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારથી 24 ઓગસ્ટે છ મહિના થયા. હવે રશિયા પર 11 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છે. પ્રતિબંધોને લીધે રશિયાની અર્થવ્યવસ્થામાં કોઈ મોટો ફટકો પડ્યો નથી અને આ વરસે પાંચ થી છ ટકાના સંકોચનનો સામનો કરવા છતાં, ભાંગી પાડવાનો કોઈ ભય અથવા કોઈ પણ પ્રકારના આર્થિક સંકટની સંભાવના દેખાતી નથી. મેક્રો-એડવાઇઝરીનો અંદાજ છે કે જીડીપીમાં રશિયન રાજ્યનો હિસ્સો 60 ટકાથી વધુ છે, જ્યારે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો 25 ટકા કરતાં ઓછો હિસ્સો ધરાવે છે. સામાન્ય સંયોગોમાં આ અસંતુલન વૃદ્ધિને અવરોધે છે પરંતુ કટોકટીના સમયમાં અર્થતંત્રને રક્ષણ પૂરું પાડે છે.⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. )

અન્ય સમાચારો પણ છે...