તાજેતરમાં જ અમદાવાદ શહેરની સ્થાપનાની 612મી જયંતી આવી અને ગઈ. પોતાના શહેરનો જન્મદિન કે સ્થાપનાદિન તો ઉત્સવભેર ઊજવાવો જ જોઈએ, એવી લાગણી સ્વાભાવિક છે, પરંતુ ફેબ્રુઆરી 26ના રોજ જો તમે અમદાવાદના રસ્તા ઉપર કે ગલીઓમાં ફર્યા હો, તો ખ્યાલ આવશે કે ઉજવણીનો કોઈ વિશિષ્ટ માહોલ ક્યાંય દેખાતો ન હતો. અમદાવાદના મૂળ સ્થાપક ગણાતા બાબા માણેકનાથના વંશજ પરિવાર કે આંગળીના વેઢે ગણી શકાય એવી એક-બે સંસ્થાઓ દ્વારા થતા કાર્યક્રમને બાદ કરતા ખાસ કશું નહીં. એ પહેલાં થોડા દિવસે એટલે કે ફેબ્રુઆરી 21ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થાય છે. એ દિવસે આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે પોતાનો પ્રેમ, પોતાનું માન અને તેના સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાની કટિબદ્ધતા દર્શાવવા અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની સમજ અને આવડત પ્રમાણે લાગણીઓ વ્યક્ત કરી. પરંતુ ગુજરાતી ભાષા માટે પોતાને ગૌરવ છે, આપણી ભાષા શ્રેષ્ઠ છે, આપણી માતૃભાષાને ઊની આંચ પણ નથી આવી અને ક્યારેય આવવાની પણ નથી - આવા મતલબના લખાણો લખીને થયેલી ‘ઉજવણી’ને બાદ કરતાં કશું નહીં. વળી, જૂન મહિનામાં વિશ્વ પર્યાવરણ દિવસ આવશે ત્યારે સરસ મજાના એરકન્ડિશન્ડ રૂમમાં બેસી, મિનરલ વોટર પીતાં પીતાં અનેક લોકો ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રિસિટીનો ભરપૂર ઉપયોગ કરતાં કરતાં પોતાના જેવા અનેક લોકોને પૃથ્વીને બચાવવા માટે અપીલ કરશે. આવા દિવસોએ સોશિયલ મીડિયામાં એમના સંદેશાઓ જોઈએ તો એવું લાગે કે પર્યાવરણ બચાવવા જો કોઈ એક સૈન્ય ઊભું કરે, તો દુનિયાભરમાંથી આવા કરોડો યોદ્ધાઓ જોડાઈ જશે અને જાનફેસાની કરશે! પરંતુ હકીકતમાં જો આવા લોકોને પોતાના જીવનમાં થોડુંઘણું પરિવર્તન કરવા માટે પણ કહેવામાં આવે, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. મોટા ભાગના લોકો પોતાને અગવડ પડે કે પોતે ભોગ આપવો પડે એવું કશું કરીને પરિવર્તન કરવા ઇચ્છતાં નથી હોતાં. અન્ય લોકોના ભોગે કે અન્ય લોકોની મહેનત દ્વારા થતું પરિવર્તન એમને ખૂબ સારું અને સ્વીકાર્ય લાગે છે, પરંતુ એ અંગે પોતે કંઈ કરવું પડે તો એ માત્ર સંદેશા લખવા પૂરતું સીમિત થઈ જાય છે. જોકે ખરી વાત તો એ છે કે આ જ સોશિયલ મીડિયાને કારણે આપણા સમાજમાં ઘણાબધા પરિવર્તન આવ્યા છે. સારાં અને નરસાં એમ બંને પ્રકારના. અહીંયા ચર્ચા, એમાં સારું કે ખરાબ શું એ વિષય પર નથી. પરંતુ જે-તે વિષયને કારણે સોશિયલ મીડિયામાં અભિવ્યક્તિ દ્વારા જે થોડીઘણી જાગૃતિ આવે છે, તેને જીવંત રાખી અને આગળ કેમ વધારવી એ અંગેની છે. ‘સોશિયલ મીડિયાજીવી’ઓને વખોડવાની નથી, પરંતુ યાદ કરાવવાનું છે કે, હકીકતની દુનિયામાં પણ કંઈ કરવું જરૂરી છે. માત્ર સંદેશાઓ લખ્યે દુનિયા નહીં બદલાય. સોશિયલ મીડિયાનું સૌથી મોટું પ્રદાન એ કે એણે ભલભલા લોકોને પોતાની સેલ્ફી લેતાં કરી દીધાં છે! અને સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ્સ પર પોતાના ફોટો, વિડીયો, વિચાર અને પોસ્ટર્સ લોકો પોસ્ટ કરવા લાગ્યા છે. એમાં એક બીજો ઉમેરો પણ છેલ્લાં થોડા વર્ષોમાં થયો છે. તે છે, વિશિષ્ટ દિવસોએ લોકો દ્વારા જે-તે દિવસને લગતા વિષય કે આનુસાંગિક વિચારોને વ્યક્ત કરતા સંદેશાઓ મૂકવા. આ કારણે અનેકવિધ સામાજિક સમસ્યાઓ અને ચર્ચાઓને વાચા મળે છે અને જે લોકો આવા વિષયોથી બરાબર અવગત નથી હોતા અથવા તો જેમને રસ નથી હોતો, તેઓ પણ અન્ય લોકોની શરમે થોડા જાગૃત થઈ અને ધ્યાન આપતાં થઈ જાય છે. પરંતુ, માત્ર બે વાક્યો લખી અને પોસ્ટ કરી દેવાથી કે એની પર 50, 100 કે 200 લાઈક મેળવી લેવાથી કે પછી થોડા જાણીતા લોકોની વાહવાહ ભરી કોમેન્ટસ મળવાથી સમસ્યાઓ હલ નથી થતી. પહેલાંના જમાનામાં લોકો નારાબાજી કરી અને જે-તે સામાજિક સમસ્યા કે વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતાં. હવે આ જ વાત સોશિયલ મીડિયા થકી થાય છે. પરંતુ આવા વિચારોની અભિવ્યક્તિને કારણે શું ખરેખર આપણી સમસ્યાઓનો હલ મળે છે? શું આવી અભિવ્યક્તિઓને કારણે સત્તાધીશો કે આવી સમસ્યાઓનો હલ લાવી શકવા શક્તિમાન સામાન્ય કે અન્ય લોકો પોતાના વિચારો બદલે છે ખરાં? જો જવાબ એક શબ્દમાં અપેક્ષિત હોય, તો એ કદાચ ‘ના’ હશે! કારણ કદાચ એ છે કે આવી રીતે વિચારોની અભિવ્યક્તિ કરવાથી હજારો લોકોને સંતોષનો ઓડકાર આવી જાય છે અને તેઓ એવું માનવા પ્રેરાય છે કે તેમનાથી બનતું તેમણે કરી દીધું છે. હવે આગળ વધારવાનું કામ બીજા કોઈનું. અર્થાત હવે પરિણામ શું આવે કે શું થાય એ વિશે મારે બહુ વિચારવાની જરૂર નથી અને જે-તે વિષય અંગે કશું કરી ચૂક્યાનો એક ભ્રામક સંતોષ પણ, હકીકતમાં કશું બદલ્યા વિના કે કર્યા વિના મળી જાય છે. વળી, અમુક લોકો તો ઉત્સાહી થઈ અને તેમના મનમાં છવાયેલા વિષય અંગે પૂરતો પ્રેમ, સભાનતા કે પછી ગુસ્સો વ્યક્ત ન કરનારા સૌને રીતસર ભાંડીને તેમને ધમકાવવાનું ચાલુ કરે છે. અને પછી સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સમાં લાંબા લાંબા વાદ-વિતંડાવાદ અને ચર્ચાઓ ચાલ્યા કરે છે. સમસ્યાઓના નિરાકરણ લાવવાને બદલે કે એ અંગે જાગૃતિ કેળવવાને બદલે લોકો વચ્ચે વૈમનસ્ય વધારે છે. અને પોતાનાથી વિરુદ્ધ કે અલગ વિચાર ધરાવતાં લોકોને સ્વીકાર્ય ગણવાની બદલે વધુ ને વધુ અસ્વીકાર્ય બનાવે છે. આમ એક રીતે જોવા જઈએ તો, આવી ચર્ચાઓ નવી સમસ્યાઓ અને ખટરાગ પણ ઊભા કરે છે. આપણા શહેર કે આપણી ભાષા, આપણા પર્યાવરણ કે આપણી સંસ્કૃતિને જ આપણે ખરેખર પ્રેમ કરતાં હોઈએ અને એના જતન કે સંવર્ધન માટે આપણે ખરેખર જો કટિબદ્ધ હોઈએ, તો સોશિયલ મીડિયામાં વિચારો વ્યક્ત કરી અને સંતોષ માનવાની બદલે હકીકતમાં આ અંગે શું કરી શકીએ એ વિષય પર વિચારવું વધારે જરૂરી છે. આવું કર્યા સિવાય બધું નકામું. ⬛ shyam@kakkomedia.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.