મનનો મોનોલોગ:વિજાતીયને સંમોહિત અને આકર્ષિત કરવાની જવાબદારી ફક્ત સ્ત્રીઓની જ છે?

ડો. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે એકબીજાને પ્રેમ કરો કે ન કરો એની સાથે આ બ્રહ્માંડને કોઈ જ નિસબત નથી. આ બ્રહ્માંડ, સૃષ્ટિ કે જગતના સર્જનહારને ફક્ત એક જ બાબત સાથે મતલબ છે, તમારા પ્રજનન કે સંતતિનિર્માણ સાથે. કારણ કે આ સૃષ્ટિ બનાવવામાં અને ટકાવી રાખવામાં કારણભૂત હોય એવું સૌથી મહત્ત્વનું પરિબળ વિજાતીય તરફનું આકર્ષણ છે. જો પપ્પાને મમ્મી પ્રત્યે આકર્ષણ ન થયું હોત, તો આજે હું પણ ન હોત અને તમે પણ ન હોત. આ પૃથ્વી પર વસનારા તમામ જીવોનાં અસ્તિત્વ પાછળનું એકમાત્ર વૈજ્ઞાનિક કારણ વિજાતીય લિંગ વચ્ચેનું આકર્ષણ છે. જીવવિજ્ઞાનને ‘પ્રેમ’માં નહીં, પ્રજનનમાં રુચિ છે. પ્રેમ જેવા ફેન્સી શબ્દો કે અનુભૂતિની જટિલ માયાજાળમાં પડવાને બદલે ઉત્ક્રાંતિ આપણી પાસેથી ફક્ત એટલું જ ઈચ્છે છે કે આપણે પ્રજનન કરીએ (પ્રેમ સાથે કે પ્રેમ વગર). અને એટલે જ ટીનેજર્સ જેની અનુભૂતિ સૌથી પહેલાં કરે છે એ આકર્ષણ છે, પ્રેમ નહીં. વિજાતીયને આકર્ષિત કરવાની અથવા તો વિજાતીયથી આકર્ષિત થવાની વૃત્તિ આપણા દરેકમાં રહેલી છે. લેટ્સ એક્સેપ્ટ ઈટ. એ જન્મજાત છે, ઈન-બિલ્ટ છે. એને આપણે બદલી શકીએ તેમ નથી. પ્રશ્ન ફક્ત એટલો જ છે કે આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. જે વ્યક્તિ આપણને ગમે છે, એને આપણી નજીક કઈ રીતે લાવવી, જો ફક્ત એટલી કળા આપણને આવડી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એ સમજવા માટે એક વાર્તા કહું છું. ઈજિપ્તની રાણી બનવા માટે ક્લિયોપેટ્રા ઈચ્છતી હતી કે રોમન સરમુખત્યાર જુલિયસ સીઝર તેના વશમાં આવી જાય. તેનાથી આકર્ષિત થાય. સીઝર જેવો સત્તાધારી, તાકતવર અને વિશ્વના સૌથી મહાન સામ્રાજ્યનો સમ્રાટ જો પોતાના વશમાં આવી જાય, તો તેની સેનાની મદદથી ક્લિયોપેટ્રા ઈજિપ્તની રાણી બની શકે. પણ ક્લિયોપેટ્રાની સૌથી મોટી સમસ્યા એ હતી કે જુલિયસ સીઝર જેવા પ્રભાવી અને શક્તિશાળી વ્યક્તિત્વને પોતાની તરફ કઈ રીતે ખેંચી શકાય? જુલિયસ સીઝર પાસે કઈ વાતની કમી હતી! બધું જ તો હતું એની પાસે. ધન, સંપતિ, મહેલ, સામ્રાજ્ય, દાસ-દાસીઓ અને એ જે ઈચ્છે એ બધું જ. સીઝર જે સુંદર સ્ત્રી પર હાથ મૂકે, એ તેની. જેને ઈચ્છે તેને પામી શકે. એવા વૈભવ-વિલાસી સમ્રાટને ‘સીડ્યુસ’ કરવા અને કાયમને માટે પોતાનો બનાવી દેવા ક્લિયોપેટ્રાએ શું કર્યું હશે? કેન યુ ગેસ? ક્લિયોપેટ્રાએ એક સીધો સાદો સંકલ્પ લીધો. તેણે નક્કી કર્યું કે જુલિયસ સીઝર તેની સાથે જેટલો સમય ગાળશે, એ દરેક ક્ષણમાં ક્લિયોપેટ્રા ખુશ રહેશે. મતલબ કે સીઝર સાથે ગાળેલી એક પણ ક્ષણ એવી નહીં હોય જેમાં ક્લિયોપેટ્રા દુઃખી કે ઉદાસ હોય. ફરિયાદ, ચિંતા કે વિનંતી કરતી હોય. તેઓ જ્યારે પણ મળે ત્યારે તેમની વચ્ચે ફક્ત હાસ્ય, મજાક અને આનંદ જ હોય. ક્લિયોપેટ્રા ઈચ્છતી હતી કે સીઝર જ્યારે પણ તેના વિશે વિચારે, તેને ફક્ત આનંદની ક્ષણો જ યાદ આવે. ગાળેલો સમય યાદ કરીને, સીઝરના ચહેરા પર સ્માઈલ આવે. અને બન્યું પણ એવું જ. ક્લિયોપેટ્રાની હાજરીમાં સીઝર જેટલું હસ્યો હશે, એનાથી વધારે બીજી કોઈ સ્ત્રી તેને હસાવી ન શકી. પરિણામ? જુલિયસ સીઝર અને ક્લિયોપેટ્રાની બહુચર્ચિત લવ-સ્ટોરી, તેમની વચ્ચેનો રોમાન્સ અને સીઝરથી થયેલો ક્લિયોપેટ્રાનો પુત્ર ‘સિઝેરિયન’. સિડક્શનની આ સ્ટ્રેટેજી ક્લિયોપેટ્રા માટે તો સફળ રહી, પણ આપણા માટે શું? તો આપણા માટે લેખિકા સીમા આનંદનું એક અફલાતૂન પુસ્તક ‘ધ આર્ટ ઓફ સિડક્શન.’ તેમની દલીલ અને રજૂઆત એવી છે કે વિજાતીયને આકર્ષિત કરવાની જવાબદારી ફક્ત સ્ત્રીઓની જ શું કામ? શું પુરુષ એ કામ ન કરી શકે? વિજાતીયને પ્રભાવિત, સંમોહિત કે આકર્ષિત કરવાની કળા પુરુષ માટે પણ એટલી જ જરૂરી છે. પુરુષને આકર્ષવા માટે સ્ત્રીનું સુંદર, સેક્સી, બુદ્ધિશાળી કે પ્રતિભાશાળી હોવું જરૂરી છે. તેના લાંબા કાળા વાળ, તેની સુગંધ, તેનો અવાજ, તેનો મેક-અપ, તેની ડ્રેસિંગ સેન્સ, તેની નજાકત, તેની નૃત્ય કે રસોઈકલા, ફેશિયલ, વેક્સિંગ, સ્પા અને આવું તો કેટલુંય જરૂરી છે એક પુરુષને ‘ઈન્ટરેસ્ટેડ’ રાખવા માટે. પણ પુરુષ પાસેથી કોઈ અપેક્ષા જ નહીં રાખવાની? એક સ્ત્રીને આકર્ષવા માટે શું ફક્ત તેનું સફળ, સમૃદ્ધ અને સિદ્ધહસ્ત હોવું જ પર્યાપ્ત ગણાય? મોંઘીદાટ કાર, એશોઆરામની લાઈફસ્ટાઈલ અને અઢળક પૈસા સિવાય સ્ત્રીઓને ‘સીડ્યુસ’ કરવા માટે પુરુષો પાસે શું બીજું કશું જ નથી? આકર્ષણના પાયા પર ટકેલી આ વિશાળ જીવસૃષ્ટિમાં માદાને ખુશ, આકર્ષિત અને પ્રભાવિત કરવાની નરની પણ એટલી જ જવાબદારી છે. આમ તો કામસૂત્ર મુજબ પુરુષ અને સ્ત્રી બંને માટે 64 કળા એવી છે, જે અન્યને આકર્ષિત કરવા માટે જરૂરી છે. એ યાદીમાંની કેટલીક આ મુજબ છે. ગાયન, નૃત્ય, વાદ્ય, ચિત્રકલા, લેખન, ટેટુ કે છૂંદણાં કરવાની કળા, નાટક, સુથારીકામ, દરજીકામ, વિવિધ ભાષાઓની જાણકારી, વક્તૃત્વકળા, રસોઈકળા, રમતગમત ક્ષેત્રે કુશળતા, કવિતા, માટીકામ, અન્યને આદર આપવાની અને કોમ્પ્લિમેન્ટ આપવાની કળા અને આવું તો કેટલુંય. આ બધી કલા ‘જેન્ડર ન્યુટ્રલ’ છે. એટલે કે પુરુષ જો ઈચ્છે તો એક સારી વાનગી બનાવીને પણ સ્ત્રીને આકર્ષિત કરી શકે છે. ટૂંકમાં, સિડક્શન માત્ર આકર્ષક દેહાકૃતિ, દેખાવ, વ્હીસ્પરિંગ વોઈસ કે બોડી-લેંગ્વેજ પૂરતું મર્યાદિત નથી. એ જીવનના તમામ પાસાંને આવરી લે છે. પ્રાણી-સૃષ્ટિનો એક નિયમ છે. નરનાં ટોળાંમાંથી પ્રજનન માટે માદાની પહેલી પસંદગી હંમેશાં આલ્ફા-મેલ હોય છે. એટલે કે એ ટોળાંમાં રહેલ સૌથી સશક્ત, સક્ષમ, તાકતવર કે પ્રતિભાશાળી પુરુષ જે અન્ય કરતા શ્રેષ્ઠ હોય. વિજાતીયમાં રહેલી આ શ્રેષ્ઠતા જ આપણને આકર્ષે છે કારણ કે આકર્ષણના નિયમો, માનવ સભ્યતા અને ઉત્ક્રાંતિ આ ત્રણેય એવું ઈચ્છે છે કે શ્રેષ્ઠ નર અને માદાનું મિલન થાય. પણ એ માટે પુરુષોએ પણ ‘આર્ટ ઓફ સિડક્શન’ શીખવું (વાંચવું) પડશે. તપસ્યા ભંગ કરવાની જવાબદારી ક્યાં સુધી ફક્ત અપ્સરાઓની જ રહેશે? vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...