તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન વિશેષ:આમિર-કિરણની જેમ છુટ્ટા છેડા સરળ છે?

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મળવું જેટલું કઠિન છે, તેટલું છુટ્ટાં પડવું નથી... જો કે, બંને પક્ષે છુટ્ટા જ પડવું છે તેવી દાનત હોય તો !

બોલિવૂડના અભિનેતા આમિર ખાન અને તેના પત્ની કિરણ રાવે લગ્નજીવનનાં 15 વર્ષ પછી બંનેની સહમતિ સાથે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. હવે બંનેના પુત્ર આઝાદના તેઓ કૉ-પેરેન્ટ્સ રહેશે, બંનેએ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે આ સુંદર 15 વર્ષમાં અમે એકબીજા સાથે જીવનભરનો અનુભવ, આનંદ અને ખુશી શેર કરી છે. અને અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા ઈચ્છીએ છીએ. હવે અમે પતિ - પત્ની તરીકે નહીં પરંતુ એકબીજા માટે સહ-માતાપિતા અને પરિવારના રૂપમાં રહીશું. અમે થોડા સમય પહેલા એક પ્લાન્ડ સેપરેશન શરૂ કર્યું હતું અને હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવ કરી રહ્યા છીએ. અલગ અલગ રહેવાં છતાં પોતાના જીવનને એક વિસ્તારિત પરિવારની જેમ શેર કરીશું. અમે અમારા પુત્ર આઝાદ પ્રત્યે સમર્પિત માતા પિતા છીએ જેનો ઉછેર અમે સાથે મળીને કરીશું. અમે ફિલ્મો સહિત ઘણી યોજનાઓ પર પણ કામ કરવાનું ચાલુ રાખીશું. આ વિગત એવું સમજવા પ્રેરે છે કે, મળવું જેટલું કઠિન છે, તેટલું છુટ્ટાં પડવું નથી...જો કે, બંને પક્ષે છુટ્ટા જ પડવું છે તેવી દાનત હોય તો ! આજકાલ તો ભણેલ - ગણેલ મુરતિયાને કે કમાતી - ધમાતી કન્યાને ઝડપથી કોઈ પાત્ર મળી જાય તેવું ભાગ્યે જ બને છે. મા - બાપ માટે જ નહીં, ખુદ જુવાનિયાઓ માટે ચિંતાનો વિષય છે ગાંઠે બંધાવું.. કુટુંબની શાખને લઈને સગાઈ - નાતરાં થતાં એ દિવસો તો જાણે ગયા. ઘરમાં પરણેલ સંતાન હોય એટલે મા - બાપ અને સંતાન પોતપોતાની રીતે ચિંતામાં હોય જ. સારું પાત્ર મળશે કે નહીં તેની ત્રણેયને દ્વિધા ને મળ્યાં પછી ટકશે કે નહીં એની સંતાનને ચિંતાભરી શંકા ! વળી, બે મળેલા જીવ લાંબો સમય ભળેલા રહેશે કે નહીં તે પણ પ્રશ્નાર્થ હોય છે. કાયદેસર જોડાયા પછી કાયદો તમને સાથે રાખવા જબરી જહેમત ઉઠાવે છે. હાલની તકે પતિ દ્વારા પત્નીની હેરાનગતિના કિસ્સામાં બિનજામીનલાયક ગુનો નોંધવામાં આવે છે. એક વાર પતિ જેલભેગો થાય પછી લાગણી કે પ્રેમનું નામું મંડાય જાય છે. બંનેનાં મનમાં કદી ન છૂટી શકે તેવી ગાંઠ બંધાય જાય છે. નાની અમસ્તી વાત વટે ચડી જાય છે અને પછી એકબીજાની ભૂલ સમજાય તો ય સમાધાનને કોઈ અવકાશ રહેતો જ નથી. રાજ્યસભામાં ગૃહ રાજ્યપ્રધાને વિગતો આપેલી કે સરકાર કાયદા મંત્રાલયનો અભિપ્રાય મળેથી આ કાયદામાં સકારાત્મક સુધારો કરવા તત્પર છે . કુટુંબનો પ્રશ્ન કુટુંબમાં ઉકેલી શકાય તેવી બારી કાયદામાં રાખવી જોઈએ. શક્ય છે ત્યાં મધ્યમ માર્ગને અવકાશ મળવો જોઈએ. કાયદાની કેટલીક કલમો તો એવી છે કે જેનો ખરાબ ઉપયોગ થઈ રહ્યો છે. કલમ ‘498 એ’ સામે સરકારને કશો વિરોધ નથી, પરંતુ કાયદાની કલમ 320 (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ગુનાને કમ્પાઉન્ડેબલ એટલે સજ્જડ બનાવે છે તેમાં સરકાર સુધારો ઈચ્છે છે. આવેશમાં આવીને જેમ હાથ ઊપડી જાય છે તેમ જ આવેગમાં અવીને વધુ પડતી ફરિયાદ પણ થઈ જતી હોય છે. કોઈ અમંગળ પળે પતિ-પત્ની વચ્ચે થતો કંકાસ છેક છૂટાછેડા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો વર્ષો વીતી જાય છે અને આ વર્ષોમાં કેટલીય વાર બંને પાત્રોને વત્તેઓછે અંશે પોતપોતાની ભૂલ સમજાય છે. પસ્તાવો થવા છતાં કાયદાની કલમ બંનેને પુનઃ વિચારણાનો અવકાશ ન આપે ત્યારે મનમાં સમસમીને બેસી રહેવા સિવાય કોઈ ઉપાય રહેતો નથી. બે માનવ જિંદગીને આમ રોળાય જતી અટકાવવા માટે કાયદામાં સુધારો આવકારદાયક છે. મોર્ડન યુવક-યુવતી એકબીજાને જીવનભર સહન કરી લેવા કરતાં અલગ થઈ પોતાનો માર્ગ ખુદ પ્રશસ્ત કરવાનું હવે ઝડપથી પસંદ કરતા થયા છે. લડે છે કે ઝઘડે છે ત્યારે પતિ પત્ની બે જ હોય છે, પણ જ્યારે મામલો કોર્ટે ચઢે છે ત્યારે તેમાં અનેક વચેટિયાઓ ભળે છે અને પેલી કહેવત સાચી પડવા લાગે છે : ‘દેડકાનો જીવ જાય અને કાગડાને રમત થાય!’ વર્ષો પછી છૂટાછેડા મળ્યા બાદ પતિ-પત્ની એકબીજાનાં દુશ્મન બની જાય છે, પણ બંનેના વકીલો પાકા દોસ્તાર થઈ જાય છે !.... ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...