રાગ બિન્દાસ:શું 100 ટકા સાદગી?: જાને ભી દો યારોં!

એક મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

ટાઈટલ્સ
સાચું બોલવું કે કડવું કહેવું?(છેલવાણી)

એકવાર વિદેશ પ્રવાસમાં એક મિત્ર સાથે રૂમ શેર કરવાનું થયું. અતિશય સજજન, ધર્મ-પ્રિય, સાદગીમાં માનનારા ભાઇ. મીડિયામાં રહીને પણ ગ્લેમરનો ગુંદર એમને લાગ્યો નહોતો. કોઇ બૂરી આદત નહીં, સાદાં જ કપડાં પહેરે, શાકાહારી મરી-મસાલા વિનાનું સાદું જમે. એમની સાદગીને જોઇને માન અને ઇર્ષ્યાની લાગણી ડબલ-રોલમાં અમારામાં જન્મી. પણ પછી એક દિવસ એમણે અમને કહ્યું કે એક ભવ્ય અને વિશાળ હોટેલમાં તેમને એવોર્ડ મળવાનો છે! ભવ્ય ફંકશનની વાત એમને મૂળ જે એવોર્ડ મળવાનો છે એના કરતાંયે વધુ મહત્વની લાગતી હોય એ રીતે વારેવારે કહ્યા જ કર્યું. પછી તો તેઓ હોંશભેર એ 5 સ્ટારમાં પેલો એવોર્ડ લેવા, લાઇફમાં પહેલીવાર ઉધારનો સૂટ પહેરીને ત્યાં ગયા પણ! અમને સમજાયું નહીં કે જેના જીવનમાં સાદગીનો આટલો મહિમા છે તો પછી ભવ્ય 5-સ્ટાર હોટેલમાં મામૂલી એવોર્ડ મળે છે એનો આટલો મહિમા કેમ? સાદગીની વાત અને વ્યવહારમાં ભવ્યતાનો અચંબો કેમ? અમને ભવ્ય 5-સ્ટાર હોટેલના એવોર્ડ-ફંકશન સામે કોઇ વાંધો નથી પણ પેલા ભાઇના મનનો-જીવનનો વિરોધાભાસ સમજાયો નહીં. પછી એ સાદગીપૂર્ણ ભાઇ ધાર્મિક સ્થળે માથું ટેકવવા ગયા અને એ પણ પાછું ભવ્ય!
ગાંધીજી, સાદું જીવન જીવતાં પણ એમનાં સાદા જીવનને નિભવવા માટે ખૂબ ખર્ચ આવતો. ગાંધીજી આજીવન કરકસરમાં માનતાં પણ એમનાં સ્મારકો પાછળ કરોડો રૂપિયા વપરાય છે! સાદા-સીધાં ગાંધી પરની ફિલ્મ છેક 1981માંયે કરોડોની બનેલી! તો એવામાં થાય કે સાદગી શું ખરેખર મોંઘી ચીજ છે?
ઇન્ટરવલ
બચકે રહેના વો સાદગી સે ભી,
બૈર હો જિસે ઝિંદગી સે ભી!

સાચું કહીએ તો અમે પોતેય અંદરખાને બહુ કોશિશ કરી પણ અમને ચોરી કરતા ના આવડી કે લૂંટ-ધાડ પાડવાની અમારામાં હિમ્મત નથી! મોટે મોટેથી અદાઓ ફેકીને જૂઠું બોલતાં આવડતું નથી એટલે પૉલિટિક્સમાં આગળ આવવાનીયે કોઈ શકયતા નથી…તો પછી જીવનમાં શું કરવું? એ અંગે અમે લોકલ નેતાને પૂછયું તો એણે કહયું: ‘આ દેશમાં કાંઈ જ ના આવડે તો સાદાઈથી જીવન જીવવાનો પ્રયત્ન કરો! તમને બહુ ઇજ્જત મળશે!’
…આઈડિયા ગમ્યો કે સાદગીની આડમાં બધી બૂરાઈ છૂપાઈ જશે!
અહીંયા સાદગી ને ત્યાગનો સોલિડ મહિમા છે. દા.ત.: વડાપ્રદાનપદું છોડનાર સોનિયા ગાંધી! આ દેશમાં જ ડિઝાઈનર કપડાં કે પાઘડીઓ પહેરીને કોઇ નેતા, ગરીબોને આસાનીથી ગેસની સબસિડી છોડવાનું કહી શકે છે! 60 વર્ષ રાજ કર્યા પછી કોંગ્રેસીઓ, ગરીબને ત્યાં રોટી ખાઇને સાદાઈનો ટેસ્ટ માણી શકે છે! ‘અમે તો કાંદા-લસણ પણ નથી ખાતા’ એવું કહેનાર બીજાનાં પૈસાને અડતાંવેંત જ શિયાળવી સાદગીથી ખિસ્સામાં મૂકી દે છે! અગાઉ મહાત્મા-પીર-ફકીરો બધું છોડીને સાદગીથી ગુફા-પર્વતો પર રહેતા પણ આજે કરોડોમાં રમીને જ્ઞાન બાંટતા હોય છે! એ લોકો ‘અમે પોતે તો એક રૂપિયોયે નથી લેતા!’ એવું કહીને, બીજી બાજુ પોતાના ટ્રસ્ટમાં પૈસા ઘરાવી લે છે! આ દેશમાં કરોડોના બંગલામાં રહીને સોક્રેટીસ-અરવિંદ-વિવેકાનંદ વિશે કહી કહીને ‘અપરિગ્રહ’ની વાતો બકવાની ફિલોસોફિકલ છૂટ છે! આવી સુષુપ્ત સાદગીયે આર્ટ છે! દેશના કરોડો રૂ. ખર્ચીને વિદેશયાત્રાઓ કરનારા નેતાઓમાંયે સંગદિલ સાદગી જ છૂપાયેલી છેને? ઇન શોર્ટ, બીજાઓના ખભા પર લદાતી સાદગીમાં ડેડલી ‘ડબલ ગ્લેમર’ છે!
ફિલ્મોમાં હીરોઇનો બિકિની પહેરે છે, ત્યારે ભોળી થઇને કહે: ‘આ તો સ્ક્રિપ્ટની ડિમાન્ડ છે એટલે…’ એ જ રીતે સાદગીના નામે મજા કરી લેવી- એય દંભી જીવનના સ્ક્રિપ્ટની ડિમાન્ડ જ છેને!
આપણે ત્યાં છૂપી પણ જૂઠી સાદગી સર્વત્ર છે- જે નરી આંખે પકડાતી નથી. અગાઉ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો કાપી લીધેલો પણ હવે તો શિક્ષકો-ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીનાં આંગળાં નથી કાપતાં પણ તગડી ફી લઈને મા-બાપનું ખિસ્સું કે જીવનભરનું બેન્ક-બેલેન્સ કાપી લે છે! ડોક્ટરો, સાદો ખોરાક, સાદી લાઈફ-સ્ટાઈલ વિશે પેશન્ટોને સલાહ આપીને પછી થાઈલેન્ડ કે લાસવેગાસ રજા માણવા જતા રહે ને પોતાનું વજન વધારીને પાછા આવે છે!
લેખકો-ચિંતકો-કોલમિસ્ટો, સાદગી ને સરળતાનાં સુવાકયો, ઉદાહરણો લેખો-વાતોમાં વારંવાર ચરક્યા કરે છે પણ એ જ લેખકને તમે ભાષણ આપવા બોલાવો ત્યારે ફાઈવસ્ટાર હોટલ, ગાડી, એર-ટિકિટ વગેરેની બાળહઠ જેવી ડિમાન્ડો કરીને કાગારોળ મચાવી દે છે! સાદગી, કહેવા માટે ને જીવવા માટે અલગ હોય છે! મોટા ભાગના ડાહ્યા-ડાહ્યા વક્તાઓ કે કેટલાક કવિઓ, સ્ટેજ પર કૂર્તા-પાયજામામાં સીધાસાદા દેખાય…ગરીબી, મુફલિસીની રચનાઓ બરકે પણ પ્રોગ્રામ પૂરો થતાં જ પુરસ્કાર ગણતા ગણતા પાર્ટી
કરવાની દિશામાં ‘એકલો જાને રે’ અદામાં ચાલી નીકળે! ઇન શોર્ટ, ‘તમે જેવા છો એવા દેખાઓ’વાળી સાદગી હવે ‘આઉટ ઓફ ફેશન’ છે! ખુદને સાફ-પાક, પવિત્ર ને માયામોહથી અલગ દેખાવાની હરીફાઈ નેતા-અભિનેતાથી લઈને બાવા-બાપુ-મુલ્લા-પાદરીઓ સુધી એવી તે ફેલાઈ છે કે ‘સાદગી’ હવે ‘સાદગી’ નહીં પણ ‘આઈટમ સોંગ’ જેવી બિકાઉ બની ગઈ છે!
… તો સવાલ ઊઠે છે કે આપણે 135 કરોડ લોકો જો આટલાં બધાં સીધાં-સાદાં ને અંકિંચન-નિસ્પૃહ-નિષ્કલંક-નિષ્પાપ લોકો છીએ તો દેશમાં આટલો ભ્રષ્ટાચાર, બેશુમાર, લગાતાર, વારંવાર કરે છે કોણ?
મિત્રોં.. સવાલ છે સાદો, જવાબ જવા દો!
એન્ડ ટાઇટલ્સ
ઇવ: ‘સાદું જીવન-ઉચ્ચ વિચાર’- વિશે શું માને છે?
આદમ: નથી માનતો!

sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...