સ્પોર્ટ્સ:આઇપીએલ 2021 રિવાઇન્ડ

નીરવ પંચાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઇપીએલ પાર્ટ-1માં જે ટીમો અને તેના પ્લેયર્સો ફોર્મમાં જોવા મળ્યા હતા, તેઓ આ વખતે કેવો દેખાવ કરે છે, તે જોવું રહ્યું

આજે ચેન્નાઇ અને મુંબઈની મેચ સાથે આઇપીએલના બીજા અંકની શરૂઆત થશે. જાણવું અગત્યનું છે કે 2019ની સિઝન બાદ પહેલી વાર આઇપીએલનો આનંદ ઉઠાવવા માટે દુબઇ, અબુધાબી અને શારજાહના સ્ટેડિયમમાં લિમિટેડ કેપેસિટીમાં પ્રેક્ષકો આવી શકે છે. ટી-20 વર્લ્ડકપ પણ અમીરાતમાં યોજાવાનો હોવાથી કોવિડ પ્રોટોકોલ સાથે પ્રેક્ષકો લાવીને તેમને પડતી અગવડો અને આગોતરા આયોજન કરવા માટેની પૂર્વતૈયારી થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં. સૌની નજર પહેલી પાંચ મેચ પર રહેશે. આઇપીએલને અધવચ્ચે પડતી મુકાતા પહેલાં પંજાબ અને દિલ્હી વચ્ચે 02 મે, 2021ના રોજ આખરી મેચ રમાઈ હતી. તમામ ટીમના ખેલાડીઓ આખરી આઇપીએલ 5 મહિના અગાઉ રમ્યા હતા. તે દરમિયાન કન્ડિશન, ફોર્મ, ફિટનેસ અને અવેલેબિલીટી જેવા ઘણા પરિબળો નોખાં હતા. જે ફ્રેન્ચાઈઝીનું પ્રદર્શન નબળું રહ્યું છે, તેઓ પોતાનું ફોર્મ ત્વરિતપણે સુધારવા માટે પ્રયત્નો કરશે. જ્યારે જે ટીમ ટેબલમાં ટોપ 3માં છે તે પોતાનું ફોર્મ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. આજે આઇપીએલ પાર્ટ 1ને રિવાઇન્ડ કરીએ અને જાણીએ એવી ઘટનાઓ જેણે મેચનું પરિણામ બદલી નાખ્યું હોય. આજે ચેન્નાઇ અને મુંબઈની મેચ છે, મુંબઈથી શરૂઆત કરીએ. મેચ નંબર 27 - પોલાર્ડનો ધમાકો: 219 રનનું તોતિંગ ટોટલ ચેઝ કરતાં મુંબઈ 81/3. ધીમે ધીમે 15 રનના રિક્વાયર્ડ રન રેટની માંગ સામે પોલાર્ડની હિટિંગ શરૂ થઇ. શાર્દુલ ઠાકુર, લૂંગી એન્ગિડી અને જાડેજાની બોલિંગમાં કુલ 7 સિક્સર મારીને મેચને મુંબઈ તરફી બનાવી. આખરી ઓવરમાં 16 રનની માંગ સાથે પોલાર્ડે ધવલ કુલકર્ણીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તમામ 6 બોલ પોતે જ રમશે. પહેલો બોલ ડોટ, બીજા અને ત્રીજા બોલે બે બાઉન્ડરી, ચોથો બોલ ડોટ, પાંચમા બોલે સિક્સ અને છેલ્લા બોલે 2 રન દોડીને પૂરા કરી પોલાર્ડે મુંબઈને જીત અપાવી. આ ઇનિંગ રમતાં પહેલાં પોલાર્ડે બેટિંગમાં ખાસ યોગદાન આપ્યું નહોતું. મુંબઈ એવું જ ઇચ્છશે કે પોલાર્ડ ફોર્મ જાળવી રાખે. મેચ નંબર 26 : 7 બોલમાં 3 દિગ્ગજોની વિકેટ : હરપ્રીત બ્રાર : કોઈ પણ બોલરનું સપનું હોય કે તેની ડેબ્યૂ વિકેટ કોઈ સુપરસ્ટાર બેટ્સમેનની હોય. હરપ્રીત બ્રારની આઇપીએલ કરિયરમાં સમ ખાવા પૂરતી એક પણ વિકેટ નહોતી, પરંતુ અચાનક જ તેણે 7 બોલના ગાળામાં વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને એબી ડી વિલિયર્સની વિકેટો ઝડપીને મેચને એકતરફી બનાવી દીધી. હરપ્રીત પોતાનું ફોર્મ જાળવી રાખે તો તે અને રવિ બિશ્નોઇ પંજાબને ટોપ 4 પોઝિશનમાં લાવવા સક્ષમ છે. મેચ નંબર 19 - રવિન્દ્ર જાડેજાની પટાબાજી : 2021 આઇપીએલમાં આખરી ડેથ ઓવર્સમાં સૌથી ઈકોનોમિકલ બોલર તરીકે હર્ષલ પટેલે દબદબો જાળવી રાખેલો. મેચની 18મી ઓવરમાં 5 રન આપીને હર્ષલે અંબાતી રાયડુની વિકેટ મેળવેલી એટલે સ્વાભાવિક છે કે કપ્તાન કોહલી 20મી ઓવર હર્ષલને જ આપે. 20મી ઓવર શરૂ કરતાં પહેલાં હર્ષલનો સ્પેલ : 3-0-14-3. 20મી ઓવરમાં સ્ટ્રાઇક પર રવિન્દ્ર જાડેજા. જાડેજાએ ફ્રન્ટ ફૂટ ક્લિયર કરીને હર્શલના સ્લોઅર બોલ, ઓફકટર, યોર્કર, બાઉન્સર જેવા વેરિએશન મિડવિકેટની દિશામાં ફેંકી દીધા. ઓવર પૂરી થઈ ત્યારે હર્ષલનું નામ (જોઈન્ટ) સૌથી વધુ રન (37) આપનાર બોલર તરીકે રેકોર્ડબુકમાં કોતરાઈ ગયું. મેચ નંબર 4 : જો અને તો વચ્ચેની ખાલી જગ્યા : પંજાબે આપેલા 222 રનના લક્ષ્ય સામે સંજુ સેમસને એકલાએ 119 રન કરી વિજયનો પ્યાલો ગળા સુધી લાવી દીધેલો. આખરી ઓવરમાં 13 રન ડીફેન્ડ કરવા પંજાબે અર્શદીપ સિંહને ઉતાર્યો. સ્ટ્રાઇક પર સંજુ સેમસન હતો. પહેલા 3 બોલમાં 2 સિંગલ રન અને સેમસને ચોથા બોલે સિક્સ મારીને 2 બોલમાં 5 રનનું સમીકરણ લાવીને મેચ રાજસ્થાન તરફી કરી. પાંચમા બોલે લોંગ ઓફ પર સ્ટ્રોક માર્યો. અર્શદીપે છેલ્લા બોલે 5 રન ડીફેન્ડ કરતા રાજસ્થાન જીતેલી બાજી હારી ગયું. મેચ બાદ ઘણા તર્ક-વિતર્ક થયા હતા કે સેમસને રન લઈ લીધો હોત તો મોરિસ કદાચ વિનિંગ રન કરી શક્યો હોત. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...