લક્ષ્યવેધ:ગ્રામીણ બેકગ્રાઉન્ડ સાથે ગુજરાતીમાં ત્રણ વખત ઇન્ટરવ્યૂ આપ્યો, બે વખત UPSC ક્લીયર કરીને IPS બન્યા

વિશાલ પાટડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ગુજરાતી ભાષામાં જ આપીને IAS કે IPS ઓફિસર બનનારા બહુ ઓછા ગુજરાતીઓ છે. આવા જ એક IPS ઓફિસર છે, ગુજરાતનાં સરહદી બનાસકાંઠા જિલ્લાના બાલુન્દ્રા ગામમાં ગુજરાતી માધ્યમમાં ભણીને આગળ આવેલા હસમુખ પટેલ. હાલમાં ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા એડિશનલ ડીજીપી હસમુખ પટેલે યુપીએસસીના પોતાના ચારેય પ્રયત્નોમાં ગુજરાતી માધ્યમમાં જ પેપરો લખ્યા. એટલું જ નહીં, ત્રણ પ્રયત્નોમાં તેઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા અને બે વખત સિવિલ સર્વિસ ક્લીયર પણ કરી. પોતાના ત્રીજા પ્રયત્નમાં ઇન્ડિયન એકાઉન્ટ્સ સર્વિસ અને 1993માં ચોથા પ્રયત્નમાં ઇન્ડિયન પોલીસ સર્વિસમાં પસંદગી પામનાર હસમુખ પટેલને ડોક્ટર થવું હતું. જોકે સિવિલ સરવન્ટ બનવું એ તેમની નિયતિ હતી. પોતાની IPS સુધીની સફર અંગે હસમુખ પટેલ કહે છે કે, ‘હું બનાસકાંઠાના બાલુન્દ્રા ગામમાં ધો. 4 સુધી ભણ્યો. ધો. 7 સુધી ઇકબાલગઢમાં અભ્યાસ કર્યો, જ્યાં જવા માટે બનાસ નદી ક્રોસ કરવી પડતી. ચોમાસામાં તો સ્કૂલે જવાતું જ નહીં, જેના લીધે એક વર્ષમાં સૌથી વધુ 140 દિવસ જ હું સ્કૂલે જઇ શક્યો. ધો. 8 થી 12 વિસનગરમાં કર્યા. મારે ડોક્ટર થવું હતું, પરંતુ પાંચ માર્ક માટે મેરિટમાં ન આવતા મેં M.S. યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો અને M.E. સુધીનો અભ્યાસ કર્યો. તે વખતે નર્મદા યોજનામાં આખેઆખી બેચને સરકારી નોકરી મળી જતી. જોકે મારી બેચ વખતે યોજનામાં ભરતી ન થતાં અમે બીજા ઓપ્શન વિચારવા લાગ્યા. ત્યારે જ યુનિ.માં હર્ષવર્ધન ગુજ્જર કરીને મારા મિત્રના મિત્ર દ્વારા મને યુપીએસસી પરીક્ષા વિશે ખબર પડી. ત્યાં સુધી તો મારી એવી જ માન્યતા હતી કે IAS ઓફિસર તો અંગ્રેજી આવડતું હોય અને શહેરી લોકો હોય તે જ બની શકે. મારા જેવા ગ્રામીણ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થી તો તેનું વિચારી જ ન શકે. જોકે તેમણે મને કહ્યું કે ગુજરાતીમાં પણ યુપીએસસી આપી શકાય. તેમના વિશ્વાસ અને ગાઇડન્સને પગલે મેં વડોદરામાં ચાલતા ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ સર્વિસ ટ્રેનિંગ સેન્ટરમાં પ્રવેશ લીધો. ત્યાં પ્રો. ગણેશ દેવીના ગાઇડન્સ હેઠળ આગળ વધ્યો. બસ, પ્રથમ પ્રયત્નમાં જ પ્રીલીમ્સ ક્લીયર કરી. 10 માર્ક માટે હું ઇન્ટરવ્યૂમાં રહી ગયો. ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય વિષય સાથે ગુજરાતીમાં પેપર લખીને મેં પછીના ત્રણેય પ્રયત્નોમાં ઇન્ટરવ્યૂ આપ્યા અને એ પણ ગુજરાતી માધ્યમમાં. છેલ્લા પ્રયત્ને 92મા રેન્ક સાથે હું IPS ઓફિસર બન્યો. જે-તે કેન્દ્ર સરકારનો હું ઋણી છું કે ગુજરાતી ભાષાને પણ યુપીએસસીમાં દાખલ કરવામા આવી.

અન્ય સમાચારો પણ છે...